
પ્રકાશ ન. શાહ
વિશ્વગ્રામના એ રૂડા વાવડ જાણ્યા તમે? વિદુષી વિમલાતાઈ ઠકારને, રામનવમીએ (છઠ્ઠી એપ્રિલે) એકસો પાંચમું વરસ બેઠું તે ગુજરાત એમના એક અનોખા પ્રકાશન થકી ઊજવી રહ્યું છે. તાઈ 2009ની અગિયારમી માર્ચે (ધુળેટીએ) ગયાં એને જોતજોતાંમાં સોળ વરસ વીતી ગયાં – એમાં પણ એમની શતાબ્દી લગભગ વણમનાવી પસાર થઈ ગઈ! જો કે મોટા માણસોની જીવંત હાજરી વાસ્તે દુનિયાદારી ગાજોવાજો જરૂરી નથી : વીજચમકાર ન વરતાતો હોય ત્યારે પણ એ નંદાદીપ, કહો કે એ અખંડ દીવો અહોરાત્ર પ્રજ્વલિત જ હોય છે.
છ દાયકા પાછળ જઈ જોઉં છું તો ભૂદાન આંદોલન ગજબ ઊંચકાયેલું હતું. ગાંધી કોઈ ઇતિહાસવસ્તુ નથી પણ જાગતુંજોત જણ છે એની ડંકે કી ચોટ ગવાહી દેતું વિનોબાયન અજબ જેવી ભાવનાઓ જગવી રહ્યું હતું. 1857 પછી હવે 1957 – એ તો સત આવન કી સાલ, કદાચ એ મતલબનું કંઈક સૂર્યકાન્ત ને ગીતા પરીખની જોડલીને ગાતી ને ગણગણતી સાંભળ્યાનું આ લખતાં સાંભરે છે; અને ગુજરાત કોલેજના છાત્રોને સંબોધતા જયપ્રકાશ સમક્ષ હેમકંકણ ઉતારતી કોલેજકન્યકા પણ જાણે છે કે નજર સામે તરવરે છે. બેસતે સ્વરાજે કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકતાં જયપ્રકાશ થકી સ્વરાજને પરિભાષિત કરતો જે અવાજ પ્રગટ થયો હતો તે જ અવાજ હવે સ્વરાજનિર્માણનાં નવસોપાન નિર્ધારી રહ્યો હતો.
એક તબક્કે, જમીન ટોચમર્યાદાનો કાયદો જ્યાં હાંફી ગયો હતો, ભૂદાન મળવાનું કેમ જાણે એને આંબવાની હૈયાધારણ આપતું હતું : ન કાનૂન, ન કતલ – કેવળ કરુણાની આ જે લોકકવાયત ત્યારે ઉપડી હતી એનો એક તરુણ ને તેજતર્રાર અવાજ વિમલા ઠકારનો હતો.
પાછળ જોઉં છું તો એક તબક્કે લગભગ થંભી ગયાનું અનુભવું છું. નહીં કે આંદોલન ત્યારે એવું ધીમું પડી ગયું હતું, પણ વિમલાજી કેમ સંભળાતાં તો શું દેખાતાં પણ નહોતાં? એ કદાચ કંઈક કશ્મકશવશ અંતરમાં ઊંડા ઊતરી ગયાં હતાં અને દેખીતાં અંતર્ધ્યાન પણ થઈ ગયાં હતાં. એમને સારુ એક ગજબનાક વિચારમંથનનો એ ગાળો હતો. ફિલસૂફીના છાત્ર અને કંઈક અધ્યાત્મ પરંપરાનો વારસો : એમને પજવતી લાગણી એ હતી કે લોક દાન આપે છે અને લોક લે પણ છે, પણ માહોલ બધો દાતાપાતાની ચાલુ રસમ જેવો જ કેમ લાગે છે. જે આપે છે એની ચિત્તવૃત્તિમાં ખરેખર કશું પરિવર્તન થાય છે કે પછી એક અચ્છા ઓડકારે આવીને એ અટકી જાય છે. જો સામાજિક રીતે માલિકી હક્કના વિસર્જનનો સંસ્કાર પડતો હોય અને સવિશેષ તો, આપનાર અપાવનાર પક્ષે અહંનું વિગલન ન થતું હોય તો આ આંદોલન નકરું સપાટી પરનું જ ને. કશીક ‘ખોજ’ સારુ નીકળી પડેલી કન્યકાને માટે પલાખા નવેસર માંડવાની આ અંતરઘડી હતી.
વિમલાજીને માટે અંતરવલોણાના એ કાળમાં વાતનો વિસામો ને હૂંફઠેકાણું જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન ને પ્રત્યક્ષ પરિચય હતાં. દૈવી શક્તિના કોઈ દાવા કે કશા જાદુઈ તામઝામ ઠાઠમાઠ વિના કૃષ્ણજીના ચેતનસ્પર્શે વિમલાજીની શ્રવણશક્તિ પણ પુન: સ્થાપિત થઈ. કૃષ્ણમૂર્તિ પોતે વીસમી સદીની એક અનુત્તમ શખ્સિયત હતા. એની બેસન્ટના આયોજનમાં ગાજોવાજો, તામઝામ સઘળું એમને નવયુગના તારણહાર કહો કે પયગંબર રૂપે સ્થાપવા જારી હતું.
એક વિશાળ સંગઠનના ચાંદતારા રૂપે એમણે પ્રકાશવાનું હતું. એક ક્ષણે કૃષ્ણમૂર્તિએ એ બધું ખંખેરી નાખ્યું. અવતાર પયગંબર નવયુગ પ્રદીપ કશુંયે થવાનો કે હોવાનો સરેઆમ ઈન્કાર કીધો. અહીં એમની ચિંતનરૂખમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે એ ન તો બંધાયા, ન તો ગંઠાયા. વિમલા ઠકારની આંતરસંવિત્તિનો જે પરિચય એમને થતો હતો તે પરથી જો કે એ એમને ચોક્કસ કહેતા કે You explode … થોડો વખત તો કેમ જાણે કૃષ્ણમૂર્તિની પાટે કોઈ આવવાનું હોય, એવીયે હવા બની. જો કે ન તો એ વિમલાને અભીષ્ટ હતું, ન તો એ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનને (કદાચ, કૃષ્ણજીને પણ) ઈષ્ટ હતું.
દર્શનશાસ્ત્રોના અભ્યાસી વિમલા ધુંઆધાર ભૂદાન ઝુંબેશ છાંડી કેવળ અંતરતમ સાથે સંવાદ અને અધ્યાત્મચિંતનમાં એક ગાળો લાંગર્યાઁ ખરાં, પણ એમાં ય એમને સોરવાતું નહોતું. એક અંતરાલના મંથન કાળ પછી એમની જે સમજ બની તે એ કે ધ્યાનમાં સરી જઈ ભૌતિક અલગાવમાં રહેવું અથવા સામાજિક અભિવ્યક્તિથી અળગા રહેવું એ નપુંસકતા અને મૂલ્યહીનતા છે – અલબત્ત, બીજી બાજુ, ધ્યાનના આધાર વિનાનું સમાજકર્મ એક અહંકેન્દ્રી પ્રવૃત્તિ બની રહે છે.
‘સ્પિરિચ્યુઆલિટી એન્ડ સોશિયલ વર્ક’માંથી પસાર થતાં એમનું એકંદર દર્શન સુપેરે સમજાઈ રહે છે કે આપણા સમયમાં સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ એક અય્યાશી છે. આનંદની વાત છે કે વિશ્વગ્રામની સદ્દભાવ પહેલથી નિરંજન શાહે કરેલો એનો અનુવાદ યજ્ઞ પ્રકાશન મારફતે સુલભ થયો છે.
વિમલાતાઈની આ પરિણત ભૂમિકાને આપણે જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના એક વિરલ સંતુલન રૂપે પણ જોઈ શકીએ. જયપ્રકાશ કટોકટીની જાહેરાત સાથે પકડાયા ત્યારનું એમનું છેલ્લું વ્યાખ્યાન, દેશની એકાધિક ભાષાઓમાં ઊતરી સર્વજનસુલભ બને એનું આયોજન એમણે કર્યું હતું. તે વખતની તત્પરતા ને પ્રતિબદ્ધતાની વાત, એમના એ કાળના અંતેવાસીવત્ કિશનસિંહ ચાવડા પાસે સાંભળવાનું બન્યું છે. મતદાતા જાગૃતિ અભિયાન, ગુજરાત બિરાદરીની સ્થાપના આસામના યુવા આંદોલનથી માંડી પોલેન્ડની સોલિડારિટી મૂવમેન્ટ અને જર્મનીની ગ્રીન મૂવમેન્ટ સાથે સાર્થક સંવાદ સંપર્ક એમ એમનો સમગ્ર ઉત્તરકાળ અધ્યાત્મરત પણ એની અય્યાશીથી મુક્ત એવું મહાકાવ્યોપમ પરિમાણ ધરાવે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 ઍપ્રિલ 2025