આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.
આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.
જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.
મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.
— જવાહર બક્ષી
મને બહુ જ ગમતીલા, માનનીય શાયર જવાહર બક્ષીનો – મારા જીવનમંત્ર જેવો – શેર…..
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
આખું જીવન ભરપૂર જીવ્યા હોઈએ, ઘણા બધા અભરખા, ઉલ્લાસો, મજાઓ, મહત્ત્વાકાંક્ષાઓ સંતોષાઈ ગઈ હોય – આ લખનાર જણ છે, તેવા જીવનના આખરી તબક્કામાં – ભગવો વધારે ગમતીલો બને; એ જીવનની કુદરતી રીત છે. મારી ઉમરના વયસ્કોની મોટા ભાગની વાત આવી – વિરક્તિની – હોય છે. આ લોક ભોગવી લીધા પછી, પરલોક વિશે વધારે ચિંતા થવા લાગે છે. હાથમાં વાંસળી નહીં પણ માળા આવી જાય છે! સામાન્ય માણસની સામાન્ય કથની જ ને?
પણ જેને આપણે યોગેશ્વર ગણીએ છીએ એ શ્રીકૃષ્ણનું જીવન એક જુદી જીવનરીત દર્શાવે છે. તેમ જ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું જીવન બીજી જીવન રીત બતાવે છે. હિંદુ જીવન દર્શન આ બન્નેને આદર્શ જીવન માને છે. અને યોગ્ય રીતે માને છે.
જીવનના કોઈ પણ તબક્કામાં મસ્તી અને વિરક્તિ એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. કશાથી તણાઈ ન જવું. સાગર મધ્યે પણ કોરા રહી શકાય અને રણમાં પણ ભરપૂર ભીનાશ માણી શકાય. કમળના પાન પર પાણીનું ટીપું રહે તેમ મનની વૃત્તિઓ બધા ઉછાળા વચ્ચે પણ સ્થિર રહી શકે?
આઠ દાયકાઓના જીવન નાટક પર નજર કરતાં એમ લાગે છે કે, જો આ મનોસ્થિતિ જીવનભેર રહી હોત તો જીવન કેવું વધારે સભર રહ્યું હોત? નાટકનો નાયક આમ જ અભિનય કરતો નથી હોતો? એ શ્રૃંગાર, કરુણ કે શાંત રસનો આપણને ભરપૂર અનુભવ કરાવી શકે છે. પણ પોતે તો એનાથી સાવ અલિપ્ત જ હોય છે. એનું કામ તો નાટકનો રસ પ્રેક્ષકને પીરસવાનું હોય છે – અને તે એ કામ પૂર્ણ નિષ્ઠાથી કરી શકે છે.
ખેર! ભલે જીવન એ રીતે ન જીવાયું . પણ છેલ્લો શ્વાસ નીકળી જાય ત્યાં લગણ આવી જાગૃતિ સાથે જીવન વીતાવતાં એમ પ્રતીતિ થઈ છે કે, કદાચ આ જીવન જીવવાની સાચી રીત છે.
માનીતા, ગમતીલા શાયર ‘શૂન્ય’ પાલનપુરીની આ ગઝલ સાથે વિરમીએ, ઉલ્લાસીએ ….
જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.
પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે નેક છે.
એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”
e.mail : surpad2017@gmail.com