જો સમય આવ્યે હસ્તક્ષેપ ન કરો, કોઈ કામ ન કરો, પોતાના હોવાપણાનું મૂલ્યાંકન ન કરો અને માત્ર બચતા રહીને વિકસતા રહો તો એ હોવાપણાનો શો અર્થ? ગાંધીજી પોતાની વિચારધારા સાથે આવ્યા, પોતાનું કામ કર્યું ને વારસો છોડીને જતા રહ્યા. બીજા છેડે હિટલર પોતાની વિચારધારા સાથે આવ્યો, તેને જે કરવું હતું એ કામ કર્યું અને વારસો છોડીને જતો રહ્યો. દરેક વ્યક્તિ માટે અને વિચારધારા આધારિત રાજકારણ માટે મર્યાદિત સમયસંદર્ભો હોય છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગયા દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કર્યા એ નિમિત્તે સંઘનું મૂલ્યાંકન કરનારા ત્રણ લેખો મેં આ કૉલમમાં લખ્યા હતા એ વાચકોને યાદ હશે. એ લેખોનો એક મિત્રે મરાઠીમાં અનુવાદ કર્યો હતો અને ‘સામ્યયોગ’ નામના મરાઠી સામયિકમાં એ છપાયા હતા. મરાઠીમાં વિચારસંક્રમણતા આપણા કરતાં ઘણી તીવ્ર છે એટલે એ લેખોની ઝેરોક્સ નકલ નાગપુરના સ્વયંસેવકોના વાંચવામાં આવી. એક દિવસ નાગપુરથી એક સ્વયંસેવકનો ફોન આવ્યો અને તેમણે ઇચ્છા પ્રગટ કરી કે તેઓ સંઘ વિશે મારી સાથે જાહેરમાં અને સામૂહિક રીતે ચર્ચા કરવા માગે છે. તેઓ જ્ઞાનયોદ્ધા નામની સંસ્થા ચલાવે છે જે બૌદ્ધિક ચર્ચા માટેનો સંઘના સ્વયંસેવકોનો મંચ છે. શરત એ હતી કે તેઓ પહેલાં એક કલાક માટે મને શાંતિથી સાંભળશે અને એ પછી મારે તેમને શાંતિથી સાંભળવાના. મેં એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના સંમતિ આપી દીધી હતી, કારણ કે સંઘના સ્વયંસેવકો સાથે સંઘના ગઢમાં સામૂહિકપણે ચર્ચા કરવાનો મને પહેલી વાર અવસર મળવાનો હતો.
૧૬ જાન્યુઆરીએ નાગપુરમાં બેઠક યોજાઈ હતી. લગભગ સાઠેક જેટલા સ્વયંસેવકો હાજર હતા. મારે એક વાત કબૂલ કરવી જોઈએ કે સંઘના કાર્યકરોએ ચર્ચામાં જે શાલીનતા બતાવી હતી એ કલ્પનાતીત હતી. ન ગમે એવા અભિપ્રાય તેમના કાને પડતા હોવા છતાં કોઈ સ્વયંસેવકે મને વચ્ચે રોક્યો કે ટોક્યો નહોતો. એક કલાક કરતાં વધુ સમય સુધી સંપૂર્ણ શાંતિ સાથે તેમણે મને સાંભળ્યો હતો અને એ પછી તેમણે સંઘના બચાવમાં જે કાંઈ કહેવું હતું એ કહ્યું હતું. તેમના ખુલાસા મને કેટલી હદે ગળે ઊતર્યા છે એ જાણવા પણ તેઓ ઉત્સુક હતા એટલે તેમણે અંતમાં ફરી બોલવાની મને તક આપી હતી. નાગપુરનો અનુભવ સુખદ અને આશ્ચર્યજનક બન્ને હતો.
મેં લખેલા ત્રણ લેખો તેમના વાંચવામાં આવ્યા હતા એટલે બને એટલા પ્રમાણમાં પુનરુક્તિ ટાળીને સંઘ વિશે અન્ય કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરવાનો મારો પ્રયાસ હતો. મેં ઉપસ્થિત કરેલા મુદ્દાઓ આ મુજબ હતા :
જમણેરી વિચારધારા એ કોઈ નવી વાત નથી. રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના થઈ એના અનેક દાયકાઓ પહેલાં જમણેરી વિચારધારા પશ્ચિમમાં આકાર પામવા લાગી હતી, જેમાં બહુમતી કોમ આધારિત રાષ્ટ્રવાદથી લઈને વાંશિક સર્વોપરિતા સુધીનો સમાવેશ થાય છે. અનેક મેધાવી વિચારકો આ વિચારધારાને સાંપડ્યા છે અને તેમણે આ વિચારધારાને વિકસાવી છે. માત્ર એક ઉદાહરણ આપવું હોય તો માર્ટિન હૈડેગરનું આપી શકાય, જેઓ ૨૦મી સદીના મોટા ગજાના અસ્તિત્વવાદી ફિલસૂફ હતા અને હિટલરના સમર્થક હતા. આવા તો બીજા અનેક વિચારકો, કલાકારો, સાહિત્યકારો જમણેરી વિચારધારાને સાંપડ્યા હતા. ભારતમાં આ વિચારધારા આવી છે તો એ પશ્ચિમમાંથી આવી છે.
સવાલ એ છે કે શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મોટી હેડીના કોઈ વિચારક ન મળ્યા? હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે તો વિના સંકોચે પશ્ચિમના બહુમતી કોમવાદ આધારિત રાષ્ટ્રવાદનો સ્વીકાર કર્યો છે. હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વ એ બન્ને સંકલ્પના સાવરકરની છે અને એ પશ્ચિમની ફાસીવાદી વિચારધારાનું ભારતીય સ્વરૂપ છે. હિન્દુત્વ એટલે હિન્દુઓની ઓળખનાં એવાં કેટલાંક ચોક્કસ લક્ષણો જે માત્ર હિન્દુમાં જ જોવા મળે. આમ હિન્દુત્વ શબ્દ દ્વારા સાવરકરે ભારતીયત્વને નકારી કાઢ્યું છે. જો ભારતીયત્વમાં ગેરહિન્દુ લક્ષણો આવતાં હોય તો એ તેમને સ્વીકાર્ય નહોતું. આમ ખાસ ઓળખ ધરાવનારા બહુમતી હિન્દુઓનું રાષ્ટ્ર એટલે હિન્દુ રાષ્ટ્ર અને એ રીતે તેમણે ભારતીય રાષ્ટ્રને નકારી કાઢ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાવરકરના હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર તો અપનાવ્યાં છે, પરંતુ એ સાથે જ એ સાવરકરથી દૂર ભાગે છે. સાવરકરે તો શબ્દ ર્ચોયા વિના કહ્યું હતું કે જે પ્રજાની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત છે એ કોમની રાષ્ટ્રનિષ્ઠા પર જ માત્ર ભરોસો કરી શકાય, બાકીની કોમની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હોવાની. ભારતમાં હિન્દુઓ, બૌદ્ધો, જૈનો, સિખો અને પારસીઓની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ બન્ને ભારત છે એટલે તેમની વફાદારી શંકાતીત હોઈ શકે છે, જ્યારે મુસ્લિમો અને ઈસાઈઓની જન્મભૂમિ ભલે ભારત હોય, પરંતુ તેમની પવિત્ર ભૂમિ ભારત બહાર હોવાથી તેઓ ગમે ત્યારે દેશદ્રોહ કરી શકે છે. સાવરકરે મુસ્લિમોના અને ઈસાઈઓના દેશપ્રેમ વિશે શંકા કરવામાં સંકોચ નહોતો કર્યો. તેમને રાષ્ટ્રની બહાર રાખવામાં સંકોચ નહોતો કર્યો. તેમને દ્વિતીય નાગરિક લેખવામાં સંકોચ નહોતો કર્યો. સાવરકરની વૈચારિક પ્રામાણિકતા સ્વીકારવી રહી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અસ્પષ્ટ છે. એક બાજુ વ્યવહારમાં સંઘ મુસ્લિમો અને ઈસાઈઓની રાષ્ટ્રનિષ્ઠા વિશે શંકા પણ કરે છે અને બીજી બાજુ તેમની પાસેથી સમરસતાની અપેક્ષા પણ રાખે છે. અપેક્ષા એવી છે કે ઈસાઈઓ અને મુસ્લિમોએ હિન્દુ રાષ્ટ્ર અપનાવી લેવું જોઈએ. ભારતભૂમિ હિન્દુ છે, ભારતનો આત્મા હિન્દુ છે, ભારતની સંસ્કૃિત હિન્દુ છે અને ભારતમાં જે કોઈ જન્મે છે તે હિન્દુ છે; માત્ર તેની ધાર્મિક શ્રદ્ધા અલગ-અલગ છે. તેમણે પોતાની અલગ ધાર્મિક શ્રદ્ધા જાળવી રાખીને પોતાને હિન્દુ તરીકે ઓળખાવવો જોઈએ. આને માટે સંઘ આગ્રહપૂર્વક સમરસતા શબ્દ પ્રયોજે છે.
આ સમરસતા શબ્દ સંઘને બહુ વહાલો છે. વિચિત્રતા એ છે કે મૂળભૂત ફિલસૂફી બહુમતી કોમવાદી રાષ્ટ્રની અપનાવવાની અને સમરસતાની અપેક્ષા રાખવાની. રાજકારણ સાવરકર પ્રેરિત હિન્દુ રાષ્ટ્રનું કરવાનું અને સમરસતાની અપેક્ષા રાખવાની. જેમની પવિત્ર ભૂમિ ભારત નથી એવી પ્રજાની રાષ્ટ્રનિષ્ઠા પર શંકા કરવાની અને અપેક્ષા સમરસતાની રાખવાની. રાજકીય સંજ્ઞાઓ સાવરકરની વાપરવાની અને સમરસતાની અપેક્ષા રાખવાની. આમ શક્ય બને ખરું? અને જો એ શક્ય છે તો સમરસતાનું એવું રસાયણ વિકસિત થવું જોઈતું હતું. સમરસતાપૂર્વકના હિન્દુ બહુમતી કોમના હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવા માટે ૯૦ વર્ષ એ કોઈ ઓછો સમય નથી. ટૂંકમાં કહીએ તો સ્થિતિ એવી છે કે સંઘ પશ્ચિમની ફાસીવાદી ફિલસૂફી સંપૂર્ણપણે સ્વીકારતો નથી, સાવરકરની ફિલસૂફી ખુલ્લંખુલ્લા સ્વીકારતો નથી તો બીજી બાજુ વિકલ્પે સમરસતાની ફિલસૂફી વિકસાવી શક્યો નથી. નથી સંઘે એવો કોઈ પ્રયાસ કર્યો કે નથી સંઘને એવા વિચારકો મળ્યા.
સંઘના નેતાઓ જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરે છે ત્યારે તેઓ ઉદારમતવાદી હિન્દુ ધર્મનો મહિમા કરે છે જેના પાયામાં વસુધૈવ કુટુંબકમ, એકો હમ બહુસ્યામ, એકો સત્ બહુધા વદન્તિ વગેરે છે. તેઓ ઉપનિષદ, વેદાંત, બુદ્ધ, મહાવીર, રામકૃષ્ણ અને વિવેકાનંદના હિન્દુ ધર્મ દર્શનનો મહિમા કરે છે. તેઓ હિન્દુઇઝમને વે ઑફ લાઇફ અને કૉમનવેલ્થ ઑફ ફેઇથ તરીકે ઓળખાવે છે. તેમને જ્યારે શાસનવ્યવસ્થા વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ આધુનિક રાજ્યમાં નિષ્ઠા વ્યક્ત કરે છે. આધુનિક રાજ્ય એટલે પ્રજાસત્તાક-લોકતાંત્રિક-સેક્યુલર રાજ્ય. એવું રાજ્ય જેના પાયામાં પ્રાથમિક એકમ તરીકે નાગરિક છે, કોઈ પ્રજાસમૂહ નથી. ભારતમાં સાર્વભૌમત્વ નાગરિકનું છે, કોઈ ભગવાન કે ધર્મનું નથી. મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક રાજ્યો ત્યારે રચાઈ શક્યાં છે જ્યારે સાર્વભૌમત્વ અલ્લાહને આપવામાં આવ્યું છે. નાગરિકને સાર્વભૌમત્વ આપીને ધર્મ આધારિત રાજ્ય એ શક્ય જ નથી. નાગરિક આધુનિક ભારતીય રાજ્યનું સાર્વભૌમત્વ ધરાવે છે એટલે તેના મૂળભૂત અધિકારો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એકસરખા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સંઘનો પોતાનો રાજકીય પક્ષ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે સ્વયંસેવકો આધુનિક રાજ્યના સોગંદ લઈને દેશના વડા પ્રધાન બન્યા છે.
સંઘનું હિન્દુ દર્શન અને સંઘનો હિન્દુ જો ઉદાર ઔપનિષદિક છે અને સંઘને સમાનતા આધારિત સવર્સમાવેશક આધુનિક રાજ્યમાં શ્રદ્ધા પણ છે તો પછી હિન્દુ રાષ્ટ્ર બનશે કઈ રીતે? ઔપનિષદિક ઉદારમતવાદી હિન્દુ દર્શનનો અસ્વીકાર કર્યા વિના અને આધુનિક રાજ્યને નકાર્યા વિના હિન્દુ રાષ્ટ્રની રચના શક્ય જ નથી. વિનાયક દામોદર સાવરકરે શરમાયા વિના સવર્સમાવેશક ઉદારમતવાદી હિન્દુ ધર્મ વિચારનો અને આધુનિક રાજ્યનો અસ્વીકાર કર્યો છે. પશ્ચિમના ધર્મો (ખાસ કરીને ઇસ્લામ અને ઈસાઈ ધર્મ) સંખ્યાકીય તેમ જ સાંસ્કૃિતક રીતે વિસ્તારવાદી છે અને પશ્ચિમના ધર્મો આધ્યાત્મિક કરતાં રાજકીય વધુ છે એવો સાવરકરનો અભિપ્રાય પાછો સંઘ સ્વીકારે છે. પશ્ચિમના રાજકીય ચરિત્ર ધરાવતા ધર્મનો (પૉલિટિકલ રિલિજિયન) મુકાબલો કરવો હશે તો હિન્દુ ધર્મને પૉલિટિકલ બનાવવો પડશે. ઔપનિષદિક ઉદારતાની વાતો કર્યે નહીં ચાલે એમ સાવરકરે કહ્યું હતું.
સંઘ આનાથી ઊલટું, પશ્ચિમના પૉલિટિકલ રિલિજિયન્સથી ભયભીત પણ છે, એનો મુકાબલો પણ કરવા માગે છે, હિન્દુ દર્શનની ઉદારમતવાદી મહાનતા છોડવા પણ નથી માગતો, આધુનિક રાજ્યમાં શ્રદ્ધા પણ ધરાવે છે, રાજકીય પક્ષ સ્થાપે છે અને એ સાથે હિન્દુ રાષ્ટ્ર પણ સ્થાપવા માગે છે. આ તો એવું થયું કે ઉદારતા અને સહિષ્ણુતા જાળવી રાખીને, પાડોશીને સીધો દોર પણ કરવો છે અને તેને અંકુશમાં પણ રાખવો છે. એ ઉપરાંત તેની સાથે સમરસતા વિકસાવીને સાથે જીવવાની અપેક્ષા પણ છે.
આ વૈચારિક અસ્પષ્ટતા સંઘની બુદ્ધિદરિદ્રતાનું પરિણામ છે કે પછી ચાલાકી છે? કે પછી બન્ને છે? કોયડો આ છે. મને એમ લાગે છે કે આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ પણ છે અને ચાલાકી પણ છે. આપણો ઔપનિષદિક વારસો નકારવા જેટલી હિંમત સંઘ એકઠી નથી કરી શકતો એટલે તો એ સાવરકરના રાજકારણને અપનાવવા છતાં સાવરકરની વિચારધારાથી દૂર ભાગે છે. એ ખરેખર હિન્દુઓની રાજકીય સરસાઈ સાથે સમરસતાનું વિચિત્ર ખ્વાબ જુએ છે. આમાં બચી નીકળવાની ચાલાકી પણ છે. અંતિમવાદી વિચારધારા અપનાવવાથી સરકારી પ્રતિબંધનો ભય છે અને એ ઉપરાંત સ્વભાવત: ઉદારમતવાદી હિન્દુ સંઘનો કદાચ અસ્વીકાર તો નહીં કરે એવો ભય પણ છે. ટૂંકમાં, સ્થિતિ એવી છે કે સંઘ નથી સ્પષ્ટ હિન્દુ રાષ્ટ્રની ફિલસૂફી અપનાવતો કે નથી સમરસતાની વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકતો. માત્ર બચી નીકળીને આજે એક વટવૃક્ષ બન્યો છે જે નથી હિન્દુઓને છાંયડો આપી શકતો નથી, ફળ આપી શકતો. કતૃર્ત્વ વિનાના ર્દીઘાયુનો શો મતલબ?
ગાંધીજી પોતાની વિચારધારા સાથે આવ્યા, પોતાનું કામ કર્યું અને વારસો છોડીને જતા રહ્યા. બીજે છેડે હિટલર પોતાની વિચારધારા સાથે આવ્યો, તેને જે કરવું હતું એ કામ કર્યું અને વારસો છોડીને જતો રહ્યો. દરેક વ્યક્તિ માટે અને વિચારધારા આધારિત રાજકારણ માટે મર્યાદિત સમયસંદર્ભો હોય છે. જો સમય આવ્યે હસ્તક્ષેપ ન કરો, કોઈ કામ ન કરો, પોતાના હોવાપણાનું મૂલ્યાંકન ન કરો અને માત્ર બચતા રહીને વિકસતા રહો તો એ હોવાપણાનો શો અર્થ?
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 જાન્યુઆરી 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-31012016-12