કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિત દિન બારમી મેએ બહાર પડેલા, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માકર્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વિશ્વીકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.
છત્તીસગઢના બિલાસપુરના રેલવે કર્મચારીના પુત્ર મુકુલ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવીને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પી.આર.એલ.)માં ૧૯૭૮માં સંશોધક તરીકે જોડાયા. અહીં કર્મચારીઓ પરના અન્યાય સામે પોતાની નોકરીને ભોગે પણ કામદાર સંગઠન બનાવવાથી તેમણે લડાઈની શરૂઆત કરી હતી. અમદાવાદની અનેક સંશોધન સંસ્થાઓમાં સંગઠનો બનાવવામાં તેમણે પહેલ કરી હતી, ટ્રેડ યુનિયનિસ્ટ તરીકેના આ પહેલા તબક્કા બાદ તેમણે ૧૯૮૯માં વકીલાત માટેની સનદ મેળવીને કામદારોના અધિકારો માટે મોટી કંપનીઓ સામે સફળ અદાલતી લડત આપી હતી. સાથે તેમણે જન સંઘર્ષ મંચ જૂથ તેમ જ ન્યૂ સોશ્યાલિસ્ટ મૂવમેન્ટ પક્ષ પણ સ્થાપ્યા. ગુજરાતમાં ગોધરાકાંડને પગલે થયેલાં કોમી તોફાનોથી તેમની જિંદગીનો ત્રીજો તબક્કો શરૂ થયો. તેમાં તેમણે નાણાંવટી-શાહ કમિશનની સુનાવણીઓમાં ઊલટ-તપાસ થકી કોમવાદી હિંસાચારમાં સરકારની સાઝેદારીને ખુલ્લી પાડી. આતંકવાદનો હાઉ ઊભો કરવા માટે શાસકોએ કરાવેલ નકલી એન્કાઉન્ટર્સનો તેમણે પર્દાફાશ કર્યો. તેને પરિણામે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ તેમ જ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ.
મુકુલભાઈના ઉપર્યુક્ત જીવનકાર્યની અભ્યાસપૂર્ણ છણાવટ ઉપરાંત આ દસ્તાવેજી મહત્ત્વ ધરાવતા પુસ્તકમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી પણ મળે છે. જેમ કે પી.આર.એલ.માંથી મુકુલની હકાલપટ્ટી સામે સુપ્રીમ કોર્ટમાં લડનારા ગિરીશ પટેલની આંખોમાં હાર પછી આંસુ આવી ગયા હતા. ત્યારે મુકુલે તેમને દિલાસો આપતાં કહ્યું હતું : ‘એક વાત તો સ્પષ્ટ થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રે મારું કોઈ સ્થાન નથી કારણ કે વિજ્ઞાન અને કામદાર સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી !’ પી.આર.એલ. એ એવી પણ ગોઠવણ કરી હતી કે મુકુલને ભવિષ્યમાં ક્યાં ય નોકરી ન મળે. જામનગરમાં રિફાઈનરીની સ્થાપના વખતે તેમણે રિલાયન્સ સામે પરવાળાં બચાવવા માટે કેસ કર્યો હતો અને ‘પોટા’ના કેટલા ય આરોપીઓને તેમણે બચાવ્યા હતા એ માહિતી તેમનાં પત્ની નિર્ઝરી સિન્હાના લેખમાં મળે છે. તેમાં અને હર્ષ મંદેરના લેખમાંથી એ પણ જાણવા મળે છે કે મુકુલ અને તેમના સાથીઓએ ગોધરાકાંડ કોમવાદી કાવતરું નહીં પણ એક ભીષણ અકસ્માત હોવાનું સાબિત કરવા માટે બહુ સંશોધન કર્યું હતું. મંદેર એ પણ જણાવે છે કે મુકુલ કામદારો અને ઝૂંપડાવાસીઓનાં કેસો માટે ફી ન લેતા. તે પત્રકાર રના અયૂબને ટાંકીને નોંધે છે કે સરકારના જૂઠાણાંનો રોજબરોજ પર્દાફાશ કરતી ‘ટ્રુથ ઓફ ગુજરાત’ વેબસાઈટ મુકુલ તેમના પુત્ર મિહિરની મદદથી કિમોથેરાપીની પીડા વચ્ચે પણ ચલાવતા. મિઝોરમના બનાવટી એન્કાઉન્ટર્સ અંગેની ઊલટતપાસમાં સિન્હાએ ત્યાંના સુરક્ષાકર્મીઓને કેવી રીતે ખુલ્લા પાડ્યા તેની રસપ્રદ માહિતી મનીષા સેઠી લખે છે. મિહિર દેસાઈનો લેખ જણાવે છે કે મુકુલે પોતાના વૈજ્ઞાનિક સંશોધનને આધારે ગુજરાતના ભૂકંપનું એપિસેન્ટર સરકાર કહે છે તેનાથી જુદું હતું એ બતાવી આપ્યું હતું. કોમી રમખાણો પછી ન્યાય માટેની લડતનાં વર્ષોમાં મુકુલને મોટો હાર્ટ એટેક આવ્યો હતો અને નિર્ઝરીબહેનને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મુકુલ ફેફસાંના કૅન્સરથી ગયા વર્ષે ત્રેંસઠની ઉંમરે અવસાન પામ્યા. અજિત સાહીના લેખમાં તેમના ટ્રેડ યુનિયન લૉયર તરીકેના કામ અને તેમાં ય કલ્યાણજી આણંદજીની પેઢીના કર્મચારીઓની લડતની પ્રેરક વાત છે. પ્રવીણ મિશ્રા લખે છે : ‘મુકુલના જીવનના અનેક રંગ હતા – કર્મશીલ, વિજ્ઞાની, વકીલ, રસોઈયા, કવિ, ગાયક, પ્રેમી, પિતા, બિરાદર અને દરેક સાથીની ચિંતા કરનાર તેમ જ તેમને વિશેની ગેરસમજની કોઈ ચિંતા ન કરનાર, એવા બહુ મોટા માણસ હતા.’ અઠંગ આશાવાદી મુકુલ સિન્હાના લોકશાહી અને બંધારણની અંદરના વિશ્વાસને વ્યક્ત કરતાં વક્તવ્યો પણ પુસ્તકના તસ્વીરકાર પ્રવીણ નોંધે છે. ઉપેન્દ્ર બક્ષી મુકુલ સિન્હાને નાગરિકની ફરજો અને તેના પાલન અંગેના ‘બંધારણના અનુચ્છેદ ૪અ-નો જીવતોજાગતો દાખલો’ ગણાવે છે. મુકુલના કામમાં વિજ્ઞાન, કાનૂન અને માનવઅધિકાર ત્રણેયનો સુમેળ સધાયો હતો એમ પણ બક્ષી માને છે.
‘ફ્રેન્ડસ ઑફ મુકુલ સિન્હા’ નામના જૂથે બહાર પાડેલા સવાસો પાનાંના આ પુસ્તકનું સંપાદન બેંગલોરની નેશનલ લૉ સ્કૂલના પ્રોફેસર સૌમ્યા ઉમા અને અલ્ટરનેટીવ લૉ ફોરમના વકીલ અરવિંદ નરેને બહુ અભ્યાસ અને માવજતથી કર્યું છે. પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે : ‘માનવસંહાર સાથે સંકળાયેલા સો કરતાં વધુ માણસો પર મુકુલ સિન્હા અને તેમના પ્રતિબદ્ધ સાથીઓની બહાદુરીભરી કોશિશોથી કાનૂની કાર્યવાહી થાય એ અ-પૂર્વ બનાવ હતો. આજે એ બનાવ ભુલાઈ જવાનું જ નહીં, પણ ઊલટાઈ જવાનું જોખમ ઊભું થયું છે. નાગરિક સમાજના કર્મશીલો પરનું દમન વધ્યું છે. આવી નિર્ણાયક ક્ષણે આપણે મુકુલ સિન્હાની ગેરહાજરી વિશેષ અનુભવીએ છીએ.’
(સાભાર ‘વેબ ગુજર્રી’)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2015; પૃ. 16
![]()

