1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
વર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદ્દભાવના પર્વ યોજતાં : ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે. આરીફ મોહમ્મદ ખાન આ ક્ષણે યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદ્દભાવના સત્રમાં એમણે વંદે માતરમ્ના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે.
અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે. છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે.
એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. સયાજીરાવના વિશ્વાસ ને સન્માનપૂર્વક એમનું વડોદરા કોલેજમાં ને જાહેર જીવનમાં ચોક્કસ સ્થાન હતું. જો કે, દેશની બદલાતી હવામાં હવે એ સાંકડે હોદ્દે રહી શકે એમ નહોતા. 1905માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો.
વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ(ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો : ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ્’માં હતાં. બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, 1875માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે : યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ્’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા.
1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!
‘વંદે માતરમ્’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જો કે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે. ત્રણે નારામાં સન બયાલીસના ‘ક્વિટ ઇન્ડિયા’ સહિત દેશના પલટાતા રાજકારણની તરાહ ને તાસીરના (ખરું જોતાં મિજાજના) પડછંદા પડતા રહ્યા છે.
અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ્’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. અહીં એકંદરે બરકરાર એવી જિકર સાભિપ્રાય ને સહેતુક કરી છે. એક તબક્કે ‘વંદે માતરમ્’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ્’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સનાતનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે.
અરવિંદે ‘વંદે માતરમ્’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. તમે જુઓ, ‘વંદે માતરમ્’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને.
જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ. જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો.
આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમ્ની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ્ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’ (સ્મરણ રહે, નેતાજીની આઝાદ હિંદ સરકારે સ્વીકારેલ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’નું હિંદુસ્તાની અનુરણન હતું.)
સમેટું ન સમેટું ત્યાં વળી આરીફ મોહમ્મદ ખાનને બોલતા સાંભળું છું : ‘તસ્લીમાત, માં, તસ્લીમાત …’ (એ વખતે હજુ મને એ.આર. રહેમાનનો ‘માં તુઝે સલામ’નો પરિચય થયો ન હતો.)
બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક 1874માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું … બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય … જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી … કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’
મુદ્દો, સ્વીકૃત વંદે માતરમ્ની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, એની અપીલે હુલસ્યાં જે હૈયાં અને કીધાં જાન કુરબાન, એમની કદરબૂજનો છે. સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે.
રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે … નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2025