Opinion Magazine
Number of visits: 9507912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાકીદની જરૂરત, ધોરણસરની ચર્ચા

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|16 December 2015

સમયની સરતી રેત પર, ભલે સીમિત ગાળામાં પણ, જે પગલીઓ આ દિવસોમાં પડતી દેખાઈ, એમાં ક્યાંથી શરૂ કરીશું? વિગતે ચર્ચા જો કે એકાધિક અગ્ર લેખ માગી લે તો પણ ભારત-પાક સંબંધોમાં વાતચીત થકી શક્ય ઉઘાડથી માંડીને આપણી અદાલત એ ન્યાયની અદાલત કરતાં વધુ તો પુરાવાની અદાલત છે એ સાંસ્થાનિક કાળની કહેણીને એક વાર ઓર અંકે કરતા ચુકાદા તરફ તરત જ ધ્યાન જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર નજર નાખીએ તો જે ઘટના બાબતે નજર વળી વળીને ઠરવું પસંદ કરે એ તો ટાઇમ મેગેઝિને જેમને ૨૦૧૫ના વરસની વિશ્વપ્રતિભા લેખે ચમકાવ્યાં તે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલની નિસબતી સક્રિયતા અને સહાનુકંપાની છે. એમણે સિરિયાના આક્રાન્ત અને આહત લોકો માટે જર્મનીમાં આશ્રયપ્રવેશ બાબતે મોકળાશનું વલણ લીધું છે, તો બીજી પા આઇએસ કહેતાં ઇસ્લામી સ્ટેટ સામેની લશ્કરી સંકલનામાં જોડાવાપણું સ્વીકાર્યું છે.

જોગાનુજોગ જ, આ ત્રણે બીનાઓમાં ઓછોવત્તો મુસ્લિમ ઍંગલ (કંઈક ખરેખર, કંઈક કાકતાલીય?) દેખાય છે. સામાન્ય સંજોગોમાં એ નયે ગણકાર્યો હોત, પણ દેશમાં હાલ સત્તારૂઢ વિચારધારા જોતાં તે લક્ષમાં લેવાઈ જાય તો એનુંયે એક લૉજિક ખસૂસ છે. અટલબિહારી વાજપેયીની સાચુકલી કોશિશ છતાં ‘પરિવાર’નાં પરિબળો અને પાકિસ્તાનનાં કેટલાંક તત્ત્વો ભારત-પાક હિમવિગલન (થો) પરત્વે અવરોધક રહ્યાં છે. ઘરઆંગણાના ‘ધ અધર’ અને પાકિસ્તાન વચ્ચે કશીક રેશમદોરને કલ્પવું પરિવારને સહજપણે ગમતું રહ્યું છે, અને પાકિસ્તાનનાં પણ કેટલાંક તત્ત્વો ભારતવિરોધ સિવાય સાર્થકતા અનુભવી શકતાં નથી. સલમાન પ્રકરણમાં મહારાષ્ટ્રની ભાજપ-શિવસેના યુતિ સરકાર અપીલમાં આગળ જવા માટે તત્ક્ષણ નિર્ણય લેતાં આનાકાની અનુભવે છે. કદાચ, આગળ જાય તો મુસ્લિમ સમાજમાં પ્રવેશવાની હાલની કોશિશ પાછી પડે એવો અંદાજ હશે, કે પછી કેસ નબળો હોવાની છાપ?

એક વાત સાચી છે કે સામાન્યપણે પોલીસ કામગીરી આપણે ત્યાં નબળી રહી છે અને આમે ય નબળી કામગીરીમાં ચોક્કસ કારણો ભળે ત્યારે તે ઓર નબળી પણ પડી શકે છે. ગુજરાત ૨૦૦૨ આનું નોંધપાત્ર ઉદાહરણ છે. કેટલાક કેસો બહાર ખસેડાયા ત્યાર પછી જ ‘ન્યાયની કસુવાવડ’ બંધ થઈ શકી હતી, અને શીખવિરોધી સંહારમાં ન્યાયના ઠાગાઠૈયા સામે ગુજરાતમાં કંઈક કમજોરી છતાં વધુ સારો હિસાબ આપી શકાયો છે. પ્રજાકીય સંગઠનોએ બંને કિસ્સામાં કેડે કાંકરો મેલીને અને કેટલીક વાર તો જાન પર જોખમ વહોરીને સુલભ કરેલ તપાસહેવાલોને ધોરણે કામ લેવાઆપવામાં રાજકીય-શાસકીય અગ્રવર્ગના ઈરાદા શંકાના દાયરામાં રહ્યા છે, પછી તે દિલ્હીમાં કૉંગ્રેસ હોય કે ગુજરાતમાં ભાજપ. મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ કમિશનના હેવાલ બાબતે વારાફરતી આવતીજતી યુતિ સરકાર ને કૉન્ગ્રેસ સરકાર બેઉ લગભગ નામકર રહી છે.

એન્જેલા માર્કેલે ઘરઆંગણે કંઈક નારાજગી વહોરીને પણ સિરિયાના શરણાર્થીઓ માટે મોકળાશ દાખવી છે એમાંથી નવી દુનિયાને લાયક રાજપુરુષોચિત અભિગમ ફોરે છે. દસમી ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના અરસામાં જ તેઓ ‘પર્સન ઑફ ધ ઇયર’ લેખે ઉભર્યાં, એમાં અનાયાસ પણ જે એક સંકેત રહ્યો છે તે એ કે રાષ્ટ્રરાજ્યમાં બધ્ધમત આસ્થા કે મૂઢગ્રાહને વટી જતી માનવતા તરફ આપણે જવાનું છે. ભારત-પાક સંબંધોમાં સુવાણની દૃષ્ટિએ, સરહદો અપ્રસ્તુત જેવી બની રહે તે દૃષ્ટિએ ય આ અભિગમ જરૂર ઉપયોગી થઈ પડે એમ છે. માત્ર, ઘરઆંગણે માનવ અધિકાર અને નાગરિક સ્વતંત્રતાની વગેરે માંગણી બાબતે છાંછિયા કરવાની અને રાષ્ટ્રવાદને બંધારણીય દાયરામાં નહીં પણ ધર્મકોમના દાયરામાં જોવાની માનસિકતામાંથી બહાર આવવાનો તકાજો સાફ છે.

આ સંદર્ભમાં જાહેર જીવનમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં જો કોઈ એક તાકીદની જરૂરત હોય તો એ ધોરણસરની ચર્ચાની (બલકે વિમર્શની) છે. અદાલતી કારવાઈમાં આગળ જવાને બદલે લોકસભા ઠપ કરવાનો હાલનો કૉન્ગ્રેસ રવૈયો ભાગ્યે જ ઉપકારક બની શકે. અવરોધક તો અલબત્ત એ છે જ. રચનાત્મક અવરોધનું તાજેતરનું ઉદાહરણ એવોર્ડો પરત કરવાના સ્વયંભૂ આંદોલનમાં જોવા મળે છે. સરકારે એને ‘પ્રાયોજિત અને વિનિર્મિત વિરોધ’માં અમથું જ ખપાવ્યું છે. કલબુર્ગી, પાનસરે, દાભોલકરની હત્યાઓ જે તે રાજ્યમાં કૉંગ્રેસકાળમાં થઈ છે એ વિગત બેલાશક સાચી છે. પણ આ હત્યાઓ પાછળની માનસિકતાને સંઘ પરિવારમાં વિચારધારાકીય સૅંક્‌શન મળી રહે એવો વર્ગ પણ મોટો છે એ ય એટલું જ સાચું છે.

આ લખી રહ્યો છું ત્યારે તાજેતરની બે વિગતો અધોરેખિત કરવા જેવી લાગે છે. સંઘ શ્રેષ્ઠી મનમોહન વૈદ્યે કહ્યું છે કે આંધ્ર જેવા રાજ્યમાં હિંદુઓમાં ગોમાંસનિષેધ નથી, અને તેઓ સંઘમાં પણ હોઈ શકે છે. જો આ અને આવી વિગતોના ઉજાસમાં સંઘ પરિવાર વિચારી શકે તો ભલે ઉત્તર પ્રદેશના બિનભાજપ શાસનમાં પણ અહલક ઘટનાને સૅંક્‌શન આપતી સંઘ માનસિકતાને તે કિંચિત્‌દુરસ્ત તો કરી શકે. અને આવી દુરસ્તી ભાજપના સુશાસનદાવામાં સહાયરૂપ પણ થઈ શકે.

બીજા સમાચાર કલબુર્ગી, પાનસરે, દાભોલકરની હત્યાઓમાં વપરાયેલ કારતૂસોમાં માલૂમ પડેલી સમાનતાના છે. ચોક્કસ વિચારધારાકીય માનસિકતાવશ એવા ‘કૉન્સ્પિરસી ઍંગલ’વાળી કશી શૃંખલાના સગડ એમાં નથી પડેલા, એવું કહી શકીશું? સમજોતા એક્સપ્રેસ, માલેગાંવ-મક્કા મસ્જિદ ઘટનામાં હિંદુ સંડોવણીના હેવાલોને કેવી રીતે જોઈશું? (સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતનું પ્રકરણ ચાલ્યું તે અરસામાં સરસંઘચાલક ભાગવતે એ મતલબનું વિધાન પણ કરેલું છે કે સંઘ આતંકવાદમાં માનતો નથી, અને અમારે ત્યાંના એવા તત્ત્વોને અમે રૂખસદ આપેલી છે.)

સહિષ્ણુતા વિમર્શનું જો કોઈ વહેવારપાસું હોય તો તે કાયદાના શાસનનું છે, અને વિચારપાસું હોય તો તે બંધારણીય રાષ્ટ્રવાદના અભિગમનું છે. એક વાર રાષ્ટ્રવાદ વિશેનો અભિગમ પરિશુધ્ધ બને તો ‘ધ અધર’ની માનસિકતામાંથી છૂટકારો મળે. આ ‘ધ અધર’ યથાપ્રસંગ બદલાતો રહેતો હોય છે તે આપણા ખયાલમાં રહે એ જરૂરી છે. ગુજરાતમાં નર્મદા બંધના ટીકાકારો લાંબો વખત આવું નિશાન રહ્યા છે – અને કૉંગ્રેસભાજપ બેઉ આમાં સહભાગી રહ્યા છે. હા, આમીરખાનની ‘ફના’ બાબતે બિનસત્તાવાર સેન્સરમાં નર્મદાનો મુદ્દોે અને આમીરનું મુસ્લિમ હોવું બેઉ વાનાંના ભેગું થઈ જવું ભાજપને સવિશેષ ગમતું આવ્યું હતું.

આ અભિગમ પકડાય તો યુનાઇટેડ નેશન્સે માનવ અધિકાર દિવસ નિમિત્તે ચાલુ વરસે આપેલું સૂત્ર ‘અવર રાઇટ્‌સ, અવર ફ્રીડમ્સ, ઑલ્વેઝ’ (આપણા અધિકારો, આપણી સ્વતંત્રતા, રોજેરોજ’) કોઈ અસાધ્ય અરમાન નહીં પણ દુઃસાધ્ય ને દૂરની તોયે શક્યતા જરૂર બની રહે …. પણ એ માટે તંત્રજોગવાઈ વગરના ‘રાઇટ ટૂ એજ્યુકેશન’ જેવી નકો નકો જોગવાઈઓના કળણમાંથી બહાર નીકળવું પડે! પછી, કોણ કહે છે, હૈ બાગે બહાર દુનિયા ચંદરોજ? ચંદ રોજ નહીં, રોજેરોજ, રોજબરોજ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 01-02    

Loading

16 December 2015 admin
← ઝુમરીતલૈયાની ટોળી
માહિતી અધિકાર : કાયદો પૂરતો નથી →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved