એક ભાષા નાશ પામે ત્યારે એક સંસ્કૃતિનું મૃત્યુ થાય છે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી તે ખરું છે, પણ માતૃભાષા વિના તો પોતાનું ખમીર જ ચાલ્યું જાય છે તેનું શું? હકીકત તો એ છે કે આપણે જ્યારે માતૃભાષાનો અનાદર કરીએ છીએ ત્યારે એક પ્રકારના હીનભાવથી પીડાતા હોઈએ છીએ …

સોનલ પરીખ
ભાષાનું એક શાસ્ત્ર હોય છે; તેનો એક ઇતિહાસ, એક ભૂગોળ, એક વિજ્ઞાન અને એક રાજકારણ પણ હોય છે. આ તમામ પાસાં ખૂબ રસપ્રદ છે. અને માતૃભાષા? માતૃભાષા તો દૂધભાષા – અખૂટ હૂંફ, અખૂટ આકર્ષણ, અખૂટ સ્નેહથી તરબતર અને છલોછલ. પણ જેમ મા, જેમ માતૃભૂમિ તેમ માતૃભાષા પણ જન્મ સાથે સહજપણે મળી જાય છે એટલે આપણે એટલી જ સહજતાથી તેને વિસારે પાડી બીજાં આકર્ષણોમાં અંજાઈ-અટવાઈ જતા હોઈએ છીએ. 21 ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે ભાષા, માતૃભાષા અને માતૃભાષા દિનની થોડી વાત કરીએ.
19મી સદીનાં ગુજરાતી પુસ્તકો વિશે જેમણે એક સુંદર સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે તે દીપકભાઈ મહેતાએ લખ્યું છે કે માતૃભાષા દિન, દુનિયાના કુલ 190 દેશોમાંથી 129 દેશોમાં વસતા ગુજરાતી લોકોનો દિવસ છે. ભારતની બીજી કોઈ ભાષા બોલનારા લોકો આટલી મોટી સંખ્યામાં આટલા બધા દેશોમાં જઈને વસ્યા નથી. ભદ્રાયુ વછરાજાની કહે છે, ‘મારી માતૃભાષા – મારી ત્વચા’
તો પણ આપણે ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરીએ છીએ ને આ ચિંતા સાચી પણ છે કારણ કે આજે વિદેશોમાં જ નહીં, આપણા પોતાના દેશમાં ને ગુજરાતી જેની અધિકૃત ભાષા છે તે ગુજરાત રાજ્ય અને દીવ-દમણમાં પણ ગુજરાતી ભાષા ધીરે ધીરે કથન અને શ્રવણમાં સમેટાતી જાય છે. વાચન અને લેખનની સ્થિતિ ઉત્તરોત્તર કથળતી જાય છે. ગુજરાતી માધ્યમની શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ ગરીબ બિચારા જેવા થઈ ગયાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા, અંગ્રેજી બોલવામાં ભૂલ કરનારની હાંસી ઉડાવતા ને પાછા ફેશનેબલ ગણાતા ગુજરાતીઓની સંખ્યા નાની નથી. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે ? માત્ર ગુજરાતી નહીં ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી ભારતની 400 સહિત 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે.
આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન, તમામ માતૃભાષાભાષીઓ સુધી પહોંચે એ રીતે ઉજવવો જોઈએ. 1999થી વિશ્વના બધા દેશો ‘યુનેસ્કો’એ ઘોષિત કરેલો માતૃભાષા દિન ઊજવે છે તેની પાછળ બાંગલાદેશમાં થયેલું ભાષાઆંદોલન કારણભૂત છે તેની આપણને ખબર છે ?
1947માં દેશનું વિભાજન થયું. પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયું. બન્ને પાકિસ્તાન ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણીની રીતે ઘણાં જુદાં હતાં. એટલે પાકિસ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી ત્યારે બંગાળીભાષી પૂર્વ પાકિસ્તાનમાં તેનો વિરોધ થયો. 23 ફેબ્રુઆરી 1948થી ધીરેંદ્રનાથ દત્તના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું. સરકાર દમન પર ઊતરી આવી, વિદ્રોહ ઉગ્ર બન્યો. 1952ની 21મી ફેબ્રુઆરીએ પોલિસે એક સરઘસ પર ગોળીબાર કર્યો જેમાં પાંચ યુવાનો માર્યા ગયા. અનેક ઘાયલ થયા. માતૃભાષા માટે લોકોએ જીવન આપ્યાં હોય તેવો દાખલો ઇતિહાસમાં દુર્લભ છે. ત્યારથી બાંગલા દેશમાં 21 ફેબ્રુઆરી નેશનલ હોલિડે અને શોકદિન છે. લોકો શહીદ-મંદિરમાં જાય છે અને અંજલિ આપે છે.
1998માં કેનેડાવાસી બાંગલાદેશીઓ રફિક-ઉલ-ઇસ્લામ અને અબ્દુસ્સલામે યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાનને પત્ર લખી વિશ્વની ભાષાઓને મરતી બચાવવા એક આંતરરાષ્ટ્રીય ભાષાદિન ઘોષિત કરવાની વિનંતી કરી અને ઢાકાના શહીદોને અંજલિ આપવા માટે એ દિન 21 ફેબ્રુઆરીએ ઊજવાય એવો પ્રસ્તાવ મૂક્યો.
બીજા વર્ષથી વિવિધ થીમ સાથે આ દિન ઊજવવાની શરૂઆત થઈ. 2005માં બ્રેલ અને સાઇન લેંગ્વેજ, 2007માં વિવિધ ભાષાઓમાં શિક્ષણ, 2013માં માતૃભાષા શિક્ષણમાં પુસ્તકોનું સ્થાન, 2014માં લોકલ લેંગ્વેજિસ ફૉર ગ્લૉબલ સિટિઝનશીપ આવી થીમ હતી. 2020માં સરહદમુક્ત ભાષા અને 2021માં વિવિધ ભાષામાં શિક્ષણ તેમ જ ભાષાવૈવિધ્યને અપનાવતા સમાજની થીમ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું રજતજયંતી વર્ષ છે. આજે પણ વિશ્વના 250 મિલિયન લોકો શાળાનું મોં જોવા પામતા નથી અને 763 મિલિયન પુખ્તો પાયાના ભાષા-કૌશલ્યથી વંચિત છે ત્યારે આ દિવસ નિમિત્તે કોઈ નક્કર કામ થવું જોઈએ.
કેટલી ભાષાઓ બોલાતી હશે દુનિયામાં ? છ હજારથી વધારે. આ બધી ભાષાઓ દસ ભાષાકુળોમાંથી જન્મી છે. ગુજરાતી ભાષા ઇન્ડો યુરોપિયન કુળમાંથી જન્મી છે. આ ભાષાકુળ સૌથી મોટું છે, જેમાંથી જન્મેલી 437 ભાષા દુનિયાના ત્રણ અબજ લોકો બોલે છે. યુરોપ, રશિયાની ભાષાઓ અને સંસ્કૃત આ કુળમાંથી જન્મ્યાં છે. વિગતમાં જઈએ તો ગુજરાતી ભાષાનો વંશવેલો આ પ્રમાણે બને : ઇન્ડો યુરોપિયન ઇન્ડો ઈરાનિયન ઇન્ડો આર્યન (સંસ્કૃત) પશ્ચિમ ઇન્ડો આર્યન( પ્રાકૃત-અપભ્રંશ) જૂની ગુજરાતી (ઈ.સ. 1100થી 1500) ગુજરાતી.
ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ છઠ્ઠો છે. દેશની વસતીના સાડાચાર ટકા લોકો ગુજરાતીમાં વાતો કરે છે, વિચારે છે ને સપનાં જુએ છે. જૂની ગુજરાતી ભાષાને ગુર્જર પણ કહે છે. તે રાજસ્થાની અને ગુજરાતી ભાષાની જનની છે. નરસિહ મહેતા 1414માં થયા. તેમનાથી ગુજરાતી ભાષાનું સ્વરૂપ ફર્યું.
શબ્દો રત્નો કરતાં પણ વધારે કિંમતી છે. ભાષાની કિંમત સમજનારે આઠ ગુણ કેળવવા જોઈએ : મધુરતા, નિપુણતા, અર્થપૂર્ણતા, સહજતા, લાઘવ, શોભા, વિચારપૂર્ણતા અને સત્ય. યુ.એન. કહે છે, ‘ભાષા આપણા વર્ણ્ય – અવર્ણ્ય વારસાને સાચવવા અને વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. માતૃભાષાઓને પ્રોત્સાહિત કરવાથી ભાષાવૈવિધ્યને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં, તેનાથી આખા વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ માટેની જાગરૂકતા વધે છે અને વિશ્વ સમજ, સહિષ્ણુતા અને સંવાદના પાયા પર જુદી રીતે એક થાય છે.’
આપણે ભાષામાં પણ ઊંચનીચ લઈ આવ્યા છીએ. અંગ્રેજીમાં બોલનાર ઊંચા અને ગુજરાતીમાં બોલનાર નીચા. રામચંદ્ર ગુહાએ લખ્યું છે કે આજે બે ભાષા પર પ્રભુત્વ ધરાવનાર બહુ ઓછા બચ્યા છે. વાત ખોટી નથી – ગાંધીજી અને ટાગોરની જેમ અંગ્રેજી અને માતૃભાષા બન્ને પર સરખું પ્રભુત્વ હોય એવા લોકો દુર્લભ છે.
આજે માનવાધિકારમાં ભાષા-અધિકારનો સમાવેશ છે અને તેનો એક સુંદર અને રસપ્રદ ઇતિહાસ છે. મનોવિજ્ઞાન કહે છે કે બાળકને માતૃભાષાના 2,500 શબ્દો આવડી જાય ત્યાર પછી જ તેના પર બીજી કોઈ ભાષા લાદવી જોઈએ. આપણે તો માતૃભાષાના શબ્દોનો જ છેદ ઉડાડી દઈએ છીએ. ચકીબહેનને તો સ્પેરો બનાવી દીધી, હવે સૂરજદાદા અને ચાંદામામાનું અંગ્રેજી કેવી રીતે કરીશું? યાદ આવે છે કવિ દલપતરામ. ગાયકવાડ સરકારે વહીવટી ભાષા મરાઠી રાખવાનું નક્કી કર્યું ત્યારે દલપતરામ તેમના દરબારમાં ધસી ગયા અને ખોંખારીને કહ્યું, ‘રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું …’ પ્રેમાનંદે ગુજરાતી માટે ‘શું શાં પૈસા ચાર’ એવો તુચ્છ્કાર સાંભળીને પાઘડી પહેરવાનું છોડી દીધું હતું.
દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેનું ભાષાંતર થઈ ન શકે. ભાષાનું અસલી કલેવર આવા ખાસ શબ્દોથી જ ઘડાય છે. તેથી જ કહેવાય છે કે એક ભાષા નાશ પામે ત્યારે એક સંસ્કૃતિનું મૃત્યુ થાય છે. ગુજરાતી ભાષાની ચૌદ બોલીઓ છે ને દરેકની પોતાની ખૂબી છે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી તે ખરું છે, પણ માતૃભાષા વિના તો પોતાનું ખમીર જ ચાલ્યું જાય છે તેનું શું ? હકીકત તો એ છે કે આપણે જ્યારે માતૃભાષાનો અનાદર કરીએ છીએ ત્યારે એક પ્રકારના હીનભાવથી પીડાતા હોઈએ છીએ.
જન્મદાત્રી અને જન્મભૂમિની જેમ જન્મભાષા ગુજરાતીનું ઋણ સ્વીકારતા શીખીએ.
(શીર્ષકપંક્તિ – ઉમાશંકર જોશી)
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ફેબ્રુઆરી 2025