
પ્રવીણભાઈ જે. પટેલ
સોક્રેટિસ સાથેના પોતાના અગાઉના સંવાદ પછી હિંદુત્વવાદી હજુ પણ અવઢવમાં છે. તેથી તે સોક્રેટિસને ફરીથી મળે છે. અને સંવાદને ચાલુ રાખતાં એવી દલીલ કરે છે કે સમકાલીન ભારતમાં મુસ્લિમ વસ્તી હિંદુ સમાજ માટે ખતરો છે. તે મુસ્લિમોની બીફ ખાવા અને બહુપત્નીત્વ જેવી પ્રથાઓ તરફ સોક્રેટિસનું ધ્યાન દોરે છે અને દાવો કરે છે કે આવી પ્રથાઓ હિન્દુ સંસ્કૃતિ સાથે વિસંગત છે. વધુમાં, તે વધતી જતી મુસ્લિમ વસ્તી, લવ જેહાદ, અને ધર્માંતરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરે છે અને કહે છે કે મુસલમાનોનાં આવાં વલણો હિંદુ ઓળખને જોખમમાં મૂકે છે. વળી, તે વ્યાપક જોખમના પુરાવા તરીકે વિશ્વભરમાં ઇસ્લામિક ઉગ્રવાદના ઉદયને ટાંકે છે. સંવાદના આ સિલસિલાને ચાલુ રાખતાં, સદૈવ ધૈર્યવાન અને સમજદાર એવા, સોક્રેટિસ હિંદુત્વવાદીની આ વાતને હળવાશથી સાંભળે છે, તેની ધારણાઓ પર સવાલ ઉઠાવે છે, અને તેની ભીતિ પર વિવેચનાત્મક રીતે વિચાર કરવા માટે તેને માર્ગદર્શન આપે છે. બારીક જાંચ-પડતાલ કરતા પ્રશ્નોની શ્રેણી દ્વારા, સોક્રેટિસ હિંદુત્વવાદીને બીબાંઢાળ માન્યતાઓથી આગળ વધવામાં અને જટિલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત અને ઉદાર પરિપ્રેક્ષ્ય અપનાવવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.
— પ્રવીણ જ. પટેલ
°°°
પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના એક નયનરમ્ય બગીચામાં એથેન્સના ફિલસૂફ સોક્રેટિસ અને તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ એક પ્રખર હિંદુત્વવાદી ફરીથી મળે છે અને તેમની ચર્ચા આગળ ચલાવે છે.
હિંદુત્વવાદી : સોક્રેટિસ, આપણે ગઈ વખતે મળ્યા હતા ત્યારે તમે અમારા ભારતના ભૂતકાળમાં હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગેની મારી ઘણી ગૂંચવણો દૂર કરી. પરંતુ, મને લાગે છે કે આજે પણ મુસલમાનો અમારા હિન્દુઓ માટે ખતરનાક રૂપ છે.
સોક્રેટિસ : તમે વર્તમાન ભારતમાં મુસલમાનો તરફથી કથિત જોખમની વાત કરો છો? ચાલો, આપણે તેનો પણ વિચાર કરીએ. તમારા મતે, મુસલમાનો તરફ્થી એવો કયો ખતરો છે?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, હિજાબ, દાઢી, તીન તલાક, ચાર-ચાર પત્નીઓ, બીફ ખાવું વગેરે જેવા તેમના રિવાજો વગેરેને લઈને મુસલમાનો અમારા હિંદુઓથી જુદા પડે છે. તેઓ અમારી સાથે ભળવા જ માંગતા નથી. તેમની અલગ પહેચાન અમારી હિન્દુ સંસ્કૃતિ માટે ખતરા રૂપ છે. ઉપરથી તેઓ તેમની વસ્તી વધારતા જાય છે. અને લવ જેહાદ અને ધર્માંતરણનો પણ ભારે ભય છે. માત્ર હિંદુસ્તાન જ નહીં, ઇસ્લામી ઉગ્રવાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે.
સોક્રેટિસ : તમે માનો છો કે બંને કોમોની ધાર્મિક આસ્થા અને આચાર-વિચારમાં જે તફાવત છે તે તમારી સંસ્કૃતિને નબળી પાડે છે. પણ મને કહો, શું તમારી સંસ્કૃતિ એટલી કમજોર છે કે તે વિવિધતાને સહન ન કરી શકે ?
હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) કમજોર? ના રે ના! હિન્દુ સંસ્કૃતિ સૌથી પ્રાચીન અને મજબૂત છે. પરંતુ મુસલમાનોની લાંબી લાંબી દાઢી રાખવાની, તેમની સ્ત્રીઓની હિજાબ અને બુરખો પહેરવાની, અને બીફ ખાવા જેવી પ્રથાઓ અમારી સંસ્કૃતિ પ્રત્યેનો અનાદર દર્શાવે છે. આમ કરીને જાણે કે તેઓ અમને ચીડવવા માંગે છે.
સોક્રેટિસ : અનાદર! શું તમે તેમને પૂછ્યું છે કે તેઓ શા માટે આવી પ્રથાઓનું પાલન કરે છે? શું તેઓ ઇરાદાપૂર્વક તમને દુ:ખી કરવા માટે એમ કરે છે કે તેમની પોતાની માન્યતાઓને કારણે આવું કરતા હોય છે?
હિંદુત્વવાદી : કદાચ તેમની માન્યતાઓને લીધે તેઓ આમ કરતા હશે એમ માની લઈએ. પરંતુ, તેથી અમારી સાથે અથડામણ થાય છે. દાખલા તરીકે, અમે ગાયને પવિત્ર માનીએ છીએ, જ્યારે તેઓ તેને ખોરાક માટે કતલ કરે છે. અમે આ કેવી રીતે સ્વીકારી શકીએ?
સોક્રેટિસ : આ એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. પણ મને કહો, શું બીજા લોકો પોતાની માન્યતાઓ કે રીત રિવાજો પ્રમાણે જીવતા હોય તેનો અર્થ એવો થાય કે તમારે પણ તેવી પ્રથાઓ અપનાવવી જોઈએ? શું તમે તમારાં પોતાનાં મૂલ્યો સાથે સમાધાન કર્યા વિના અમુક તફાવતોને ન સ્વીકારી શકો?
હિંદુત્વવાદી : (ખચકાતાં) હા, અમારે તેમની પ્રથાઓ કે રીત રિવાજોને અપનાવવાની જરૂર નથી. પરંતુ અમારી આસપાસ આવું બનતું જોવું પીડાદાયક લાગે છે – તે અમારી પરંપરાઓથી વિરુદ્ધ છે.
સોક્રેટિસ : હું સમજું છું. પરંતુ શું પરંપરાઓ સ્થિર હોય છે કે તે સમય જતાં બદલાતી જાય છે? શું હિંદુ સંસ્કૃતિએ પર્સિયન, ગ્રીક, અને અન્ય સંસ્કૃતિઓના પ્રભાવોને ઝીલ્યા નથી? અને આજે પણ તમે તેની અસર નીચે જીવતા નથી? દાખલા તરીકે, સમોસા, જે તમારો પ્રિય નાસ્તો છે, તે મધ્યપૂર્વના દેશોની પેદાશ નથી? તે જ રીતે તમારી ભાષામાં પણ કેટલા બધા અરબી, ફારસી, અંગ્રેજી ભાષાના શબ્દો વપરાય છે? અને તમારો પહેરવેશ? શું તમે જે કોટ-પાટલૂન પહેરો છો તે તમારો મૂળ પહેરવેશ છે?
હિંદુત્વવાદી : (વિચારીને) હા, સમય જતાં કેટલાક ફેરફારો થાય છે. પરંતુ કેટલીક બાબતો, જેમ કે ગાય પ્રત્યેનો આદર, અમારી હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
સોક્રેટિસ : પરંતુ, શું બીજા લોકોની બીફ ખાવાની મરજીથી ગાય પ્રત્યેનો તમારો આદર ઓછો થાય છે? કે પછી તે ફક્ત તમારા અહમ્ને પડકારે છે તેથી તે તમને પસંદ નથી?
હિંદુત્વવાદી : મેં આ રીતે વિચાર્યું ન હતું. તે સાચી વાત છે કે કોઈ બીફ ખાય તેથી મારો ગાય પ્રત્યેનો આદર ઓછો થતો નથી. પરંતુ તે અપમાન જેવું લાગે છે.
સોક્રેટિસ : બરાબર. હવે, તમે આ રીતે વિચાર કરો : મૂર્તિપૂજા જેવી અમુક હિંદુ પ્રથાઓથી જો કોઈ મુસ્લિમ પોતાને અપમાનિત થયાનું માને, તો શું તેથી તેને તમારી પરંપરાઓને વખોડવાનો અધિકાર મળે છે?
હિંદુત્વવાદી : ના, તેઓએ અમારી નિંદા ન કરવી જોઈએ. તે અમારી માન્યતા છે.
સોક્રેટિસ : ચોક્કસ. શું આ જ સિદ્ધાંત પ્રમાણે મુસલમાનો સાથે સંમત થયા વિના તેમની પ્રથાઓનો આદર કરવાથી તમારી બંને કોમો વચ્ચે વધુ સુમેળ ન થઈ શકે?
હિંદુત્વવાદી : (નિસાસો નાંખતાં) તે તાર્કિક લાગે છે, પરંતુ જ્યારે તેમની પ્રથાઓ અમારી જીવનશૈલીથી વિરુદ્ધ હોય ત્યારે તે મુશ્કેલ હોય છે.
સોક્રેટિસ : ચાલો, આ પડકાર વિષે વિચારીએ. શું હિંદુ સંસ્કૃતિની તાકાત એકરૂપતામાં છે કે વિવિધતાને સમાવવાની તેની ક્ષમતામાં? શું હિન્દુઓની સર્વસમાવેશકતાને કારણે જ ભારતીય સંસ્કૃતિ સહસ્રાબ્દીઓથી વિકસતી આવી નથી?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કદાચ. એ હકીકત છે કે હિંદુ ધર્મ તેની સર્વસમાવેશિતાને કારણે ઘણા ઐતિહાસિક પડકારોનો સામનો કરી શક્યો છે.
સોક્રેટિસ : ખરેખર. હવે, મને કહો, મારા સાહેબ, શું તમારા અણગમાનું મૂળ તમારી સંસ્કૃતિ ગુમાવવાના ડરમાં છે કે તમારી સમજણના અભાવમાં? શું અર્થપૂર્ણ અને વિશદ સંવાદથી પરસ્પર આદરમાં વૃદ્ધિ અને આપસના ભયમાં ઘટાડો ન કરી શકાય? શું તફાવતોને ભૂંસી નાખવાને બદલે તેમને સ્વીકારવાથી પરસ્પર આદર ન વધી શકે?
હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ. પરંતુ આ તફાવતોને અવગણવું મુશ્કેલ છે.
સોક્રેટિસ : હા, અઘરું હોઈ શકે છે, પણ અશક્ય નથી. તમે વિચારો કે શું વધુ અગત્યનું છે – તફાવતોને નાબૂદ કરવાનું કે વિવિધતામાં એકતા શોધવાનું? જો હિંદુ સંસ્કૃતિ ખરેખર સબળ હોય, તો શું સાંસ્કૃતિક વિવિધતાથી તે નબળી પડશે? શું એકબીજાની સંસ્કૃતિને આદરપૂર્વક સમજવાથી નુકસાન થશે? શું હિન્દુઓમાં પણ દ્વૈત, અદ્વૈત, વૈષ્ણવ, શૈવ, અને શાક્ત જેવા તફાવતો નથી?
હિંદુત્વવાદી : (લાંબા વિરામ પછી) હું માનું છું કે આ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. કદાચ અમે એકબીજા પાસેથી શું શીખી શકીએ તેના બદલે અમને શું વિભાજિત કરે છે તેના પર અમે વધુ ધ્યાન આપ્યું છે.
સોક્રેટિસ : તમારી આ વાત સમજદારી બતાવે છે, મારા મિત્ર. સાંસ્કૃતિક તફાવતો અનિવાર્ય છે. પરંતુ આપણે તેમના પ્રતિ કેવો પ્રતિભાવ આપીએ છીએ તે આપણા ભવિષ્યને ઘડે છે. શું આપણે સમજણના સેતુ બનાવતી આવી બાબતો શોધવાનું ચાલુ રાખીશું? તમે ભારતમાં મુસ્લિમ વસ્તીના વધારા અંગે ચિંતા વ્યક્ત કરો છે. મને કહો, તમારી આવી ચિંતાનું કારણ શું છે?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, તે સીધું ને સટ છે. તેમની વસ્તી અમારા કરતાં ઝડપથી વધી રહી છે. તેમના આવા વસ્તી વધારાથી તો તેઓ અમારી હિન્દુઓની સંખ્યા કરતાં વધી જશે, અને ભવિષ્યમાં ભારત હિન્દુ બહુમતી રાષ્ટ્ર નહીં રહે. મુસલમાનો અમારા પર ફરીથી રાજ કરશે.
સોક્રેટિસ : ખરેખર આ એક ચિંતાનો વિષય છે. ચાલો, આપણે તેના વિષે ગંભીરતાથી વિચારીએ. કેટલી ઝડપથી તેમની વસ્તી વધી રહી છે એમ તમે માનો છો? અને તમારી આ માન્યતા કયા પુરાવા પર આધારિત છે?
હિંદુત્વવાદી : આ તો એક જાણીતી હકીકત છે. કેટલાક રાજકીય નેતાઓને એમ કહેતા સાંભળ્યા છે કે મુસલમાનો જાણી જોઈને તેમની વસ્તી વધારે છે.
સોક્રેટિસ : હકીકતો એ સમજણનો પાયો છે. પરંતુ મને કહો, શું તમે હકીકતોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે? શું તમે બંને કોમોના વસ્તીના વાસ્તવિક વૃદ્ધિ દરને જાણો છો? કે પછી તમારી માન્યતા સાંભળેલી વાતો પર આધારિત છે ?
હિંદુત્વવાદી : મેં જાતે ડેટાનો અભ્યાસ કર્યો નથી, પરંતુ, જે લોકો આવું કહે છે તેમના પર મને વિશ્વાસ છે.
સોક્રેટિસ : પરંતુ શું આવા દાવાઓને ચકાસવાની જરૂર નથી, ખાસ કરીને આપણે જ્યારે સમગ્ર સમુદાય વિશેની આપણી ધારણાઓ બાંધતા હોઈએ ત્યારે? શું જનસંખ્યાશાસ્ત્રના નિષ્ણાતો નથી કહેતા કે હિંદુઓ અને મુસ્લિમો સહિત ભારતમાં એકંદર વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે. અને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના પ્રજનન દરમાં પણ તફાવત એટલો બધો નથી કે વસ્તી વિષયક પરિવર્તન પડકારજનક થઈ જાય. તેમ છતાં, ચાલો તમારી માન્યતા સાચી છે એમ માનીને ધારી લઈએ કે ભારતમાં મુસલમાનોની વસ્તી ખરેખર ઝડપથી વધી રહી છે. પણ શું તમે જાણો છો કે આવું કેમ થતું હશે?
હિંદુત્વવાદી : તે તેમની ધાર્મિક માન્યતાઓને કારણે છે. ઇસ્લામ બહુપત્નીત્વને અને મોટા પરિવારોને પ્રોત્સાહન આપે છે. તેઓ તેમની સંખ્યા વધારવા અને અમારા પર વર્ચસ્વ જમાવવા માટે જાણી જોઈને આવું કરે છે.
સોક્રેટિસ : આ એક રસપ્રદ ધારણા છે. પણ તમે મને જણાવો કે તમે એવા કેટલા મુસ્લિમોને મળ્યા જેઓ એક કરતાં વધુ પત્નીઓ ધરાવે છે?
હિંદુત્વવાદી : હું મુસ્લિમોને ખાસ મળતો નથી. પરંતુ, એવું સાંભળ્યું છે કે એમનો ધર્મ એમને ચાર પત્ની કરવાની છૂટ આપે છે.
સોક્રેટિસ : અચ્છા. તમે એવું સાંભળ્યું છે. પણ શું કદાચ એવું ન બની શકે તેમની ચાર પત્ની રાખવાની ધાર્મિક છૂટને કારણે તમારામાંથી કેટલાક લોકોને મુસલમાનો પ્રતિ ઈર્ષા થતી હોય? અને તમારા કેટલાક હિન્દુઓ પણ એકથી વધુ પત્ની કરવા મુસ્લિમ નથી બની જતા?
હિંદુત્વવાદી : (શરમાઈને) ચાલો, બહુપત્નીત્વની વાત જવા દઈએ. તો ય શું તેઓ વધુ બાળકો પેદા નથી કરતા?
સોક્રેટિસ : ચાલો, બહુપત્નીત્વની વાત જવા દઈએ. પણ, તમે મને કહો કે શું માત્ર ધર્મ જ જન્મદર નક્કી કરે છે, કે પછી આર્થિક અને સામાજિક પરિબળો પણ વસ્તીવધારામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે?
હિંદુત્વવાદી : સામાજિક-આર્થિક પરિબળો? તમારો મતલબ શું છે, સોક્રેટિસ ?
સોક્રેટિસ : એ તો જાણીતી હકીકત છે કે ગરીબીનું ઊંચું સ્તર, શિક્ષણની નીચી પહોંચ, અને મર્યાદિત આરોગ્ય સંભાળ ધરાવતા સમાજોમાં જન્મદર મહદંશે વધારે હોય છે. આ પરિબળોને કારણે અમુક મુસ્લિમ સમુદાયોમાં વસ્તી વધતી હશે. અને કદાચ તે જ રીતે આવાં પરિબળો કેટલાક હિંદુ સમુદાયોમાં પણ વસ્તી વધારા માટે જવાબદાર હોઈ શકે છે.
હિંદુત્વવાદી : (ખચકાતાં) તે સાચું હોઈ શકે. પરંતુ ઇરાદાપૂર્વકના વધારા વિશે શું? શું તેઓ અમારી સંખ્યા કરતાં આગળ વધી જવાનો પ્રયાસ નથી કરી રહ્યા?
સોક્રેટિસ : આ એક રસપ્રદ મુદ્દો છે. પણ મને પૂછવા દો, શું તમે મુસ્લિમ પરિવારો સાથે તેમના ઇરાદાઓ વિશે વાત કરી છે? શું તેઓ તમારી કોમ ઉપર પ્રભુત્વ મેળવવાની ઇચ્છાથી આમ કરે છે, કે તેમના કુટુંબનાં કદ કોઈ ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાને બદલે વ્યક્તિગત અથવા આર્થિક કારણોને લીધે મોટાં છે?
હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) મેં તેમની સાથે વાત કરી નથી. પરંતુ તે તો દેખીતી વાત છે કે તેમની વસ્તી વધી રહી છે.
સોક્રેટિસ : પરંતુ મને કહો, શું તમારી ધારણાઓ માટે કોઈ વિશ્વસનીય આધાર છે? શું તેમના દૃષ્ટિકોણને સમજવાની કોશિશ ચિત્રને વધુ સ્પષ્ટ નહીં કરે?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) તો પણ લોકશાહીમાં સંખ્યા મહત્ત્વપૂર્ણ છે. મોટી મુસ્લિમ વસ્તી એટલે તેમનો વધુ પ્રભાવ. શું તે સાચું નથી?
સોક્રેટિસ : શું પ્રભાવ ફક્ત સંખ્યાબળમાંથી જ આવે છે? કે પછી શિક્ષણની પહોંચ અને આર્થિક સ્થિતિથી પણ પ્રભાવ વધે છે? શું હિંદુઓ સંખ્યાને કારણે જ વધુ પ્રભાવશાળી છે? શું તેમનું ઊંચું ભણતર અને તેમની આર્થિક સમૃદ્ધિ પણ તેમના વધુ પ્રભાવ માટે જવાબદાર નથી?
હિંદુત્વવાદી : (થોભો) તે બાબતો પણ અગત્યની છે. પરંતુ લોકશાહીમાં સંખ્યા જ મહત્ત્વપૂર્ણ છે.
સોક્રેટિસ : તો સંખ્યાનો આ ભય કેવી રીતે દૂર કરી શકાય? અવિશ્વાસ ફેલાવીને કે તમામ સમુદાયો માટે શિક્ષણ, આરોગ્ય સંભાળ, અને તકોની પહોંચમાં સુધારો કરીને? શું ઊંચા જન્મદરનાં મૂળ કારણોને સંબોધવાથી માત્ર મુસ્લિમોને જ નહીં, પરંતુ સમગ્ર ભારતને ફાયદો ન થઈ શકે?
હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) પરંતુ જેઓ ઇરાદાપૂર્વક રાજકીય લાભ માટે તેમની સંખ્યાનો ઉપયોગ કરે છે તેનું શું?
સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પરંતુ મને કહો, શું રાજકીય તકવાદીઓ માત્ર એક જ સમુદાયમાં હોય છે, કે આવાં તત્ત્વો દરેક કોમ અને જૂથમાં જોવા મળે છે? શું તમારા લોકોમાં તડાં પાડતાં આવાં તત્ત્વોનો સૌએ સંગઠિત થઈને સામનો કરવો એ વધુ સમજદારી-ભર્યું નથી?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) કહેવું સહેલું છે, સોક્રેટિસ.
સોક્રેટિસ : સાચું, મારા મિત્ર. પરંતુ શું કરવા યોગ્ય બધી બાબતો ક્યારે ય સરળ હોય છે? જો ભારતની શક્તિ તેની વિવિધતામાં રહેલી એકતામાં હોય તો શું તમારે આપસના ડરને વધારવાને બદલે, તથ્યો પર આધારિત સમજણ કેળવીને તમારા ડરને દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ?
હિંદુત્વવાદી : (માથું હલાવીને) કદાચ. પરંતુ આવું કરવામાં સમય લાગશે.
સોક્રેટિસ : હા, સમય તો લાગશે. પરંતુ, શું સૌ પ્રથમ તમારી માની લીધેલી ધારણાઓ પર સવાલ ઉઠાવીને સત્ય શોધવા માટે ખુલ્લા દિલથી એકબીજા સાથે સંવાદ કરવો જરૂરી નથી?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, તમને ખબર નથી પણ આ લોકો “લવ જેહાદ” ચલાવે છે. મુસ્લિમ પુરુષો અમારી મહિલાઓને લલચાવીને કે પટાવીને સંબંધો બાંધે છે. પછી તેમને ઇસ્લામમાં કન્વર્ટ કરે છે. અને એ રીતે તેઓ અમારી સંસ્કૃતિ અને અમારા ધર્મને નબળો પાડી રહ્યા છે.
સોક્રેટિસ : જો આ સાચું હોય તો ખરેખર તે એક ગંભીર બાબત કહેવાય. પણ તમે મને કહો કે તમારા આ દાવાને સમર્થન આપવા માટે તમે કયા પુરાવા પર આધાર રાખો છો?
હિંદુત્વવાદી : મીડિયામાં અસંખ્ય અહેવાલો આવ્યા છે. હિંદુ મહિલાઓ પ્રલોભનોને કારણે તેમના પરિવારને છોડી દે છે, અને ધર્મ પરિવર્તન કરે છે. આ સંયોગ નથી – આ એક પ્રયોગ છે, એક યોજનાબદ્ધ કાવતરું છે.
સોક્રેટિસ : તમે કહો છો કે આ એક કાવતરું છે. પરંતુ, ચાલો આપણે તેની તપાસ કરીએ. શું આ સંબંધો સંપૂર્ણપણે એકતરફી હોય છે? લાલચને કારણે હોય છે? કે પછી તેમાં પરસ્પર સંમતિ પણ હોય છે?
હિંદુત્વવાદી : (ખચકાતાં) કેટલાક કિસ્સાઓમાં પરસ્પર સંમતિ હોઈ શકે છે. પરંતુ મોટે ભાગે તો તેઓ કપટથી હિન્દુ મહિલાઓ સાથે પ્રેમનો ઢોંગ કરે છે. ક્યારેક મુસલમાન છોકરાઓ હિન્દુ નામ રાખીને કે તેમની સાચી ઓળખ છુપાવીને હિન્દુ મહિલાઓ સાથે સંબંધ બાંધે છે. અને પછી તે મહિલાઓને ધર્મ પરિવર્તન માટે દબાણ કરીને નિકાહ કરે છે.
સોક્રેટિસ : શું તમે આવી મહિલાઓ કે તેમના પરિવારો સાથે વાત કરી છે? શું તમે જાણો છો કે તેઓને ફરજ પાડવામાં આવી હતી, અથવા તેમના નિર્ણયો તેમણે પોતે લીધા હતા?
હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) મેં તેમની સાથે વાત કરી નથી. પણ હિંદુ સ્ત્રી સ્વેચ્છાએ શા માટે પોતાનો ધર્મ છોડી દે? તેની પાછળ લાલચ કે બળજબરી જ હોવી જોઈએ!
સોક્રેટિસ : શું આસ્થા એ મજબૂરીનો વિષય છે કે પસંદગીનો? જો કોઈ વ્યક્તિ પોતાની ધાર્મિક આસ્થા બદલે છે, તો શું તે હંમેશાં બળજબરી સૂચવે છે, કે તેની પોતાની મુનસફીને?
હિંદુત્વવાદી : અમુક કિસ્સાઓમાં તે એક પસંદગી હોઈ શકે છે. પરંતુ મોટે ભાગે આ ધર્માન્તરણો એક વ્યૂહરચનાનો ભાગ છે. તેઓ અમારી સંખ્યા ઘટાડીને હિંદુ ધર્મને નબળો પાડવા માંગે છે.
સોક્રેટિસ : આ તો એક ગંભીર ચિંતાનો વિષય કહેવાય. પણ મને કહો, શું માત્ર મુસ્લિમ પુરુષો જ અન્ય ધર્મની સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે કે પછી હિન્દુ પુરુષો પણ મુસ્લિમ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે? શું તમારો સંદેહ આવાં બધાં જ લગ્નોને લઈને એકસરખો હોય છે ?
હિંદુત્વવાદી : (ખચકાતાં) ના, તે અલગ છે. હિન્દુ પુરુષો અને મુસ્લિમ મહિલાઓ વચ્ચેનાં લગ્નો તો પ્રેમલગ્નો હોય છે. હિન્દુ પુરુષો મુસ્લિમ મહિલાઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે પરણતા નથી. અને લગ્ન પહેલાં કે પછી તે માટે દબાણ પણ કરતા નથી.
સોક્રેટિસ : ચાલો, એક ઘડી માટે માની લઈએ કે કેટલાક હિંદુ પુરુષોએ ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન નહીં આપ્યું હોય. પરંતુ, શું હિન્દુ પુરુષોનાં મુસ્લિમ મહિલાઓ સાથેનાં લગ્ન પણ તમને એટલાં જ પરેશાન કરે છે ? કે પછી આ મુદ્દો ધર્માંતરણ વિશે ઓછો છે અને તમારી સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાના ભય વિશે વધુ છે?
હિંદુત્વવાદી : (થોભો) કદાચ તે બંને છે. પરંતુ હિન્દુ સ્ત્રીઓનાં ધર્માંતરણો અમારા હિન્દુ સમુદાયને નબળો પાડે છે. તેથી સંખ્યાબળનું સંતુલન અમારી વિરુદ્ધ બગડે છે.
સોક્રેટિસ : જ્યારે કેટલાક હિન્દુઓ બીજી પત્ની કરવા મુસલમાન બને છે ત્યારે સંખ્યાબળનું સંતુલન તમારી વિરુદ્ધ બગડતું નથી? અને તમે શું એમ માનો છો કે હિંદુ ધર્મની તાકાત માત્ર સંખ્યા પર નિર્ભર છે કે તેનાં મૂલ્યો પર આધારિત છે? શું તમને નથી લાગતું કે હિન્દુઓની આર્થિક રાજકીય તાકાત પણ મામૂલી નથી?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હિંદુ ધર્મ મજબૂત છે, પણ લોકશાહીમાં સંખ્યાનું પણ મહત્ત્વ છે. જો ઘણા લોકો અમારો ધર્મ છોડી દે, તો તે અમારા રાજકીય ભવિષ્યને અસર કરી શકે છે.
સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પણ તમે મને કહો, જો કોઈ વ્યક્તિની શ્રદ્ધા આટલી સહેલાઈથી ડગમગી જાય તો શું તેની ધર્મ નિષ્ઠા જ નબળી ના કહેવાય?
હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ તેમ હોઈ શકે. પરંતુ શા માટે અમારે ધર્માન્તરણને સહન કરવું જોઈએ? શું તેને રોકવું અમારા માટે હિતાવહ નથી?
સોક્રેટિસ : આ એક રસપ્રદ પ્રશ્ન છે. ચાલો, આપણે તેના વિષે વિચારીએ. શું ધર્માંતરણ અટકાવવાથી તમારા લોકોની હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા મજબૂત થશે? શું ધર્મ પ્રત્યેની આસ્થા સ્વૈચ્છિક નથી હોતી?
હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે સાચી શ્રદ્ધા સ્વૈચ્છિક હોવી જોઈએ. પરંતુ લોકોને ધર્માંતરણ માટે ગેરમાર્ગે દોરવામાં આવે તેનું શું? ‘લવ જેહાદ’ના કેસોમાં આવું જ થતું હોય છે.
સોક્રેટિસ : બીજાઓને ગેરમાર્ગે દોરવું એ તો ખરેખર ખોટું છે. કોઈની પણ સાથે કરેલું છળકપટ નિંદનીય છે. પરંતુ શું આવી હેરાફેરી મુસ્લિમ ધર્મ પૂરતી જ મર્યાદિત છે કે કોઈપણ માનવસંબંધોમાં આવી બદી જોવા મળે છે? શું આપણે કેટલીક વ્યક્તિઓની લુચ્ચાઈ માટે સમગ્ર સમુદાયને દોષ દેવો જોઈએ?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) સમગ્ર સમુદાયને દોષી ઠેરવવો કદાચ અયોગ્ય છે. પરંતુ આવા અનેક દાખલાઓ છે.
સોક્રેટિસ : પરંતુ, શું આવા દાખલાઓ ખરેખર બહુમતીનું પ્રતિનિધિત્વ કરે છે કે છૂટાછવાયા કેસો છે? શું ક્યારેક અમુક ઘટનાઓને લોકો કે મીડિયા વ્યાપક સ્વરૂપ આપીને ગભરાટ ફેલાવવાનું કામ નથી કરતાં?
હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ અમુક અવળચંડા લોકો કે કેટલાંક તોફાની મીડિયા અતિશયોક્તિ કરતાં હશે, કરે છે. પરંતુ આવાં ધર્માંતારણો સામે પ્રતિક્રિયા આપ્યા વગર અમે અમારા હિન્દુ સમુદાયનું રક્ષણ કેવી રીતે કરી શકીએ?
સોક્રેટિસ : આ એક વિચારવાલાયક પ્રશ્ન છે. શું તમે આંતર ધર્મ સંવાદને પ્રોત્સાહન આપીને એક સમજુ સમાજનું નિર્માણ ન કરી શકો, જ્યાં લોકો માહિતગાર થાય અને સ્વતંત્ર પસંદગીઓ કરી શકે ?
હિંદુત્વવાદી : (થોડા સમય પછી) આ એક લોભામણો આદર્શ લાગે છે. પરંતુ જ્યારે સમુદાયો વચ્ચે તણાવ ખૂબ વધારે હોય ત્યારે એકબીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.
સોક્રેટિસ : આ એક ખરેખર મુશ્કેલ કામ છે, મારા મિત્ર. પરંતુ, શું નિષ્ઠાપૂર્વકનો સંવાદ કોઈ સુમેળભર્યા સમાજનો પાયો ન બની શકે? મને કહો, જે શંકાનું વિષચક્ર બનાવે છે અને જે આપણને વધુ વિભાજિત કરે છે તેવા ડરથી પરસ્પર વિશ્વાસ મજબૂત બનશે ખરો?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) હું તમારી સાથે સંમત થાઉં છું કે ડર વિભાજિત કરે છે. પરંતુ તેને દૂર કરવો સરળ નથી.
સોક્રેટિસ : સાચી વાત છે. પરંતુ તે માટે સૌ પ્રથમ આપણી માની લીધેલી ધારણાઓનું સત્યાપન કરવાની જરૂર નથી? અને વાતવાતમાં ઉતાવળા અને વગર વિચારે અભિપ્રાયો બાંધી લેવા કે ચુકાદા આપવાને બદલે સાચી જિજ્ઞાસાપૂર્વક એકબીજાની નજીક જવું જરૂરી નથી? શું જે ડર આપણને એકબીજાથી અલગ કરે છે તેને દૂર કરીને આપણે સૌ સાથે મળીને એક મજબૂત સહિયારું ભવિષ્ય ન બનાવી શકીએ?
હિંદુત્વવાદી : (ધીમેથી હકારમાં) કદાચ તેવા પ્રયાસ કરવા યોગ્ય છે. પરંતુ તે માટે બંને બાજુથી પ્રયત્નો કરવા પડશે. એક હાથે તાળી ન પડે, સોક્રેટિસ.
સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર. સાચી સંવાદિતા માટે બંને પક્ષે પ્રયત્નોની જરૂર છે. પરંતુ જો તે શાંતિ અને સમજણ તરફ દોરી જાય તો શું તેવા પ્રયત્નો કરવા સાર્થક ન કહેવાય?
હિંદુત્વવાદી : પરંતુ, સોક્રેટિસ, આ મુસલમાનો સખણા નથી. પૂરી દુનિયામાં તેમણે ઉધામો મચાવ્યો છે. માટે તે ચિંતાનો વિષય છે.
સોક્રેટિસ : તમે શું કહેવા માંગો છો?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, હું જે કહું છું તે ઇસ્લામિક ઉગ્રવાદનો વૈશ્વિક ફેલાવો છે. તે સર્વત્ર છે-આતંકવાદ, હિંસા, આ એક એવી વિચારધારા જે માત્ર અમારા દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ધમરોળી રહી છે.
સોક્રેટિસ : ખરેખર આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ચાલો, એ અંગે વિચારીએ. જ્યારે તમે ઇસ્લામિક ઉગ્રવાદની વાત કરો છો, ત્યારે તમારો અર્થ શું છે? શું આવો ઉગ્રવાદ પોતે જ ઇસ્લામ ધર્મની પેદાશ છે કે તેના કેટલાક અનુયાયીઓ તેમના ધર્મનું મનગમતું અર્થઘટન કરીને આવો ઉગ્રવાદ ફેલાવે છે?
હિંદુત્વવાદી : બધા મુસ્લિમો ઉગ્રવાદી નથી તે હું જાણું છું. પરંતુ તેમના ઉગ્રવાદીઓ-આતંકવાદીઓ હિંસાને વાજબી ઠેરવવા માટે ધર્મને તોડી મરોડીને તેમની વિચારધારા ફેલાવવા માંગે છે એવો મને ડર છે.
સોક્રેટિસ : બરાબર. તમે વ્યાપક મુસ્લિમ સમુદાય અને ઉગ્રવાદીઓ વચ્ચે તફાવત કરો છો તે પ્રશંસનીય છે. પણ, મને કહો, આવા મુસ્લિમ ઉગ્રવાદીઓનું પ્રમાણ કેટલું મોટું હશે તેમ તમે માનો છો?
હિંદુત્વવાદી : મને ચોક્કસ સંખ્યાની ખબર નથી. પરંતુ, તેમનો પ્રભાવ ઘણો હોય તેવું લાગે છે. વિશ્વભરના હુમલાઓ જુઓ-અમેરિકાનું ૯/૧૧. ફ્રાંસ, નેધરલેન્ડ જેવા યુરોપના અનેક દેશમાં તેમનો આતંક ફેલાયો છે. અને અમારા ભારતમાં તો હદ કરી નાખી છે. દિલ્હીમાં અમારા સંસદભવન પર હુમલો અને મુંબઈમાં કરેલા તેમના હુમલા એ ભુલાય એવા નથી. આઈ.એસ.આઈ.એસ. અને અલ-કાયદા જેવાં આતંકવાદી જૂથો તેમની વિચારધારા જંગલની આગની જેમ ફેલાવે છે.
સોક્રેટિસ : ખરેખર, આવા હુમલા ભયાનક છે. પરંતુ, ચાલો આપણે વિચારીએ. શું આ ઉગ્રવાદીઓ ઇસ્લામના મૂળ ઉપદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, અથવા તેના વિકૃત સ્વરૂપનું? શું તમે ઇસ્લામ ધર્મના વ્યાપક ઉપદેશોના સંદર્ભમાં તેમની વિચારધારાનો અભ્યાસ કર્યો છે?
હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) ના, મેં તેનો અભ્યાસ કર્યો નથી. અને મને તેની જરૂર પણ લાગતી નથી. પરંતુ જો તેમનાં કુકર્મો આટલાં વ્યાપક હોય, તો શું તેનો અર્થ એ નથી કે તેમના ધર્મમાં કંઈક એવું છે જે આવી હિંસાને પ્રેરણા આપે છે?
સોક્રેટિસ : આ એક વિચારવાલાયક પ્રશ્ન છે. પણ તમે મને કહો, શું કેટલાક આત્યંતિક અનુયાયીઓનાં કૃત્યોને આધારે આખા ધર્મને વગોવવો યોગ્ય છે? દાખલા તરીકે, શું તમે હિંદુ ધર્મને નામે હિંસા આચરનારાઓનાં કૃત્યોને કારણે તમારા ધર્મને વખોડશો?
હિંદુત્વવાદી : (ખચકાતાં) એ અલગ છે. હિંદુ ધર્મ સ્વાભાવિક રીતે જ શાંતિપ્રિય છે.
સોક્રેટિસ : હિંદુ ધર્મ ખરેખર શાંતિપ્રિય છે. પરંતુ શું તમારા રામાયણ અને મહાભારત જેવા કેટલાક પ્રાચીન ગ્રંથોમાં હિંસક યુદ્ધોનો ઉલ્લેખ નથી? શું કેટલાક હિન્દુ ધર્મના નેતાઓ આવા ગ્રંથોને આધારે અમુક સંજોગોમાં ‘ધર્મ યુદ્ધ’ના નામે હિંસાને વાજબી નથી ઠેરવતા? શું હિન્દુઓ પણ કોમી હુલ્લડોમાં ભાગ નથી લેતા?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હા, આવાં ઉદાહરણો છે. પરંતુ તે બહુ વ્યાપક નથી!
સોક્રેટિસ : ચોક્કસ. શું ઇસ્લામ સાથે પણ આવું જ ન હોઈ શકે? શું કેટલાક ઉગ્રવાદીઓ સમગ્ર ઇસ્લામ ધર્મનું પ્રતિનિધિત્વ કરવાને બદલે તેમના ધાર્મિક ગ્રંથોનું ખોટું અર્થઘટન કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા હોય એવું ન બની શકે ?
હિંદુત્વવાદી : કદાચ. પરંતુ શા માટે ઘણા યુવાન મુસ્લિમો આ જૂથો તરફ ખેંચાય છે?
સોક્રેટિસ : આ એક ચિંતાજનક પ્રશ્ન છે. પરંતુ, તમે મને કહો, શું તમે માનો છો કે માત્ર ધર્મ જ લોકોને ઉગ્રવાદ તરફ દોરી જાય છે, અથવા અન્ય પરિબળો – ગરીબી, બેકારી, રાજકીય દમન, અને તકોનો અભાવ – પણ કોઈ ભૂમિકા ભજવી શકે છે?
હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) તે પરિબળો ફાળો આપી શકે છે. પરંતુ તેમના ધાર્મિક નેતાઓ આવી ધાર્મિક આગને ફેલાવે છે.
સોક્રેટિસ : સાચું. કેટલાક રાજકીય અને ધાર્મિક નેતાઓ પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરતા હોય છે. પરંતુ શું દરેક ધર્મમાં કે સમાજમાં આવાં તોફાની તત્ત્વો નથી હોતાં? અને શું આવાં કુકર્મોમાં બધા જ ધર્મગુરુઓ કે રાજકીય નેતાઓ સંડોવાયેલા હોય છે? કે પછી મુસ્લિમોમાં પણ કેટલાક એવા ધર્મગુરુઓ અને નેતાઓ હોય છે જે ઉગ્રવાદનો સામનો કરવા માટે મથામણ કરતા હોય? શું તમે કેટલાક મુસ્લિમ વિદ્વાનોને આતંકવાદની નિંદા કરતા સાંભળ્યા છે?
હિંદુત્વવાદી : (થોભો) મેં કેટલાક વિશે સાંભળ્યું છે, પરંતુ તેમના અવાજો ઉગ્રવાદીઓ આગળ ડૂબી ગયા હોય તેવું લાગે છે.
સોક્રેટિસ : તેવું શા માટે હોઈ શકે? શું એવું બની શકે કે મીડિયા એવો ભ્રમ પેદા કરે છે કે શાંતિવાદીઓ કરતાં ઉગ્રવાદીઓ બહુમતીમાં છે કે વધુ લોકપ્રિય છે?
હિંદુત્વવાદી : તે શક્ય છે. પરંતુ ઇસ્લામિક ઉગ્રવાદ વૈશ્વિક ખતરો બની ગયો છે એવું તો લાગે છે. ખાસ કરીને, જ્યારે આવા હિંસક હુમલાઓ વારંવાર થાય છે ત્યારે.
સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પરંતુ ચાલો, આ અંગે આપણે વિચારીએ. શું ઇસ્લામિક ઉગ્રવાદનો તમારો ડર ફક્ત હિંસા કરનારાઓ પૂરતો જ મર્યાદિત છે કે તે વ્યાપક મુસ્લિમ સમુદાય સુધી વિસ્તરે છે?
હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે તે માટે બધા મુસલમાનો જવાબદાર છે. કારણ કે, કોઈ કહે કે ‘ઇસ્લામ ખતરામાં છે’ તો બધા ‘અપને વાલા’ ભેગા થઈ જાય છે.
સોક્રેટિસ : શું આવી શંકા સમજણ અને શાંતિને ઉત્તેજન આપશે કે તે વિભાજનને વધુ ઊંડું કરશે, જેથી ઉગ્રવાદીઓને ‘જોઈતું’તું અને વૈદે કર્યું’ જેવો ફાયદો થાય?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) તે કદાચ વિભાજનને વધુ ઊંડું કરે છે.
સોક્રેટિસ : ખરેખર. અને શું આવી શંકાઓથી, જે મુસ્લિમો અલગ છે અને જેઓ ઉગ્રવાદનો વિરોધ કરે છે, તેમને આપણી નજીક લાવવાને બદલે તમે વધુ દૂર નહીં ધકેલો?
હિંદુત્વવાદી : (માથું હલાવતાં) આ વિચારવા જેવી વાત છે. પરંતુ વાસ્તવિક ખતરાને અવગણ્યા વિના આપણે આ કોકડું કેવી રીતે ઉકેલી શકીએ?
સોક્રેટિસ : આ એક ઉત્તમ પ્રશ્ન છે. શું આનો ઉકેલ ઉગ્રવાદની વિચારધારાને ધર્મથી અલગ કરવામાં અને તેનો સામનો કરવા માટે મુસ્લિમ સમુદાયમાં જે મધ્યમમાર્ગી અવાજો છે તેમની સાથે કામ કરવામાં હોઈ શકે?
હિંદુત્વવાદી : (વિચારીને) તે કામ કરી શકે છે. પરંતુ તે કરવા કરતાં કહેવું સહેલું છે.
સોક્રેટિસ : સાચું, મારા મિત્ર. પણ મને કહો, જો આપણે ઉગ્રવાદનો જવાબ શંકા અને દુશ્મનાવટથી આપીએ, તો શું આપણે પોતે જ ક્ટ્ટરવાદી કે આત્યંતિક બનવાનું જોખમ નથી લેતા? શું આપણે ડરનો સામનો સમજણથી અને હિંસાનો સામનો સંવાદથી ન કરી શકીએ?
હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) કદાચ આપણે તેમ કરી શકીએ. પરંતુ તે માટે ઘણી મહેનત કરવી પડશે.
સોક્રેટિસ : ખરેખર, પ્રયત્નો તો કરવા પડશે. પણ શું આવા પ્રયત્નો કરવા યોગ્ય નથી? જ્યાં સુધી આપણે એકબીજાને ખતરા તરીકે જોઈશું, ત્યાં સુધી શાંતિ છેતરામણી રહેશે. શું આપણે આ વિભાજનને દૂર કરવા માટે પ્રથમ પગલું કેવી રીતે લેવું જોઈએ તે અંગે ન વિચારી શકીએ? શું આપણી ભાવિ પેઢીઓને વારસામાં વેર અને ઝેર મૂકવા માંગીએ છીએ કે એક ઉજ્જવળ ભવિષ્યની આશા?
હિંદુત્વવાદી ઊંડા વિચારમાં પડી જાય છે.
૦૦૧, પવનવીર, પ્રતાપગંજ,વડોદરા-390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 04-08 તેમ જ 03