Opinion Magazine
Number of visits: 9447406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનો વિકાસ

મનસુખ સલ્લા|Opinion - Opinion|21 November 2015

જે શિક્ષણ મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન ન જન્માવે, કેવળ અભ્યાસક્રમ પૂરા કરે, મકાનો ભવ્ય રાખે, બીજો ઘટાટોપ રચે એ શિક્ષણના નામે ભળતી પ્રવૃત્તિ છે. એ શિક્ષણ તો નથી જ, કારણ કે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ ચારિત્ર્ય ઘડતરનો છે. ચારિત્ર્ય ઘડતરનો આધાર મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન છે. એમાંથી જ ચારિત્ર્યને ઘાટ મળે છે.

પરંતુ મૂલ્ય શબ્દ પૂરતો નહીં થાય કારણ કે જીવનવિરોધી કે સમાજવિરોધી મૂલ્યો પણ હોઈ શકે છે. આજના ભારતમાં એવું લાગતું જ નથી કે આ દેશમાં મહાત્મા ગાંધી હતા અને દેશ અહિંસક રીતે સ્વાતંત્ર્ય આંદોલન લડ્યો હતો. એ કાળે ત્યાગ, બલિદાન, સમર્પણ, ઔદાર્ય અને સૌની કાળજી સહજ હતાં. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકો કટોકટીમાં પણ મૂલ્યો છોડતા નહોતા. આજે એથી ઊલટું ચિત્ર છે. દેશ અને સમાજને હાનિ પહોંચાડતા સંકોચ ન હોય એવા અનેક લોકો ચારે બાજુ છે. પોતાના નાના સ્વાર્થ માટે દેશને હાનિ પહોંચાડતા તેમને ખચકાટ થતો નથી. કારણ કે આજે વિપથગામી મૂલ્યો પ્રચલિત બન્યાં છે. તેનું સૌથી કરુણ અને વરવું દૃષ્ટાંત વ્યાપમ કૌભાંડ છે. નિયમો નેવે મૂકાયા અને ખોટા વ્યવહારો થયા એટલું જ નથી, ચાલીસ જેટલાં મૃત્યુ પણ થયાં છે. શિક્ષણ ક્ષેત્રની આ આંખ ઉઘાડનારી ઘટના છે.

એટલે મૂલ્ય કહેવું પૂરતું નહીં થાય. શિક્ષણ દ્વારા સર્વકલ્યાણકાર મૂલ્યોની સ્થાપના અપેક્ષિત છે. જેમાં સૌનું કલ્યાણ હોય, સૌને સમાન વ્યવહાર મળે તેવાં મૂલ્યો જ આવકાર્ય ગણાય. એટલે મૂલ્યની આગળ સર્વકલ્યાણકાર વિશેષણ મૂકવું જરૂરી છે.

ચારિત્ર્ય ઘડતરની આધાર શિલા જ મૂલ્યપ્રીતિ છે. વ્યક્તિનું દુષ્ટ, સ્વાર્થી, પરપીડક એવું ઘડતર પણ થાય અને ઉદાર, નિસ્વાર્થી, વ્યાપક જીવનભાવવાળું ચરિત્ર્ય ઘડતર પણ થઈ શકે. શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનું પ્રગટીકરણ છે. એટલે પ્રાચીનકાળથી આજ સુધી શિક્ષણની અનિવાર્યતા છે ગણાઈ છે. જ્યારે શિક્ષણ મૂલ્યપ્રીતિને ગૌણ ગણે કે તેની ઉપેક્ષા કરે છે ત્યારે તેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ બ્રહ્મરાક્ષસ બને છે. તેમનો હૃદયવિકાસ થયો નથી હોતો. તેઓ બુદ્ધિ દ્વારા સમાજનું શોષણ કરનારા થાય છે. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે બુદ્ધિને ગમે તેટલી કુટિલ રીતે યોજી શકે છે. અંતે જતાં સમગ્ર રાષ્ટ્રને એની કિંમત ચૂકવવી પડે છે. માટે ચારિત્ર્ય ઘડતર અને સર્વકલ્યાણકાર મૂલ્યોની પ્રીતિ એક સિક્કાની બે બાજુ જેવા છે. 

એ તો નિર્વિવાદ છે કે સર્વકલ્યાણકાર મૂલ્યોનું ધરુવાડિયું તો ઘર અને પરિવાર છે. કુટુંબમાં પ્રેમનો સહજ સંબંધ હોવાથી આવું ઘડતર અનાયાસ થાય છે. તેમાં જરૂરિયાતવાળાને સૌથી વધુ મળે છે ને એ આપનારા આનંદ અનુભવે છે. ઔદાર્ય, કાળજી, ક્ષમા, પ્રેમ વગેરે ભાવોથી મૂલ્યોનું સંવર્ધન થાય છે. એટલે કુટુંબ રચના અને પરિવારજનોની સમજ અને દૃષ્ટિ બાળકના ઘડતરમાં અત્યંત ઊંડી અને દીર્ઘકાલીન અસરો પાડે છે.

વિદ્યાલયની કાર્ય પદ્ધતિ અને સંબંધ ભાત પરિવાર કરતાં ભિન્ન હોય છે. તેમાં લોહીનો સંબંધ નથી હોતો, પરંતુ પરિવાર ભાવ તેના કેન્દ્રમાં હોય છે. તેની કાર્ય પદ્ધતિમાં બે તત્ત્વો અનિવાર્યપણે હોવા જોઈએ : (1) વિદ્યાલયમાં બધું વિચારપૂર્વકનું અને આયોજિત હશે. (2) એનો અમલ એવો સહજ હશે કે વિદ્યાર્થીને પોતે કાંઈક ગ્રહણ કરી રહ્યો છે એની સભાનતા નહીં હોય કે એ ફરજિયાત રીતે લાદેલું નહીં હોય. જ્યારે આ બાબતોની ઉપેક્ષા કરવામાં આવે છે ત્યારે મૂલ્યશિક્ષણ દેખાવ પૂરતું કે બગસરાનાં ઘરેણાંની જેમ ઢોળ ચડાવેલું બની જાય છે. એ અસ્તિત્વનો ભાગ બનતું નથી.

એટલે શિક્ષણમાં વય અને ગ્રહણશીલતા મુજબ મૂલ્યસ્થાપન થવું જોઈએ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં હેતુ તો આ જ રહેશે, પરંતુ પદ્ધતિ અને સંબંધ તત્ત્વનો ફરક પડશે. આ વિવેક કરવો જ રહ્યો. વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર થાય તેમ ઇચ્છતા હોઈએ તો તેની ઈષ્ટતમ પદ્ધતિઓ અને સંબંધ સ્વરૂપ નિપજાવવું અનિવાર્ય છે.

મૂલ્યઘડતરનો સૌથી વધુ ગ્રહણશીલ ગાળો પ્રાથમિક શિક્ષણ છે. આ કાળે વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે શ્રદ્ધાવાન હોય છે. શિક્ષકના નાના અને નગણ્ય વ્યવહારોની પણ વિદ્યાર્થીના ચિત્ત ઉપર અસર પડતી હોય છે. આ તબક્કે વિદ્યાલયનું ભાવાવરણ પરિવાર ભાવથી ભરેલું હોય તે અત્યંત જરૂરી છે. સાથે જ શિક્ષકોના વાણી અને વ્યવહારો વચ્ચે અંતર ન હોય એ ઉત્તમ સ્થિતિ છે પરંતુ ઓછામાં ઓછું અંતર હોય તે ઈષ્ટ સ્થિતિ છે. શિક્ષકે વાણી અને વ્યવહાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે સતત જાગૃત પ્રયત્નો કરવા જોઈએ.

પ્રાથમિક કક્ષાએ સુટેવોના ઘડતર દ્વારા મૂલ્યઘડતર થતું હોય છે. જેને આપણે આવકાર્ય મૂલ્યો ગણીએ છીએ તે વિદ્યાર્થી માટે સુટેવ બની જશે તો તેનું આચરણ સહજ બની જશે. દા.ત. સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પડેલી હશે તો તેને અસ્વચ્છતા અને ઓઘરાળાપણું નહીં જ ગમે. એટલું જ નહીં પછીના જીવનમાં પણ આ મૂલ્ય ટકશે. કેવળ બાહ્ય સ્વરૂપમાં જ નહીં, આંતરસ્વરૂપમાં પણ આ ટેવ વિકસશે. એ પણ સ્પષ્ટ છે કે સુટેવોને માન્યતાનો આધાર આપવો પડશે. માન્યતાઓ ત્રણ પ્રકારની હોય છે : (1) સાચી માન્યતા (2) ખોટી માન્યતા અને (3) અસ્પષ્ટ માન્યતા. વ્યક્તિ માન્યતા અનુસાર વર્તન કરે છે. જો સાચી માન્યતાનો આધાર હશે તો પ્રતિકૂળ કે વિપરીત પરિસ્થિતિમાં પણ વ્યક્તિ મૂલ્ય છોડી દેશે નહીં. મહાત્મા ગાંધીનું બાળપણ એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે.

માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીની મૂલ્યપ્રીતિ નક્કર રૂપ લે છે. જો તેને ઉત્તમ આદર્શો અને મૂલ્યો મળે તો એને સારુ બધું હોડમાં મૂકવા તૈયાર થાય છે. સ્વરાજની લડત વખતે દેશના કિશોરો અને યુવાનો જે રીતે પ્રવૃત્ત થયા હતા એ અત્યંત ગૌરવની ઘટના છે. વિદ્યાર્થીના ચિત્તમાં એવાં મૂલ્યો કે આદર્શોવાળી વ્યક્તિ માટે આદર જન્મે છે. કેટલીક વાર તો એના અનુકરણમાં અમુક ઈષ્ટ કાર્યો કરે છે. ચૌદથી સોળ વર્ષનો વયગાળો આવાં મૂલ્યનિર્માણનો, મૂલ્યસ્થાપનનો સૌથી વધુ સંવેદનશીલ કાળ છે. એટલે આ વયના વિદ્યાર્થીઓને સાહસ, શૌર્ય, ઔદાર્ય, સેવા, અન્યને ઉપયોગી થવું, જાહેર કામમાં જવાબદારી લેવી – આ સઘળું મૂલ્યઘડતર કરે છે. શિક્ષકનું મુખ્ય કામ છે નાની સરખી પ્રવૃત્તિનું પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરી આપવું. દરેક વિષયના શિક્ષક આવું જોડાણ (Correlation) કરી શકે છે. આ ઉંમરે સૌથી મોટું બળ સંવેદનાનું હોય છે. એટલે વિગતો અને હકીકતો વિદ્યાર્થીઓ સામે એ રીતે રજૂ કરવી જોઈએ, પ્રત્યક્ષ કરાવવી જોઈએ કે તેમાંથી વિદ્યાર્થીની સંવેદનાની કેળવણી થાય. પાઠ્યક્રમને એવી રીતે યોજવામાં આવે કે જેથી વિદ્યાર્થીની સંવેદનશીલતાને ધાર નીકળે, વધુ સૂક્ષ્મ બને, વધુ વ્યાપક બને. સંવેદનશીલતાનો વિકાસ જ વિદ્યાર્થીને જાતિ-વર્ણ-ધર્મના ભેદોથી ઉપર ઊઠવાનું બળ આપે છે. તો કોઈને પણ થતો અન્યાય એને પોતાનો લાગશે, કોઈ પણ કારણે કોઈને પણ ભોગવવી પડતી પીડા એને પોતાની લાગશે. આ વયે ઉકેલ અંગેની પૂરતી સ્પષ્ટતા નથી હોતી પરંતુ આદર્શનું ખેંચાણ અદ્દભુત હોય છે. એટલે વિદ્યાલયોએ જાગૃત અને આયોજિત રીત આવા મોકા વિદ્યાર્થીઓને પૂરા પડવા જોઈએ. સૌથી વધુ તો જવાબદારી સોંપીને વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા જોઈએ. ભારતની ભયાનક કમનસીબી એ છે કે આજે વિદ્યાલયો માત્ર વિષયો શીખવનારા છે અને પરીક્ષામાં વધુ માર્કસ કેમ મેળવવા એની તરકીબો શીખવનારા કારખાનાં બની ગયા છે. આ ખોટ આખા રાષ્ટ્રની છે. આમાંથી વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અને સ્વાર્થપરક્તા વિકસે છે. કુટુંબ અને સમાજ માટે પણ આ ખોટનો વેપાર છે.

એ સ્પષ્ટ થવું જોઈએ કે મૂલ્યપ્રીતિ એ કંઈ અભ્યાસક્રમથી જુદી બાબત નથી કે વિરોધી બાબત નથી. નજર હોય તો મૂલ્યપ્રીતિના સંદર્ભમાં અભ્યાસક્રમ શીખવી શકાય છે. અભ્યાસક્રમના મુદ્દાઓ ઉપરાંત વિવિધ સહઅભ્યાસક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના નરવા ભાવોને સબળ કરવામાં ફાળો આપે છે. પ્રાર્થના, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃિતક કાર્યક્રમો, ઉત્સવ ઉજવણી, સ્વયંશિક્ષણ દિન, આસપાસના સમાજ વચ્ચે જઈને પ્રવૃત્તિઓ કરવી – આ સઘળું તેમાં મદદરૂપ થાય છે. આજે મૂલ્ય શિક્ષણની વાત ખૂબ થાય છે પરંતુ આ દૃષ્ટિએ અને આવું આયોજન ન હોવાથી એ કેવળ વાતો જ રહે છે. એથી વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય છે પણ સંવેદનશીલતાનો વિકાસ થતો નથી. શિક્ષણ જગત માટે આ ગંભીર ઊણપ ગણાય. એ અંગે પુનર્વિચાર કરવાની તાતી જરૂર છે.

ઉચ્ચ શિક્ષણ એ જ્ઞાનનો વૈશ્વિક પ્રદેશ છે. આ કક્ષાએ વિદ્યાર્થી મુગ્ધ રીતે માની નહીં લે, પણ બધું તપાસતો થાય છે. (તે તપાસતો થવો પણ જોઈએ) તેથી ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા વૈશ્વિક થાય એનું આયોજન હોવું જોઈએ. આ કક્ષાએ વર્ગ ખંડમાં જઈને અધ્યાપકનું માત્ર બોલી આવવું કે નોટ વાંચીને વિદ્યાર્થી પરીક્ષા આપી દે એ અત્યંત નિકૃષ્ટ કક્ષા છે. સોના જેવી અમૂલ્ય ક્ષણોને ધૂળમાં નાખી દેવા જેવી દૃષ્ટિહીનતા છે. એ ઉચ્ચ શિક્ષણ જ નથી. (એટલે ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ નથી.) ઉચ્ચ શિક્ષણ તો સર્જનાત્મક હોવું જોઈએ. હકીકતો, આંકડા, સ્થિતિઓ, સમસ્યાઓ માત્ર જાણવી એ તો પચાસ ટકા કામ થયું ગણાય. આ સઘળું અભ્યાસનો આધાર માત્ર છે. એને આધારે પૃથક્કરણ, વિશ્લેષણ, અનુભવ સાથે તેનું સમાયોજન, તેમાંથી તારણો અને ઉકેલો શોધવા, પ્રત્યક્ષનું પરોક્ષ સાથેનું જોડાણ કરવું, લઘુ એકમનું વ્યાપક પરિસ્થિતિ સાથે જોડાણ કરવું, વ્યાપકના સંદર્ભમાં પ્રસ્તુતની સમજ મેળવવી – આ સઘળું થાય ત્યારે ઉચ્ચ (Higher) શિક્ષણ છે એમ ગણાય. આમાંથી વિદ્યાર્થીની વૈચારિક ક્ષિતિજો વ્યાપક બને છે. વ્યક્તિ-સમાજ-સમષ્ટિ (પ્રકૃતિ) અખંડ એકમ છે એની વિદ્યાર્થીને પ્રતીતિ થાય છે. આ ત્રણમાંથી કોઈ પણ એકને હાનિ પહોંચે તો બાકીના બન્નેને પણ હાનિ પહોંચે છે એની સમજ એ ખરું મૂલ્યભાન છે. 

આ જાગૃતિ, આ સમજ, આ દૃષ્ટિમાંથી વિદ્યાર્થીઓમાં ઉત્તરદાયિત્વ(Accountability)નો ભાવ જાગે છે. સાથે જ, મારાં કર્મો કેવળ મને જ અસર નથી કરતાં પણ સમાજ અને સમષ્ટિને પણ અસર કરે છે એની પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિમાંથી મૂલ્યપ્રીતિ જાગે છે. મારાથી મારા સમાજને, રાષ્ટ્રને કે સમષ્ટિને હાનિ પહોંચે એવું કશું પણ ન થઈ શકે એ સમજણમાંથી મૂલ્યપાલન જન્મે છે. ઉચ્ચ શિક્ષણનો ખરો અર્થ આ છે. આ ઉદ્દેશ કેન્દ્રમાં આવે તો માહિતી કે વિગતો નવા સ્વરૂપમાં પરખાય છે. કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને થતાં આયોજનો કેવાં તો અધૂરાં છે તે સ્પષ્ટ થાય છે. આ સ્પષ્ટતામાંથી જીવન અને જગત વિષેની સાચી માન્યતાઓ પાંગરે છે અને દૃઢ થાય છે. આ મૂલ્ય શિક્ષણ છે.

આને સાર્થક કરવા માટે અધ્યાપકે સતત અધ્યયનશીલ રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓ સાથેનો તેનો સંબંધ જ્ઞાનની ખોજમાં નીકળેલા બે જિજ્ઞાસુ જેવો હોવો જોઈશે. એનું માધ્યમ વિદ્યાર્થી માટેનો પ્રેમ હશે. એ પ્રેમ જ તેને નવી નવી શિક્ષણ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, રચનાઓ, સ્થિતિઓ, સાધન-સામગ્રી શોધવા પ્રેરશે. તો સામે પક્ષે વિદ્યાર્થી કેવળ પરીક્ષાર્થી નહીં હોય, તે અધ્યયન રત તો હશે જ, સાથે જ, વ્યાપક સંદર્ભને સમજવા આતુર હશે. પ્રશ્નોના તૈયાર ઉકેલો લખી લેવાને બદલે ઉકેલો શોધવા જિજ્ઞાસુ હશે. જીવાતા જીવનના પ્રશ્નો કે પરિસ્થિતિઓ સાથે પ્રસ્તુત તત્ત્વ કે સિદ્ધાંતની તુલના કરીને પોતાના જ્ઞાનને નક્કર અને વાસ્તવિક બનાવશે. તે અલ્પથી સુખ પામનારો નહીં હોય, અવગાહન કરવાનો આનંદ લેનારો હશે. અધ્યાપક માર્ગદર્શકની ભૂમિકામાં હશે, વિદ્યાર્થી જાતે અધ્યયન કરવા આતુર હશે.

તો વિદ્યાર્થી સમજી શકશે કે કેવળ અર્થશાસ્ત્ર પૂરતું નથી, અર્થશાસ્ત્રનો માનવીય ચહેરો નિપજવવો પડશે. દાક્તરી વિદ્યા માત્ર પૈસા કમાવા માટે નથી, લોકોની સેવા માટે છે. ઉત્પાદન અને વાણિજ્યમાં માત્ર નફાના દેવની પૂજા નથી કરવાની પરંતુ પ્રકૃતિ અને સૌથી છેવાડે ઊભેલાની પણ કાળજી લેવાની છે. શસ્ત્રોત્પાદનથી પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ કરીને બીજા દેશોમાં યુદ્ધ સળગતું રાખનાર રાજકારણ માનવતાથી વિરોધી છે. જેમાં માણસ સાંકડો, સ્વાર્થી, અધમતાનુસારી બને તેવા કોઈ પણ વિચાર કે આચરણનો તે અસ્વીકાર કરશે. આ જ તો મૂલ્ય વિકાસ છે. એ સર્વકલ્યાણકારક હોવાથી સ્વીકાર્ય બનશે.

કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને નહીં જિવાય, ‘આવતી કાલ’ને પણ સમધારણ અને ન્યાયી બનાવવી પડશે. સમાનતા માટે એ સ્વતંત્રતાનો ભોગ નહીં આપે (જે રશિયામાં બન્યું) કે વિકાસ માટે બંધુતાનો ભોગ નહીં આપે (જે આજના ધનિક રાષ્ટ્રો કરી રહ્યા છે) પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું પ્રયાગ કેમ રચાય, માનવજાતનું કલ્યાણકારક સ્વરૂપ કેમ પ્રગટે તેનું ચિંતન કરશે, તેના ઉપાયો શોધશે. આ સરવકલ્યાણકર મૂલ્યો વિષેની સભાનતા અને પ્રીતિ તથા એને પરિણામે એનું પાલન એ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ છે. એ ચારિત્ર્યનું ઘડતર કરે છે. એવું જીવવું એ ચારિત્ર્યનો સાચો વિકાસ છે.

વિદ્યાલયના વિવિધ તબક્કા અનુસાર પદ્ધતિ, સાધનો અને ઉપક્રમો ભલે ભિન્ન હોય પરંતુ લક્ષ્ય તો આ હોય. આ માટે વિદ્યાલયના સઘળાં આયોજનો, રચનાઓ, પદ્ધતિઓ અને ઉપક્રમો હોય તો જ એ સાર્થક શિક્ષણ છે. એવું શિક્ષણ રાષ્ટ્ર પોષક છે, માનવતાનો ચહેરો ઉજ્જવળ કરનાર છે.

(માતુશ્રી વિરબાઈ મહિલા કૉલેજ, રાજકોટમાં ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’માં આપેલ વ્યાખ્યાન, તા. 30-07-2015)

(ઘરશાળા ‘અમૃતપર્વ’, નવેમ્બર-ડિસેમ્બર 2015)

Loading

21 November 2015 admin
← સમાન શિક્ષણ : મંઝિલ ઘણી દૂર છે
શા માટે ઓછામાં ઓછું (મિનિમમ) વેતન મળવું જોઈએ તેમ જ આઠ કલાકનો દિવસ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved