Opinion Magazine
Number of visits: 9485773
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી આજે પ્રસ્તુત છે?

આશા બૂચ|Gandhiana|25 January 2016

આ માસને અંતે ગાંધીજીની 68મી પુણ્યતિથિ નિમિત્તે, ફરી એક વધુ વખત, તેમની સમાધિ પર દેશના સર્વોચ્ચ પદાધિકારીઓ પોતે નહીં કાંતેલા સૂતરની આંટી મૂકીને નમન કરશે, રાજઘાટ પર પ્રાર્થનાનું ગાન થશે અને એમ આપણે મહાત્મા પ્રત્યેનું ઋણ ચૂકવ્યાના સંતોષ સાથે પોતાની જાતને શાબાશી આપીને ફરી રોજીંદા જીવનમાં ઘાણીના બળદની માફક જોતરાઈ જશું.

વર્ષોવર્ષ આવા ખાસ સમારોહ થાય ત્યારે અને જ્યારે પણ દેશ અને દુનિયાની ઘટનાઓ દિલને હચમચાવી જાય ત્યારે પ્રશ્ન ઊઠ્યા વિના રહેતો નથી; ‘ભાન ભૂલેલી દુનિયાને સાચનો માર્ગ બતાવવા બીજો મસીહા ક્યારે આવશે? યદા યદા હી ધર્મસ્ય … એ વચન ક્યારે પળાશે? ગાંધીજી આજે પ્રસ્તુત છે?’

આસપાસ નજર નાખીએ તો સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે નિ:સ્વાર્થી અને લોકહિતને કાજે જાન ફના કરનારા સમાજસેવકોની સેના ઊભી થયેલી, તેની સામે આજે સરકારી અને બિન-સરકારી નોકરિયાતોનાં ઘેટાંશાહી માનસવાળું લશ્કર ઊભું થયેલું જોવા મળે છે. ક્યાં આઝાદીને પગલે સ્વનિર્ભર અને સ્વમાની ગામડાં રચવાની કરેલી કલ્પના ને ક્યાં આજની ‘સ્માર્ટ સિટી’ બનાવીને ગામડાંને પરાધીન અર્થતંત્રના ચક્ર નીચે કચડી નાખવાની પેરવી? સર્વોદયી અર્થતંત્ર વિકસાવીને ભારતની તમામ પ્રજાને સ્વતંત્રતાનો પ્રસાદ વહેંચવાના ગાંધીજીના આદેશને કોરાણે મૂકીને તંત્રોના અંકુશ નીચે વિકસેલ કેન્દ્રિત અર્થતંત્ર અપનાવીને બહુજન સમાજને કરેલ અન્યાય માટે કોને જવાબદાર ગણીશું? ક્યાં રચનાત્મક કાર્યો દ્વારા વિકાસની ક્ષિતિજ વિસ્તારીને પ્રગતિનો આંક ઊંચે ચડાવવાની ખેવના અને ક્યાં આજની બજારુ વ્યવસાયિક વ્યવસ્થાના પ્યાદા બનીને job કરનારા સ્વકેન્દ્રિત યુવક યુવતીઓની પલટન? ક્યાં ગાંધીજીના સમયમાં એકાદશ વ્રત આચરનારા પ્રામાણિક ચારિત્ર્યવાન લોકો અને ક્યાં આજની ભોગવાદી પ્રજાનાં નષ્ટપ્રાય મૂલ્યો? ગાંધીજીએ માનવીને કેન્દ્રસ્થાને રાખીને વિશ્વકુટુંબ ભાવના વિકસાવવાનો માર્ગ બતાવેલો જેની તદ્દન વિરોધી એવી ઉદારીકરણને નામે વૈશ્વીકરણની આગ તમામ સંસ્કૃિતને ભરખી રહી છે. આ બધું જોતાં એમ લાગે કે ખરેખર ભારતની પ્રજા તો ગાંધીજીને સાવ વિસારે પાડીને તેમના સિદ્ધાંતોથી સાવ અવળી દિશામાં પ્રયાણ કરી રહી છે. તેનાથી નિરાશા જ સાંપડે.

ડૂબતો માણસ તરણું પકડે તેમ ગાંધી યુગમાં જીવીને તેમના વિચારોની આતશ જલતી રાખી ગયેલા લોકોનાં જીવન કાર્ય અને લેખન પર માર્ગદર્શન માટે નજર પડે એ ન્યાયે સ્વ. નારાયણભાઈ દેસાઈ લિખિત ‘મારું જીવન એ જ મારી વાણી’ પુસ્તકમાંથી ટૂંકાવીને લીધેલ લેખ વાંચી જવા મન કર્યું. તેમણે ગાંધીજીના વિચારોને તત્ત્વ અને તંત્રની દૃષ્ટિએ જોવાની ચાવી આપી એ સમજવા યોગ્ય છે. નારાયણભાઈ કહેતા કે ગાંધી વિચારનાં તત્ત્વો કાલાબાધિત હતા અને તંત્ર સમય અને સમાજની જરૂરિયાતો અને બદલતા સંયોગોને લીધે બદલાવાની શક્યતા ધરાવે છે અને એ તત્ત્વો સાથે તંત્રનો સમન્વય સાધીને એક સંસ્કૃિતનું નિર્માણ કરે છે. તો આજે આધુનિક વિચાર પદ્ધતિનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા ચાલે છે એમ કહી શકાય. જેમ કે પ્રદૂષણ વધવાથી પર્યાવણને થતા નુકસાન વિષે દુનિયાના તમામ દેશો ચિંતિત થયા છે અને સાગમટે તેનો ઉપાય કરવા કરારબદ્ધ થવા કોશિશ કરે છે. જરા સુક્ષ્મ દૃષ્ટિથી જોઈશું તો આ પર્યાવણને બચાવવાની વાત આમ જુઓ તો માનવીની જીવન પદ્ધતિને લગતી છે. ચીન અને દિલ્હી સ્મોગનો ભોગ બને છે અને ત્યાં વસતા નાગરિકો ખાસ કરીને ઊગતી પેઢીનાં સ્વાસ્થ્ય ઉપર ભારે જોખમ તોળાઈ રહ્યાનું ભાન થયું એટલે વાહનો ચલાવવા માટે ઓડ-ઇવન એટલે કે એકાંતરે દિવસે જ વાહન વાપરવાની યોજના અમલમાં મુકાઈ રહી છે. એ સૂચવે છે કે ભૌતિક સુખ સગવડનાં સાધનોનો ભર પેટ ઉપયોગ કર્યા બાદ હવે તેનાથી નિપજતા હાનિકારક પરિણામો પ્રગતિ કરી ચૂકેલા અને પ્રગતિશીલ દેશોને લોભ અને અવિચારી ભોગ વિલાસનો માર્ગ છોડી સંયત જીવન જીવવા પ્રેરે છે.

ગાંધીજીએ વીસમી સદીને ત્રણ મૌલિક સાધનોની ભેટ ધરી, અને તે છે સત્યાગ્રહ, એકાદશ વ્રત અને રચનાત્મક કાર્યક્રમ. સત્યાગ્રહ તાત્ત્વિક વિચાર છે. આપણે જોઈએ છીએ કે હિંસાને માર્ગે પોતાના ઈચ્છિત ધ્યેયને પામવા મથતા લોકો ગંતવ્ય સ્થાને નથી પહોંચતા. આથી જ ભલે રીત જુદી અપનાવે પણ સત્યાગ્રહનું તત્ત્વ જાળવી રાખે, તેને જ જોઈતું ફળ મળે છે. લોકશાહી શાસન અને માનવ અધિકારોની માગણી માટે આરબ સ્પ્રિંગ નામે ઓળખાયેલી ચળવળ શરૂઆતમાં અહિંસક રહી, પરંતુ એ હથિયાર હેઠાં મુકીને અન્ય દેશોએ આપેલ વિનાશકારી શસ્ત્રો વાપરીને બંને પક્ષે લોહિયાળ જંગ માંડ્યો છે તો કોઈને ફાયદો નથી થવાનો. આ હકીકત જેટલી જલદી સમજાશે અને અહિંસક સત્યાગ્રહને રસ્તે ચાલવા પ્રજાનું ઘડતર થશે તથા તેને દોરવણી આપનાર તેમના જ સમૂહમાંથી ઊભો થશે ત્યારે આવા સંઘર્ષોનો કાયમી ઉકેલ આવશે અને નહીં તો એક ડુંગર ચડીએ પછી બીજી ટોચ દેખાય તેમ એક પછી બીજા હિંસક સંઘર્ષોની હારમાળા ચાલ્યા કરશે. આથી જ તો અન્યાય અને શોષણનો ભોગ બનેલ પ્રજા સત્યાગ્રહના તત્ત્વને સમજીને તેને અનુરૂપ તંત્ર શોધવા કટિબદ્ધ બનશે તેવાં એંધાણ દેખાય છે.

ગાંધીજીએ સાબરમતી આશ્રમની નિયમાવલી તરીકે આપેલ એકાદશ વ્રતનો ઉચ્ચાર કરતાં જ મોટા ભાગના લોકો કહેશે કે એ એક આદર્શ છે અને આજના સમયમાં અવ્યવહારુ પણ છે. ખરેખર? નારાયણભાઈએ આ વિષે સુંદર સમજણ આપી હતી. તેમણે કહ્યું કે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર વ્રત કાલાબાધિત છે અને સર્વ ધર્મમાં માન્ય છે પછી ભલે અન્ય ધર્મગુરુઓએ તેને વ્યક્તિગત સ્તરે પાલન કરવાનો બોધ આપેલો અને તેનો સામાજિક તથા રાજકીય ગુણ ગણીને રોજીંદા તથા જાહેર જીવનમાં વિનિયોગ કરવાની વાત માત્ર ગાંધીજીએ જ કરી હોય. હવે આ ચાર વ્રતોના પાલન માટે અભય હોવું અનિવાર્ય છે માટે એ ઉમેર્યું. એટલે આ પાંચ વ્રતોનું પાલન તો આજે પણ એટલું જ જરૂરી છે એ તો એ વ્રતોના પાલન ભંગથી ઊભી થતી કુટિલ પરિસ્થિતિથી ખ્યાલ આવે છે. રહ્યાં બ્રહ્મચર્ય, શરીર શ્રમ, અસ્વાદ, સર્વધર્મ સમભાવ, સ્વદેશી અને સ્પર્શભાવના, કે જે દેશકાળ સંબંધિત છે એમ માનીને રાજકીય સ્વતંત્રા મળ્યા બાદ તેના પાલનની જરૂર ન સમજનારાઓને એટલું જ કહેવાનું કે અમર્યાદિત ભોગ વિલાસ, શરીર શ્રમથી વેગળી જીવન પદ્ધતિ, ખાણી પીણીમાં લીધેલી બેફામ છૂટછાટો, અન્ય ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા, વિદેશી માલ અને વેપારનો વધતો મોહ અને જ્ઞાતિની મજબૂત થતી પકડથી આજના ભારતની હાલત કેવી થઇ રહી છે?

પશ્ચિમી અર્થવ્યવસ્થાને અનુસરીને ભારતે પણ top down વિકાસ પદ્ધતિનો માર્ગ લીધો, જે મોટા ભાગની જનસંખ્યાની ભલાઈ સાધવામાં નિષ્ફળ ગયો. માત્ર ભારત જ નહીં પણ દુનિયાના બીજા દેશોએ પણ સર્વોદયની વિચારધારા અને રચનાત્મક કાર્યોને  એક યા બીજી પરિભાષાથી સમજવી પડશે. કેમ કે એ માત્ર એક આર્થિક તંત્ર રૂપ સિદ્ધાંત જ નહીં પણ રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃિતક સમતુલા સાધીને વિકાસની તરાહ ચીંધતો તાત્ત્વિક વિચાર છે. એ માર્ગે ન ચાલવાને કારણે ઠેર ઠેર હિંસક સમાજનાં દર્શન થાય છે તે અમથાં? પછી એના તંત્ર તરીકે રેંટિયાને બદલે બીજું વિકેન્દ્રિત ઉત્પાદક સાધન શોધાય તો પણ લોકનું ભલું જ થશે. જો કે આજકાલ સ્થાનિક પેદાશો વાપરીને સ્થાનિક કારીગરોએ બનાવેલ વસ્તુઓ વાપરવાનો આગ્રહ પશ્ચિમના દેશોમાં વધતો જણાય છે. પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની ઝોળી મહિલાઓ જ નહીં પણ પુરુષોના ખભ્ભે લટકતી જોઈને ‘કાં હવે અક્કલ ઠેકાણે આવીને?’ એમ કહેવાનું મન થાય. સંસ્થાનવાદને ટકાવવા અને ઔદ્યોગિક ક્રાંતિના ફલસ્વરૂપ શોધાયેલાં મશીનોને ચાલુ રાખવા જે મૂડીવાદ પેદા થયો એનાથી અપાર શોષણ થયું એ હવે આપણને કેમ પાલવે? અહીં એક વાત નોંધવા યોગ્ય છે કે છેલ્લા થોડાં વર્ષોથી ભારતમાં અને અન્ય દેશોમાં intermidiate technology, માફકસરની ટેકનોલોજી અને માનવીય ટેકનોલોજીના પ્રયોગો થઈ રહ્યા છે, જે ઉપલા સિદ્ધાંતની પ્રસ્તુતતા સૂચવે છે. તંત્ર પ્રધાન ઉત્પાદન અને કેન્દ્રીય વ્યાપારને કારણે બેરોજગારી વધે છે તેમ હવે વિકસિત દેશોને ભાન થયું પણ ઘણું મોડું થઇ ગયું. રચનાત્મક કાર્યોનો હેતુ હતો દેશની અશિક્ષિત, માંદલી, અજાગૃત અને સામાજિક દૂષણોમાં ફસાયેલી પ્રજાને તેમાંથી મુક્ત કરી સબળ બનાવવી જેથી લોકશાહી સફળ થાય. આવો જ પ્રયત્ન અઢી હજાર વર્ષ પહેલાં સોક્રેટિસે કરેલો.  

આજે Global villageને નામે મુક્ત બજાર દરેક દેશમાં ઘુસણખોરી કરી ગયું છે. તો પછી માનવીય મૂલ્યો, સંસ્કૃિતક ધરોહર, ભાષાકીય અને લોક કલાઓની વિશેષતાઓ અને અલગ અલગ દેશોને સાંપડેલ સફળતાઓનું વૈશ્વીકરણ કેમ ન કરી શકાય? આજે ભારતમાં સમાજના દરેક સમૂહ વચ્ચે સમાનતા સાધવી, કોમી એખલાસ જાળવી રાખવો, ભૂમિ સમસ્યાઓનો કાયમી ન્યાયી ઉકેલ લાવવો, શિક્ષણનો માનવ જીવન સાથે અનુબંધ જોડવો, સ્વાસ્થ્યની જાળવણી કરવી વગેરે અગણિત કાર્યો છ દાયકા પછી પણ અધૂરાં છે. એક વાત સાબિત થઈ ચૂકી છે કે પંચવર્ષીય યોજનાઓ દ્વારા ઉપરોક્ત ધ્યેય સાધી નથી શકાયાં. જો ગાંધી ચિંધ્યા માર્ગનો વિકલ્પ કોઈ શોધી કાઢે તો એ અપનાવવા આપણી તૈયારી છે અને જો એમાં નિષ્ફળ થઈએ તો ગાંધી આજે પણ પ્રસ્તુત છે એ સ્વીકારી તેમના વિચારો સમજીને અમલમાં મુકવાનો સમય પાકી ગયો છે.

ભારત અને અન્ય દેશોને સ્પર્શતી સાંપ્રત સમસ્યાઓ કઈ કઈ? ટેકનોલોજી માનવ વિકાસને ગતિ આપે છે પણ દિશા ભૂલી રહી છે અને તેના જ દુરુપયોગથી અસ્ત્રશસ્ત્રો મહાપ્રલય સુધી ખેંચી જાય તેટલાં બનાવાય અને વેંચાય છે. આર્થિક સામ્રાજ્યવાદ ધનિક-નિર્ધન વચ્ચે હિમાલયની ખીણ જેટલું અંતર પેદા કરે છે જેને કારણે હિંસક બનાવો વધે છે. ધરતી પ્રાકૃતિક સ્રોત વિહોણી થવા લાગી છે, લોભને થોભ નથી. દુનિયાના વિવિધ વિષયોના તજ્જ્ઞો આ સમસ્યાઓનો ઉકેલ પોતપોતાની રીતે લાવી રહ્યા છે. જેમાંના કેટલાક ગાંધી વિચારને જાણ્યે અજાણ્યે અપનાવતા માલુમ પડે છે. જેનો કોઈ પંથ, વાડો નહોતો, જે કોઈ ધાર્મિક કે રાજકીય સંગઠનના વાળા નહોતા, જે કોઈ રાજકીય પક્ષના સભ્ય સુધ્ધાં નહોતા એવા મહાપુરુષનું નામ ભલે ન લેવાય પણ તેમણે કંડારેલી કેડી પર ચાલ્યા વિના છૂટકો નથી એવું પ્રતીત થાય છે, આનાથી વધુ ગાંધી પ્રસ્તુત છે એનો પુરાવો ક્યાં મળે?

e.mail : 71abuch@gmail.com

Loading

25 January 2016 admin
← રઘુવીર ચૌધરીને બદનામ કરો અભિયાન
મબલખ આનંદ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved