… અને નાયકનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. તેને થાય છે, ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’
પૃથ્વી દિન 22 એપ્રિલે છે અને પુસ્તક દિન 23 એપ્રિલે. આ બંનેને એક દોરમાં પરોવી શકાય એવાં પુસ્તકની વાત આજે કરવી છે. આ પુસ્તક છે ‘અકૂપાર’ નામની નવલકથા.
વાચકમિત્રોને યાદ હશે કે ધ્રુવ ભટ્ટની અન્ય વિશિષ્ટ પ્રકારની નવલકથાઓની જેમ ‘અકૂપાર’ પણ પ્રશિષ્ટ સામયિક ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. ‘અકૂપાર’ની પુસ્તક રૂપે પહેલી આવૃત્તિ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે 2010માં પ્રગટ કરી હતી. જાણીતાં નાટ્યકાર અદિતિ દેસાઇએ તેનું સુંદર નાટ્ય-રૂપાંતર કર્યું છે અને યુવા પ્રતિભા ડૉ. વિશાલ ભાદાણીએ ‘ધ બ્લ્યૂ માર્બલ’ નામે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. વાચકો-વિવેચકોમાં પણ તે ખૂબ આવકાર પામી છે.
આટલું કહેવાથી કઈં ન નીપજે. આ પુસ્તક વિષે ગમે તેટલું લખીએ કે બોલીએ તો પણ કઈં ન નીપજે. અલબત્ત એના વિષે ઘણું લખાયું અને બોલાયું છે, એથી ય થોડી જાણકારી વધવા સિવાય ખાસ કઈં ન થાય. પણ જો ‘અકૂપાર’માંથી પસાર થવાનો અનુભવ લઈએ અને એમ કરતાં જો એ પણ આપણામાંથી પસાર થઈ જાય તો વળી કઈંક બને તો બને.
પુરાણોમાં અકૂપાર એ ઇંદ્રધુમ્ર સરોવરમાં રહેતા પ્રસિદ્ધ કાચબાનું નામ છે, જેણે પૃથ્વીને ધારણ કરી છે. અકૂપાર શબ્દ ‘સારા અંત’ને વ્યક્ત કરે છે અને સમુદ્રને માટે પણ, એ સીમારહિત હોવાથી વપરાયો છે. પથ્થર, ખડક, સૂર્ય એવા ય એના અર્થ મળે છે. ‘અકૂપાર’નો નાયક એક એસાઈન્મેન્ટ રૂપે પૃથ્વી તત્ત્વને લાગતાં થોડાં ચિત્રો દોરવા ગીરમાં આવ્યો છે. ગીર એટલે આમ તો મિશ્ર પાનખર વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું 64 કિલોમીટર લાંબુ અને 32 કિલોમીટર પહોળું જંગલ. આ જંગલમાં માલધારીઓના નેસડા છે. વાંદરા, સિંહ, દીપડા, ચીતળ, નીલગાય, જંગલી ડુક્કર, નાર, શિયાળ, લોંકડી, શાહુડી, જરખ, સિંકારા, સાબર, ચૌસિંગાં હરણ વગેરે પ્રાણીઓ છે. છસાત નદીઓ એમાંથી વહે છે, થોડાં તીર્થો છે અને એનો અમુક ભાગ અભયારણ્ય-પ્રવાસન તરીકે પણ ઘણો વિકસ્યો છે.
જો કે ગીરને નજીકથી પામી શકનારાઓ જાણે છે કે ગીર એક સ્થાનવિશેષથી ઘણું વધારે કશુંક છે. ગીર એક સંસ્કૃતિનું નામ છે, ગીર એક શ્રદ્ધાનું નામ છે, ગીર જડચેતન સૃષ્ટિની પરસ્પર સંવાદિતાનું નામ છે. ગીરનો તાર સમસ્ત બ્રહ્માંડના રહસ્યો સાથે જોડાયેલો છે. આ ગીરમાં ધ્રુવભાઈ રહ્યા છે, એને નિકટથી ઓળખી છે અને એટલે જ એમના નાયકે એટલે જ પૃથ્વીતત્ત્વના આલેખન માટે ગીરની પસંદગી કરી છે.

ધ્રુવ ભટ્ટ
નાયકના મનમાં એમ છે કે પહેલા અનુભવ, પછી આલેખન – એવું કરવું. શહેરનો એ જીવ, આને માટે ગીરમાં આવીને રહે છે. ધીરે ધીરે એ ગીર અને ઘેડ વિસ્તારના આંતરબાહ્ય જીવનને સમજે છે, એના પર તોળાઈ રહેલાં આધુનિક મૂલ્યોના આક્રમણને અને ગીરને સમજતા-રક્ષવા મથતા લોકોની નિસબતને પિછાણે છે. તેને પ્રતીતિ થાય છે કે માણસે એના પોતાના કલ્યાણ માટે પણ વિરાટના એક અંશ તરીકે રહેવાની નમ્રતા શીખવાની કેટલી જરૂર છે. એનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’
પાત્રોથી, પ્રસંગોથી આ અનુભવ ઊઘડતો આવે છે. આફ્રિકાથી સિંહોના જીવન પર સંશોધન કરવા આવેલી ડોરોથી, વહાલી ગાયનો ભક્ષ કરનાર સિંહને માફ કરતી લાજો, ગીરને પચાવીને બેઠેલાં આઈમા, ગીર પ્રત્યે સાચી ખેવના ધરાવતી અને ગાયોને વેચી દેતા પતિને ત્યાગી દેતી ઉગ્ર સાંસાઈ, ગીર પ્રત્યે મમત્વ જગાડે તેવા કેમ્પ કરનાર રવિ અને ગોપાલ, ‘કાંક હોય તો જ કાંક આવે’ કહેતો અલગારી કિશોર વિક્રમ, પોતાના પર હુમલો કરનાર સિંહ માટે હોસ્પિટલના ખાટલા પરથી પણ ‘ઈનો મને મારવાનો વિચાર નહીં’ કહેતો ધાનુ, ગીરના માલધારીઓને ‘તમે માણહજાત કેવાવ, તમને બળ તો નો દેવાય. પણ તમારી વા’ર (રક્ષા) તમારી ભેંહું કરસે’ એવું વચન આપતાં આવડમા, વહેલ માછલીનો શિકાર કરતા માછીમારોને ‘ઈ દીકરિયું આંઈ બચોળિયાંને જનમ આપવા હાટુ આવે છે’ કહી અટકાવતી સરપંચ રાણી, એન્જિનની બાધા રાખતી ને તેને નાળિયેર ચડાવતી સાબા, તેને મદદ કરતો અને ‘માનતામાં તો માણાંની સ્રધા જ જોવાની. બાકી આમ જુઓ તો મંદિરની મૂરતી ય અંતે તો પાણા સિવાય બીજું શું છે?’ કહેતો ડ્રાઈવર – આ બધાં પાત્રો માટે ગીર મા છે અને એમાં વસતા તમામ જીવો પોતીકા છે. એમનું સિંહણને ‘જણી’ કહેવું, સિંહની આમન્યા રાખવી, ટેકરીઓનાં-નદીઓનાં નામ રાખવા, બે પર્વતના લગ્નની વાત, કેરળથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સાંસાઈના ગઢવીની ગાયોની વાત, સિંહનો શિકાર અટકાવવા અંગ્રેજ અમલદાર સુધી પહોંચેલા અંધ રવાઆતા આપણી આસપાસ ફરતા હોય એવાં જીવંત છે.
આ બધા પ્રત્યે આશ્ચર્યના ભાવથી ખાસ આગળ ન વધવા છતાં ‘પ્રકૃતિના મૂળભૂત સત્યને-ઋતને પામનારો હું પણ એક છું’ એવી અનુભૂતિ નાયક મેળવતો રહે છે. તેને ખ્યાલ આવે છે કે પંચમહાભૂતો, પ્રકૃતિ વગેરેને હું જે જોતો-સમજતો હતો તે માત્ર શિક્ષણ હતું, અહીં આ બધું સમજના સ્તરે પહોંચ્યું છે. આપણને પણ પ્રતીતિ થયા વિના રહેતી નથી કે જે મૂળભૂત તત્ત્વને કારણે આટઆટલાં પાપોનો ભાર ઉપાડીને પણ પૃથ્વી ટકી રહી છે, એ તત્ત્વ અહીં છે. ગીર માત્ર એક પ્રદેશ નથી, એ જીવનને ધારણ કરતા સૂક્ષ્મ અને વિરાટ સત્યથી ધબકતું અસ્તિત્વ છે. આ ધબકાર પણ વાચક સુધી પહોંચે છે.
‘ખમ્મા ગર્યને’ આ છે નવલકથાનું પહેલું વાક્ય. એક નેસમાં બધા બેઠા છે, રાતનો વખત છે. અચાનક આખું જંગલ જાતજાતના અવાજોથી ખળભળી ઊઠે છે. કોઈ શિકારી પ્રાણીએ કદાચ એકાદ પ્રાણીને પાડી દીધું છે. આઈમા કહે છે, ‘ખમ્મા ગર્યને’ નાયકને સમજાતું નથી કે આઈમા આખી ગીરને ખમ્મા શું કામ કહે છે? ઘણા વખત પછી એને સમજાય છે કે જે કઈં પણ બને છે તેનો ભાર છેવટે તો પૃથ્વી પર જ આવે છે.
બીજા એક પ્રસંગે પ્રદર્શન માટે અમદાવાદ ગયેલાં આઈમાને અમદાવાદ ગમતું નથી ને ગીર યાદ આવે છે એ જાણીને સાંભળનાર પૂછે છે, ‘અહીં અમદાવાદ કરતાં વધારે તમને જંગલમાં ગમે?’ બીજું કોઈ પણ બોલ્યું, ‘ફરવા જવાનું ઠીક છે, પણ કોઈ સગવડો વગર, સિંહ-દીપડા વચ્ચે, મર્યા કે મરશું એવી બીકમાં રહીને શું કરવાનું?’
ધ્રુવ ભટ્ટ લખે છે, આઈમા ખુરશીમાં ટટ્ટાર થયાં અને વળતો ઘા કરતાં હોય તેવી અદાથી બોલ્યાં, ‘એવું સે તોય, આંયાં રેય સે ઇના કરતાં ઝાઝાં જીવ ન્યાં રેય સે. ક્યાં રઈં તો ભે નઈં ઈ સ્હંધા જીવ-જનાવર જાણતાં હસે તંયે જ હય્સે ને?’ પછી બધાને ઉદ્દેશીને બોલ્યાં, ‘મારા દીકરાઉં, સ્હૌ સ્હમજી લ્યો કે આંઈ પાકા ઘર્યમાં રંઈ ઈ વાત્યે કોઈ અમર નથ્ય થૈ જાવાનો. આ રોડ માથ્યે મોટરું, ખટારા ને ફટફટિયાં જેટલાંને મારે છે એટલાંને ન્યાં સ્હાવજ દીપડે કે નાગ-વીંસીએ માર્યા કોઈ દી સ્હાંભળ્યા નથ્ય.’
અને પછી કુદરતના શોષણને સાક્ષીભાવે જોતા આપણા જેવા લોકોને આટલું તો થાય – ‘એમ સાવ આપડે સું કરીયે કરીને સૂટી તો નો જ પડાય, બાપ, બીજું નોં કરીયેં, પણ આવડો બધો વાંક સે ઈ તો માથે લેવો પડે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઍપ્રિલ 2025