
રમેશ ઓઝા
લંડનથી પ્રકાશિત થતા ‘ગાર્ડિયન’ નામના અખબારમાં એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત થયો છે. ચોંકાવનારો એટલા માટે કે એ જગતના અત્યંત સભ્ય દેશોમાં ગણના ધરાવતા બ્રિટન અંગેનો છે અને વિષય ન્યાય આધારિત સભ્ય સમાજની રચના છે. પ્રારંભમાં જ જણાવી દઉ કે સભ્ય દેશ એ કહેવાય જ્યાં લોકતંત્ર હોય, કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય, દરેક પ્રકારના નાગરિક અધિકારો સુરક્ષિત હોય, પ્રજા વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવામાં ન આવતા હોય, શાસકો પ્રજાને જવાબદાર હોય, માણસાઈની કેટલીક મર્યાદા જળવાતી હોય, માણસાઈના કેટલાક માપદંડો અફર હોય અને માનવીય ગરિમા રાષ્ટ્રજીવનના કેન્દ્રમાં હોય. સભ્ય સમાજના આ કેટલાક માપદંડો છેલ્લી એક-બે સદીમાં વિકસ્યા છે અને જે દેશ જેટલા પ્રમાણમાં તેને અપનાવે એ પ્રમાણે તેને સભ્યતાના ગજથી માપવામાં આવે છે. બ્રિટન આ બાબતે ઉચ્ચાંક ધરાવતા દેશોમાંનો એક છે.
હવે ‘ગાર્ડિયન’નો અહેવાલ શું કહે છે એ જોઈએ. ‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ એક અભ્યાસ હાથ ધર્યો કે સભ્ય સમાજની દિશામાં લઈ જતી બ્રિટનની યાત્રા કઈ રીતની છે. સંપૂર્ણ આદર્શ સમાજ (જેને આપણે રામરાજ્ય કહીએ છીએ) તો હોતો નથી અને હોવાનો નથી, પણ એ દિશામાં ઉત્તરોત્તર આગળ વધી શકાય છે અને એ રીતે માણસાઈને સમૃદ્ધ કરી શકાય છે. અનુભવે જે જે ક્ષતિઓ નજરે પડે એ દૂર કરતા જવું જોઈએ. સમયે સમયે સુધારા થતા રહેવા જોઈએ. પણ એ સુધારા શેને આધારે થાય? જવાબ દેખીતો છે; જે તે બાબતે કરવામાં આવતા અભ્યાસો, અહેવાલો, ભલામણો વગેરેના આધારે. એ ભલામણો ક્યારેક નાગરિક સમાજ કરતો હોય છે, ક્યારેક જે તે વિષયના નિષ્ણાતો કરતા હોય છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતી હોય છે, સરકારી સંસ્થાઓ કરતી હોય છે, સરકાર દ્વારા નિયુક્ત અભ્યાસ કે તપાસપંચો કરતા હોય છે અને પ્રસંગ આવ્યે અદાલત કરતી હોય છે. આપણે ત્યાં પણ આ બધું થાય છે જેની સુજ્ઞ વાચકને જાણ હશે. આ રીતે ક્રમશઃ માનવીય સમાજ આકાર પામતો હોય છે.
‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ ૧૯૮૧થી અત્યાર સુધી આ દિશામાં કરવામાં આવેલા અભ્યાસો અને ભલામણોની એક યાદી બનાવીને તપાસ કરી કે આના અમલની સ્થિતિ શી છે? યાદ રહે આમાં માત્ર એ જ અહેવાલો અને ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો સરકારે સ્વીકાર કર્યો હતો અને અમલ કરવાનું વચન આપ્યું હતું. એમાં એવા અહેવાલો / ભલામણોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે જે સરકારે પોતે પંચ રચીને મંગાવ્યા હતા. ‘ગાર્ડિયન’નો અહેવાલ કહે છે કે સરકાર દ્વારા સ્વીકારેલી ભલામણોમાંથી માત્ર ત્રીજા ભાગની ભલામણોનો સંપૂર્ણ અમલ થયો છે અને બીજી ત્રીજા ભાગની ભલામણોનો બિલકુલ અમલ કરવામાં નથી આવ્યો. બાકી રહેલી ત્રીજા ભાગની ભલામણોનો અડધોપડધો અમલ કરવામાં આવ્યો છે. રંગભેદ દૂર કરવા અંગેના એક અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોમાંથી માત્ર પાંચ ટકા ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ઉદાસીનતા રંગભેદની બાબતે જોવા મળે છે. અને આ બ્રિટનની વાત છે જે સભ્ય દેશોમાં અગ્રેસર છે.
આ એ સમયની વાત છે જ્યારે જગતમાં જમણેરી જુવાળ હજુ શરૂ નહોતો થયો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં આપણે સર્વશ્રેષ્ઠવાળી સર્વોપરિતાનું ગાંડપણ નહોતું શરૂ થયું. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ઓળખ આધારિત ઝનૂની બહુમતી રાષ્ટ્રવાદનો યુગ નહોતો બેઠો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ટ્રમ્પકુળના શાસકો બહુ ઓછા હતા. પણ તો પછી બ્રિટનમાં આવું કેમ? અને જો બ્રિટનમાં સ્થિતિ આવી હોય તો ભારત જવા દેશોનું તો પૂછવું જ શું! ભારતમાં તો બે-ચાર અપવાદોને છોડીને મીડિયા પણ ‘ગાર્ડિયન’ની કક્ષાનું પત્રકારત્વ કરતા નથી.
દેખીતું કારણ છે ઢોંગ. અત્યારની ઊઘાડી નાગાઈ અને ભૂતકાળના ઢોંગ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અત્યારે નાગા થઈને કોઈકની પાસેથી કશુંક છીનવી લેવામાં આવે છે અથવા વંચિત રાખવામાં આવે છે તો ત્યારે વાયદા કરવામાં આવતા હતા, આશ્વાસન આપવામાં આવતાં હતાં, સામેવાળાની વાત એ કહે એના કરતાં પણ અસરકારક રીતે કહેવામાં આવતી હતી અને એવો દેખાવ કરવામાં આવતો હતો કે જો આને અપનાવવામાં ન આવે તો આપણે સભ્ય કહેવડાવવાને લાયક નથી. પણ અમલ કરવામાં નહોતો આવતો અને જો અમલ કરવામાં આવતો હતો તો અરધોપરધો કરવામાં આવતો હતો.
પણ શા માટે? પહેલું કારણ છે લોકશાહી. લોકશાહી વ્યવસ્થાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રજાના સાથની જરૂર પડે છે. પ્રજા મત આપે ત્યારે સત્તા મળે છે અને એટલે પ્રજાને રાજી રાખવી પડે છે. પ્રજાના મત મેળવવા માટે વચનો આપવામાં આવે છે અને આપેલાં વચન પ્રત્યે ગંભીર હોવાનો દેખાવ કરવામાં આવે છે.
બીજું કારણ છે માનવ સ્વભાવ. જે ઉપર છે તેને નીચે ઉતરવું નથી, હાથમાં છે એ છોડવું નથી, બીજાને પોતાની પંક્તિમાં બેસવા દેવો નથી, ફાયદો કરાવી આપનારી પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલવા દેવી નથી, વગેરે. એ તો દેખીતી વાત છે કે સહિતો રહિતો કરતાં વધારે તાકાતવાન હોવાના. તેઓ પરિવર્તનને રોકીને જૈસે થે સ્થિતિ જાળવી રાખવા માટે લોબિંગ કરશે. રાજકીય પક્ષોને અને તેના નેતાઓને ચૂંટણી લડવા પૈસા આપશે, ન્યાયતંત્રને પ્રભાવિત કરવા જજોને, મીડિયાને પ્રભાવિત કરવા પત્રકારોને, વહીવટીતંત્રને પ્રભાવિત કરવા અમલદારોને એક કે બીજી રીતે ફાયદો કરાવી આપશે કે જેથી તેઓ પરિવર્તનને અવરોધે. સામ્યવાદના પતન પછી શરૂ થયેલા મૂડીવાદના વર્તમાન યુગમાં સ્થાપિત હિતોનો પ્રભાવ વધ્યો છે. વધ્યો નહીં, અનેક ગણો વધ્યો છે.
ત્રીજું કારણ એ છે કે શાસકો, અમલદારો, જજો કે પત્રકારો દરેક અંતે તો જે તે સમાજના સભ્ય છે. તેઓ તેમને ગળથૂથીમાં મળેલા સંસ્કારો છોડી શકતા નથી. ગળથૂથીમાં મળેલાં સંસ્કારોથી ઉપર ઊઠીને માનવીય સંસ્કાર અપનાવવા એ અઘરું છે. અનેક લોકો એમ કહે છે કે ગાંધીજી પણ આ કરી શક્યા નહોતા. ચોથું કારણ છે હમ ભી ડીચ વાળો સિનારિયો. ઔદીચ બ્રાહ્મણોની નાતના જમણવારમાં દરેક જણ વાડીના દરવાજે પોતાની ઔદીચ ઓળખ આપીને અંદર જમવા જતો હતો. એક માણસ દૂરથી આ જોતો હતો અને તેને કાને ડીચ ડીચ અવાજ આવતો હતો, થોડી વાર પછી તેણે પણ સાહસ કરીને હમ ભી ડીચ કહીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિ વિશ્વસમાજની પણ છે. સભ્યતામાં અમે કોઇથી પાછળ નથીએ બતાવવા સારુ હમ ભી ડીચની માફક સભ્યતાના માપદંડો અપનાવવા માંડ્યા, પણ કહેવા પૂરતા. પ્રજાને માનસિક રીતે તૈયાર કર્યા વિના, નાગરિકને નાગરિકતાનો ધર્મ સમજાવ્યા વિના, જરૂરી વ્યવસ્થાકીય સુધારાઓ કર્યા વિના સભ્યતાનો દેખાડો શરૂ થયો. અને પછી તો હિંમત વધતી ગઈ. કરો દાવા અને કરો દેખાડા.
પાંચમું કારણ છે દરેક પ્રજાસમૂહના પંચકતારિયા. આ પણ માનવીય સ્વભાવ છે. હાંસિયામાં રહેલા સમાજમાંથી જો કોઈ માણસ આગળ આવે તો પહેલું કામ એ માણસ પોતાના સમાજથી દૂર જવાનું કરશે. એને પોતાના જ સમાજના લોકોથી અને જીવનશૈલીથી શરમ આવશે. તે એ લોકો જેવો થવાનો પ્રયાસ કરશે અને એ લોકો સાથે ભળવાનો પ્રયાસ કરશે જેણે તેને સદીઓથી દૂર રાખ્યો હતો. ટૂંકમાં સભ્ય વ્યવસ્થાના લાભાર્થીઓ પોતાના સમાજના લોકોને લાભ પહોંચાડવાની જગ્યાએ એની સાથે ભળી જશે જે વ્યવસ્થા બદલવા માગતા નથી. ૧૯મી સદીમાં અંગ્રેજી શિક્ષણનો લાભ લીધેલા અનેક ભણેલાગણેલા અને સુધરેલા સવર્ણો અંગ્રેજોને વફાદાર હતા.
છઠું કારણ છે પરિવર્તનની માગણી કરનારાઓની ભાષા અને વ્યવહારમાં અતિરેક. જેમ કે દલિત નેતાઓની ભાષા અને વર્તણૂક. તેઓ પોતાના સમાજના હિતોને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. જે લોકો વ્યવસ્થાપરિવર્તનને અવરોધવા માગે છે તેઓ આવા લોકોનો લાભ લે છે.
આ અને આવાં હજુ બીજાં કેટલાંક કારણોને લઈને સાચુકલા પરિવર્તનો થઈ શક્યાં નહીં, માનવીય ગરિમાયુક્ત સભ્ય સમાજની રચનાની દિશામાં આગળ વધી શકાયું નહીં અને તેની જગ્યા દેખાવ અને ઢોંગે લેવા માંડી. આજે જે સ્વાર્થ, નીચતા, દાદાગીરી જોવા મળી રહ્યાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે એ આ દેખાવ અને ઢોંગનું પરિણામ છે.
જો બ્રિટનની આવી સ્થિતિ હોય તો ભારતનું તો પૂછવું જ શું!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025