Opinion Magazine
Number of visits: 9446983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાંડીનો સંદેશ – ડરેંગે નહીં, નિર્ભય બનેગે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|18 February 2016

ગાંધી નિર્વાણ દિને દાંડી ખાતે ‘સર્વ ભાષા સંવાદ’ નામનો એક ઝકઝોરી દેનારો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં, ગયાં ત્રણેક વર્ષ દરમિયાન દેશમાં જોવા મળેલી અસહિષ્ણુતા અંગે દેશના અનેક હિસ્સામાંથી આવેલાં લેખકો, ચિત્રકારો, સંગીતકારો, નાટ્યકારો, ફિલ્મમેકર્સ, કર્મશીલો, વિચારકો, પત્રકારો, સમાજશાસ્ત્રીઓ, અધ્યાપકો અને નિસબત ધરાવતા નાગરિકોએ વક્તવ્યો અને ઉપસ્થિતિ થકી તેમની લાગણીઓને વાચા આપી હતી. આમાં જોડાનાર લોકો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, દિલ્હી, પંજાબ, બંગાળ, આસામ, મેઘાલય અને લંડનથી આવ્યા હતા. બધાં કોઈ પણ ઔપચારિક આમંત્રણ કે અછોવાનાં વિના નિજી આસ્થાથી આવ્યા હતા.

સર્વ ભાષા સંવાદનો આખો કાર્યક્રમ દરિયાની નજીક આવેલાં દાંડી સ્મારકના પ્રાર્થના સ્થળે થવાનો હતો. તેને બદલે તેનો આરંભ અને પહેલી બે બેઠક નવસારીના કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં અને બાકીની ચાર બેઠકો દાંડી ખાતે યોજાઈ. આમ બનવાનું કારણ એ હતું કે અનામત આંદોલન સંબંધિત એક કાર્યક્રમને કારણે સરકારે દાંડી જવાના તમામ રસ્તા સવારે અગિયારેક વાગ્યા સુધી બંધ રાખ્યા હતા.

કાર્યક્રમના આરંભે નવસારી કૃષિ યુનિવર્સિટીના સભાગૃહમાં જાનકીબહેને ‘વૈષ્ણવજન’ ગાયું. નારાયણ દેસાઈની ગાંધીકથાના એક ગાયક એવા ભરુચનિવાસી જાનકીબહેને ‘વૈષ્ણવજન’ સુગમ અને શાસ્ત્રીય સંગીતની રીતે તેમ જ પ્રભાતિયાના ઢાળમાં રસક્ષતિ વિનાના પલટા સાથે સળંગ રેલાવ્યું. અનેક ભાષાઓના શ્રોતાઓમાંથી લગભગ દરેક વ્યક્તિ પંદરમી સદીનું આ ગુજરાતી ભજન ગણગણી રહી હતી! સર્વભાષા સંવાદ જાણે હતો જ.

કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે તેના પાંત્રીસેક વક્તાઓમાંથી દસેક એવા હતા જેમણે અવૉર્ડ પાછા આપ્યા હોય. બીજી વિશેષતા એ પણ કે વ્યાપક અર્થમાં માનવતા અને પ્રગતિશીલ મૂલ્યો માટે પ્રતિગામી પરિબળોની બંદૂકની ગોળીનો ભોગ બનનાર ચાર શહીદોના પરિવારનાં સભ્યોએ પણ મંચ પરથી પોતાનાં વિચારો વ્યક્ત કર્યા, એટલે કે ગાંધીજીના એંશી વર્ષના પૌત્ર રાજમોહન ગાંધી એક વક્તા હતા. અંધશ્રદ્ધા નિર્મુલન અને રૅશનાલિઝમના પ્રસારનો ભેખ લેનાર નરેન્દ્ર દાભોલકરના પુત્ર હમીદ હતા. તેમના અડસઠ વર્ષના પિતાની ઝનૂનીઓએ પૂનામાં વીસમી ઑગસ્ટ ૨૦૧૩ની સવારે હત્યા કરી. કોલ્હાપુરના રૅશનાલિસ્ટ ડાબેરી કર્મશીલ ગોવિંદ પાનસરેનાં પુત્રવધૂ મેધા પાનસરે ઉપસ્થિત હતાં.

પાનસરે ગયા વર્ષે વીસમી ફેબ્રુઆરીએ બ્યાંશી વર્ષની ઉંમરે પ્રતિગામીઓની ગોળીનો ભોગ બન્યા. ત્રીસમી ઑગસ્ટે કન્નડ ભાષાના ‘વાચના’ સાહિત્યના સિત્તોતેર વર્ષના સંશોધક, અભિલેખાવિદ અને રૅશનાલિસ્ટને રૂઢિચુસ્તોએ તેમના ધારવાડના ઘરમાં ઘૂસીને ઊડાવી દીધા. તેમના પુત્ર શ્રીવિજય પણ એક વક્તા હતા. તેમણે સહુએ હિંસા, અસહિષ્ણુતા અને પ્રતિગામીતા સામેની લડત અહિંસક માનવતાવાદી રીતે નીડરપણે ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. ‘ડરેંગે નહીં, નિર્ભય રહેંગે’ એ કાર્યક્રમનું સૂત્ર જ નહીં પણ સ્થાયી ભાવ હતો. વળી, દેશભરમાં પોતપોતાની રીતે વિરોધ કરી રહેલી વ્યક્તિઓમાં જે એકલા પડી જવાની લાગણી હતી તેમાં એક સાથ અને સાંત્વના મળ્યાં હોવાનો સંતોષ પણ વારંવાર વ્યક્ત થઈ રહ્યો હતો. સંવાદસત્રમાં દેશના સાંપ્રતને લગતા અનેક મુદ્દાની વાત વ્યથા, આક્રોશ, ઉપહાસ, વિરોધ, પ્રતિરોધ, અપરાધભાવ, કૃતજ્ઞતા, આશ્વાસન, આશા, નિર્ધાર એવા વિવિધ ભાવ સાથે થઈ. તેમાંથી કેટલાક મુદ્દા આ મુજબ હતા : ભારતનું બંધારણ, તેની મહત્તા અને તેની પરનાં જોખમો; ગાંધી અને દાંડીકૂચની પ્રસ્તુતતા, રોહિત વેમુલાની આત્મહત્યા અને તેના અનેક સાંસ્કૃિતક-સામાજિક-રાજકીય સૂચિતાર્થો, ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (એફ.ટી.આઇ.આઇ.)નું આંદોલન, ભૂમિહીનો અને જમીનસુધારણા, વિકાસને ભોગે વિનાશ, અસહિષ્ણુતાનો ફેલાવો, સહિયારો સાંસ્કૃિતક વારસો, કલાકારનો મૂંઝારો અને તેની સત્યવાદી ભૂમિકા, અન્યાય અને દમન, અત્યારના શાસકો દ્વારા ગાંધીહત્યાની તરફદારી, અવૉર્ડ વાપસીની અસર, માધ્યમો અને સોશ્યલ મીડિયા, શ્રમજીવીઓની દુર્દશા, સ્ત્રીઓ પરની હિંસા, કોમવાદનું રાજકારણ, શિક્ષણનું કાર્ય – આ યાદી ઘણી લાંબી થઈ શકે.

કોઈ પણ જૂથ, સંસ્થા કે પક્ષની નિશ્રા વિના સમવિચારીઓના અનૌપચારિક જોડાણથી આકાર પામેલો આ કાર્યક્રમ ખૂબ સુરેખ રીતે પાર પડ્યો. તેના આયોજનમાં આદિવાસી ભાષાઓ અને સંસ્કૃિત માટે કાર્યરત અંગ્રેજીના પૂર્વ અધ્યાપક-વિવેચક વડોદરાના ગણેશ દેવી, સૂરતના કર્મશીલ ઉત્તમ પરમાર, અમદાવાદના કર્મશીલ મનીષી જાની અને આ ત્રણેયના સાથીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તદુપરાંત દાંડીના પીઢ ગાંધીવાદી આગેવાન ધીરુભાઈ પટેલ, યુવા ગાંધીવાદી કાર્યકર્તા કાળુભાઈ ડાંગર અને બારડોલીના અધ્યાપક વિક્રમ ચૌધરીએ સભાસ્થાનો, મંડપ, ધ્વનિયંત્રણા, ભોજન, આવાગમન જેવી સ્થાનિક વ્યવસ્થાનો મોરચો સંભાળવાનું પાયાનું અને મહેનતનું કામ કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. લોકવિરોધી અને માનવતાવાદવિરોધી પરિબળો વિશેનો વિમર્શ ગુજરાતમાં ઓછો થઈ રહ્યો છે, શાસકોના દમનની સામે પ્રતિરોધ ક્ષીણ થઈ રહ્યો છે. આવા સમયમાં જાહેર જીવનની ચિંતા કરનાર પાંચસોથી વધુ નાગરિકોનો કાર્યક્રમ ઘણો પ્રસ્તુત હતો.

એ પણ કહેવું જોઈએ કે સર્વભાષા સંવાદ માટેની ભૂમિકા ‘દક્ષિણાયન’ નામના પ્રવાસથી થઈ હતી, જેના વિશે મનીષી જાનીએ પહેલી જાન્યુઆરીના ‘નિરીક્ષક’માં વિગતવાર લેખ કર્યો છે. દક્ષિણાયનમાં કેટલાક લેખકો, કલાકારો અને કર્મશીલોએ પુણે, કોલ્હાપુર અને ધારવાડ જઈને શહીદોના સંતપ્ત પરિવારોની મુલાકાતો લીધી હતી. સાથોસાથ ત્રણેય નગરોમાં ત્યાંના બૌદ્ધિકો, કર્મશીલો, વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો અને વિચારશીલ નાગરિકો સાથે મળીને જાહેર સભાઓને સંબોધી હતી. એ ટાણે જ વિવિધતા, બહુલતા, સદ્‌ભાવ અને અખંડતાના પ્રચાર-પ્રસાર માટે સર્વભાષા સંવાદ નામે એક કાયમી સંવાદસેતુની રચના દાંડી મુકામે કરવાનો નિર્ધાર થયો હતો.

આ સેતુ કેટલો સરસ હતો તેનો અંદાજ, કાર્યક્રમના મોટા ભાગનાં વક્તવ્યોના માત્ર સહુથી ધ્યાનપાત્ર અંશોની આ લખનારે,  તેની નોંધોને આધારે, કરેલી રજૂઆતથી આવશે.

હમીદ દાભોલકર : નરેન્દ્ર દાભોલકરના હત્યારાઓ એ મર્ડરર્સ ઑફ રિઝન એટલે કે વિવેકબુદ્ધિના હત્યારાઓ છે. તેમની પ્રગતિ જોવા જેવી છે. મહાત્મા ફુલેને ખતમ કરવા માટે રૂઢિચુસ્તોએ મોકલેલા મારાઓએ ફુલે સાથે વાત કરી અને તેમનો હૃદયપલટો થયો. મહાત્મા ગાંધીના હત્યારાએ તેમની નજીક જઈને જાહેરમાં તેમને ગોળીઓ મારી અને પછી તે પકડાઈ ગયો. દાભોલકરના ખૂનીએ રસ્તા પર એ  એકલા હતા ત્યારે વહેલી સવારે તેમને મારી નાખ્યા. પાનસરેના મારનારાએ એમની પત્ની પર પણ હુમલો કર્યો. કલબુર્ગીના ખૂનીએ તેમના ઘરમાં પ્રવેશીને તેમને ખતમ કર્યા. દાભોલકરે સ્થાપેલી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનો એક પણ કાર્યક્રમ તેમની હત્યા પછીના ગયા ઓગણત્રીસ મહિનામાં પડતો મૂકાયો નથી. આ મંચે  અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ  બસો જેટલા કેસ કર્યા છે અને આઠ જાટપંચાયતોને નાબૂદ કરાવવામાં સફળતા મેળવી છે. દેશની પરિસ્થિતિ માટે સરકાર ઉપરાંત બીજાં ચાર પરિબળોને પણ જવાબદાર ગણાવવા જોઈએ : વિકાસના ગુજરાત મૉડેલને પસંદ કરનાર તેમ જ અપનાવનાર લોકો, કૉંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોનું સ્યૂડો સેક્યુલરિઝમ, જેને આત્મનિરીક્ષણની અને આપણા પ્રતિસાદની જરૂર છે તેવો ડાબેરી મોરચો, ખુદમાં જ રમમાણ  એવો મધ્યમ વર્ગ કે જે વિસ્તરતો જાય છે.

મેધા પાનસરે : હું બધાં જ શહીદોના પરિવારો વતી બોલી રહી છું. પાનસરે ક્મ્યુિનસ્ટ, રૅશનલિસ્ટ અને કાનૂનવિદ  હતા.  તે ખેડૂતોની ચળવળ અને ગોવા મુક્તિ આંદોલન સાથે પણ જોડાયેલા હતા. શિવાજી પરના ‘શિવાજી કોણ હોતા?’ પુસ્તક માટે તેમને ધમકીઓ મળ્યા કરતી હતી. વિરોધીઓનો એક વાંધો શિવાજી માટેના તુકારાના ઉપયોગનો પણ  હતો. તેમણે પોલીસ રક્ષણનો ઇન્કાર એમ કહીને કર્યો હતો કે ‘મારા જેવા એંશી વર્ષના માણસને આ સેક્યુલર દેશમાં કોઈ શા માટે કશું કરે?’ બાંગલા દેશમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જેમની હત્યા કરવામાં આવી તેવા રૅશનાલિસ્ટ બ્લૉગર અવિજિત સેન અને તેમના હયાત  પિતા અજોય રૉયના ‘વાયરસ ઑફ ફેઇથ’ શબ્દપ્રયોગ મને યાદ આવે છે. સનાતન ધર્મ સંસ્થા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) જેવાં સંગઠનો હિંદુ રાષ્ટ્ર ઇચ્છે છે. પાનસરેની હત્યા પછી હવે દેશની ન્યાય પ્રક્રિયા અમારા નૈતિક જુસ્સાને પાછો પાડે છે. જો કે દક્ષિણાયનથી રિઍશ્યોરન્સ મળ્યો છે.

શ્રીવિજય : વીસમી અને ત્રીસમી તારીખો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જોખમકારક જણાય છે. ત્રીસમી તારીખે ગાંધીજી અને કલબુર્ગીની, ત્રેવીસમીએ દભોલકરની અને વીસમીએ પાનસરેની હત્યા થઈ. સ્વાતંત્ર્યનો અર્થ આત્માની મુક્તિ એવો પણ થાય છે.

આનંદ પટવર્ધન (કર્મશીલ દસ્તાવેજી ફિલ્મ-સર્જક)ઃ આનંદે રોહિત વેમુલ્લાની આત્મહત્યાના સંદર્ભે લખેલો લેખ વાંચ્યો. રોહિત વેમુલ્લાને યુનિવર્સિટી સત્તાવાળાઓએ ‘ઍન્ટિ નૅશનલ’ ગણાવ્યો  હતો. તે મુદ્દાને લઈને આનંદે એમના લેખમાં ઐતિહાસિક ઘટનાઓના ક્રમમાં એ સાબિત કર્યું છે કે રોહિતને રાષ્ટ્રવિરોધી કહેનારી વિચારસરણીના લોકોએ ખુદ કેવાં રાષ્ટ્રવિરોધી કામ કર્યાં છે. ઇન્ટરનેટ પર વાંચવા મળતા અંગ્રેજી લેખનું મથાળું છે : ‘ધે કૉલ અસ ઍન્ટિ નૅશનલ’. આનંદે શમ્સુલ ઇસ્લામનાં મહત્ત્વના પણ ઓછા જાણીતા પુસ્તક ‘મુસ્લિમ્સ અગેઇન્સ્ટ પાર્ટીશન’નો ઉલ્લેખ પણ કર્યો હતો.

રાજમોહન ગાંધીઃ અહીં આવેલા બધા સેવા અને સંઘર્ષરત માણસો છે. તેમણે તેમના કામ માટે કિંમત ચૂકવી છે અને ભય પર વિજય મેળવ્યો છે. જો મનમાં બીજા માટેની ચિંતા, કરુણા અને પ્રેમ હોય તો ભય દૂર થઈ જાય છે. નરસિંહ મહેતાએ પણ પરાઈ પીડાને જાણવાની વાત કરી. નિર્ભય કસ્તૂરના ડરપોક પતિ મોહને ભય પર વિજય મેળવ્યો. શિવાજીને તુકારે બોલાવવા સામે કેટલાકને વાંધો છે. પણ મારું ચાલે તો હું હંમેશાં ગાંધીજીને મોહન જ કહું. ગાંધીના સાથી બચાખાનના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં હત્યાકાંડ થઈ ગયો. હત્યાથી માણસ મરે છે પણ વિચાર વધુ જીવે છે. અહીં બધા બહુ સહજતાથી આવ્યા છે. દેવીએ કહ્યું કે આવો ઉપક્રમ છે અને અમે આપણે બધા આવી ગયા. આપણને એકબીજા પાસેથી શક્તિ મળી રહી છે જેનાથી બીજા ડરી રહ્યા છે.

રાજીવ શુક્લ (એફ.ટી.આઇ.આઇ.ના વિદ્યાર્થી આંદોલનના એક આગેવાન) : રોહિત વેમુલ્લાની પહેલા સમાજ દ્વારા હત્યા થઈ અને પછી એણે આત્મહત્યા કરી. ભારતની સરકાર સામંતશાહી, મૂડીવાદી, કોમવાદી હિતોનું રક્ષણ કરી રહી છે. હિટલરની સાથે બુદ્ધિજીવીઓ કે વૈજ્ઞાનિકો હતા પણ કલાકારો તો એની સામે જ હતા, કારણ કે કલાકાર હંમેશાં સત્યની સાથે, માણસાઈની સાથે હોય છે. આપણે ત્યાં જમીન સુધારાની તાતી જરૂર છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની લડત આર્થિક બાબતોની નિસબત સાથે જોડાયેલી રહેવી જોઈએ. મુસ્લિમ બૌદ્ધિકો અને ધર્મગુરુઓનાં ઝનૂનની સામે પણ વાત થવી જોઈએ.

માર્ટીન મૅકવાન (દલિત કર્મશીલ)ઃ ત્રીસમી જાન્યુઆરીનો આજનો દિવસ એ ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ કાળારામ મંદિર સત્યાગ્રહનો પણ દિવસ છે જેમાં પાંચ-પાંચ વર્ષના સંઘર્ષ પછી પણ એમને ધારી સફળતા મળી ન હતી. ગુજરાતમાં અગિયાર વર્ષનાં બાળકોએ આભડછેટને કારણે આત્મહત્યા કરી હોય એવા કિસ્સા મને ખબર છે. વિકાસને કારણે જેમની પાસે પૈસા આવ્યા છે એ ગરીબોની મજાક ઊડાવે છે. લઘુતમ વેતન મળતું નથી. દેશ કાસ્ટ પર ચાલશે કે કૉન્સ્ટિટ્યૂશન પર એ નક્કી કરવાનો વખત આવી ગયો છે. સ્ત્રીઓ પરની હિંસા બહુ જ વધી રહી છે. આંબેડકરને દેશમાં સ્ત્રીઓની પરિસ્થિતિ માટે ઊંડી નિસબત હતી. એટલે જ એમણે સ્ત્રીઓને અધિકારો આપતું  હિંદુ કોડ બિલ રચ્યું હતું, જેની સામેના રૂઢિચુસ્તોના વિરોધથી અત્યંત વ્યથિત થઈને બાબાસાહેબે સંસદમાંથી રાજીનામું આપ્યું હતું.

દામોદર માઉઝો (ગોવાના વરિષ્ઠ લેખક જેમણે અસહિષ્ણુતાના મુદ્દે કેન્દ્રીય સાહિત્ય અકાદમીની તેના એક હોદ્દેદાર હોવા છતાં કડક આલોચના કરી હતી)ઃ પહેલી બેઠકના સમાપનમાં મારે આપને એ કહેવું જોઈએ કે ગોવામાં જે સામાજિક સંવાદિતા છે તેના માટે મને ગૌરવ છે, પણ કમનસીબી એ છે કે આ જ ગોવામાં સનાતન ધર્મસંસ્થાનું વડું મથક છે. તાજેતરમાં, નથુરામ ગોડસેનું ગૌરવ કરતું એક પુસ્તક બહાર પાડવાની કોશિશને ગોવાના યુવાનોએ નિષ્ફળ બનાવી હતી.

વિદ્યા બાળ (મહારાષ્ટ્રનાં વરિષ્ઠ નારીવાદી કર્મશીલ) : માંદગીને કારણે હું પ્રત્યક્ષ તમારી સાથે નથી પણ મનથી તમારી સાથે જ છું. શનિશિંગણાપુર અને રોહિત વેમુલા જેવા કાળમાં આ કાર્યક્રમ વિશેષ મહત્ત્વનો છે. તેના વિશે મહારાષ્ટ્રમાં અમે પ્રચાર કર્યો જેને પરિણામે ત્રીસ-પાંત્રીસ મહિલાઓ અમારે ત્યાંથી આવી છે. નિર્ભયતા માટેનું આંદોલન છે એટલે એમાં વધુમાં વધુ બહેનો હોવી જોઈએ. ભીમાશંકર પંથકમાં આદિવાસીઓ અને વિસ્થાપિતો માટે વર્ષોથી કામ કરનારાં કુસુમ કર્ણિક અને સદ્‌ગત આનંદ જોશીના મિશન પરનું ‘શાશ્વત વિકાસાચે વાટાડે’ પુસ્તક કાર્યક્રમ માટે મોકલાવું છું. (વિદ્યાતાઈનો પત્ર તેમના કાર્યસાથી વિજયા ચૌહાને વાંચ્યો.)

આતમજીત સિંગ (મોહાલી-પંજાબના લેખક)ઃ મેં ગુરુ અર્જુનદેવ પર એક નાટક લખ્યું છે. એમણે સુવર્ણ મંદિરની ઇંટ એક મુસ્લિમ પીરના હાથે મૂકાવી હતી. અસહિષ્ણુતા એ તેમની હત્યાનું કારણ હતું, એ મારા નાટકનો વિષય છે. સાહિત્ય અકાદમી અવૉર્ડ તો મેં પાછો આપ્યો છે, પણ જરૂર પડશે તો હું લલિત કલા અકાદમી અવૉર્ડ પણ પાછો આપી શકું.

ચમનલાલ (દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અધ્યાપક અને શહીદ ભગતસિંહના સમગ્ર લેખનના સંપાદક) : પંજાબી  પાશની કવિતાઓના અનુવાદ માટે મળેલો સાહિત્ય અકાદમી પુરસ્કાર હું પાછો ન આપું તો મેં એ કવિનો દ્રોહ કર્યો કહેવાય. ગાંધી, આંબેડકર, પેરિયાર, ભગતસિંહ એ બધા એકબીજાના દુશ્મનો ન હતા. ભલે આજે આપણને એવું ઠસાવવાની કોશિશ થઈ રહી હોય. વેમુલ્લાના ફેઇસબુક પેઇજ પર માર્ક્સ અને એન્જલ્સ છે. તેની આત્મહત્યા વિશે ન્યૂયૉર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ સહિત દુનિયાભરનાં અખબારોએ તંત્રીલેખો કર્યા છે. હમણાં ત્રણ વ્યક્તિઓએ પદ્મ સન્માન પણ પાછાં આપ્યાં છે.

દિલીપ બોરકર (ગોવા કોકણી સાહિત્ય અકાદમીના પ્રમુખ) : અવૉર્ડ વાપસીને બદલે મેં મીડિયામાં લખાણો દ્વારા વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો છે. અમે વિરોધ કરનારા સહુ સર્વભાષા સંવાદના હવે પછીના કાર્યક્રમ માટે સહુને નિમંત્રણ આપીએ છીએ.

અતુલ પેઠે (પૂનાના કર્મશીલ રંગકર્મી) : શાસકો માટે નાટકકાર જોખમી એટલા માટે હોય છે કે તે મૂલ્ય આપે છે, એ સ્થાપિત વ્યવસ્થાને હલાવે છે. આપણે બંદૂકની ગોળીનો જવાબ સાહિત્ય દ્વારા આપવાનો છે. અત્યારે સત્તાવાળાઓ એમ્પાવરમેન્ટ ઑફ કૉમન પીપલના નામે એમ્પાવરમેન્ટ ઑફ ઑર્ડિનરી પીપલ કરી રહ્યા છે.

ગંગાધર મૂર્તિ (કર્ણાટકના કર્મશીલ સાહિત્યકાર) : કર્ણાટકમાં મૌનની સંસ્કૃિતના બે કડવા  અનુભવો છે. એંશીના દાયકામાં ‘સીતાયન’ નામના પુસ્તકમાં ગૌમાંસ ખાતા બ્રાહ્મણો વિશે લખનારા પી. રામમૂર્તિ નામના શિક્ષક પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ હુમલો કર્યો હતો. યુ.આર. અનંતમૂર્તિ તેમની જિંદગીની છેલ્લી ક્ષણ સુધી અપમાનિત થતા રહ્યા, એટલું જ નહીં પણ તેમના અવસાન બાદ પણ મોદી બ્રિગેડે ફટાકડા ફોડ્યા.

મુદ્દુ તીર્થહલ્લી (અવૉર્ડ પરત કરનાર સોળ વર્ષની કન્નડ લેખિકા) : કર્ણાટકથી ગાંધીની ધરતી પર આવવાનો મને આનંદ છે. ગાંધીજીની આત્મકથામાં અહિંસાના તત્ત્વથી પ્રભાવિત થઈને મેં અવૉર્ડ પાછો આપ્યો છે. હવે પછીની જિંદગી પણ હું એ જ માર્ગે વિતાવીશ. ઍવૉર્ડ વાપસીની અસર ધાર્યા કરતાં વધારે થઈ, પણ થવી જોઈએ એટલી ન થઈ, ખૂની લોકો હજુ પકડાયા નથી. અસહિષ્ણુતા રોહિત વેમુલ્લાને આત્મહત્યા સુધી લઈ ગઈ. ભય, અસહિષ્ણુતા અને દીવાલો ઊભા કરનારા ઘણા બળવાન છે અને આપણે બહુ ઓછા છીએ. એ લોકો નક્કી કરી રહ્યા છે કે આપણે શું ખાવું-પીવું-પહેરવું. આની સામે અવાજ ઉઠાવવો જોઈએ પણ જેના પેટમાં ભૂખ છે એ શી રીતે અવાજ ઊઠાવશે?  લિબરલાલેઝશન-પ્રાઇવેટાઇઝેશન-ગ્લોબલાઇઝેશનને કારણે લોકોને ખાવાનું મળવા લાગ્યું છે. મોબાઈલ અને ટેલિવિઝન આવ્યાં છે. સોશ્યલ નેટવર્કિંગને કારણે એકજૂટતા અને સંવેદન વધ્યાં છે. તેને કારણે વિરોધ કરનારા લોકો સરળતાથી ભેગા થઈ શકે છે.

ગણેશ વિસપુતે (અવૉર્ડ પાછો આપનાર એક મરાઠી લેખક)ઃ આ સંવાદમાં બોલવા માટે ઉપસ્થિત થવું એ મારી જિંદગીની બહુ મહત્ત્વની ક્ષણ છે. હું ઔરંગાબાદનો છું. વલી દખ્ખણી પણ ઔરંગાબાદના હતા. વલીની મઝાર અમદાવાદમાં તોડવામાં આવી તેની બહુ પીડા અનુભવી છે. બે હજાર બેની સાલથી દરરોજ નવી પીડા અનુભવવી પડી રહી છે. એફટીઆઇઆઇની હડતાળથી પ્રગતિશીલ ચળવળને એક નવી દિશા મળી છે.

નીલા (ઑલ ઇન્ડિયા ડેમૉક્રએટિક વિમેન્સ અસોસિએશનના કર્ણાટકના સેક્રેટરી)ઃ છપ્પન ઇંચની છાતીવાળા ફાસિસ્ટો અને કેટલાક જૂઠ્ઠા મીડિયાવાળા સાથે મળીને સનાતન ધર્મનું રાજકારણ ખેલી રહ્યા છે. હું જ્યાંથી આવું છું તે વિસ્તારમાં તો છેક બારમી સદીમાં આંતરજાતીય લગ્ન માટે લોકોએ અસહિષ્ણુતાનો સામનો કર્યો છે. એ ધરતી શરણ, સૂફી અને સંત લોકોની ભૂમિ છે. કમનસીબે આજે એવું પણ છે કે અમારા કરાવલી જિલ્લામાં આજે પણ સિત્તેર ટકા મજૂરોને વીસ રૂપિયાથી ઓછું વેતન મળે છે. ગામડાંના ગરીબો આજે અનાથ છે. એમના માટે ચળવળો થવી જોઈએ, ચાલુ રહેવી જોઈએ.

પ્રમોદ મુનઘાટે (અવૉર્ડ પાછો આપનારા મરાઠી લેખક) : દેશમાં હત્યાઓ અને મતાંધતાનું સત્ર ચાલ્યું છે. કોમવાદી માનસનો તાજેતરનો દાખલો ગુલામ અલીના કાર્યક્રમનો છે. આ દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે એમ કહેવું એ એક રમૂજ છે.

ઇબ્રાહિમ અફઘાન (નિદા ફાઝલીના ઉર્દૂ સંગ્રહ ‘દીવારોં કે બીચ’ના મરાઠી અનુવાદક અને પત્રકાર જેમણે બે અવૉર્ડ પાછા આપ્યા છે)ઃ અવૉર્ડ પાછા આપતી વખતે જે એકલતા લાગતી હતી તે હવે દૂર થઈ છે. પોલીસની અસહિષ્ણુતા કોમી રમખાણોમાં જોવા મળે છે. આપણે પોલીસ ઍક્ટને રિડિફાઇન કરવો પડશે.

પ્રભા ગણોરકર (અમરાવતીના મરાઠી કવિ, વિવેચક)ઃ  હું એક ઐતિહાસિક દિવસે ઐતિહાસિક સંમેલનમાં આવી છું અને ભાવવિભોર થઈ ગઈ છું. હું આત્મમગ્ન કવિત રચનાર કવિ અને મધ્યમવર્ગની પ્રતિનિધિ છું. હું સાંપ્રત પરિસ્થિતિમાં કંઈ કરી શકતી નથી એનો ડંખ પણ છે. ગણેશ દેવી પોતાનું અધ્યાપનનું ક્ષેત્ર છોડે છે. એ કેવા માણસો ઘડે છે એ મેં દક્ષિણ છારાના ‘બુધન કહેતા હૈ’ ના મરાઠી અનુવાદમાં વાંચ્યું હતું. અહીં દક્ષિણને હું મળી ત્યારે મારું મન ભરાઈ આવ્યું. અહીં એક તણખો છે જે બધું સળગાવશે. શબ્દને ફેલાવો તો ય બધી બાજુથી લોકો દોડ્યા આવે એ અહીં અનુભવાય છે.

દીનાનાથ મનોહર (મરાઠી નવલકથાકાર)ઃ આપણે બધાએ ના કહેતા શીખવું પડશે.

રાજન ખાન ( અવૉર્ડ પાછા આપનાર મરાઠી લેખક) અત્યારના માહોલમાં એકલાપણું બહુ લાગે છે. ડાબેરી મોરચો વિખરાયેલો છે. બંદૂકની ગોળીની બીક લાગે છે, સારા કામ માટે જીવવું છે. ભારતના સંવિધાનને હટાવવાની કોશિશો થઈ રહી છે. સંવિધાનનું ધર્મપુસ્તક જેવું છે. એ હોવાની ખબર છે પણ એને કોઈ વાંચતું, સમજતું નથી.

દત્તા નાયક (ગોવાના કોંકણી અને મરાઠી લેખક) : હું જન્મે હિંદુ અને વિચારોમાં બૌદ્ધ છું. સંસ્કૃિતની ઇન્દ્રધનુષી કલ્પનામાં માનું છું.

મીનાક્ષી બાલી (કર્મશીલ કન્નડ (લેખક) આપણે એ યાદ રાખવું જોઈએ કે ‘યુ કૅન કિલ મી બટ નોટ ડીફીટ મી’. આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં સ્ત્રીઓ વિશે બહુ ખરાબ લખનાર કન્નડ લેખકને પણ પદ્મ પુરસ્કાર મળ્યો હોય.

પ્રકાશ ન. શાહ : આપણે અહીં દાંડીમાં લવણગંગા અને શ્રવણગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. એકતાની આ વણઝાર બહુ સાહજિકતાથી બનતી ગઈ એનો અર્થ બહુ મોટો છે. દેશનો વિમર્શ ભારતીય જનતા પક્ષ અને કૉન્ગ્રેસની વચ્ચે સીમિત થઈ જાય છે. પણ આપણે આ વિમર્શ માત્ર રાજકારણીઓને સોંપી દઈ શકીએ નહીં. આપણે સામાજિક-આર્થિક ન્યાયવાળા, સેક્યુલર અને સમુદાર સમાજની રચના કરવાની છે.

ગુલામ મોહમ્મદ શેખઃ ચિત્રકલામાં પણ મૉરલ બ્રિગેડ છે. બધી જગ્યાએ દહેશતનો માહોલ છે. આપણને હંમેશાં કોઈ જોઈ રહ્યું હોય, આપણી પર જાસૂસી ચાલતી હોય એવું લાગ્યા કરે છે. નાનપણથી જ ઝેર રેડવાની કોશિશ થતી હોય છે. આપણે કદમ તો ઉઠાવવાં જ પડશે. 

અનિલ જોશી : ગ્રીક કવિ કાવાફી તેની ‘ઇથાકા’ કવિતામાં નવા સફરની વાત કરે છે. આપણા માટે નવી સફર દાંડીથી શરૂ થાય છે. આપણે અહીંથી નિર્ભય થઈને જઈશું. બીજી એક કવિતા યાદ આવે છે, જેમાં એક કન્યા એના મા-બાપને કહે છે : ‘મુઝે ઉસ ગાંવ મેં મત બ્યાહના, જહાં ઇન્સાન સે જ્યાદા ભગવાન કી બસ્તી હો!’

હિમાંશી શેલત : આપણી હયાતી આપણે સાબિત કરવી પડે છે. એ લખીને પણ કરી શકાય છે, આપણું હોવું બતાવવું પડે છે. કલાકારમાં એક ઇન્ટિગ્રેટેડ સેલ્ફ – ડબલ સ્ટાન્ડર્ડ્‌સ એટલે કે  બેવડાં ધોરણો વિનાની આપઓળખ હોવી જરૂરી છે. અવાજ કરવો એ જીવંત હોવાનું પરિણામ છે. ન દૈન્યમ્‌ન પલાયનમ્‌ – ભાગેગે નહીં, કુછ ચાહિયે ભી નહીં, ડટે રહેંગે.

મનીષી જાની : ગાંધીએ કહ્યું હતું કે આપણે એક વૃક્ષનાં ફૂલ, ફળ, પ્રશાખા, શાખા છીએ, આપણે અલગ નથી, એક વૃક્ષ છીએ. આજે રોહિત વેમુલ્લાનો જન્મદિવસ છે. એણે એના પત્રમાં લખ્યું છે કે આપણે કુદરતના દુશ્મન બની ગયા છીએ. આપણે બધાએ સાથે રહેવાનું છે, નિર્ભય બનીને આગળ ચાલવાનું છે, આપણો એક અવાજ આખા દેશમાં પહોંચાડવાનો છે. 

સુદર્શન આયંગાર : ગાંધી પછી તાજેતરમાં બીજા ત્રણ શહીદ થયા. આ એક રિમાઇંડર છે કે દાંડીયાત્રા જરૂરી છે. કલાકાર તત્ત્વને જગાડે છે, પણ તત્ત્વને ઓળખવા માટે કેળવણીની જરૂર છે. એવી કેળવણી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

ભરત મહેતા : હિટલરની પ્રચારયંત્રણા સંભાળનારા ગૉબલ્સ ગુજરાતમાં જીવતા છે. અહીં ભગવાકરણ કલાત્મક રીતે થાય છે. વાઇસ-ચાન્સલર બનવા માટે ખાખી ચડ્ડી પહેરેલી હોવી જરૂરી છે. યુનિવર્સિટી હોય કે અકાદમી માઇન્ડસેટ તો એક જ છે. વિકાસ, કારસેવા, મિત્ર, લવ જેવા શબ્દોના અર્થ બદલાઈ ગયા છે. વિકાસકી ગોલી લો, ખિચખિચ દૂર કરો. જો કે અહીં માત્ર મોદીની જ પરંપરા નથી. આ ગાંધીની ભૂમિ છે. અહીં ‘યારો ફનાના પંથે પર આગે કદમ’ લખનારાની કોમી એખલાસ માટે શહાદત વહોરનારા વસંત-રજબ અને તેમના સ્મરણગ્રંથનું સંપાદન કરનારા મેઘાણીની, ‘આઇ ઍમ ઍન ઇંડિયન રાઇટર રાઇટિંગ ઇન ઇન્ગ્લિશ’ કહેનારા, કટોકટી સામે રાજ્ય સભામાં અવાજ ઉઠાવનારા ઉમાશંકર જોશીની પરંપરા પણ છે.

સંજય છેલ : ગરબા, દાંડિયા, દાંડીયાત્રા માટે ગુજરાત જાણીતું છે. ગૂંગી પ્રજા, બહેરી સરકાર જેવી આપણી સ્થિતિ છે. દ્વેષ અને ક્રોધના કેટલા બધાં રૂપ આપણને જોવા મળે છે. તેનો ઉલ્લેખ   મેં નરેશ મકવાણાથી રોહિત વેમુલ્લા નામના લેખમાં પણ કર્યો છે. કાફકા કહેતા કે કવિ તો બે હાથે લખનાર હોવો જોઈએ. ‘દેવતાઓં જરા દૂર હઠો, ઇન્સાનોંકી ભીડ આ રહી હૈ’ એવું કહેવાનો વખત આવવો જોઈએ.

આખા કાર્યક્રમનું સંચાલન મોટે ભાગે ગણેશ દેવીએ તેમના દેખીતા થાક અને તણાવ વચ્ચે સરળ, અનૌપચારિક, હળવી અને છતાં ઉત્કટ રીતે કર્યું હતું. પહેલી બેઠકમાં તેમણે આસામથી આવેલા ઉત્પલ સાખિયા તેમ જ પશ્ચિમ બંગાળથી આવેલા દિમત ભટ્ટાચાર્ય અને ઇન્દ્રનીલ આચાર્યનો, તેમને મંચ પર બોલાવીને પરિચય આપ્યો અને કહ્યું જે દક્ષિણાયનનો હવે પછીનો પડાવ પૂર્વાંચલમાં યોજવાની તૈયારી આ ત્રિપુટીએ બતાવી છે. દેવીએ ‘ચિત્રલેખા’ સાપ્તાહિક (પંદરમી ફેબ્રુઆરી)ને ભવિષ્યના આયોજન વિશે આમ જણાવ્યું હતું : ‘બારમી માર્ચથી છઠ્ઠી એપ્રિલ એ ગાંધીજીની દાંડીયાત્રાના દિવસો દરમિયાન દેશભરમાં અનેક સ્થળે નાનામોટા વૈચારિક કાર્યક્રમો થશે. લોકોને વિવિધ માધ્યમો દ્વારા નિર્ભયતા, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને રૅશનાલિઝમની વાત પહોંચાડવામાં આવશે. છઠ્ઠી એપ્રિલે એક મોટો કાર્યક્રમ થશે. નવેમ્બરમાં દાંડી જેવો જ સર્વભાષા સંવાદ ગોવામાં થશે. દાંડીમાં આવીને બધાને એકતાનો અહેસાસ થયો છે, આત્મવિશ્વાસ વધ્યો છે અને બધા સાથે હોવાની લાગણી જન્મી છે.’  

કાર્યક્રમનું  છેલ્લું  ચરણ  ઢળતા સૂરજની સાક્ષીએ વિશેષ અંતર્મુખ બનાવી દેનારું હતું. મંડપમાં જ્યાં વક્તવ્યો થયાં તે પ્રાર્થનાસ્થળેથી દાંડી સ્મારક પરિસરમાં આવેલ સૈફી વિલા સુધી એક યાત્રા નીકળી. બરાબર પાંચ વાગીને છેંતાળીસ મિનિટે જ્યારે ગાંધીજીએ છેલ્લા શ્વાસ લીધા તે ક્ષણે,  ગાંધીજીએ ચપટી મીઠું ઊપાડી અંગ્રેજ સામ્રાજ્યને પડકાર્યું હતું તે સ્થળે મૌન દ્વારા અંજલિ આપીને પછી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા – ‘ડરેંગે નહીં, નિર્ભય રહેગે’. પછી તે જ જગ્યાએ ઊભેલા ગાંધીજીના પૂતળા આગળ કર્મશીલ દંપતી વિનય-ચારુલે તેમના બે બહુ જ જાણીતાં સ્વરચિત ગીતો ગાયાં : માહિતી અધિકાર પરનું ‘જાનને કા હક’ અને કોમી એકતા પરનું ‘મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ દિયા ભગવાન કો’. તેમનાં ગીતો જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખો ભીંજવી દેતાં હોય છે. ગીતો પહેલાં પૂનાની અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિના ઇસ્લામપુર કેન્દ્રના કલાકારોની ટુકડીએ એક શેરીનાટક ભજવ્યું. એ દોઢસોમી ભજવણી હતી. એકએક ક્ષણ અર્થસભર હોય એવા આ નાટકનું નામ હતું – ‘સૉક્રેટિસ ટુ દાભોલકર, પાનસરે વાયા તુકારામ’ !

૦૯ ફેબ્રુઆરી ૨૦૧૬

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 03-06

Loading

18 February 2016 admin
← Cartoonspace
નિઃશંકપણે જવાબદાર →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved