Opinion Magazine
Number of visits: 9450118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અગન, આસ્થા, આવકાર અને …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|8 March 2016

અગન : 

‘આ ગૃહ કોઈપણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં’ – આવા  કેન્દ્રવર્તી વિધાનવાળો ઠરાવ ઑક્સફર્ડ યુનિવર્સિટીના યુનિયને નવમી ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ પસાર કર્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સંઘની આ પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી માગણી હતી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી તેની સામે યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી હતી. ત્યાર બાદ માન્ચેસ્ટર અને ગ્લાસગો યુનિવર્સિટીઓએ પણ આ મતલબના ઠરાવ પસાર કર્યા હતા. અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો ચર્ચિલ સમાજના અનેક વર્ગોએ વ્યાપક વિરોધ કર્યો હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના બનાવોના સંદર્ભમાં વિશ્વવિદ્યાલયની સ્વાયત્તતાનો આ કિસ્સો મહત્ત્વનો છે. પાયાની માહિતી ‘ટાઇમ્સ ઑફ  ઇન્ડિયા’(૨૧/૨)માં સ્વપન દાસગુપ્તાના લેખમાંથી મળે છે, જો કે તેમનું મંતવ્ય જુદું છે. ‘ઍન્ટિ-નૅશનલ’ એટલે કે રાષ્ટ્રવિરોધી લાગણી ‘વધી રહી છે’ ત્યારે ટાગોરની ‘ઘરે-બાહિરે’ નવલકથા (અને તેની પરથી સત્યજીત રેએ બનાવેલી ફિલ્મને), ઘણાંની જેમ ત્રિશા ગુપ્તા ‘અમદાવાદ મિરર’(૨૧/૨)માં તંત્રીલેખનાં પાનાં પરના લેખમાં  રાષ્ટ્રવાદ અંગેના કવિના અવતરણ સાથે યાદ કરી છે. તેના પહેલાના દિવસે ‘સિક્યુલર પ્રોસ્ટિટ્યૂટ’ બરખા દત્તે પણ જે.એન.યુ.ના સંદર્ભમાં વડા પ્રધાનને લખેલો અને ઇન્ટરનેટ પર વાંચવા મળતો પત્ર ગુરુદેવના પૅટ્રિઑટિઝમ પરનાં અવતરણથી પૂરો કર્યો છે .

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સત્તર જાન્યુઆરીએ આપઘાત કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલાનો અંતિમ પત્ર બહુ જાણીતો થયો છે. પણ તેના બરાબર મહિના પહેલાં તેણે વાઇસ-ચાન્સલરને લખેલો પત્ર દલિત વિદ્યાર્થીની વેદના બિલકુલ સોંસરી રીતે વ્યક્ત કરે છે. જિજ્ઞેશ મેવાણીએ ‘દલિત અધિકાર’(૧/૨)માં લખેલા ‘હવે તો એકલવ્યનો અંગુઠો નહીં, ગળું કપાય છે’  લેખમાં તે પત્ર ટાંક્યો છે. રોહિતે વાઇસ-ચાન્સલરને લખ્યું હતું : ‘… દલિત વિદ્યાર્થીઓને પ્રવેશની સાથે દસ મિલિગ્રામ સોડિયમ અઝાઈટ (ઝેર) પણ આપો, અને તેમને જણાવો કે તમને જ્યારે આંબેડકરને વાંચવાનું મન થાય ત્યારે આનો ઉપયોગ કરવો. દરેક દલિત વિદ્યાર્થીના રૂમમાં એક સરસ દોરડું પણ પહોંચાડો …’ 

‘અમદાવાદ મિરર’( ૧૨/૨)માં યુનિસ ડિસોઝાએ નિરુપમા દત્તના ‘બૅલડ ઑફ બન્ત સિંગ : અ કિસ્સા ઑફ કરેજ’ (સ્પીકીંગ ટાઇગર પ્રકાશન, રૂ. ૨૦૦) પુસ્તક વિશે લખ્યું છે. પંજાબના ઝબર ગામના જનવાદી દલિત કવિ – ગીતકાર બંત સિંગના ‘ગાતાં ધડ’ (‘સિન્ગિન્ગ ટોર્સો’) તરીકે ઓળખાય છે. બંત સિંગની દીકરી પર જાટ યુવાનોએ બે હજારની સાલમાં બળાત્કાર કર્યો. પિતાએ ચાર વર્ષ લડીને તેમને જનમટીપની સજા કરાવી. તેના પરિણામે ગુનેગારોના સાગરીતોએ  જાન્યુઆરી ૨૦૦૬માં બન્ત સિંગ પર હુમલો કરીને તેમના હાથપગ કાપી નાખ્યા. ખેડૂતોના પ્રશ્ને કામ કરતા  બંત સિંગ પર દસ્તાવેજી ફિલ્મ પણ બની છે.

‘બિબ્લિઓ’ (જાન્યુઆરી ૨૧૬)માં સંજીવની બાડીગર લોખંડેએ લખેલા પુસ્તક ‘કમ્યુનલ વાયોલન્સ, ફોર્સડ્ માઇગ્રેશન ઍન્ડ સ્ટેટ : ગુજરાત સિન્સ ૨૦૦૨’ (કેમ્બ્રિજ, રૂ. ૪૯૫) વિશે વાંચવા મળ્યું. આ પુસ્તકમાં, કોમી રમખાણોનો ભોગ બનેલા લોકો પ્રત્યેના ગુજરાત સરકારની નિષ્ઠુરતા વિશેનો અભ્યાસ છે. દામિની શાહનું ઘેટ્ટોઆએઝેશન પરનું પુસ્તક અહીં સ્વાભાવિક રીતે સાંભરે છે.

આસ્થા :

હિમાંશી શેલતનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ ગયા મહિનાના પહેલા અઠવાડિયામાં સૂરતના પુસ્તકમેળામાં પ્રસિદ્ધ થયું છે. ગુજરાતી સાહિત્ય માટે – અને વંચિતો તેમ જ સ્ત્રીઓનાં સ્વકથનો જૂજ લખાતાં હોય તેવા સમાજ માટે પણ – આ મહત્ત્વની ઘટના છે. જાડું વિધાન લાગવાને ભોગે પણ કહેવું જોઈએ કે આત્મકથનના સ્વરૂપની સભાનતા સાથે લખાયેલું પૂરા કદનું પહેલું નારી આત્મકથન છે. ‘મ્હારી જીવનસ્મૃિત તથા નોંધપોથી’ (કનુબહેન દવે) ‘જીવન સંભારણાં’ (શારદાબહેન મહેતા) ‘હું બંડખોર કેમ બની’ (લક્ષ્મીબહેન ડોસાણી), ‘સ્મૃિતસાગરને તીરે’ (ગંગાબહેન પટેલ), ‘મૂળ સોતાં ઉખડેલાં’ (કમળાબહેન પટેલ) ‘સળગતી હવાઓ’ કાવ્યસંગ્રહના આરંભે સોળ પાનાંમાં  મૂકાયેલ ‘અગનપંખી’ જેવાં મહિલા સ્વકથનો ગુજરાતીમાં છે. તેમની સાથેના વત્તા-ઓછા પરિચય પછી હિમાંશીબહેનનું આત્મવૃત્તાંત વાંચતાં તેની ભિન્નતા તેમ જ  મહત્તા વધારે સમજાય છે. હિમાંશીબહેને તેમનાં જન્મથી (‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની  નિખાલસતાથી  સુરેખ રીતે આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. પોતાના થકી થયેલાં સમાજકાર્યની વાત નમ્રતા અને પ્રમાણભાન સાથે મૂકી છે. નારીસંવેદન (ખાસ તો  પાનાં ૩૭થી ૪૬) પણ પુસ્તકમાં અસરકારક રીતે અભિવ્યક્ત થયું છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે. હિમાંશીબહેનનું ગદ્ય વાંચવું એ પોતાની રીતે એક અદ્ભુત આનંદ હોય છે તેની મોટા પટે પુનઃપ્રતીતિ થાય છે (પ્રકાશક : અરુણોદય, પાનાં ૧૯૨, રૂ. ૧૮૫/-). ઠીક ઠીક વાંચતો-વિચારતો  વિદ્યાર્થી પાર્થ ત્રિવેદી આ પુસ્તક લગભગ એક બેઠકે વાંચી ગયો, એટલું જ નહીં એણે એની પર લેખ પણ લખી દીધો છે!

‘મુક્તિ-વૃત્તાંત’ પુસ્તક ‘ગ્રંથવિહાર’ (મારા જેવા માટે હજુ ય ‘ગ્રંથાગાર’) પુસ્તકભંડારમાંથી મળ્યું. ત્રીજા દિવસે હંસાબહેન સાથે તેના વિશે વાત થઈ. એટલે એ કહે, ‘તે દિવસે તમે પુસ્તક લઈને ગયા પછી દુકાનમાં કોઈ આવ્યું નહીં તે સારું થયું. મને પણ એ શાંતિથી વાંચવા મળ્યુ!’ આવાં વાચનપ્રેમી ગ્રંથવિક્રેતા કેટલા? એમની પાસેથી એ દિવસે દસ મિનિટમાં ચાર મહત્ત્વનાં ઉત્તમ પુસ્તકો મળ્યાં. બીજું પુસ્તક ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ’રચનાવલી’ (પ્રકાશક : પાર્શ્વ, કિંમત રૂ.૬૭૫/-). જુદાં ઘાટ અને બાંધણી ધરાવતા આ ગ્રંથમાં લેખકે જુદી જુદી ભારતીય અને અન્ય ભાષાઓનાં સાહિત્યનાં બસો અઢાર પુસ્તકોનો સરેરાશ આઠસો શબ્દોમાં, સમજાય તેવી ભાષામાં પરિચય આપ્યો છે. લાંબા સમયથી આ પુસ્તકની શોધમાં હતો. ચૌદ વર્ષ પહેલાં બહાર પડેલું આ પુસ્તક અત્યાર સુધી એચ કે. આર્ટસ કૉલેજના અમારા સમૃદ્ધ ગ્રંથાલયમાંથી મેળવતો. હવે નવી આવૃત્તિની બમણા કરતાં વધુ કિંમતવાળી નકલ મળી. મારા માટે મગાવી રાખેલું ‘રિપબ્લિક ઑફ રિઝન : વર્ડસ્ દે કુડ નૉટ કિલ્’ ( સહમત, દિલ્હી, રૂ. ૧૨૦) પણ વસાવ્યું. એકસો વીસ પાનાંના આ પુસ્તકમાં રૅશનાલિસ્ટ હુતાત્માઓ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના ચૂંટેલાં લખાણો છે. વળી દર્શકે ઝવેરચંદ મેઘાણી પર આપેલાં ભાષણોના ’ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ નામના પુસ્તકની મૂળશંકર ભટ્ટ પરિવાર વતી ભેટ તરીકે બહાર પાડવામાં આવેલી (’કિંમત : વાંચે એનો રાજીપો’) ત્રણ નકલો મળી જે વાચન રસિકોને  આપી. વધુ વીસેક નકલો વાર્તાકાર રમેશ ર. દવે ’ગ્રંથવિહાર’ પર મૂકી ગયા હતા. પરિવારજનોનો, રમેશભાઈનો આભાર!

કવિ, વાર્તાકાર અને સાહિત્ય-કાર્યકર્તા  રાજેન્દ્ર, અને દક્ષા પટેલ માટે પુસ્તકપ્રસાર જીવનનો કેવો હિસ્સો બન્યો છે તે તાજેતરમાં જાણવા મળ્યું. એકત્રીસ જાન્યુઆરીએ તેમની મોટી દીકરીના લગ્નમાં તેમણે શુભસ્થળે પણ પુસ્તક પરબ ગોઠવી હતી! તેમાંથી સાતસો આમંત્રિતોએ બસો પુસ્તકો વસાવ્યાં. એટલું જ નહીં, જાણે કે આમંત્રિતો ચાંલ્લા તરીકે આપવાની રકમ ખુદના વાચન માટે ઉપયોગમાં લેવા પ્રેરાય તે હેતુથી ગુજરાતી સામયિકોનાં લવાજમ સ્વીકારવાની સગવડ પણ રાખવામાં આવી હતી. તેમાં તેર હજાર રૂપિયા જેટલી રકમના લવાજમ ભરાયાં !       

આવકાર :

હૃદયકોષે અનિલભાઈ (ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આંબલા, જિ. ભાવનગર, રૂ. ૧૨૫)ઃ આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થાના શિલ્પી અને નયી તાલીમના એક અગ્રણી કેળવણીકાર અનિલ ભટ્ટ પરના ગૌરવ ગ્રંથનું સંપાદન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ચિંતક-પ્રકાશક રમેશ સંઘવીએ કરેલું છે. અનેક તસવીરો ધરાવતાં આ પુસ્તકના ત્રણ વિભાગના બાવન લેખોમાં વડીલો અને સાથીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમ જ મિત્રો અને શુભેચ્છકોની નજરે અનિલભાઈના જીવનકાર્યનું કીર્તન કરવામાં આવ્યું છે. લોકભારતીના વિદ્યાર્થીઓ તેમ જ અધ્યાપકોએ બુનિયાદી કેળવણી વિશેનાં પુસ્તકો  ઉપરાંત નાનાભાઈ ભટ્ટ, દર્શક, લાલજીભાઈ નાકરાણી જેવા માર્ગદર્શકો તરફ ‘કોડિયું’ના વિશેષાંક કે ગ્રંથ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરામાં અનિભાઈ પરનું પુસ્તક મહત્ત્વનું ઉમેરણ છે.

કચ્છનું ગુજરાતી સાહિત્ય (ઇન્સ્ટિટ્યૂટ ઑફ યૂથ ડેવલપમેન્ટ, ભૂજ, રૂ. ૧૦૦) : કચ્છના લેખકોએ સાહિત્યના પ્રમુખ સ્વરૂપોમાં કરેલાં ખેડાણ પરના અભ્યાસલેખોના આ સંચયનું સંપાદન બહુશ્રુત વિદ્વાન અને શિક્ષણમરમી હરેશ ધોળકિયાએ કરેલું છે. નારી સર્જકો, કચ્છ બહાર વસતા કચ્છી સર્જકો અને સાહિત્યિક સંસ્થાઓ, કચ્છી ભાષાનું સાહિત્ય અને કચ્છના સિંધી સાહિત્ય  પરનાં અલગ લેખો તેમ જ ચૂટેલી છબિઓ સંપાદકની સૂઝ બતાવે છે. હરેશભાઈ પાસેથી થોડા સમય પહેલાં ‘કેળવણીનાં વૈકલ્પિક માધ્યમ’ (ક્ષિતિ પબ્લિકેશન્સ, અમદાવાદ) પુસ્તક મળ્યું છે. તેમાં તેમણે બાર નોંધપાત્ર ફિલ્મો અને સોળ પુસ્તકોનું ટૂંકા મધ્યમ કદના લેખો દ્વારા રસદર્શન કરાવ્યું છે. લેખકના વિચારોનું ખુલ્લાપણું અને રુચિસંપન્નતા બંને નોંધપાત્ર છે.     

અવતરણ (પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા, રૂ. ૮૦) : રમણ સોની ગયાં ચોવીસ વર્ષથી ‘પ્રત્યક્ષ’ નામના, એકંદરે પુસ્તકોને વરેલા ત્રૈમાસિકનું સંપાદન-પ્રકાશન ભેખવૃત્તિથી કરે છે. તેમના સામયિકના દરેક અંકના છેલ્લા પૂંઠા પર ૧૯૯૧થી મૂકવામાં આવેલાં છન્નુ વિચારખંડોનું સંકલન છે. પુસ્તકનિર્માણની સાદગીભરી દૃષ્ટિથી થયેલા આ પુસ્તકના દરેક પાને એક અવતરણ કુનેહથી મૂકવામાં આવ્યું છે. લેખક-અનુવાદક તેમ જ ગ્રંથ અને સામયિક એમ બે સૂચિઓ પણ મળે છે. રમણભાઈએ આ પહેલાં કિશોર વ્યાસ સાથે ‘પ્રત્યક્ષ’ના અવકાશપૂરકોનો સંચય ‘બુંદબુંદની સૂરત નિરાળી’ (પાર્શ્વ, ૨૦૦૯, રૂ ૧૨૫) નામે બહાર પાડ્યો છે. તેનું પેટાશીર્ષક છે ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્ય સામયિક પરંપરાના વિચાર સંચલનો’. 

ચાર્લ્સ ડાર્વિન અને ઉત્ક્રાન્તિનો સિદ્ધાન્ત (કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ, અમદાવાદ) :  અમદાવાદની નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી કામ કરતાં વિદ્યાર્થી કાર્યકરો અને કર્મશીલોમાંથી નીતિન પ્રજાપતિ, દિલીપ સતાશિયા અને મીનાક્ષી જોષીએ તૈયાર કરેલું આ અત્યંત અભ્યાસપૂર્ણ, ઉપયોગી અને વાચનીય પુસ્તક દરેકે અચૂક વાંચવા જેવું છે. અંધશ્રદ્ધાયુક્ત ધાર્મિકતાની પકડ વધી રહી છે ત્યારે માનવજાતની દૈવદત્ત નહીં પણ નિસર્ગદત્ત ઉત્પત્તિને લગતી પાયાની વૈજ્ઞાનિક સમજ કેળવવા માટે પણ આ સચિત્ર પુસ્તક અત્યંત જરૂરી છે. આ મંચે શહીદ ભગતસિંહ, વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેમ જ ભારતના ઇતિહાસ પર તૈયાર કરેલાં પુસ્તકો પણ વાંચવા-વસાવવાં જેવાં છે. ડાર્વિન પરનું પુસ્તક, ઘણું જોતાં-વાંચતાં  એવા એક પ્રજ્ઞાચક્ષૂ વિદ્યાર્થી અઝીઝે  ભેટ આપ્યું છે.

અને આ પણ …

‘લીગલ ઈગલ્સ’ (રૅન્ડમ હાઉસ, રૂ.૩૯૯)નામનું પુસ્તક એક વાચનરસિયા વિદ્યાર્થી જીગરે ઇન્ટરનેટ પરથી મગાવીને બે પ્રકરણો વાંચીને તેના મિત્રને ભેટ આપ્યું . ‘સ્ટોરીઝ ઑફ ધ ટૉપ સેવન ઇન્ડિયન લૉયર્સ’ એવું પેટા મથાળું ધરાવતું આ પુસ્તક  પત્રકાર ઇન્દુ ભાણે લખેલું છે. તેમાં પદ્ધતિસર લખાયેલા વાચનીય ચરિત્રલેખોના નાયકો  છે : રોહિન્ટન નરિમાન, હરીશ સાલ્વે, મુકુલ રોહતગી, અભિષેક મનુ સિંઘવી, સી.એ. સુંદરમ, અરવિંદ દાતાર અને પ્રશાન્ત ભૂષણ. આમાં છેલ્લા તો વળી ‘ઍન્ટિ નૅશનલ’ છે! લૉ પરનું બીજું એક નવું પુસ્તક ‘લીગલ કૉન્ફિડેન્શિયલ ઍડવેન્ચર્સ ઑફ ઍન ઇન્ડિયન લૉયર’ (પેન્ગ્વિન, રૂ. ૪૯૯) કૉર્પોરેટ વકીલ રંજીવ દુબેએ લખેલું છે. લેખકના અનુભવો પર આધારિત, હાસ્યના છંટકાવ સાથેની સરળ શૈલીમાં લખાયેલું પુસ્તક અદના નાગરિકના સંદર્ભમાં ભારતની ન્યાયપ્રક્રિયાની વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરે છે.

‘કૅરવૅન’ માસિકના ગયા મહિને સિનેમા વિશેષાંગમાં ત્રિશા ગુપ્તાએ ‘કવર ટુ કવર’ નામનો લેખ છે. તેમાં  હિંદી ફિલ્મોમાં પાત્રોને શું વાંચતા બતાવવામાં આવે છે અને તેમનો કિતાબી દુનિયા સાથેનો શો સંબંધ છે તેની રસપ્રદ વાત છે. જો કે તે લેખમાં એક બાબત રહી ગઈ છે. મુગલે આઝમ ફિલ્મમાં અકબરને સલીમનો પત્ર વાંચતો બતાવ્યો છે. ફિલ્મમાં આ ભૂલ હતી કારણ કે અકબર ડિસલેક્સિયાની ખામીને કારણે વાંચી શકતો ન હતો. આ ભૂલ અમદાવાદના પત્રકાર સઈદખાન પઠાને શોધીને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લખી હતી, જેને પહેલા પાને ચમકાવવામાં આવી હતી. આ સમાચાર તેમણે ડિસલેક્સિક બાળકો વિશેની ફિલ્મ ‘તારે જમીં પર’ આવી ત્યારે લખ્યા હતા અને એ સ્ટોરીનું મથાળું હતું : અકબર ધ ગ્રેટ વોઝ એ તાર જમીન પર. 

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2016; પૃ. 09-10

Loading

8 March 2016 admin
← સરકાર ચલાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી, નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની છે
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કાળ : સાંસ્કૃિતક હુમલા અને આર્થિક બદહાલી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved