Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—272

દીપક મહેતા|Opinion - Opinion|18 January 2025

દોરાબજી તાતાએ શરૂ કરેલી સંસ્થા : એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી     

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, 

એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

૧૯૨૪માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘માલવપતિ મુંજ’નું આ ગીત લખતી વખતે પ્રભુલાલ દ્વિવેદીની આંખ સામે તો નાટકનાં પાત્રો જ હશે. બહુ બહુ તો વ્યક્તિઓ હશે, પણ સંસ્થાઓ તો નહિ જ હોય. પણ આ ગીત જેટલું વ્યક્તિના નસીબ માટે બંધબેસતું છે તેટલું જ તે સંસ્થાઓની ચડતી પડતી માટે પણ બંધબેસતું છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતાએ શરૂ કરેલી એક સંસ્થાના કરમની કઠણાઈ જ જુઓ ને!

ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯)

એક અમેરિકન પાદરી, નામે ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯) ૧૯૨૫માં મુંબઈ આવ્યા અને નાગપાડા વિસ્તારમાં સામાજિક કાર્ય (સોસિયલ વર્ક) કરવા લાગ્યા. એ વખતના મુંબઈમાં વારંવાર કોમી રમખાણો થતાં. એ વખતે નાગપાડામાં બંને કોમોની સારી એવી વસતી. આ પાદરીએ રમખાણોનો અભ્યાસ કરીને બે કોમ વચ્ચેનું અંતર ઘટાડવાના હેતુથી ‘નાગપાડા નેબરહુડ હાઉસ’ નામની સંસ્થાની શરૂઆત કરી. આ સંસ્થાની કામગીરી દરમ્યાન તેઓ દોરાબજી તાતાના પરિચયમાં આવ્યા અને વખત જતા બંને મિત્રો બન્યા. તેમણે દોરાબજીને કહ્યું કે સોશિયલ વર્કની વ્યવસ્થિત તાલીમ આપનારી એક પણ સંસ્થા હિન્દુસ્તાનમાં નથી, તો તમારે એવી એક સંસ્થા શરૂ કરવી જોઈએ. અને તેમની પ્રેરણાથી ૧૯૩૬માં નાગપાડામાં જ શરૂ થઈ દોરાબજી તાતા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક. એ વખતે હિન્દુસ્તાનમાં જ નહિ, આખા દક્ષિણ એશિયામાં, આ પ્રકારની આ પહેલવહેલી સંસ્થા હતી. નાગપાડાના એક નાનકડા મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ વખત જતાં એવું તો કાઠું કાઢ્યું કે તેની ગણના આખી દુનિયાની આ પ્રકારની સંસ્થાઓમાં એક અગ્રણી સંસ્થા તરીકે થવા લાગી. પાદરી મન્સહર્ટ તેના પહેલા ડિરેક્ટર હતા અને ૧૯૪૧ સુધી તેઓ એ હોદ્દા પર રહ્યા.

મેહેરબાઈ અને દોરાબજી તાતા

મુંબઈમાં જે સામાજિક કાર્ય કર્યું તેના આધારે મન્સહર્ટે દસ જેટલાં પુસ્તકો લખ્યાં. તેમાંનાં કેટલાંક :

Hindu-Muslim problem in India, Bombay Looks Ahead, Pioneering on Social Frontiers in India, Freedom without violence, India’s struggle for independence, The Nagpada Neighbourhood House in action, The Child In India. આમાંનાં કેટલાંક પુસ્તકો હજી આજે ય છપાય છે અને વેચાય છે. જો વંચાતાં ન હોય તો આમ બનવું મુશ્કેલ. 

મન્સહર્ટે પોતાની સંસ્થામાં Bombay : Today and Tomorrow વિષય પર એક વ્યાખ્યાન માળા યોજી હતી અને પછી તેમાં રજૂ થયેલાં વક્તવ્યોનું સંપાદન પણ એ જ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યું હતું. ૧૯૩૦માં ધ નાગપાડા નેબરહુડ હાઉસ દ્વારા પ્રગટ થયેલા આ પુસ્તકમાં કુલ આઠ પ્રવચનો સંઘરાયાં છે. તેમાંનું એક મન્સહર્ટનું પોતાનું છે. એમાં તેમણે જે કહ્યું છે એ ત્યારના મુંબઈ માટે જેટલું સાચું હતું, એટલું જ આજના – અને કદાચ આવતી કાલના પણ – મુંબઈ માટે સાચું છે. એટલે જરા ચાતરીને પણ તેમના મુંબઈ વિશેના વિચારો જોઈએ : આજે મુંબઈને સૌથી વધુ જરૂર છે તે દૃષ્ટિવાન માણસોની. આજનું મુંબઈ એ ઘણે અંશે ઔદ્યોગિક સંસ્કૃતિનું ફરજંદ છે. હું જ્યાં રહેતો હતો એ શિકાગો શહેરમાં ઊંચાં ઊંચાં ‘સ્કાયસ્ક્રેપર’ બંધાય છે. તેમાં મકાન જેટલું ઊંચું બાંધવાનું હોય તેટલો જ ઊંડો તેનો પાયો નાખવો પડે. પાયો પૂરતો ઊંડો અને મજબૂત હોય તો જ તેના પર ગગનચુમ્બી ઈમારત ઊભી રહી શકે. આજે આપણે જે મુંબઈ શહેર જોઈએ છીએ તે પહેલી નજરે જોતાં તો સારી રીતે બંધાયેલું હોય એવું લાગે છે. પણ એ જોઇને કોઈના પણ મનમાં સવાલ ઊઠ્યા વગર રહે નહિ : ‘આ શહેરનો પાયો પૂરતો ઊંડો અને મજબૂત છે ખરો?’ ભૌતિક સુખનાં જે સાધન-સગવડ આપણી પાસે છે તેનો ભાર ઝીલી શકે એવો મજબૂત આધ્યાત્મિક – ધાર્મિક નહિ – પાયો આ શહેરનો છે ખરો? અને અધ્યાત્મનું ખરું કામ શું છે? ચાલતાં ચાલતાં માણસ લપસી ન પડે એટલા માટે પાણીનો નળ બંધ કરવાનું તેનું કામ છે? ના. પણ લપસી પડેલા માણસ સામે હાથ લંબાવીને તેને ઊભો કરવાનું છે. અને પછી પોતું મારીને જમીન સાફ કરવાનું છે. આજે મુંબઈને સૌથી વધુ જરૂર હોય તો તે છે સામાજિક દૃષ્ટિ ધરાવતા આવા આગેવાનોની. જરૂર છે એવા ઔદ્યોગિક આગેવાનોની જે લોકોની સુખાકારી માટે પોતાનો નફો જતો કરવા તૈયાર હોય. નફો ખરાબ છે કે ન કરવો જોઈએ એમ નહિ. પણ બીજા માણસને ભોગે કરેલો નફો એ નફો નહિ, શોષણ છે. દરેક ઉદ્યોગપતિએ શું વિચારવું જોઈએ? આનાથી મને કેટલો લાભ થશે એ નહિ. પણ આનાથી સમાજને કેટલો લાભ થશે? અને એ રીતે વિચારનારને યોગ્ય નફો મળી જ રહેશે.   

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ સાયન્સની જ્યાં શરૂઆત થઈ

તાતા જૂથની ઘણી સંસ્થાઓ આવી ભાવના સાથે શરૂ થયેલી. તેમાંની એક તે દોરાબજી તાતા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક. એ જ્યારે શરૂ થઈ ત્યારે પહેલે વરસે માત્ર ૨૦ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની જોગવાઈ કરી હતી. પણ જ્યારે પ્રવેશ માટે અરજી મગાવાઈ ત્યારે ૪૦૦ જેટલી અરજી આવી હતી. આવી કોઈ સંસ્થાની એ વખતે તાતી જરૂર ન હોય તો આમ બને નહિ. સ્થાપના પછીનાં વરસોમાં આ સંસ્થાનો ઝડપભેર વિકાસ થયો. ૧૯૪૪માં તેનું નામ બદલીને ‘તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ સાયન્સિસ’ રાખવામાં આવ્યું. દેશના ભાગલા પછી લાખો નિરાશ્રિતો દેશમાં આવ્યા ત્યારે પોતાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંસ્થાએ રેફ્યુજી કેમ્પમાં મદદ કરવા મોકલ્યા. કુદરતી કે બીજી આફતો વખતે રાહત કાર્યમાં જોડાવાનું હજી આજે ય ચાલુ રહ્યું છે. ૧૯૫૪માં સંસ્થાનો નવો કેમ્પસ દેવનાર ખાતે બંધાયો અને સંસ્થા ત્યાં ખસેડાઈ. આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને હાથે થયું હતું.

વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નવા કેમ્પસનું ઉદ્ઘાટન

૧૯૬૪માં એક મોટું પરિવર્તન આવ્યું. ભારત સરકારે આ સંસ્થાને ‘deemeed university’ તરીકે માન્યતા આપી. નવા વિષયો અંગેના અભ્યાસક્રમ શરૂ થયા. સંસ્થાની નામના દેશની બહાર પણ ફેલાઈ. પણ કવિ કલાપીએ ગાયું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ વરસો વીતતાં ગયાં તેમ સરકારી દખલગીરી વધતી ગઈ. સંસ્થાને ધબકતી રાખવા માટે જરૂરી ફંડ સરકાર તરફથી મળવામાં અવરોધો ઊભા થતા ગયા. અને પછી છેલ્લાં કેટલાંક વરસોમાં તો નાની નાની બાબતોમાં પણ સરકાર નારાજ થવા લાગી : ‘અલાણાને ભાષણ કરવા કેમ બોલાવ્યો? ફલાણો શિક્ષક વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનમાં કેમ જોડાયો? મહેમાન વક્તાએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતી વખતે સરકારની ટીકા કેમ કરી?’ વગેરે. અને પછી છેવટનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું : અનુદાન નહિ મળે, પૈસા નહિ મળે. એક વાર તો એક સો કરતાં વધુ શિક્ષકોને સંસ્થાએ નોટિસ આપવી પડી કે એક વરસ પછી તમને છૂટા કરવામાં આવશે, કારણ તમારો પગાર ચૂકવાય એટલાં નાણાં નથી. એ અંગે ઘણી હોહા થઈ, ચર્ચા થઈ. સરકાર તો ન ઝૂકી, પણ તાતા એજ્યુકેશન ટ્રસ્ટે મદદનો હાથ લંબાવ્યો અને પાંચ કરોડ રૂપિયા આપ્યા. પરિણામે ૨૦૨૬ના માર્ચના અંત સુધી એ શિક્ષકોની નોકરી ચાલુ રહેશે. 

હા, આવા બીજા અનેક અવરોધોનો સામનો કરીને પણ આ સંસ્થાના મોટા ભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘આસન સે મત ડોલ’ એ શીખ યાદ રાખીને પોતાનું જે કાંઈ સારામાં સારું હોય તે સંસ્થાને આપી રહ્યા છે અને એટલે જ હજી સંસ્થાની પ્રતિષ્ઠાને ઝાઝી આંચ આવી નથી. તાતા ઘરાણાની બીજી એક પ્રતિષ્ઠિત સંસ્થાની વાત હવે પછી. ત્યાં સુધી પ્રભુલાલ દ્વિવેદીના પેલા પ્રખ્યાત ગીતની બીજી કડી ગણગણીએ :

ભાગ્ય રૂઠે કે રીઝે, એની તમા તેને નથી,

એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 જાન્યુઆરી 2025

Loading

18 January 2025 Vipool Kalyani
← કવિતા
દેશના એક નાગરિક તરીકે હવે તો આપણને શરમ પણ આવતી નથી. … કારણ ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved