
રમેશ ઓઝા
લગભગ સાડા પાંચ દાયકા પછી સર્વોચ્ચ અદાલતે તેનો ૧૯૬૭ની સાલનો ચુકાદો ઊલટાવીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી શિક્ષણ સંસ્થાનો દરજ્જો બહાલ કર્યો છે. સાત જજોની બેન્ચમાં ચાર જજોએ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો બહાલ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ત્રણ જજોએ વિરુદ્ધમાં. અહી સર્વોચ્ચ અદાલતના ચુકાદાની યોગ્યતા-અયોગ્યતાની વાત નથી કરવી, પણ વિશેષ દરજ્જો અને શિક્ષણની ગુણવત્તા વચ્ચેના સંબંધની કરવી છે. ખાસ કોમ માટે ખાસ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી સંસ્થાઓના શૈક્ષણિક-સાંસ્કૃતિક યોગદાનની કરવી છે.
આપણે ઘણીબધી ચીજોનું માફક આવે એ રીતે સરળીકરણ કરી લઈએ છીએ અને પછી એ સરળીકરણને સત્ય માનીને શંકા કર્યા વિના માથે લઈને જીવીએ છીએ. આવું એક જાણીતું સરળીકરણ લોર્ડ મેકોલે વિષે છે. આપણે એમ સ્વીકારીને ચાલીએ છીએ કે થોમસ બેબિંગ્ટન મેકોલેએ ભારતીય પ્રજા પર પાશ્ચાત્ય શિક્ષણ માથે માર્યું હતું અને આપણે ગુલામ હતા એટલે તેનો નાછૂટકે સ્વીકાર કરવો પડ્યો હતો. ઘણાં દેશપ્રેમીઓ પોતાને મેકોલેનાં સંતાન તરીકે ઓળખાવીને શરમાય છે.
પણ આ સંપૂર્ણ સત્ય નથી. પહેલી વાત તો એ કે અંગ્રેજોએ લગભગ ત્રણ દાયકા સુધી ચર્ચા કરી હતી કે ભારતની પ્રજાને તેની પરંપરા અનુસાર તેમની ભાષામાં શિક્ષણ આપવું જોઈએ કે પછી અંગ્રેજી ભાષામાં પાશ્ચાત્ય શિક્ષણ આપવું જોઈએ. તેમની વચ્ચે ક્યારે ય એકમતી બની નહોતી. ભારતની જે તે પ્રજાને તેમની પરંપરા અનુસાર શિક્ષણ આપવું જોઈએ એમ માનનારા અંગ્રેજો પણ મોટી સંખ્યામાં હતા અને ઊંચા હોદ્દા પર હતા. આ બાજુ ભારતીય પ્રજામાં પણ શિક્ષણનાં સ્વરૂપ અને ભાષાકીય માધ્યમ વિષે ચર્ચા થતી હતી. તેમની ચિંતા એ વાતની હતી કે જો શુદ્ધ પાશ્ચાત્ય શિક્ષણ આપવામાં આવશે તો આપણી પરંપરાનો વારસો આગળ જશે નહીં અને તે સુકાઈ જશે. તેમની ચિંતા એ વાતની પણ હતી કે જો પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકારવામાં આવશે તો આપણે આધુનિક નહીં બની શકીએ, આધુનિકતાના લાભ નહીં લઈ શકીએ, આપણી પ્રજાને યુગાનુરૂપ તૈયાર નહીં કરી શકીએ અને જાગૃત નહીં થઈ શકીએ. ખોટનો સોદો સાબિત થશે.
શાસક તરીકે અંગ્રેજો અને પ્રજા તરીકે હિંદુઓ અને મુસલમાનો આ બાબતે મલ્લીનાથી કરતા હતા અને તેમાં શાસકોએ અંગ્રેજી માધ્યમમાં પાશ્ચાત્ય આધુનિક શિક્ષણની તરફેણમાં પોતાનો નિર્ણય લઈ લીધો હતો. હવે ભારતીય પ્રજાએ નક્કી કરવાનું હતું કે તેઓ શું કરે? જે લોકો પોતાનાં સંતાનને પરંપરાગત શિક્ષણ આપવા માગતા હતા તેમને માટે વિકલ્પ ખુલ્લો હતો. તેઓ બ્રાહ્મણ શાસ્ત્રી પાસે પાઠશાળામાં અને મૌલવી પાસે મદરસામાં પોતાનાં સંતાનને ભણાવી શકતા હતા. ઘણાં લોકોએ પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકાર્યું હતું અને પોતાનાં સંતાનને પાથશાળા કે મદરસામાં મોકલતા હતા. નકારનારાઓમાં મુસલમાનો અગ્રેસર હતા. હિંદુઓમાં નકારનું પ્રમાણ ઓછું હતું અને બહુજન સમાજ અને દલિતોને તો પાશ્ચાત્ય શિક્ષણમાં મુક્તિ નજરે પડવા લાગી હતી.
નિર્ણય આસાન નહોતો. આધુનિકતાના લાભ પણ છોડવા નહોતા અને પરંપરા પણ છોડવી નહોતી. ગાલીબે બહુ સરસ રીતે એ સમયના ધર્મસંકટને વાચા આપી છે : ईमाँ मुझे रोके है जो खींचे मुझे कुफ्र, काबा मेरे पीछे है कलीसा मेरे आगे. સમગ્ર ભારતમાં પરંપરાપ્રેમીઓ ગાલીબી ધર્મસંકટ અનુભવતા હતા.
આનો ઉપાય હતો; સમન્વય. આપણે એવું શિક્ષણ ન આપી શકીએ જેમાં આપણી પરંપરા પણ જળવાય અને આધુનિક પણ થઈ શકાય? એન્ગલો ઇન્ડિયન; અંગ્રેજી અને ભારતીય બને. પણ નહીં, હિંદુઓમાં જે વધારે પરંપરાપ્રેમી હતા એમણે કહ્યું ના, એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો હિંદુ અને પરંપરાપ્રેમી મુસલમાનોએ કહ્યું એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો મુસ્લિમ કે એન્ગલો મોમેડિયન. એન્ગલો સામે કોઈને ય વાંધો નહોતો, ઇન્ડિયન સામે વાંધો હતો. અંગ્રેજો બે પ્રજાને લડાવી મારે અને પરિણામે એક દિવસ ભારતનું વિભાજન થાય એમાં આશ્ચર્ય ખરું? હિંદુ અને મુસલમાનોના લગભગ નવસો વરસના સહઅસ્તિત્વએ પેદા કરેલી ભારતીયતાને તેઓ નકારતા હતા, પણ માંડ પાંચ દાયકા જૂની અંગ્રેજિયત(એન્ગલો)નો સ્વીકાર કરતા હતા.
ખેર, ૧૯મી સદીમાં અને એ પછીનાં વર્ષોમાં આધુનિકતા અને પરંપરા વચ્ચે સન્તુલન કરવા દેશભરમાં શૈક્ષણિક આંદોલન થયાં. કોઈએ એન્ગલો ઇન્ડિયનનો માર્ગ અપનાવ્યો, કોઈએ એન્ગલો હિંદુનો માર્ગ અપનાવ્યો અને કોઈએ એન્ગલો મોમેડિયનનો માર્ગ અપનાવ્યો. જે અભ્યાસી જીવ હોય તેમણે આ ત્રણ દિશાના પ્રયોગનું તુલનાત્મક અધ્યન કરવું જોઈએ. અનેક પ્રયોગ થયા અને અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. અહીં એક વાત ફરી સ્પષ્ટ કરી દેવી જોઈએ કે અંગ્રેજોએ આ પ્રકારનાં પ્રયોગ કરવામાં કોઈ પ્રકારની બાધા પેદા કરી નહોતી. એવું નહોતું કહ્યું કે તમારે મેકોલેનાં સંતાન જ બનવું પડશે. અનેક લોકોએ અનેક પ્રયોગ કર્યા, અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પરંતુ અહીં સંક્ષેપમાં બે-ચાર દાખલા તપાસીએ. રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન એક રીતે એન્ગલો ઇન્ડિયનનો પ્રયોગ હતો. અલબત્ત મર્યાદિત અર્થમાં, કારણ કે તેમને તો એન્ગલો અને ઇન્ડિયન એમ બને સામે વાંધો હતો અને એક મૌલિક પ્રયોગ કર્યો હતો. પણ એ છતાં આપણે શાંતિનિકેતનને એન્ગલો ઇન્ડિયનના ઉદાહરણ તરીકે મૂકીએ. સર સૈયદ અહમદ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી જેનું શરૂઆતનું નામ એન્ગલો મોમેડિયન કોલેજ હતું. મહામના મદનમોહન માલવિયાએ બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી. એની બેસન્ટે સેન્ટ્રલ હિંદુ કોલેજની સ્થાપના કરી. આર્યસમાજીઓ પોતાને હિંદુ કરતાં વૈદિક ધર્મ પાળનારા આર્ય કહેવડાવવાનું વધારે પસંદ કરે છે એટલે તેમણે દયાનંદ એન્ગલો વૈદિક શિક્ષણસંસ્થાઓ સ્થાપી. અને આવી તો બીજી અનેક સંસ્થાઓ સ્થપાઈ અને સ્થપાઈ રહી છે.
આઝાદી પછી તો રાફડો ફાટ્યો, કારણ કે સંસદીય લોકશાહીમાં તેમને નાગરિક કરતાં મતદાતાની વધારે જરૂર હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૪ હજાર જેટલી શાળા-કોલેજો ધરાવે છે, મુસલમાનોની હજાર – બે હજાર સંસ્થાઓ હશે. હવે તો જે તે સંપ્રદાયના લોકો, ધર્મગુરુઓ, બાપુઓ અને બાવાઓ પોતપોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા લાગ્યા છે, જાણે કે તેમની પાસે કોઈ વિશેષ શૈક્ષણિક દર્શન હોય. કોઈને મતદાતા જોઈએ છે અને કોઈને અનુયાયી. ટૂંકમાં સર સૈયદ અહમદ ખાન(ઈ.સ. ૧૮૧૭-૧૮૯૮)થી લઈને આજકાલના સદ્દગુરુઓ કે ધર્મના ઠેકેદારો સુધી કોઈને ય એન્ગલો સામે વાંધો નથી, પણ તેમને ભારતીય સામે અચૂક વાંધો છે. તેઓ ભારતીયની જગ્યાએ પોતાની ઓળખ આગળ કરવા માગે છે અને આજકાલ ધર્મગુરુઓ તો પોતાની બ્રેન્ડ આગળ કરી રહ્યા છે.
ને હવે નિષ્કર્ષની વાત. હમણાં કહ્યું એમ કોઈ અભ્યાસી જીવે તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. કયા શૈક્ષણિક માર્ગને વધારે સફળતા મળી? એન્ગલોને? એન્ગલો ઇન્ડિયનને કે પછી એન્ગલો ઉપરાંત પોતપોતાની બ્રેન્ડીંગ ધરાવતી શિક્ષણ સંસ્થાઓને? લગભગ એક લાખ કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ ત્રીજા વર્ગમાં આવે છે એમાંથી એક શિક્ષણ સંસ્થાનું નામ આપો જે દેસભરમાં અને વિદેશમાં ખ્યાતિ ધરાવતી હોય. એક પણ નથી સાહેબ, એક પણ નથી. નાલંદા અને તક્ષશિલામાં વિદેશમાંથી વિદ્યાર્થી ભણવા આવતા હતા અને તમારું વિશેષ શિક્ષણ કોઈ ગણનામાં નથી. એક સમયે તેજસ્વી વિદ્યાર્થી શાંતિનિકેતન તરફ નજર દોડાવતો અને આજે સેન્ટ સ્ટીફન પર નજર દોડાવે છે. લાખ-બે લાખમાં એવી એક પણ શિક્ષણ સંસ્થા નથી જેની વાત થતી હોય!
આનું કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. જેનું નિશાન ટૂંકું હોય એ મોટાં પરિણામ ન સર્જી શકે. જ્યાં સ્વીકાર કરતાં નકાર મોટો હોય ત્યાં ગુરુદેવ, એન્ડ્રુઝ અને ગાંધીનાં ત્રિવેણી તીર્થ ન રચાય. એ શાંતિનિકેતનમાં રચાય.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024