બનારસ એટલે જેના દરેક પાને એક નવી વાર્તા છે એવું શહેર, અહીં વસનારો – આવનારો દરેક માણસ તેના સંવાદોમાં કાં તો કંઇ આપે છે અથવા તો તમારામાં કંઇ બદલી નાખે છે

ચિરંતના ભટ્ટ
ધૂળિયા રસ્તા, નાની મોટી દુકાનો, ગીચ શહેર અને ક્યાંક આસપાસ દેખાઈ જતા રાઇના ખેતરો આ બધું પાર કરીને સાવ સાંકડી ગલીઓમાંથી પસાર થવું. આ ગલીઓ ભુલભુલામણી જેવી લાગે અને સાંકડી એટલી કે સામેથી એક રઝળતું કૂતરું ય આવી જાય તો નક્કી કરવું પડે કે પહેલાં કોણ જશે. રંગબેરંગી ચીજોથી શોભતી દુકાનો, ક્યાંક ગરમાગરમ લોયા પર પછડાતા ઝારાના અવાજ તો ક્યાંક વિદેશીઓથી ભરચક કૉફી શૉપ. જેનો કોઈ અંત નહીં હોય એવી લાગણી થઈ આવે ત્યાં તો મોકળાશનું કમાડ ખૂલે. તમારી પગ નીચે સીધા, સાચવીને ઉતરવા પડે એવા પગથિયાં અને નજર સામે ખળખળ વહેતી ગંગા નદી હોય. હોડકાંઓની હારમાળા, ક્યાંક મંદિરના ઘંટ, ક્યાંક ભગવાનને સાદ, એક પછી એક પરસ્પર જોડાયેલા ઘાટ જે જાણે વિવિધતામાં એકતાના હાજરાહજુર ઉદાહરણ સમાન, અને જ્યાં જુઓ ત્યાં માણસો ઊભરાતા હોય. આ બનારસ છે. કાશી, વારાણસી, અવિમુક્ત, આનંદવન, રુદ્રવાસ – અનેક નામે ઓળખાતા આ શહેરની પ્રકૃતિ પણ અનેક સ્તરોમાં લપેટાયેલી છે.
શહેરના નામના ઇતિહાસ પર એક નજર કરીએ – સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવે તેને કાશીનું ઉપનામ આપ્યું. કાશી શબ્દ સંસ્કૃત શબ્દ કાશ પરથી આવ્યો છે જેનો અર્થ છે ચમકવું. દસમી સદીમાં લખાયેલ રાજશેખરની કાવ્યમિમાંસામાં અને એ જ કાળ દરમિયાન લખાયેલા વામન પુરાણમાં વારાણસી નામનો ઉલ્લેખ છે. દિલ્હી સલ્તનત દરમિયાન આ નામ વધુ પ્રચિલત થયું. વરુણા અને અસ્સી નદીઓની વચ્ચે વસેલું આ શહેર વારાણસીનો ઉલ્લેખ બનારસ તરીકે ફ્રેંચ મુસાફર પિએત્રો ડેલા વલેની નોંધમાં 1623માં જોવા મળે છે. કહેવાય છે કે મૌર્ય કાળ દરમિયાન બનાર નામનો રાજા જે મોહંમદ ઘોરીના હુમલામાં માર્યો ગયો હતો તેના નામ પરથી અકબર રાજાએ આ શહેરના બનારસ નામ આપ્યું, જેનો બનારસને અંગ્રેજીમાં ‘સિટી ઑફ લાઇટ્સ’ પણ કહે છે કારણ કે અહીંથી જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે. વળી બના અને રસની સંધિ છૂટી પાડનારાઓને મતે જ્યાં જિંદગીનો રસ હંમેશાં તૈયાર હોય છે તેવું શહેર એટલે બનારસ. જેના નામના ઇતિહાસમાં આટલી બધી પરતો છે તો એ શહેરની પરતો ઉખેળી તેને વાંચવા, જોવા, સમજવાનો અનુભવ કેવો હોઈ શકે? નવા વર્ષના પહેલા રવિવારે બનારસની વાત કરવાનો હેતુ એ કે આ આપણા દેશના ઇતિહાસના કેન્દ્રમાં વસેલા આ શહેરમાં સમય સાથે બદલાવ આવ્યા છે, આવી રહ્યા છે ત્યારે ભવિષ્ય તરફ નજર કરતાં આપણે ઇતિહાસને જાળવવાની અનિવાર્યતા પણ યાદ રાખીએ તો રુડું રહેશે. આપણા દેશ માટે આધ્યાત્મનું હ્રદય ગણાતા બનારસની મહત્તા, તેની પવિત્રતા, તેની પ્રકૃતિ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી પડે એ ચોક્કસ. કવિઓ, લેખકો, ફિલ્મ મેકર્સ, ચિત્રકારોથી માંડીને વિવિધ મૂળના સ્કોલર્સને બનારસમાં પોતાના વિચારોના રસ્તા જડ્યા છે.
18મી સદીમાં બનારસ ભારતનું સૌથી મોટું શહેર ગણાતું. ભગવાન શિવના આ સરનામે ધર્મના ઘણા સ્વરૂપોને પોતાના પોતમાં વણી લીધા છે. અહીં બંધાયેલા ઘાટ જોતા જાવ અને તેની સ્થાપત્ય શૈલી, તેની સાથે જોડાયેલી વાર્તાઓ તમારે માટે એ વાતનો પુરાવો બને કે આ શહેરે દરેકને આવકાર્યા છે, તે દરેકને પોતીકું જ લાગ્યું છે. આજે જ્યાં રોજના – હા રોજના અંદાજે ત્રણ લાખ મુસાફરો અને ભક્તો આવે છે એવું આ બનારસ એ લોકોનું સરનામું પણ બન્યું છે જેઓ પોતાના મૂળ સરનામાં કાં તો ખોઈ બેઠા છે અથવા ત્યાં ફરી જવા નથી માગતા. ભક્તો, પ્રેમીઓ, અભ્યાસુઓ, ઉત્સુકો – દરેકના જીવને બનારસમાં જવાબ મળે છે. જેનું કોઈ નથી, જેને ક્યાં ય પોતાનું કહી શકાય એવું ઘર નથી અથવા તો જેને બસ બધા તાંતણા તોડી દઇને એક નવા નશામાં ઘોળાઈ જવું છે તેને માટે બનારસ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 3,000 વર્ષનો ઇતિહાસ લઈને શ્વસનારું આ શહેર મોક્ષ પ્રાપ્તિ માટેની પહેલી પસંદ છે. સપ્ત પુરીમાં સૌથી પવિત્ર ગણાતા બનારસને 18મી સદીમાં બર્લિન અને મુંબઈ કરતાં વધુ વસ્તી ધરાવતું, અગત્યનું કેન્દ્ર ગણવામાં આવતું. તુલસીદાસ, કબીર, મધુસૂદન સરસ્વતી, મુન્શી પ્રેમચંદ જેવા બૌદ્ધિકોએ બનારસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદના માતા-પિતાએ સંતાન મેળવવા અહીંના મંદિરમાં દર્શન કર્યા અને બાદમાં દીકરાનું મુંડન પણ અહીં જ કરાવ્યુ હતું.
શિવની નગરી બનારસ એક સમયે વિષ્ણુનું ધામ હતું. અહીં નજીકમાં સારનાથમાં બુદ્ધ પણ આવ્યા હતા તો ગુપ્ત કાળ દરમિયાનની કૃષ્ણની મૂર્તિ પણ અહીં ઉત્ખનનમાં મળી આવી છે. બનારસ ક્યારેક એક ઇશ્વર કેન્દ્રી શહેર નથી રહ્યું પરંતુ સમયાંતરે તેને શિવની નગરીની ઓળખ મળી. આજે પણ શહેરની પ્રકૃતિમાં હિંદુ ધર્મ સ્થાનક હોવાનું પ્રમુખ હોવા છતાં ય અહીં અન્ય ધર્મ અને માન્યતાઓ પરસ્પર જોડાયેલા ઘાટની માફક એક સાથે જીવે છે. અહીં દક્ષિણ ઢબના ઘાટ છે, મંદિરો છે તો નેપાલી મંદિર પણ છે અને બંગાળનો પણ ઘેરો પ્રભાવ જોવા મળે છે. બનારસ વિશે કહેવા બેસીએ તો પુસ્તકો લખાય, લખાયા જ છે પણ તેના ઇતિહાસને બદલવા મંડી પડેલા રાજકારણીઓ મર્યાદા સાચવે તો સારું એમ કહેવું પડે એવો વખત આવ્યો છે.
અહીં રહેનારાઓ જે ઇતિહાસને જાણે છે તેમના મતે છેલ્લાં દસ વર્ષમાં બનારસ બહુ બદલાયું છે. કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ અહીં ત્રણ જૂના ઘાટને તોડીને જે ‘એન્ટ્રી ડોર’ બનાવાયું છે તે બાકીના પ્રાચીન ઘાટથી સાવ અલગ પડે છે, તેને વિશ્વનાથ ધામ નામ અપાયું છે (મજાની વાત છે એ વિશ્વનાથાનું સ્થાન તો હતું જ). બનારસના ઘાટ સેન્ડ-સ્ટોનમાંથી બનેલા છે જે પાણીને પી લે તેવા પથ્થર છે પણ કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટમાં વપરાયેલા પથ્થર સાવ જુદા છે. આ નવા બાંધકામને કારણે ગંગાનું વહેણ એટલા હિસ્સામાં બંધાઇ ગયું છે જેને કારણે ત્યાં ગંદકી પણ થાય છે. જેમણે જૂનું બનારસ જોયું છે તેવા સ્થાનિકોને બનારસમાં આવેલા બદલાવ બહુ કોઠે નથી પડતા. વળી રાજકારણ ઘુસે એટલે ધર્મનો ખેલ પણ શરૂ થાય જ. જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આપણે જાણીએ છીએ. જાણીતી ગુજરાતી કહેવત મિંયા અને મહાદેવ સાથે જ હોય એ મુજબ આ મસ્જિદની અને કાશી વિશ્વનાથ મંદિરની એક દિવાલ કોમન છે. એક રિપોર્ટ અનુસાર મસ્જિદની ઉત્તર દિવાલ પાસે શંકરના નંદિની મૂર્તિ દાટવાનો પ્રયાસ કરવાનો ખેલ કોઈ ખેપાનીઓએ ધોળે દિવસે સાંજે સાડા ચારના સમયે કર્યો હતો. આ ખેપાની પકડાઇ પણ ગયા પણ આ હરકતને લીધે એવી ચિંતા ચોક્કસ થાય કે રાજકારણને લીધે બનારસમાં બાબરી વાળી ન થાય તો સારું નહીંતર આ શહેરનું સત્ત્વ ગળવા માંડશે અને તેને સાચવવું કોઇ રાજકારણીના ગજાની વાત નથી.
600 કરોડના કોરિડોર પ્રોજેક્ટ માટે 600 પરિવાર વિસ્થાપિત થયા છે, ૩૦૦ ઘરો ભાંગ્યા છે, જૂના ઘાટ તોડી નખાયા છે, લગભગ 286 શિવલિંગ તોડી પડાયા છે જેમાંથી અત્યારે 146 શિવલિંગ લંકા પોલીસ સ્ટેશનમાં સચવાયેલા પડ્યા છે. અત્યારે બળતી ચિતાઓ માટે અતિપ્રચલિત એવા મણિકર્ણિકા ઘાટનું મૂળ સ્વરૂપ બદલાઇ જાય એવી પણ વકી છે. શહેરની મધ્યેથી ઘાટ સુધી લઇ જાય એવા રોપ-વેની કામગીરીને ચાલે છે પણ સ્થાનિકોને એ આખો વિચાર જ પાયા વગરનો લાગે છે.
બનારસ સનાતન ધર્મનું દૃષ્ટાંત છે, સર્વને સમાવતું સ્થળ છે પણ રાજકારણીઓને આ વિચાર સાથે કંઇ લેવાદેવા નથી. જે શહેરની પ્રકૃતિમાં ધાર્મિક વાડા બંધી નથી ત્યાં રાજકારણની ચોપાટ એ મોહરાં ગોઠવી રહી છે. 2000ના દાયકામાં પણ કોઇએ મંદિરમાંથી જ્ઞાનવાપી મસ્જિદના પ્રાંગણમાં શિવલિંગ ફેંકીને કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તત્કાળ પગલાં લઈ આમ કરનારના મંદિરની સમિતિમાંથી ખસેડી લેવાયો હતો. મંદિર મસ્જિદના સંગાથને સમજનારા સ્થાનિકોનું દૃઢ પણે માનવું છે કે જો ભવિષ્યમાં અહીં બાબરી વાળી થશે તો મસ્જિદનો વિધ્વંસ કરવા ધસી આવનારા લોકો સ્થાનિકો નહીં હોય પણ બહારના લોકો હશે. વિકાસને નામે ચાલી રહેલી તોડફોડ અંગે 2022માં એક મીડિયા ઇન્ટરવ્યુમાં વિશ્વનાથ મંદિરના મહંત રાજેન્દ્ર પ્રસાદ તિવારીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તો ઔરંગઝેબ કરતાં વધુ મંદિરો ભાંગ્યા છે. ઇતિહાસમાંથી અમુક જ હિસ્સાઓ ઉપાડી લઇ તેને આગળ કરવાનું રાજકારણ એજન્ડા લક્ષી હોય છે. ઔરંગઝેબે તોડેલા વિશ્વનાથ મંદિરની વાત કરનારાઓને એ નથી કહેવું કે એ મંદિર મૂળ અકબરે બનાવ્યું હતું. સ્વયંભૂ શિવલિંગ માટે મંદિર બંધાવનારા અકબરના પુત્ર દારા શિકોહે બનારસમાં સંસ્કૃત અને પ્રાચિન હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને તેમને જેમણે ભણાવ્યા હતા તે પરિવારના વંશજો આજે પણ બનારસમાં વસે છે. દારા શિકોહને ઔરંગઝેબે હરાવીને મંદિર ધ્વસ્ત કર્યું ત્યારે મહંતના પરિવારે શિવલિંગની રક્ષા કરી. ઔરંગઝેબના મોત પછી હોલકર રાજવી પરિવારના અહિલ્યાબાઈ હોલકરે નવું મંદિર બંધાવવાનો આદેશ આપ્યો હતો. આજના રાજકારણીઓ ઔરંગઝેબને વિલન ચિતરે છે પણ તેણે જંગમબાડી મઠ માટે જમીન અને ભંડોળ આપ્યા હતા જેથી લિંગાયતો તેમની પૂજા અને સંસ્કૃતનો અભ્યાસ ચાલુ રાખી શકે, તેનું રાજવી ફરમાન આજે પણ સચવાયેલું છે. જો કે યોગી આદિત્યનાથે 2018-19માં તેને હટાવી લેવા હિલચાલ કરી હોવાનું પણ કહેવાય છે.
અમેરિકન લેખક માર્ક ટ્વેઈને બનારસ માટે લખ્યું હતું કે તે ઇતિહાસ કરતાં ય જૂનું, પરંપરા કરતાં પણ જૂનું, કોઈ દંતકથા કરતાં પણ જૂનું અને આ બધાનો સરવાળો કરીએ ને જે આવે તેના કરતાં બમણું જૂનું શહેર છે. રાજકારણીઓના સ્વાર્થમાં બનારસની સર્વગ્રાહી, સર્વ સ્વીકારની પ્રકૃતિ પાંખી ન પડી જાય તેવી કાશી વિશ્વનાથને પ્રાર્થના. શિક્ષણ, કલા, આધ્યાત્મના કેન્દ્ર સમા શહેરની ચમક તેની સાદગીમાં, તેની અસ્તવ્યસ્તતામાં અને ગંગાના વહેણમાં રહેલી છે. બનારસ એટલે જેના દરેક પાને એક નવી વાર્તા છે એવું શહેર, અહીં વસનારો – આવનારો દરેક માણસ તેના સંવાદોમાં કાં તો કંઇ આપે છે અથવા તો તમારામાં કંઇ બદલી નાખે છે. જે શહેરે આપણને બિસ્મિલ્લા ખાન જેવા કલાકાર આપ્યા છે, જ્યાં બનારસ હિંદુ યુનિવર્સિટિના કેમ્પસ પાસેથી પસાર થવું પણ અનેક બૌદ્ધિકોને નમન કર્યા સમાન છે, જ્યાં સંગીત, ગાયન, વાદન, નર્તનના ઘરાનાઓના પાયા છે તેવા બનારસની તસવીર યથાવત્ જળવાઇ રહે તે અનિવાર્ય છે.
બાય ધી વેઃ
બનારસને શબ્દોમાં બાંધવું કમંડળમાં આખી ગંગા સમાવવા જેટલું અઘરું કામ છે. માટે આજે બાય ધી વેમાં બીજું કંઇ નહીં પણ કેદારનાથ સિંહની કવિતા ‘બનારસ’નું રસપાનઃ
इस शहर मे वसंत
अचानक आता है
और जब आता है तो मैंने देखा है
लहरतारा या मडुवाडीह की तरफ़ से
उठता है धूल का एक बवंडर
और इस महान पुराने शहर की जीभ
किरकिराने लगती है
जो है वह सुगबुगाता है
जो नहीं है वह फेंकने लगता है पचखियाँ
आदमी दशाश्वमेध पर जाता है
और पाता है घाट का आख़िरी पत्थर
कुछ और मुलायम हो गया है
सीढ़ियों पर बैठे बंदरों की आँखों में
एक अजीब-सी नमी है
और एक अजीब-सी चमक से भर उठा है
भिखारियों के कटोरों का निचाट ख़ालीपन
तुमने कभी देखा है
ख़ाली कटोरों में वसंत का उतरना!
यह शहर इसी तरह खुलता है
इसी तरह भरता
और ख़ाली होता है यह शहर
इसी तरह रोज़-रोज़ एक अनंत शव
ले जाते हैं कंधे
अँधेरी गली से
चमकती हुई गंगा की तरफ़
इस शहर में धूल
धीरे-धीरे उड़ती है
धीरे-धीरे चलते हैं लोग
धीरे-धीरे बजाते हैं घंटे
शाम धीरे-धीरे होती है
यह धीरे-धीरे होना
धीरे-धीरे होने की एक सामूहिक लय
दृढ़ता से बाँधे है समूचे शहर को
इस तरह कि कुछ भी गिरता नहीं है
कि हिलता नहीं है कुछ भी
कि जो चीज़ जहाँ थी
वहीं पर रखी है
कि गंगा वहीं है
कि वहीं पर बँधी है नाव
कि वहीं पर रखी है तुलसीदास की खड़ाऊँ
सैकड़ों बरस से
कभी सई-साँझ
बिना किसी सूचना के
घुस जाओ इस शहर में
कभी आरती के आलोक में
इसे अचानक देखो
अद्भुत है इसकी बनावट
यह आधा जल में है
आधा मंत्र में
आधा फूल में है
आधा शव में
आधा नींद में है
आधा शंख में
अगर ध्यान से देखो
तो यह आधा है
और आधा नहीं है
जो है वह खड़ा है
बिना किसी स्तंभ के
जो नहीं है उसे थामे हैं
राख और रोशनी के ऊँचे-ऊँचे स्तंभ
आग के स्तंभ
और पानी के स्तंभ
धुएँ के
ख़ुशबू के
आदमी के उठे हुए हाथों के स्तंभ
किसी अलक्षित सूर्य को
देता हुआ अर्घ्य
शताब्दियों से इसी तरह
गंगा के जल में
अपनी एक टाँग पर खड़ा है यह शहर
अपनी दूसरी टाँग से
बिल्कुल बेख़बर!
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2025