સમગ્ર મેઘાણી સાહિત્ય, જયંતભાઈના સંપાદનમાં
શુક્રવારે (28 અૉગસ્ટ 2015) આવતી મેઘાણી જયંતીના અવસરે, ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી જયંત મેઘાણીનાં દૃષ્ટિપૂર્ણ સંકલન-સંપાદન હેઠળ, ગુજરાત સાહિત્ય અકાદમીની ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પ્રકાશનની યોજનાની નોંધ લેવી ઘટે. તેમાં ગયાં છ વર્ષમાં બહાર પડેલાં પંદર પુસ્તકોનાં સવા સાત હજાર પાનાં પર સિત્તોતેર વર્ષના જયંતભાઈની સતત મહેનત અને માવજતની મુદ્રા છે.
આ યોજનામાં મેઘાણીનાં પંચ્યાશી પુસ્તકોને ચાર વિભાગ હેઠળ વીસ ગ્રંથોમાં ગોઠવવામાં આવ્યાં છે. સર્જનાત્મક સાહિત્યના પહેલા વિભાગમાં, સમગ્ર કવિતા અને નાટકોના એક એક ગ્રંથ અને નવલિકાઓના બે ગ્રંથ બહાર પડ્યા છે. ‘પરિભ્રમણ’ના બે ખંડોમાં સામયિકોમાં વિખરાયેલાં આસ્વાદ, વિવેચન, પ્રસ્તાવનાઓ અને પુસ્તક-સંસ્કૃિતને લગતી નોંધો એમ સાડા પાંચસો લખાણો છે.
લોકસાહિત્યના વિભાગમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’ અને ‘બહારવટિયા કથાઓ’ છે. તેની સાથે લોકકથા અને લોકગીતના સંચયો તેમ જ ‘રઢિયાળી રાત’ છે. આ ઉપરાંત ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’, ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય : વ્યાખ્યાનો અને લેખો’ , તેમ જ ‘સંતો અને ‘સંતવાણી’ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ‘લોકસાહિત્ય : સંશોધન અને ભ્રમણ’નાં પ્રૂફ વંચાઈ રહ્યાં છે.
ચાર નવલકથાઓના બે ખંડ આ યોજના હેઠળ આવવાના બાકી છે. સાહિત્યેતર લેખનના વિભાગ હેઠળ નાનાં ઇતિહાસ પુસ્તકો અને જીવનચરિત્રોના અલગ ગ્રંથો બનશે. વળી, અગ્રંથસ્થ પત્રકારત્વ, કટાક્ષલેખો અને પ્રકીર્ણ લેખોનું એક પુસ્તક થશે. ‘મેઘાણી-સંદર્ભ’ નામના વિશિષ્ટ ગ્રંથમાં જીવનક્રમ, છબિઓ, સૂચિઓ, રચનાક્રમ આલેખ અને મેઘાણીના જીવનકાર્ય સંબંધિત નકશા હશે. બીજું એક મોટું આગામી આકર્ષણ છે તે અંગ્રેજી લેખોના સંચયનું. તે અંગે જયંતભાઈ માહિતી આપે છે કે રવીન્દ્રનાથના અજોડ અનુસર્જક મેઘાણીએ શાંતિનિકેતનમાં માર્ચ 1941માં લોકસાહિત્ય પર આપેલાં વ્યાખાનોના બે લેખો ‘વિશ્વભારતી ક્વાર્ટર્લી’માં અને બીજા ત્રણ લેખો ગુજરાત રિસર્ચ સોસાયટીના જર્નલમાં પ્રસિદ્ધ થયાં હતાં. એમણે ‘રઢિયાળી રાત’માંથી ‘ચાળીસ-પિસ્તાળીસ ગીતોનો બહુ સરસ અનુવાદ’ પણ કર્યો છે. આ સામગ્રી ‘પરિભ્રમણ’ના અનેક લખાણોની જેમ પહેલવહેલી વાર પુસ્તક તરીકે પ્રસિદ્ધ થશે.
જો કે અકાદમીની ‘સમગ્ર મેઘાણી’ યોજના હેઠળનાં બધાં ગ્રંથો પહેલવારકા નથી. તેમાંથી કેટલાક આ પૂર્વે, જયંતભાઈના જ પ્રસાર પ્રકાશને લેખકના કુટુંબ તરફથી થયેલી મેઘાણી જન્મશતાબ્દી પ્રકાશન શ્રેણી હેઠળ બહાર પડી ચૂક્યા છે. ‘લેખકના સાહિત્યની પ્રમાણભૂત વાચના’ની આ શ્રેણીની પરિકલ્પના ખુદ મેઘાણીભાઈના ‘બંટુ’ અને સ્વામી આનંદના ‘બંટુદોસ્ત’ જયંતભાઈની હતી. તેનું પહેલું પ્રકાશન તે ‘સોના-નાવડી’ નામે મેઘાણીની સમગ્ર કવિતાનું પુસ્તક. તેમાં જયંતભાઈની સંપાદક તરીકેની સાહિત્યિક સૂઝ-સમજ અને પ્રકાશક-મુદ્રક તરીકેની સૌંદર્યદૃષ્ટિ પાનેપાને જોવા મળે છે. તેમાં થોડીક રચનાઓ મેઘાણીનાં હસ્તાક્ષરમાં પણ છે. ‘વિદાય’ અને ‘કોઈનો લાડકવાયો’ સહિત ચાર અનુકૃતિઓની મૂળ અંગ્રેજી કવિતાઓ મૂકવામાં આવી છે. મૂળ સંચયોનાં મુખપૃષ્ઠો ઉપરાંત તમામ આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ સહિત તમામ પ્રકાશન-વિગતો મળે છે. વિખ્યાત ચિતારાઓનાં ચિત્રોની લઘુકૃતિઓ વિષય મુજબ સંયમથી સુશોભનો બની છે. આ બધી વિશેષતાઓ નવલિકાઓના ગ્રંથોમાં પણ જળવાઈ છે. આ સંપાદનો પુસ્તક રસિકને વિશેષ મુગ્ધ કરી દેનારાં છે.
જયંતભાઈના સંપાદનની એક ખાસિયત સૂચિઓ છે. મેઘાણી સમગ્રમાં પરંપરાગત સૂચિઓ ઉપરાંત તેમણે આપેલી કેટલીક વિશિષ્ટ સૂચિઓ આ મુજબ છે : ‘રઢિયાળી રાત’માં સ્મરણપંક્તિ, ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચેય ભાગની સંકલિત આવૃત્તિમાં કથા, સવાબસો વ્યક્તિનામો અને લગભગ તેટલાં જ સ્થળનામો, ‘પરિભ્રમણ’માં લેખ તેમ જ શબ્દ, લોકસાહિત્યમાં ઉલ્લેખ સૂચિ. ‘સોરઠી સંતો અને સંતવાણી’માં ભજનસૂચિ ગજબની છે. તેમાં એક જ લીટીમાં ભજનની પહેલી પંક્તિ, તેના કર્તા, તેની કથા અને તેના સંગ્રહનું નામ બધું જ આવી જાય છે ! રસધારમાં સોરઠી બોલી સાડા આઠસો શબ્દો અને ત્રણસો રૂઢિપ્રયોગોના અર્થ આપ્યા છે. પૂર્ણતાના આગ્રહી જયંતભાઈના કામની ક્વાલિટિઝ સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. વળી તેમનું કામ સંપાદનકાર્યમાં જાણે એક માપદંડ બનીને અકાદમીના કેટલાક સંપાદકોમાં સાહિત્યકાર સંપાદકોએ કરેલી કામચોરીને ધ્યાન પર લાવે છે. મેઘાણી સાહિત્યનું પરિશીલન 1972થી કરતાં રહેલા જયંતભાઈ માત્ર ‘સોના નાવડી’ અને ‘પરિભ્રમણ’માં જ ખુદને સંપાદક ગણાવે છે. બીજા બધા ગ્રંથોમાં તે પોતાને સંકલનકાર કહે છે. એટલું જ નહીં બધા ગ્રંથોમાં પોતાનું નામ બને એટલી અછતી રીતે આવે તે રીતે મૂકે છે.
ભાવનગરની ગાંધી સ્મૃિત લાઇબ્રેરીના એક યાદગાર ગ્રંથપાલ રહી ચૂક્યા છે. પછી એક સુરુચિસંપન્ન પુસ્તકભંડાર સર્જ્યો. તેમાંથી અળગા થઈને હવે સમગ્ર મેઘાણી અને રવીન્દ્રનાથના ગુજરાતી અનુવાદમાં તરબોળ છે. તે ગુજરાતના એક વિરલ ગ્રંથજ્ઞ અથવા ‘બુકમૅન’ એટલે કે જાણતલ પુસ્તકપ્રેમી છે. વૉશિંગ્ટન ખાતેના, દુનિયાના સહુથી મોટા ગ્રંથાલય ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ માટે ગુજરાતી પુસ્તકોની પસંદગી કરવાનું કામ વર્ષો લગી જયંતભાઈ ભાવેણાથી કરતા. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલિનતા હેઠળ હંમેશા ઢંકાતી રહી છે. ઉમાશંકર જોશીએ મેઘાણીભાઈને એક પત્રમાં લખેલું : ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની કેટલીય જિંદગી ચાલી જાય.’ પણ તે વિપુલ સાહિત્યરાશિનો શબ્દેશબ્દ એક કરતાં વધુ વખત વાંચવામાં જયંતભાઈ એમની જિંદગીને લેખે લગાડી રહ્યા છે.
24 ઑગસ્ટ, મધ્યરાત્રી
[હકીકત એ છે કે ગુજરાત સાહિત્ય અકાદમીની સમગ્ર મેઘાણી સાહિત્ય યોજના હેઠળ ગયાં છએક વર્ષમાં બાર ગ્રંથો બહાર પડી ચૂક્યા છે, અને આઠ ગ્રંથો પર જયંતભાઈ મેઘાણીનું કામ ચાલી રહ્યું છે.]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 16 સપ્ટેમ્બર 2015