
આશા બૂચ
2016માં માન્ચેસ્ટરની 20 મહોલ્લાઓ સાથે હું સ્રેબ્રેનીત્સા ગઈ હતી. તે વખતે જોયેલાં સ્મારકો અને એ સંહારમાંથી બચેલી મહિલાઓ તેમ જ બાળકોની લીધેલી મુલાકાતો દિલમાં હંમેશને માટે કંડારાઈ ગઈ છે. તે વખતે રેડીઓ મુલાકાત અને કેટલીક શાળાઓમાં જઈને આ વિષે વાત કરી જાગૃતિ લાવવા પ્રયાસ કરેલો. ફરી પાછી, એવી જ સંહાર લીલાઓ ખેલાઈ રહી છે. જો તક મળશે તો ગાઝા અને યુક્રેનમાં બચી જવા પામેલાં લોકો વચ્ચે જઈશ અને નફરત તેમ જ વૈર ભાવના ન પ્રગટે જેથી ફરી ફરી આવી હિંસા ન થાય એ માટે મારાથી બનતું બધું કરી છૂટીશ.
આ લેખ મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાને અર્પણ.
— આશા બૂચ
°°°
1,00,000થી વધુ લોકો 1992-95 દરમ્યાન બોસ્નિયા–હ્ર્ઝ્ગોવિનાની લડાઈ દરમ્યાન મરાયાં
બોસ્નિયા–હ્ર્ઝ્ગોવિનાની લડાઈ 1995માં પૂરી થઈ ત્યારે 30,000 જેટલાં લોકો લાપતા હતાં
સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડમાં 8,372 જેટલાં 12 વર્ષથી ઉપરનાં બાળકો અને પુરુષોની પદ્ધતિસર હત્યા કરવામાં આવી.
આ અમાનવીય ઘટના સ્રેબ્રેનીત્સામાં બની, તેને આજે ત્રણ દાયકા વીત્યા. લંડનના સેન્ટ પોલ્સ કેથેડ્રલ ખાતે, 17 જૂન 2025ને દિને, બ્રિટન સ્થિત સંગઠન ‘રિમેમ્બર સ્રેબ્રેનીત્સા’ અને બ્રિટનના સરકારી ખાતાઓના સંયુક્ત ઉપક્રમે એ ઘટનામાં વિલુપ્ત થયેલાને શ્રદ્ધાંજલિ આપવા એક સમારંભનું આયોજન થયેલું, જેમાં હાજર રહેવાનો મોકો મળેલો.
બ્રિટનનાં નાયબ વડા પ્રધાન એન્જલા રેઇનર, લંડનના મેયર સાદિક ખાન, ધારાસભ્ય પ્રીતિ પટેલ, બેરોનેસ વારસી ઉપરાંત સેન્ટ પોલ્સ કેથેડ્રલના ડીન, બોસ્નિયા-હર્ઝેગોવિનાના ગ્રાન્ડ મુફ્તી, બિશપ ઓફ લંડન અને મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાના પ્રમુખ મુનિરા સુબાસિચ મુખ્ય અતિથિ હતાં. એ માનવ સંહારમાં બચી જવા પામેલા ઘણા યુવાનો અને લંડન તથા માન્ચેસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં ભયાનક કતલેઆમ થઇ. આટલી મોટી સંખ્યામાં પદ્ધતિસર અને ઔદ્યોગિક ધોરણે કોઈ દેશના નાગરિકોની હત્યા કરવી, મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને મોટી સંખ્યામાં નાગરિકોને બળજબરીથી નિષ્કાસિત કરવા પાછળ કારણ એક જ હતું; એ પ્રજાજનોની ઓળખ મુસ્લિમ હતી. કોઈ એક સમૂહના લોકોનું અમાનવીકરણ કરીને સામૂહિક હત્યા કરવી એ કોઈ નવી બાબત નથી. નાઝી જર્મનીમાં જુઇશ લોકોને ઉતરતી કક્ષાના માનવ અને જીવાત ગણીને તેમની અતિ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. નોંધ એ વાતની લેવાની રહે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારનાં યુદ્ધ અને જાનહાનિ માટે ‘Never again’ કહીને યુ.એન. અને NATO જેવાં સંગઠનો સ્થપાયાં, છતાં સ્રેબ્રેનીત્સામાં માનવ સંહાર થયો અને રવાંડામાં ટુટ્સી પ્રજાને હુટુ જાતિના લોકોએ ‘વાંદા’ સાથે સરખાવીને તેમની સામૂહિક કતલ કરી. અને આજે 21મી સદીમાં પણ આપણે એવો જ માનવ સંહાર નજરે નિહાળી રહ્યા છીએ.
સ્રેબ્રેનીત્સાની દુર્ઘટનામાંથી પાઠ શીખવા મળ્યો તે એ કે નફરત અને અસહિષ્ણુતાને વહેલાસર પડકારવામાં ન આવે તો તેમાં અનેક ગણી વૃદ્ધિ થતી રહે, જે અંતે કોઈ એક સમૂહનો વિનાશ નોતરે. જે દેશોમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો સદીઓ સુધી હળીમળીને રહેતા હોય, એક ભાષા બોલતા હોય, સમાન સંસ્કૃતિને અનુસરતા હોય એ જ પ્રજા નાની એવી ચિનગારી ફેંકવાથી એકબીજાનાં જાનના દુ:શ્મન થઈ બેસે એ સ્રેબ્રેનીત્સા સંહારમાં સાબિત થઇ ગયું. આપણે ઇતિહાસ પાસેથી શું શીખ્યા? દુઃખદ બાબત તો એ છે કે એ કત્લેઆમ કરનારી સત્તા આવો ભયાનક માનવ સંહાર આચરવામાં આવ્યો છે એ વાતનો સદંતર ઇન્કાર કરે છે, અને તેથી હજુ આજે પણ ગુનેગારો મુક્ત ફરે છે અને જેમણે સ્વજનો ગુમાવ્યાં છે એ લોકો સંહારમાંથી બચી જવા પામ્યા, પરંતુ દુઃખની ગર્તામાં સપડાયેલા રહેવાની સજા હજુ ભોગવી રહ્યા છે.
એ શ્રદ્ધાંજલિ સમારંભમાં કુરાન અને ન્યુ ટેસ્ટામેન્ટમાંથી બોધવચનોનું વાંચન કરવામાં આવ્યું, તેમ જ કેથેડ્રેલના ડીન તરફથી મનનીય વક્તવ્ય રજૂ થયું.
સહુથી વધુ દિલને સ્પર્શી જાય તેવું વક્તવ્ય મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાના પ્રમુખ મુનિરા સુબાસિચનું હતું.
પોતાના પતિ અને પુત્ર સહિત નિકટના પરિવારના 22 સભ્યોને સ્રેબ્રેનીત્સા સંહારમાં જેમણે ગુમાવ્યા છે એ મુનિરા છેલ્લાં 30 વર્ષથી આ વેદનાને કઈ રીતે સહન કરતાં આવ્યાં છે એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવા અસમર્થ હતાં. આમ છતાં તેમણે કહ્યું કે યુનાઇટેડ નેશન્સે જેને સલામત ક્ષેત્ર જાહેર કરેલું એ જગ્યાએ આશ્રય લીધેલો ત્યાં અમારા નિર્દોષ સંતાન, ભાઈ, પતિ અને પિતાને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, અને યુરોપ એ ઘટનાને નિહાળી રહ્યું હતું. એ લોકોની હત્યા થઈ કેમ કે એ લોકો મુસ્લિમ છે એ તેમના નામ પરથી પરખાઈ આવતું હતું. અમે માનવસંહારના તાંડવમાંથી બચી ગયા, પણ એ ઘટનાનો ઇન્કાર હજુ જેમનો તેમ છે તેથી એ વેદના શમી નથી. માનવ સંહાર બાદ જન્મેલાં બાળકો પાસે તેમના પિતાનો એક પણ ફોટો નથી અને તેઓ મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાના સભ્યોને પૂછે છે, “અમારો ચહેરો અમારા પિતાને મળતો આવે છે?” જરા કલ્પના કરી જુઓ, આ બાળકોના મનની વેદના કઈ રીતે રૂઝાવી શકાય?
મધર મુનિરાએ કહ્યું કે મુસ્લિમ સમાજના મોટા ભાગના પુરુષોની હત્યા કરવામાં આવી હતી એટલે મોટી સંખ્યામાં માત્ર મહિલાઓ જ જીવિત હતી. તેઓએ પોતાના સંતાનોને પ્રેમથી ઉછેર્યાં અને નફરત તથા બદલો લેવાની ભાવનાથી દૂર રાખ્યાં. તેમાંનાં ઘણાં આજે એન્જીનિયર્સ, ડોક્ટર્સ, પ્રોફેસર્સ અને શિક્ષકો બન્યા છે, કેમ કે તેમનું જીવન પોતાની સફળતા ઉપર ચણાયું છે, ધિક્કાર ઉપર નહીં. મુનિરાની આ વાત જો બધાને સમજાય, તો આજના તમામ સંઘર્ષો પર પૂર્ણવિરામ આવી જાય. મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સા વતી મુનિરાએ હાજર રહેલા તમામને વિંનતી કરી કે નફરત દૂર કરવા અને જેનોસાઇડના ઈન્કારનો પ્રતિકાર કરવા સાથ આપે. ગયેલા સ્વજનોને પાછા નહીં મેળવી શકાય, પણ ગુનેગારોને સજા કરીને ભોગ બનેલાઓને ન્યાય જરૂર આપી શકાય. આજથી ત્રીસ વર્ષ પહેલાં સામૂહિક માનવ સંહાર થયો હતો એ હકીકત છે, અને ફરી એવી ઘટના બનતી રોકવી તે સહુનું કર્તવ્ય છે એના પર તેમણે ભાર મુક્યો.
એલમીના કુલાસિચે કઈ રીતે તેને પોતાના માતા-પિતા સાથે Trnopoije કોન્સન્ટ્રેશન કેમ્પમાં બળજબરીથી લઇ જવામાં આવ્યાં હતાં, તેમને ભૂખે મારવામાં આવ્યાં અને કેવી રીતે પોતાના પિતા, કાકા અને પાડોશીઓની હત્યા થતી જોઈ તેનું વર્ણન કર્યુ. 1992માં એમની ઉંમર માત્ર સાત વર્ષની હતી. જેનોસાઇડમાંથી બચી જવા પામેલી પોતે પણ આજે એક નાના બાળકની મા છે અને ઈચ્છે છે કે આ નફરત અને હિંસાની સાંકળ તૂટે જેથી દરેક બાળકને તેનું બાળપણ જીવવાનો અધિકાર મળે.
બોસ્નિયા-હર્ઝેગોવિના પ્રેસિડન્સીના ક્રોએટ સભ્ય, બોસ્નિયાક સભ્ય અને યુનાઇટેડ કિંગ્ડમસ્થિત એલચીએ પણ ત્રણ દાયકા પહેલાં બનેલી આ ગોઝારી ઘટનાને વિસારે ન પાડી દેવા અને ફરી આવી હિંસા ન બનવા પામે તે માટે એકત્રિત પ્રયાસો કરવા અરજ કરી. તેઓએ એક ચેતવણી ઉચ્ચારી, જેની નોંધ લેવી ઘટે. હાલમાં ફરી એ દેશ પર જોખમના વાદળાં ઘેરાઈ રહ્યાં છે. રશિયાની નજર એ ભૂ ભાગને પોતાનામાં સમાવી લેવા પર તોળાઈ રહી છે. આથી જ તો બ્રિટન તેમ જ યુરોપના તમામ દેશની પ્રજા અને વહીવટ કર્તાઓને સમયસર પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઈ.સ.1995માં 8,572 પુરુષો અને બાળકોની હત્યા થઈ, તેમાંનાં ઘણાંનાં અવશેષો હજુ લાપતા છે. ઉપર દર્શાવેલ છબિમાં જેમના અવયવો સામૂહિક કબરોમાંથી મેળવી શકાયા, તેમની ખાંભીઓ જોઈ શકાય છે.
સ્રેબ્રેનીત્સા માનવ સંહારની ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સર્બિયન પ્રાર્થનામાં આપણે સહુ જોડાઈએ :
We pray to Almighty God
May grievance become hope!
May revenge become justice!
May mothers’ tears become prayers
That Srebrenica
Never happens again
To no one and nowhere!
e.mail : 71abuch@gmail.com