
રાજ ગોસ્વામી
મશહૂર જાસૂસી નવલકથા લેખક ફ્રેડરિક ફોસાઇથનું 10મી જૂને અવસાન થઇ ગયું. તેઓ 86 વર્ષના હતા અને ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં રહેતા હતા. ભારતમાં બીજી ભાષાના વાચકોમાં તેમનું નામ એટલું જાણીતું નહોતું (કારણ એ તેમની વાર્તાઓના એવા અનુવાદ થયા નથી), પરંતુ તેઓ અંગ્રેજી ભાષી વાચકોમાં દુનિયાભરમાં જાણીતા હતા. તેમની નવલકથાઓ થ્રિલર હતી અને અમુકમાં તો રાજકીય થ્રિલર હતી કારણ કે ફોસાઇથ ખુદ જાસૂસ રહી ચુક્યા હતા. તેમની નવલકથાઓની વિશ્વભરમાં 75 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે.
ઈંગ્લેંડના કેંટ પરગણામાં એશફોર્ડ નામના નગરમાં 1938માં જન્મેલા ફોસાઇથે મોટા થઈને હવાઈ દળના પાયલોટની નોકરી કરી હતી. તે પછી પત્રકાર તરીકે રોયટર્સ નામની સમાચાર સંસ્થા અને બી.બી.સી.માં પણ કામ કર્યું છે. તેમણે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલની હત્યાની ઘટનાનું રિપોર્ટીંગ કર્યું હતું. તેની બહુ સરાહના કરવામાં આવી હતી. આ અનુભવ તેમને એક લોકપ્રિય અને સફળ નવલકથાકાર બનવા તરફ લઇ જવાનો હતો.
ફોસાઇથે 1971માં The Day of the Jackal નામની પહેલી નવલકથા લખી હતી. આ નવલકથા આજે પણ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ફોસાઇથ મજબૂરીના માર્યા મહાત્મા, એટલે કે લેખક બન્યા હતા. તેઓ દુનિયાને જોવા માટે થઈને પાયલોટમાંથી પત્રકાર બન્યા હતા, પણ પત્રકારની નોકરી એટલી સલામત નહોતી.
આ પુસ્તક આવ્યું તે પહેલાં, ત્રણ વર્ષ માટે તેઓ વેસ્ટ આફ્રિકામાં યુદ્ધનું રિપોર્ટીંગ કરવા રહ્યા હતા. પાછા આવ્યા પછી, તેમણે તે યુદ્ધના અનુભવ પરથી, ધ બિયાફ્રા સ્ટોરી : ધ મેકિંગ ઓફ એન આફ્રિકન લીજેન્ડ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ન વેચાયું એ તો કમનસીબી હતી જ, છોગાંમાં નોકરી પણ નહોતી રહી.
31 વર્ષનો ફ્રીલાન્સ પત્રકાર, આંતરરાષ્ટ્રીય સાહસિક અને સૌથી યુવા વયનો ફાઈટર પાયલોટ આંખોમાં સપનાં સાથે બેકાર અને બેરોજગાર હતો. “મારી પાસે ત્યારે કાણિયો પૈસો પણ નહોતો. કાર નહોતી, ફ્લેટ નહોતો, કશું જ નહીં અને હું રોજ વિચારતો હતો કે આમાંથી બહાર કેવી રીતે નીકળું?,’ એવું તેમણે એકવાર કહ્યું હતું.
ગજવામાં બે પૈસા આવે અને દેવું ચૂકતે થાય તે માટે ફોસાઇથે પોલિટિકલ થ્રિલર પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. તેમને લેખક બનવું નહોતું. તેમણે તો પૈસાની સમસ્યાનું તાત્કાલિક સમાધાન નીકળે તે માટે એક જ પુસ્તક લખવાનું વિચાર્યું હતું. એ નિર્ણય તેમણે 20થી વધુ પુસ્તકો અને દોમદોમ સાહ્યબી તરફ લઇ જવાનો હતો.
1962-63માં ફોસાઇથ પેરિસમાં રોઈટર સમાચાર સંસ્થા વતીથી કામ કરતા હતા, ત્યારે એક વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. તેઓ ત્યાં આવ્યા ત્યારે, ફ્રેંચ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલે આઠ વર્ષનું યુદ્ધ સમાપ્ત કરીને અલ્જીરિયાને આઝાદ કર્યું હતું. તેનાથી અમુક લોકોમાં બહુ નારાજગી હતી. એવા એક અર્ધલશ્કરી સંગઠને તેમની હત્યા કરવાની કસમ ખાઈ લીધી હતી. કહેવાય છે કે ડી ગોલને મારવા માટે 30 વખત પ્રયાસ થયા હતા.
ફોસાઇથે, પત્રકારની હેસિયતથી, રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે દોસ્તી કરી લીધી હતી, અને 1962ના ઓગસ્ટ મહિનામાં તેમની હત્યાના એક પ્રયાસનું રિપોર્ટીંગ કર્યું હતું. ફોસાઇથ પાસે તે ષડ્યંત્રની ઝીણામાં ઝીણી વિગતો હતી. એટલે તેમણે જ્યારે વાર્તા લખવા માટે પહેલીવાર પેન ચલાવી, ત્યારે તેમણે આ આખા પ્રસંગને તેમાં સમાવી લીધો હતો. એમાં ફ્રાન્સની રાજનીતિ, તેના પ્રતિસ્પર્ધીઓ, ટાંટિયા ખેંચ, ઈર્ષ્યા, અહંકાર, ભ્રષ્ટાચાર, જાસૂસી, ષડ્યંત્રો વગેરે વાર્તા પણ હતી. તેમાંથી જે વાર્તા બની તેનું નામ ધ ડે ઓફ ધ જેકાલ.
તેમણે માત્ર 35 દિવસમાં આ નવલકથા લખી હતી. પરંતુ તે દોઢ વર્ષ સુધી અપ્રકાશિત રહી હતી. ચાર પ્રકાશકોએ એવું કહીને આ નવલકથા છાપવાની ના પાડી દીધી હતી કારણ કે જે રાષ્ટ્રપતિ હજુ જીવતા હોય તેની હત્યાના કાવતરામાં લોકોને શું રસ પડે? અને બીજું, તેમને મારવા માટે એક બ્રિટિશ એજન્ટને ભાડે રાખવામાં આવે તે પણ લોકોએ પસંદ નહીં આવે. આ બધી વાતો લોકોને સમાચારો મારફતે ખબર જ હતી, અને એમાં કોઈ રોમાંચ કે રહસ્ય નહોતું.
તે પછી, ફોસાઇથે નવલકથાનો એક ટૂંક સાર તૈયાર કર્યો અને એ સમજાવ્યું કે નવલકથામાં હત્યાની સંભાવના પર ફોકસ નથી, પરંતુ તેના ષડ્યંત્રની ટેકનીકલ વિગતો અને હત્યારાને પકડવા માટેની કવાયત કેન્દ્રમાં છે. તે વાંચ્યા પછી, લંડનના એક ઓછા જાણીતા પ્રકાશન હચિશન એન્ડ કંપનીએ આઠ હજાર નકલો છાપવા તૈયારી બતાવી.
થોડા જ સમયમાં જ તેને વાંચવાવાળા વધી ગયા અને વધારાની નકલો પણ છાપવી પડી. તેની ચર્ચા સાંભળીને વાઈકિંગ પ્રેસ નામના જાણીતા પ્રકાશકે તેના અમેરિકન રાઈટ્સ ખરીદ્યા. જે લેખક પાસે રહેવાનું ઘર નહોતું તેના હાથમાં હવે 3,65,000 ડોલરનો કોન્ટ્રાક્ટ હતો. પાછળથી ફોસાઇથે કહ્યું હતું, ‘મેં આટલા બધા પૈસા પહેલાં ક્યારે ય જોયા નહોતા.’
ત્રણ મહિનામાં તે ‘ટાઈમ્સ’ સમાચારપત્રને બેસ્ટ સેલર લિસ્ટમાં પહેલા નંબરે હતી. પાંચ વર્ષ પછી, દુનિયાભરમાં તેની અઢી કરોડ નકલો વેચાઈ ગઈ હતી. આજે ચાલીસ વર્ષો પછી પણ ધ ડે ઓફ ધ જેકાલની નકલોનું પ્રિન્ટીંગ થાય છે. તેના 30 ભાષામાં અનુવાદો થયા છે. તેના પરથી ફિલ્મ બની છે, ટી.વી. સિરીઝ બની છે અને ઓડિયો આવૃત્તિ પણ બહાર પડી છે. તે પછી, અંગ્રેજીમાં કહે છે તે પ્રમાણે, તેમણે પાછુ વાળીને જોયું નહોતું.
તેમના અવસાન સમયે, ફ્રેડરિક ફોસાઇથના નામે 7 કરોડ ડોલરની સંપત્તિ હતી. તે મરતાં સુધી સાદગીથી જીવ્યા હતા. જે લોકોએ ગરીબી જોઈ હોય, તે લોકો ધનવાન થયા પછી પણ તેમનો ભૂતકાળ ભૂલતા નથી અને સફળતામાં છકી જતા નથી.
ફોસાઇથ માનતા હતા કે નસીબે કાયમ તેમને સાથ આપ્યો છે. નાઇજીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન તેઓ એક બંધૂકની ગોળીથી વીંધાઈ જતાં બચી ગયા હતા. તેમણે એક વર્ષ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પૂરી જિંદગીમાં મારું નસીબ બહુ ચમકતું રહ્યું છે. મને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય માણસો અને યોગ્ય કામ મળતું રહ્યું છે – અને પેલી ગોળી મારી સામે આવી ત્યારે પણ મેં યોગ્ય સમયે માથું ફેરવી દીધું હતું.’
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાતમેઈલ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર