Opinion Magazine
Number of visits: 9485569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂંટનો માલ વ્યાજ સાથે પાછો આપો!

આશા બૂચ|Opinion - Opinion|5 November 2015

તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના યુનિયન દ્વારા એક ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે શશી થરૂર ત્રણ સંનિષ્ઠ વક્તાઓમાંના એક હતા. એ ચર્ચાસભાનો પ્રસ્તાવ હતો : ‘આ હાઉસ માને છે કે બ્રિટન ઉપર તેના ભૂતપૂર્વ શાસિત દેશોને તેમના પર રાજ્ય કરવા બદલ વળતર ચૂકવવાનું ઋણ બાકી છે.’

આ ચર્ચાસ્પદ મુદ્દાને લઈને શશી થરૂરે જે વિગતો રજૂ કરી તેનાથી વિચાર વમળો ઉઠ્યાં અને આધુનિક પ્રસાર માધ્યમો દ્વારા તેના પર તેની તરફેણ અને વિરુદ્ધમાં ગરમાગરમ ચર્ચાઓ થઈ. પ્રસ્તાવમાં બ્રિટનના તમામ ભૂતપૂર્વ શાસિત દેશોને વળતર ચુકવવાની વાત હતી, જ્યારે સ્વાભાવિક છે કે શશી થરૂરને ભારતનો કેઈસ રજૂ કરવાનું સોંપવામાં આવ્યું હશે. અહીં જે આર્થિક, રાજકીય અને સામાજિક દશા ભારતની થઈ તેવી જ બીજા દેશોની થઈ, એ હકીકત સ્વીકાર્ય ગણીને જ આગળ વધી શકાય. વળી, અહીં માત્ર નાણાકીય વળતરની જ ચર્ચા છે, અન્ય ગુણાત્મક પાસાંઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જેના વિષે મારા વિચારો વ્યક્ત કરવા માગું છું.

આપણે જાણીએ છીએ કે બ્રિટિશ શાસનની શરુઆતમાં વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનો ફાળો 23% હતો, જે ખાસ ઊંચો ન ગણાય, પણ સાવ નગણ્ય પણ નહોતો, જે એ શાસનના અંત ભાગે 4%થી ય ઓછા આંક પર આવી ગયેલો. તો એ માટે બ્રિટન અત્યારે ભારતને ગુમાવી પડેલ પ્રગતિ આંક માટે દેવું ભરપાઈ કરે તેવી માંગણી થઈ રહી છે. એ જાહેર હકીકત છે કે બ્રિટનના રાજ્યકર્તાઓ અને ઉચ્ચ હોદ્દેદારોના મસ મોટા પગાર, અન્ય ભથ્થાં અને અતિ ખર્ચાળ જીવન પદ્ધતિ પોષવા ભારતની આમ જનતા તૂટી મરેલી. જાહેર છે કે બ્રિટનની 200 વર્ષની ચડતી ભારતની આર્થિક, રાજકીય અને સાંસ્કૃિતક પડતી ઉપર ચણાયેલી હતી.

ભારતનો 19મી અને 20મી સદીનો ઇતિહાસ જાણનાર સહુ કહેશે કે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ ભારતના ગૃહોદ્યોગ અને ગ્રામોદ્યોગના ભંગાર પર વિકસેલી. ભારતના ઉત્પાદકો અને વેપારીઓએ  કાચા માલની નિકાસ પર નિકાસ વેરો અને બ્રિટનમાં મશીનોમાં પેદા થયેલ તૈયાર માલ ખરીદવા બદલ આયાત વેરો ભરીને બે બાજુથી માર ખાધેલો. ઢાકાનું મલમલ વણનાર વણકરોના અંગૂઠા જ માત્ર નહીં, ભારતના સમગ્ર અર્થતંત્રના કાંડા કપાયેલા. બ્રિટિશ રાજની આવી અર્થનીતિને  કારણે સર્વોદય વિચારધારા પ્રત્યે અંધાપો આવ્યો અને કેન્દ્રીય ઉદ્યોગો અને વેપાર વ્યવસ્થાની મોહિની છવાઈ ગયેલી.

કોઈ પણ ગુલામ દેશની પ્રજા વિનિપાતના માર્ગે જ ધકેલાય તેનો ઇતિહાસ સાક્ષી છે. કાપડ ઉદ્યોગના પડી ભાંગવા સાથે ભારતના હાથે કાંતનારા અને વણકરો પોતાના જ દેશમાં ભિખારી બન્યા અને રેશમ તથા મલમલ વણનારા અપંગ બન્યા એ તરફ શશી થરૂરે ધ્યાન દોર્યું એ વ્યાજબી છે. ઈ.સ. 1943માં 4 મીલિયન બંગાળી સ્ત્રી-પુરુષ-બાળકો ભૂખમરાથી માર્યા ગયા. કારણ? વિન્સ્ટન ચર્ચીલે અનાજનો જથ્થો ભૂખ્યા બંગાળી પ્રજાજનોને આપવાને બદલે જેની પાસે પૂરતો અનાજનો પુરવઠો હતો તેવા બ્રિટિશ લશ્કર તરફ રવાના કરવાનો આદેશ આપેલો. એની દલીલ કેવી બેદર્દ હતી? “આમ થાય તો અર્ધભૂખ્યા બંગાળીઓ ભૂખે મરે તેના કરતાં તંદુરસ્ત ગ્રીક જવાનોને ઓછું પોષણ મળે તે વધુ ગંભીર બીના છે.” જયારે કેટલાક નીતિવાન ઓફિસરોએ ચર્ચિલના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવ્યું તે જણાવતા તાર કર્યા ત્યારે તેણે ટાઢે પેટે પૂછેલું, “હજી ગાંધી કેમ મર્યો નથી?”

એ ખરું છે કે બ્રિટિશ રાજ ભારતની પ્રજાના કલ્યાણ અર્થે છે એમ કહેવામાં આવતું હતું, જ્યારે હકીકત એ છે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા, તેનો પગદંડો જમાવવા, તેને ગુમાવી ન બેસવા અને છેવટ ન છૂટકે છોડવાના તમામ પગલે અનેક લડાઈઓ થઈ, છેતરપીંડી કરવામાં આવી, ભાગલા પાડો અને શાસન કરોની નીતિને કારણે દેશ છિન્ન વિછિન્ન થઈ ગયો, સ્વાતંત્ર્યની માગ કરનાર નિ:શસ્ત્રોને તોપના ગોળે કે મશીનગનથી વીંધી નખાયા, એ બધું જ થયું કેમ કે ભારતની પ્રજા ક્યારે ય બ્રિટનની નાગરિક નહોતી, એ માત્ર તેમના તાબા હેઠળ બ્રિટનના રાજાની રંક પ્રજા હતી. બ્રિટિશ શાસન કાળ દરમ્યાન એવો દાવો પણ કરાતો હતો કે રેલવે ભારતની પ્રજાના લાભ માટે બાંધવામાં આવી છે, પણ સાચું તો એ હતું કે બ્રિટિશ ઓફિસરો અને લશ્કરને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા અને ભારતનો કાચો માલ દરિયાયી બંદરે લઈ જવા અને બ્રિટનથી મોકલેલ પાકો માલ દેશના ગામે ગામ પહોંચાડવા તેનો મુખ્ય ઉપયોગ થતો. દુનિયાના બીજા દેશોએ ગુલામ બન્યા વિના રેલવે બાંધી જ હતી ને? ભારતીય જનતાની કાળી મહેનતને અંતે તેમની પાસેથી  ઉઘરાવેલ કરવેરાથી બ્રિટિશ શેરહોલ્ડરોના ખિસ્સાં તરબતર થયેલા એ આપણે ક્યાં નથી જાણતાં?

વિદેશી શાસન દરમ્યાન ભારતનો શતમુખ વિનિપાત સર્જાયો એ બરાબર જાણીએ છીએ. વાઈસરોયથી માંડીને લશ્કરના વડાઓ અને વેપાર ઉદ્યોગના સાધનો બ્રિટનથી લવાયા. ટેકનોલોજી શાસનકર્તાઓએ પોતાના અંકુશમાં રાખી, નામની મજૂરી આપીને અઢળક માલ પેદા કરી વેંચ્યો, લખલૂટ નફો કર્યો અને એ બધી મિલકત ઉસેડીને બ્રિટન ભેળી કરી એ વાતનો ઇનકાર થાય તેમ નથી. એ ખરેખરતો Private (British) enterprise at public (Indian) riskનો ખેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ  આફ્રિકાના સૈનિકોની સંખ્યાના સરવાળા કરતાં વધુ ભારતીય જવાનો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા. જો કે આંતરરાષ્ટ્રીય સમજુતી પ્રમાણે એ નુકસાની પેટે 12 મીલિયન ડોલર ચૂકવાયા છે. પણ બીજા વિશ્વયુદ્ધમાં અઢી મીલિયન ભારતીય સૈનિકો લડ્યા, જેનું દેવું 1.25 બિલિયન ડોલર થવા જાય છે જે હજુ ભરપાઈ નથી થયું. શશી થરૂર કદાચ એકે એક પાઈ ભરપાઈ કરવાની માંગણી કરે તેવા નથી એટલે “વરસે 1 પાઉન્ડ લેખે બસો વર્ષ સુધી કરજ ચૂકવી આપો તો ય ઘણું।” એમ કહીને વિરમ્યા.

આ વક્તવ્ય સાંભળ્યા પછી થયું, સારું થયુંને આપણે હવે સાવ સ્વતંત્ર થઈ ગયા? હવે આમાંની એકે ય પરિસ્થિતિનો ભારતની પ્રજાને સામનો નથી કરવો પડતો એ હરખની વાત છે. મારી નજર છેલ્લા 65 વર્ષના પ્રગતિ અને વિકાસ પર પડી. સ્વતંત્ર થયા પછી ‘પોતાના’ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી માંડીને નાનામાં નાના મામલતદાર સુધીના તમામ સરકારી અધિકારીઓ પણ એવા જ દમામ સાથે રહે છે અને પ્રજા હજુ પણ તેના ભાર નીચે કચડાયેલી રહે છે એ હકીકત પીડાકારક છે. એનો અર્થ એ કે આપણે ધોળા હાથીને બદલે ઘઉં વર્ણા હાથીને આપણા શાસનની ધુરા સોંપી? આ તો વ્યક્તિ શોષણ કરે છે, શાસન નહીં એવું પુરવાર થયું.

બ્રિટિશ રાજ દરમ્યાન થયેલ વેપાર-ધંધાની પડતી માટે કાગારોળ કરીએ છીએ પણ સવાલ એ થાય છે કે બ્રિટન તો કદાચ અમુક કરોડ પાઉન્ડ એ ખોટના બદલામાં ચૂકવીને છૂટી જશે, પણ સ્વતંત્ર ભારતના નાગરિકોની ચૂંટેલી સરકારોની મુક્ત બજારની નીતિને પરિણામે અને દુનિયાની પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા થવાની લાલચને કારણે જે દરે મોટા અને ભારે ઉદ્યોગો સ્થપાય છે, જે રીતે કૃષિ ઉદ્યોગ હાંસિયામાં ધકેલાય છે, જે ગતિથી આયાત-નિકાસનું પલ્લું આપણી વિરુદ્ધ નમતું જાય છે અને જે ઝડપથી તમામ લઘુમતી કોમ પોતાની જીવન પદ્ધતિને મૂડીવાદના વમળમાં અદ્રશ્ય થતી ભાળે છે એ જોતાં લાગે છે કે જાણે આપણે બ્રિટિશ સરકારે શરુ કરેલ શોષણ પૂરું કરીને ઝંપીશું. ત્યારે કોની પાસે વળતર માગવા જઈશું?

ભારતીય પ્રજાજનોએ ગુલામી દશાને પરિણામે જે યાતના સહન કરવી પડેલી તે અમાનુષી હતું તેમ કહેતાં આપણે અચકાતાં નથી, પરંતુ શશીજીના આ મુદ્દા પર વધુ વિચાર કરતાં મને થયું, ક્યાંક આજની સરકાર પણ અવાજ વિહોણાં આદિવાસીઓ, સ્ત્રીઓ, અન્ય લઘુમતી કોમના લોકોની અવગણના કરીને તગડા ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકોને વધુ સમૃદ્ધ કરવા બધા કુદરતી અને માનવ સ્રોત એમના તરફ રવાના તો નથી કરતાને? માનવ સર્જિત ભૂખમરા માટે બ્રિટનની હાલની સરકાર કદાચ ‘અમને માફ કરો’ એમ કહીને પ્રાયશ્ચિત કરી લેશે, આપણી પ્રજા કોની પાસે વળતર માગશે, પ્રાયશ્ચિત કરાવશે? બ્રિટિશ રાજની રેલવે તેમના લશ્કરી અને વહીવટી અમલદારોના લાભમાં બંધાઈ તો આજના ‘સ્માર્ટ સીટી’, શોપિંગ મોલ, વિશાળ રસ્તાઓ, સરદાર નગર, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વગેરે શું ‘સ્વતંત્ર ભારત’ની આમ જનતાના હિતને લક્ષમાં લઈને બાંધવામાં આવે છે? બ્રિટને ભારતનું આર્થિક માળખું આપણી કુદરતી અને માનવ શક્તિને ચૂસી ચૂસીને ખોખલું કરી નાખ્યું તેમ બૂમ પાડી પાડીને કહેવામાં વાંધો નથી, પણ આજે જે રીતે વિદેશી કંપનીઓને પોતાને ખોળે બેસાડીને વેપાર-ઉદ્યોગોને વિકાસના નામે ગીરવે મુકવામાં આવે છે એ જોતાં આપણું જ માનવ ધન થોડાં વર્ષોમાં આધુનિક ગુલામીના ચક્રમાં ફસાઈ જશે ત્યારે તેમને કોણ વળતર આપશે?

એક બાબતમાં ભારતીય શાસને બ્રિટિશ રાજને હરાવ્યું છે અને તે કોમી એખલાસના મુદ્દે. બ્રિટનને તો પોતાનું રાજ અક્ષુણ રાખવા માટે ભાગલા પાડીને વિખવાદ ઊભો કરવાની પવિત્ર ફરજ હતી અને છેવટ સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે દેશના ભાગલા એવી રીતે કર્યા કે હવે ભારત-પાકિસ્તાન રૂપી બે બિલાડીઓ જીવશે ત્યાં સુધી લડ્યા કરશે અને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશો એમને શસ્ત્રો પૂરાં પાડીને ઝઘડતા દેશોને થતા નુકસાન થકી પોતે રોટલાનો મોટો ટુકડો લઈને લાભ મેળવતા રહેશે. પણ ભારતની સરકાર વિદેશી સરકાર કરતાં પણ એક ડગલું આગળ વધી. માત્ર હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય હોય તેટલાથી સંતોષ ન થતાં આદિવાસી, અવર્ણ-સવર્ણ, ગરીબ-તવંગર અને સ્ત્રી-પુરુષ વચ્ચે પણ અસમાનતાની ઊંડી ખાઈ રચીને પોતાની જ પ્રજાને વિભાજીત કરી. બ્રિટન તો કદાચ ‘ભૂતકાળમાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવેલ અત્યાચારો એક શરમ જનક બીના હતી’ એવું કહીને પોતાનો ડાઘ છુપાવવાની કોશિશ પણ કરશે, પણ આપણે આપણા જ દેશ બાંધવોને આવી વિભાજક, વિનાશક અને આક્રમક આર્થિક અને આંતરિક નીતિને કારણે ઊભી થતી અસમાનતા માટે શું જવાબ આપશું? આપણે ચેતી જવું રહ્યું.

વિદેશી શાસનના કેટલાક આડકતરા પરિણામો આવ્યાં, જેમ કે ભારતીય ભાષાઓ અણમાનીતી રાણી જેવી ગણાવા લાગી છે, આપણાં વિજ્ઞાન, કાર્ય કૌશલ્ય અને ડહાપણ વિષે શંકા થવા માંડી છે, આપણી સંસ્કૃિતની ઉપજ સમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન વિસ્મૃિતની ગર્તામાં ધકેલાવા લાગ્યા છે, ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ જેવા સનાતન મૂલ્યને ભૂલીને ‘પૈસો મારો પરમેશ્વર’ એવા વરવા પૂંજીવાદ પાછળ ભાન ભૂલીને દોડવા માંડ્યા છીએ અને ભારતીય અસ્મિતા જોખમાઈ રહી છે તો એ બધાનું વળતર શું નાણામાં કોઈ ચૂકવી શકશે?

બ્રિટનની શાળાઓમાં સામ્રાજ્યનો ઇતિહાસ ભણાવાય અને તમામ હકીકતો તટસ્થતાથી શીખવવામાં આવે તે એમને માટે એક ગૌરવ પદ પગલું ભર્યું કહેવાશે અને એ માટે ભારત બ્રિટનની સરકારને ભલામણ કરી શકે. એ જ રીતે ભારત સાથે માત્ર વેપારી કરારો નહીં પણ સાંસ્કૃિતક આદાન-પ્રદાન કરવા બ્રિટન આગળ આવે તો એ પણ સરાહનીય ગણાશે. સામે પક્ષે ભારતની આજની પેઢીએ દેશના લુંટાયેલ નાણાં માત્ર નહીં, પણ બુદ્ધિધન, વિચાર શક્તિ અને અસ્મિતાને આપ બળે પછી મેળવી લેવાની છે. એ માટે ગુલામી માનસને તિલાંજલિ આપી સ્વાભિમાન કેળવીને ઉત્તમ નાગરિક તરીકે ફરજ બજાવતા થઈશું તો કરોડો કે અબજો રૂપિયાના વળતરથી અનેક ગણું મૂલ્યવાન ધન ધરાવનાર, દુનિયાને માર્ગ બતાવનાર આદર્શ દેશ બની શકશે.

અહીં ગાંધીજીનું અવતરણ ટાંકીને પૂર્ણ વિરામ મુકીશ:

“મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. પશ્ચિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પછી વળી શકીશ ત્યારે પશ્ચિમની પાસેથી કરજ લેતાં હું નહીં અચકાઉં।”

e.mail : 71abuch@gmail.com

Loading

5 November 2015 admin
← જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ
નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved