
ચંદુ મહેરિયા
સુપ્રીમ કોર્ટની એક કરતાં વધુ જજીસની બેન્ચ હંમેશાં સર્વસંમત ચુકાદા આપતી નથી. ખંડપીઠના ન્યાયાધીશોની બહુમતીથી પણ કેટલાક ચુકાદા અપાય છે. ખંડપીઠના બહુમતી ન્યાયાધીશોના મત સાથે કોઈ એક કે વધુ જજ સંમત ન હોય તેવું બને છે. તેઓ પોતાની ન્યાયિક અસંમતિ તેમના મત સાથે વ્યક્ત કરે છે. જો અસંમતિ લોકતંત્રની આધારશિલા છે તો ન્યાયિક અસંમતિ ન્યાયતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. ન્યાયિક અસંમતિ (Judicial Dissent) ન્યાય પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કાયદો, સમાજ અને રાજનીતિ વચ્ચેના ગતિશીલ સંબંધોની તે દ્યોતક છે. ન્યાયિક અસંમતિ દ્વારા ભિન્ન મત, ભિન્ન તર્ક અને ભિન્ન દૃષ્ટિકોણ વ્યક્ત થાય છે.
મૂળે સંસ્કૃત શબ્દ અસંમતનો અર્થ સંમત નહિ એવું થાય. સંમત એટલે સરખો, અનુરૂપ, માન્ય કે પસંદ મત ધરાવવો. તો તેનો વિરોધી શબ્દ અસંમત કે અસંમતિ અર્થાત જુદો કે બીજાના જેવો મત ન ધરાવવો. ‘નો, સર’ કહેવું, અસંમત થવું તે ભારતના બંધારણે ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’ને આપેલ મૂળભૂત અધિકાર છે. સંવિધાનના અનુચ્છેદ ૧૯થી તે સંરક્ષિત છે. બંધારણ દીધા વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૌલિક અધિકારમાં અસંમતિનો અધિકાર પણ સામેલ છે. સવાલ કરવો, પડકાર આપવો, ટીકા કરવી તે માત્ર હક નથી, નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે. જેમ નાગરિકને તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે.
ન્યાયિક અસંમતિ અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. એ ખરું કે સાથી ન્યાયાધીશો કરતાં જે ભિન્ન મત અદાલતના ચુકાદા કે નિર્ણયમાં વ્યક્ત થાય છે તે કાનૂની રીતે જરા ય બાધ્યકારી નથી. પરંતુ ભવિષ્યમાં થનારા કાયદાકીય ફેરફારોની બ્લૂપ્રિન્ટ તેમાં રહેલી હોય છે. ભારતમાં કેટલાક કાયદાકીય ફેરફારો ન્યાયિક અસંમતિને કારણે શક્ય બન્યા છે. ન્યાયિક અસંમતિ એ દૃષ્ટિએ પણ મહત્ત્વની છે કે તે વૈકલ્પિક દૃષ્ટિકોણ ઉજાગર કરે છે, ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા આણે છે અને ન્યાયિક સ્વતંત્રતામાં વૃદ્ધિ કરે છે. ન્યાયિક અસંમતિ ભારતીય ન્યાય પ્રણાલીની સમૃદ્ધિ અને જટિલતા દર્શાવે છે. ઘણી ન્યાયિક અસંમતિ તે પછીના કાયદાકીય પરિવર્તન અને ન્યાયિક નિર્ણયમાં ખપ લાગે છે અને આજનો લઘુમતી મત ભવિષ્યનો બહુમતી મત બની શકે છે. જો કે મોટા પ્રમાણમાં અને વારંવારની ન્યાયિક અસંમતિ ન્યાયતંત્રની વિશ્વસનીયતા, તટસ્થતા અને ખૂદ ન્યાય સામે જ સવાલો ખડા કરે છે. ન્યાયાધીશો વચ્ચેની એકતા અને ન્યાય પ્રણાલીની નિષ્પક્ષતા અંગેની લોકમાનસમાં જે છાપ છે તેને ખરડે છે.
ભારતમાં અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર ન્યાયતંત્રના આરંભકાળથી જ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. છેક ૧૯૬૨માં પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર ના ગણય તેવા બહુમતી ચુકાદા સામે જસ્ટિસ કે. સુબ્બા રાવે અસંમતિ દર્શાવતો ચુકાદો આપ્યો હતો. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી વખતે મૌલિક અધિકારોને પણ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. એ સમયે ભારતની સુપ્રીમ કોર્ટ પણ કહ્યાગરાની જેમ વર્તી હતી. ૧૯૭૬માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજીસની બેન્ચે બંધારણના અનુચ્છેદ ૩૫૯ અન્વયે અનુચ્છેદ ૨૧ સહિતના તમામ મૌલિક અધિકારો સ્થગિત રહે છે તેવો બહુમતી ચુકાદો આપ્યો હતો. સત્તાપક્ષની વિરુદ્ધમાં બોલવું એટલે બહુ મોટું જોખમ વહોરવા બરાબર હતું. પરંતુ જસ્ટિસ એચ.આર. ખન્નાએ બહુમતી જજીસથી જુદો મત વ્યક્ત કર્યો હતો. તેમણે ઈન્ટરનલ ઈમરજન્સીમાં અનુચ્છેદ ૨૧ સ્થગિત રહે તો પણ જીવન અને સ્વતંત્રતાના અધિકારથી નાગરિક વંચિત ના રહે અને આવી વંચિતતાને બંધારણ માન્ય રાખતું નથી તેમ જણાવ્યું હતું. આ ન્યાયિક અસંમતિ દર્શાવવાનું પરિણામ તેમણે ભોગવવું પડ્યું હતું. તેમની સિનિયોરિટીની અવગણના કરીને સરકારે તેમનાથી જુનિયર ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હતા અને જસ્ટિસ ખન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે રાજીનામુ આપવું પસંદ કર્યું હતું. જસ્ટિસ ખન્નાની આ ન્યાયિક અસંમતિ ન્યાયિક અસંમતિના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક છે.
રાજકીય, સામાજિક અને ધાર્મિક બાબતોમાં સરકાર, સમાજ અને ધર્મની ખફગી વહોરીને કે તેની ‘હા’માં હા મિલાવીને પણ ન્યાયાધીશો બહુમતી નિર્ણય કે ચુકાદા સામે અસંમતિ દર્શાવતા હોય છે. ૧૯૯૧માં દસમી લોકસભામાં કાઁગ્રેસના પી.વી. નરસિંહ રાવની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવના મતદાન વખતે સરકારની તરફેણમાં મતો ખરીદવામાં આવ્યા હતા. જે.એમ.એમ. (ઝારખંડ મુક્તિ મોરચો) લાંચ કાંડ તરીકે જાણીતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિચારવાનું હતું કે સંસદ સભ્યોને અપાતી આ પ્રકારની લાંચનો મુદ્દો સંસદીય વિશેષાધિકારથી સુરક્ષિત છે? જ્યારે બહુમતી જજોએ તત્કાલીન રાજકીય વલણોને ધ્યાનમાં રાખીને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે બે જજો(જસ્ટિસ એ.એસ. આનંદ અને જસ્ટિસ એસ.સી. અગ્રવાલ)એ બહુમતીની સાથે રહેવાને બદલે અલગ ચુકાદો આપ્યો હતો.
૨૦૧૮માં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને બહુમતી જજોએ ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને મહિલાઓના પ્રવેશને માન્ય રાખ્યો હતો ત્યારે સુપ્રીમના મહિલા જજ ઇન્દુ મલ્હોત્રાએ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે અસંમતિ દર્શાવતાં કહ્યું હતું કે ધાર્મિક પ્રથાઓને તર્કસંગતતાના ત્રાજવે તોલી ન શકાય. નિવૃત્ત સી.જે.આઈ. ડી.વાય. ચન્દ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બહુમતી ન્યાયાધીશોના આધાર અધિનિયમને બંધારણીય ઠેરવતા ચુકાદા કરતાં જુદો રાહ અપનાવ્યો હતો અને તેમણે આધાર અધિનિયમને ગેરબંધારણીય ગણ્યો હતો.
રાજ્ય શાળાઓમાં જાહેર ડ્રેસ કોડ લાગુ પાડી હિજાબ પહેરતા અટકાવી શકે? તે બાબતના ચુકાદામાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ ધર્મ નિરપેક્ષ રાજ્યને આવું કરવાની બંધારણ અનુમતી આપે છે, તેવો મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે ધર્મ વ્યક્તિગત બાબત છે એટલે સરકારી શાળાઓમાં હિજાબનું સ્થાન નથી. જ્યારે જસ્ટિસ ધૂલિયાએ વિવિધતા, સહિષ્ણુતા અને બહુલતા બંધારણનાં આધારભૂત મૂલ્યો છે, એટલે હિજાબ પહેરતાં અટકાવી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો. તીન તલાકના કેસમાં જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ જે.એસ. ખેહરે તીન તલાકની બંધારણીયતા નક્કી કરવી તે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે, તેવો અલગ મત વ્યક્ત કરી બહુમતી ચુકાદાથી પોતાને અળગા રાખ્યા હતા.
ભારતની જેમ દુનિયાના અન્ય લોકતાંત્રિક દેશોની ન્યાય પ્રણાલીમાં પણ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ તેનું ઉદાહરણ છે. પરંતુ અમેરિકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ન્યાયિક અસંમતિ તેમના રાજકીય વિચારો પર નિર્ભર છે. કેમ કે અમેરિકામાં ન્યાયાધીશોની નિમણૂક અમેરિકાના પ્રમુખ કરે છે અને સેનેટ તેને મંજૂર રાખે છે. જ્યારે ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક સીધી સરકાર કે વડા પ્રધાન કરતા નથી એટલે ન્યાયિક અસંમતિમાં રાજકીય વિચારોનો જ પડઘો હોય તેવું બનતું નથી. એ અર્થમાં ભારતમાં ન્યાયિક અસંમતિ રાજકીય વિચારોથી પૂર્ણપણે દૂષિત નથી.
જસ્ટિસ ખન્ના અને અન્યના અસંમતિના ન્યાયિક અવાજને પારખીને બંધારણમાં અને કાયદામાં સુધારા થયા છે, તે બાબત જ ભારતીય ન્યાયતંત્રમાં તેની અનિવાર્યતા, પ્રાસંગિકતા અને મહત્ત્વ દર્શાવે છે.
લોંગ લીવ ‘નો, સર’.
E.mail : maheriyachandu@gmail.com