‘સુરેશ જોષીનું પુનર્વાચન’ વિષય હેઠળ ગઈ કાલે વડોદરામાં બે સંસ્થાઓ દ્વારા એક સેમિનાર યોજાયો. તેમાં વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોષી(૧૯૨૧-૮૬)ના ઉચ્ચ શિક્ષણ વિશેના વિચારો રજૂ કરતા પુસ્તક ‘વિદ્યાવિનાશને માર્ગે’ વિશે વાત કરી. ૭૫ પાનાંના ૧૫ પ્રકરણના આ નાના પુસ્તકમાં આશરે પચાસેક વર્ષ અગાઉ સુરેશ જોશીએ ઉચ્ચ શિક્ષણ વિશે જે કંઈ લખ્યું છે તેમાંથી મેં તારવેલાં ૭૦ અવતરણમાંથી કેટલાંક આ મુજબ છે :
(૧) વિદ્યાપીઠો કેવળ ઉપલબ્ધ જ્ઞાનનું વિતરણ કરનારી અને પરીક્ષા લેનારી સંસ્થા નથી.
(૨) વિદ્યાપીઠો પરંપરાની જાળવણીને નામે નવા સંદર્ભમાં ઊભા થતા સંઘર્ષોને ટાળે નહિ, ઊલટાનું એ સંઘર્ષોનું સાચું સ્વરૂપ, અનુચિત અભિનિવેશથી મુક્ત રહીને, ઉપસાવી આપે.
(૩) આજના શિક્ષકો ખરેખર તો અધ્યાપકો નથી પણ ‘ટ્યુટરો’ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ટ્યુટર’ માટેનો જે શબ્દ છે તેનો અર્થ થાય ‘પુનરાવર્તન કરનાર’ એવો થાય છે.
(૪) સરમુખત્યારશાહીમાં કે રાજકીય અને સામાજિક ક્રાંતિ લાવવાને અધીરા સમાજમાં વિદ્યાપીઠોનું શાસકો દ્વારા નિયંત્રણ અનિવાર્ય બની રહે છે.
(૫) અધ્યાપકો પોતાની વિચારણાને સરકારસંમત વિચારણાનાં ચોકઠાંમાં ગોઠવે અને હકીકતોનું અર્થઘટન એને અનુકૂળ રહીને કરી આપે એવી અપેક્ષા એમની પાસે રાખવામાં આવે છે.
(૬) કોઈ પણ વિદ્યાપીઠ પોતાના વિદ્યાર્થીને એની સમકાલીન વિચારણાને આલોચનાત્મક રીતે તપાસીને પોતાના વ્યવહાર માટે વિવેક કરવાની શક્તિ આપી શકતી ન હોય તો તે એ પોતાના મૂળભૂત ઉદ્દેશમાં નિષ્ફળ ગઈ છે એમ જ કહેવાનું.
(૭) સત્યને જોવાની અવિચલિત સ્થિર દૃષ્ટિ કેળવી આપવાનું કામ વિદ્યાપીઠોનું છે.
સુરેશ જોષીના વિચારોને આધાર ગણીને મેં આજના સંદર્ભની વાત કરતાં સેમિનારમાં રજૂ કરેલા કેટલાક મુદ્દા :
(૧) નવી શિક્ષણ નીતિમાં critical thinking એટલે કે ટીકાત્મક કે આલોચનાત્મક વિચારણા એવા બે શબ્દો આઠ વખત લખેલા છે. પણ અધ્યાપકોને સામાજિક, આર્થિક કે રાજકીય સંદર્ભો અંગે ટીકાત્મક વિચારણા કરવા દેવાતી જ નથી. Thinking જ બંધ કરી દેવાયું છે, તો પછી critical thinkingનો તો સવાલ જ નથી ઊભો થતો.
(૨) એક મિટિંગમાં સમાજશાસ્ત્રના એક અધ્યાપકે એમ કહેલું કે અધ્યાપકો ડરી ગયા છે એટલે તેઓ સંશોધન કરતાં કે લખતાં ડરે છે. જો આવું જ હોય તો અધ્યાપકો વિદ્યાર્થીઓ વિચાર કરતા થાય એવું કેવી રીતે શીખવી શકે? અધ્યાપકો જ સરકારના કહ્યાગરા કંથ જેવા થઈ ગયા છે!
(૩) શિક્ષણ જેવું ભાગ્યે જ ઉચ્ચ શિક્ષણમાં હવે થાય છે. એક અધ્યાપક કહેતા હતા કે ઝંડે સે ઝંડા. એટલે કે ૧૫ ઓગસ્ટથી ૨૬ જાન્યુઆરી જ શિક્ષણ ચાલે છે. નવી CBCS વ્યવસ્થા ૨૦૧૧માં દાખલ કરવામાં આવી ત્યારથી કોલેજો અને યુનિવર્સટીઓમાં શિક્ષણ ઓછું અને પરીક્ષાઓ વધારે એવો ઘાટ થયો છે.
(૪) કોલેજોમાં હવે વર્ગો ભાગ્યે જ રહ્યા છે, બધે સભાઓ થઈ ગઈ છે.
(૫) શિક્ષણના ખાનગીકરણને કારણે એ એટલું બધું મોંઘું થયું છે કે સામાન્ય લોકોને એ પોસાતું જ નથી. ગુજરાતમાં સરકારી યુનિવર્સટીઓ ૧૮ છે પણ ખાનગી ૬૩ છે!
(૬) વિદ્યાવિનાશનો માર્ગ લગભગ પૂરો થઈ ગયો છે, હવે વિદ્યાનો વિનાશ લગભગ થઈ ચૂક્યો છે.
તા. : ૦૬-૦૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર