જ્યોતિરાવ ફુલે
જન્મ : 11-4-1827— મૃત્યુ : 28-11-1890
મહાત્મા જ્યોતિરાવ ફુલે શુદ્રોને શિક્ષણ પ્રવાહમાં લાવવામાં પુરોધા હતા. આજનું મહારાષ્ટ્ર જો તિલક–ગાંધી સંક્રાન્તિનું તો ફુલે–આંબેડકર પ્રબોધન પરંપરાનુંયે સંતાન છે

પ્રકાશ ન. શાહ
તત્કાળ નિમિત્ત અલબત્ત ફુલે ફિલ્મ વિવાદનું છે, પણ વાતની શરૂઆત હું ગાંધીહત્યા સંબંધે એક મુદ્દાથી કરવા ઈચ્છું છું. (મેં ‘ગાંધીહત્યા’ એવો પ્રયોગ કર્યો, પણ ગોડસેને અભિમત પ્રયોગ તો ‘ગાંધીવધ’ અને ‘ગાંધીવધ’ જ હોય – હાસ્તો વળી, જેમ કંસવધ તેમ ગાંધીવધ.)
1948માં ત્રીસમી જાન્યુઆરીએ સમાચાર આવ્યા કે વડોદરાની અમારી મહાજન પોળમાં કોઈક લગ્ન હતાં એ તો મુલતવી રહ્યાં પણ આસપાસનાં ઘરોમાં જાણે કુટુંબમાં કોઈનું મરણ થયું હોય એમ લોકોએ સ્નાન પણ કર્યાં હશે. વળતે દહાડે સાંભળ્યું કે હું જેમાં ભણતો એ રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન હનુમાનની પડખે અભ્યંકરની દુકાન સાથે લૂંટફાટ ને બાળઝાળની કોશિશ થઈ હતી, કેમ કે કોઈક ખબર લાવ્યું’તું કે એ ગોડસેના મામાની દુકાન હતી. બાળપણમાં તો મેં એને એક એકલદોકલ ઘટના રૂપે જ જોઈ હતી, પણ જરી મોટો થયો ને કંઈક વિશેષ સમજતો થયો ત્યારે ખયાલ આવ્યો કે ગાંધીહત્યાને પગલે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિ. બ્રાહ્મણેતરની તરજ પર હિંસ્ર વિસ્ફોટ થયો હતો.
આધુનિક મહારાષ્ટ્રનાં રાજકીય-સામાજિક પરિવર્તનો પાછળનાં વૈચારિક સંચલનોને તેમ રાષ્ટ્રીય રાજકારણમાં તિલક-ગાંધી સંક્રાન્તિને મહારાષ્ટ્રના વિશેષ સંદર્ભમાં સમજવાની દૃષ્ટિએ ફુલે ફિલ્મ વિવાદની પિછવાઈ કદાચ ‘રેડી રેફરન્સ’ બલકે ‘પોઈન્ટ ટુ રેકન વિથ’ બની રહે એમ છે.
અગિયારમી એપ્રિલે, ફુલે જયંતીએ આ ફિલ્મ રમતી મૂકાતી રહી ગઈ (અને હવે ચાલુ અઠવાડિયે તે ઘટતા સુધારા સાથે ડબ્બા મુક્ત થવામાં છે) – એની પાછળ કથિત ઉપલી વરણ ને નાતજાતને મુદ્દે ટીકાત્મક ઉલ્લેખો તેમ આપણા સામાજિક ઇતિહાસમાં ત્રણ હજાર વરસથી ચાલુ બ્રાહ્મણ સર્વોચ્ચશાહી પ્રકારના સંદર્ભો કામ કરી ગયા છે. અચ્છા કલાકાર અને આ ફિલ્મના વડા કસબી અનંત મહાદેવને કહ્યું છે કે ભાઈ હુંયે બ્રાહ્મણ છું અને જે ટીકા થાય છે તે બ્રાહ્મણવાદને અંગે છે. પ્રમાણપત્ર બોર્ડ કશું ‘કટ’ કરવા નથી માગતું, થોડા સુધારા જરૂર સૂચવે છે. જો કે, મહાદેવનનું કહેવું દેખીતું ખોટું નથી, પણ પ્રમાણપત્ર બોર્ડ (જેણે સામાન્યપણે ‘યુ’ અને ‘એ’ – યુનિવર્સિલ કે એડલ્ટ એવા વિવેકની કામગીરી બજાવવાની હોય છે) આવે વખતે જે તે સત્તા-પ્રતિષ્ઠાના તરફે સેન્સર બોર્ડની ભૂમિકામાં આવી જતું હોય છે.
મહાત્મા જ્યોતિરાવ ફુલે (1827-1890) શુદ્રોને શિક્ષણ પ્રવાહમાં લાવવામાં પુરોધા હતા. એમણે અને સાવિત્રીબાઈએ બ્રાહ્મણવાદી હાંસી અને અપમાન વેઠીને શિક્ષણથી માંડી સમાજસુધારાની કામગીરી ખેડી હતી. આંબેડકર ફુલેની કામગીરીમાં પોતાના એક ગુરુનું દર્શન કરતા હતા. આજનું મહારાષ્ટ્ર જો તિલક-ગાંધી સંક્રાન્તિનું તો ફુલે-આંબેડકર પ્રબોધન પરંપરાનુંયે સંતાન છે.
મિશનરી સ્કૂલમાં શિક્ષણપ્રાપ્ત ફુલે એક અભિનવ ઇતિહાસદૃષ્ટિના જણ હતા. શિવાજીને એમણે સામાન્ય રૈયતના, ખાસ કરીને ખેડૂત સમાજને ઉગારનાર ને હક બક્ષનાર તરીકે જોયા અને ‘અમારા શુદ્રોના રાજા’ કહી તેમનો ગૌરવ પુરસ્કાર કર્યો. શિવાજીની જે છબી એમણે ઊપસાવી તે એક બ્રાહ્મણવાદી નહીં, પણ આમજનવાદી હતી. 1868-69-70નો ગાળો એમની ‘શિવાજી-ખોજ’નો છે. રાયગઢમાં ઝાડીઝાંખરા વચ્ચે સ્મૃતિલુપ્ત લગભગ ખોવાઈ ગયેલી શિવસમાધિને શોધવા-સંવારવાની કામગીરી એમના નામે ઇતિહાસજમે છે. એમણે શિવાજીનો પોવાડો લખ્યો ને એમને ‘કુળવાડી ભૂષણ’ લેખે બિરદાવ્યા. આ પોવાડામાંથી ઊપસતા શિવાજી કોઈ મુસ્લિમહન્તા હિંદુ હૃદયસમ્રાટ નથી, પણ સર્વ ધર્મોના સમાદરપૂર્વક શત્રુઓ સાથે કામ લેતી પ્રતિભા છે. હમણેનાં વરસોમાં બાબાસાહેબ પુરંદરે જેવા ‘સત્તાવાર’ ઇતિહાસકાર કે અગાઉનાં વર્ષોમાં બાળશાસ્ત્રી હરદાસ જેવા સંઘસમ્માન્ય લેખક-વક્તાએ ઊપસાવેલી છબી કરતાં ફુલેના શિવાજી ગુણાત્મકપણે જુદા છે. 1869-70માં, લોકમાન્ય તિલક હજુ બારતેર વરસના હશે ત્યારે ફુલએ પહેલો શિવાજી ઉત્સવ મનાવ્યો હતો. રાષ્ટ્રીય સ્તર પર શિવાજી ઉત્સવ 1894થી અલબત્ત તિલકને નામે બોલે છે. ભારતીય ઇતિહાસનાં છ સોનેરી પાનાંનું જે ઇતિહાસલેખન સાવરકરે બ્રાહ્મણવાના ગૌરવપૂર્વક હિંદુત્વ પ્રતિષ્ઠાપનના હેતુથી કર્યું છે એનાથી જુદી પડતી આ જનવાદી શિવ પરંપરા છે. પ્રબોધનકાર ઠાકરેથી માંડી બિરાદર ગોવિંદ પાનસરેનું શિવલેખન અલબત્ત ફુલે પરંપરામાં છે. જનવાદી શિવાજીનું આલેખન કરનાર પાનસરે તાજેતરનાં વરસોમાં દાભોલકર અને કલબુર્ગીની જેમ જ ઝનૂની ગોળીનો ભોગ બન્યા એમાં આશ્ચર્ય નથી. (શિવાજી પરની પાનસરેની પુસ્તિકા ગુજરાતમાં જગદીશ પટેલના અનુવાદમાં યજ્ઞ પ્રકાશન દ્વારા સુલભ થઈ છે.)
ફુલેએ સત્યશોધક સભા 1873માં શિવાજીના રાજ્યાભિષેક દિવસે સ્થાપી હતી. શિવાજીનો વૈદિક રાજ્યાભિષેક છઠ્ઠી જૂને થયો હતો, જ્યારે અવૈદિક ચોવીસમી સપ્ટેમ્બરેઃ ફુલેએ બીજી તારીખ પસંદ કરી હતી, એ સૂચક છે. ફુલેના લેખનમાં એક ધ્યાન ખેંચતું કામ ‘ગુલામગીરી’ (1873) એ પુસ્તક છે. હજાર કરતાં વધુ વરસથી સમાજમાં વર્ણગત નીચલી પાયરીની જે ગુલામી છે એનું એમાં નિરૂપણ છે. આ પુસ્તક અમેરિકી આંતરવિગ્રહ પછી તરતના દસકામાં બહાર પડ્યું. કાળી પ્રજાના અધિકારો માટે બે ગોરાઓ સામસામા થયા એની આ રોમહર્ષક દાસ્તાંને લક્ષમાં લઈ ફુલેએ તે જેમણે ન્યાય ને સમાનતા સારુ લડી જાણ્યું એ ભલા અમેરિકી લોકને અર્પણ કર્યું છે. આ અર્પણ પત્રિકા વાંચતા મને રેનેસાંપુરુષ રાજા રામમોહન રાયે ફ્રેન્ચ ક્રાન્તિ દિવસે પ્રીતિભોજ આયોજિત કર્યાનું સ્મરણ થયું હતું. વૈશ્વિક સ્તર પરનાં સ્પંદનો ઝીલતી આ પ્રતિભાઓ હતી.
સ્વરાજની લડાઈ કેવળ પરચક્રમ સામે જ નહીં, આપણા પોતાનાઓ સામે પણ લડવાની હોય છે, મહાત્મા ફુલેના જીવનકાર્યનો બાકી ખેંચાતો સંદેશ, આ ફિલ્મ પ્રગટ થતાં સમજાશે? ન જાને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઍપ્રિલ 2025