
રવીન્દ્ર પારેખ
ગયે વર્ષે સરકારે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરી ને તેને બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકની ભરતી કરવાનું ઠરાવ્યું. 11 મહિને કોઈ જ્ઞાન સહાયક નિષ્ફળ જણાય તો તેનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવો એવી તાકીદ પણ કરવામાં આવી. આ નિષ્ફળતા મેનેજમેન્ટ સામેની હોય કે વિદ્યાર્થીઓ સામેની, તે અંગે સરકારે કશી સ્પષ્ટતા કરી ન હતી. શિક્ષક ભણાવવામાં નિષ્ફળ ન હોય, પણ મેનેજમેન્ટ સાથે તેને વાંકું પડે કે મેનેજમેન્ટને તેની સામે વાંકું પડે એ શક્ય છે. શિક્ષણકાર્યમાં નિષ્ફળ જવાની તકો ઓછી છે, તે એટલે કે દ્વિસ્તરીય TAT પાસ કરીને મેરિટમાં આવેલાની જ્ઞાન સહાયક તરીકે ફરી નિમણૂક આપવાની હોય તો તે શિક્ષણમાં સાવ નિષ્ફળ જાય એવું ઓછું બને, છતાં શાળા સંચાલકોની એ ફરિયાદ હતી કે જ્ઞાન સહાયક, શાળા અને વિદ્યાર્થીઓને અનુરૂપ નથી, એટલું જ નહીં, શિક્ષણ કાર્યમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે. એવા નબળા જ્ઞાન સહાયક ન ચાલે ને ન જ ચલાવવા જોઈએ, પણ આપણી સારાની શોધ પ્રમાણિક હોય તે અનિવાર્ય છે.
એ પ્રમાણિકતા સરકાર પક્ષે જણાતી નથી. તે એટલે કે પૂરતું બજેટ હોવા છતાં સરકાર 2017થી 42,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી ને તેને વિકલ્પે પ્રવાસી શિક્ષકની કે જ્ઞાન સહાયકની યોજનાઓ લાવીને એટલું ચૂંથણું કર્યું છે કે એટલામાં તો કાયમી શિક્ષકોની ભરતી થઈ જાય, પણ સરકારની દાનત ખોરી છે, તે એ રીતે કે કાયમી ભરતીની જાહેરાત તે કરશે, વાયદાઓ કરશે, પણ ભરતી કરશે નહીં. સરકારે એ આંકડાઓ જાહેર કરવા જોઈએ કે દર વર્ષે કેટલા કાયમી શિક્ષકોની ભરતી ખરેખર થઈ છે?
લાગે છે તો એવું કે અંગ્રેજોને કારકૂનો જોઈતા હતા તેમ હાલની સરકારને મશીનો કે ટેકનોસેવી જ જોઈએ છે. એટલું કામ કરનાર રોબોટ્સ હોય કે માણસો, સરકારને કોઈ ફરક પડતો નથી. સરકારમાં ને પક્ષોમાં જે પ્રકારનો વાણી વિલાસ ચાલે છે તે પરથી તો લાગે છે કે વિચારશીલ માણસો સરકારને ખપે એમ જ નથી. વિચારશીલ હોય તે ભક્તો, ખુશામતખોરો કે જી-હજૂરીયા ન જ હોય. એટલે વિચારશીલો જ ન રહે એવી કોઈ ગણતરી સરકારે માંડી હોય એમ બને. આ તો જ શક્ય છે, જો ભણતર ખોરવાય. ભણતર તો જ ખોરવાય જો શિક્ષકોનો દુકાળ ઊભો થાય, સ્કૂલો જર્જરિત રહે ને શિક્ષણના તમામ સ્તરે ધર્મને નામે ધાર્મિકતાનો વિસ્ફોટ થાય. એના રસ્તા શોધી કઢાયા. પ્રવાસી શિક્ષક, જ્ઞાન સહાયક જેવાથી કામ ચલાવાયું. સ્કૂલો, રૂમની બહાર કે ખુલ્લામાં જીવવા લાચાર થઈ અને નવી નવી કોલેજો ઉત્સવ પ્રિય બનાવાઈ. યુનિવર્સિટીઓમાં ધાર્મિક જ્વર લાગુ પડ્યો. પ્રવેશોત્સવ અને ગુણોત્સવમાં રાજકીય દખલો વધી. હતા તે શિક્ષકો કે આચાર્યો પરિપત્રોના જવાબ આપનાર કે ડેટા ઠૂંસનારા કારકૂનો થઈને રહી ગયા. ટૂંકમાં, સ્કૂલમાં હતા તે શિક્ષકોને, વિદ્યાર્થીઓએ, વર્ગમાં ભણાવવા, તેડવા જવું પડે એ સ્થિતિ આવી. આમ થતાં સ્કૂલો, કોલેજોમાં ભણતરનું અવમૂલ્યન થયું ને એનું મૂલ્યાંકન ગુણવત્તા ગણાવા માંડી. આવું ન હોય ને આ ચિત્ર ખોટું સાબિત થાય તો એનો આનંદ જ થાય, પણ કાયમી શિક્ષકોની નિમણૂકમાં સરકાર અખાડા કરી રહી છે તે હકીકત છે.
એટલે જ તો શાળા સંચાલકોએ કાયમી શિક્ષકોની નિમણૂકનું નાહી નાખીને જ્ઞાન સહાયકની માંગ કરી. એમાં દા’ડો ન વળતા હવે પ્રવાસી શિક્ષકોની ભીખ માંગવાનું શરૂ કર્યું છે. એમને કોણ સમજાવે કે એ અમીર કંજૂસ પાસે માંગી રહ્યા છે જે આપવાનું જાણતા જ નથી. સંચાલકો એમ પણ કહે છે કે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની સત્તા તેમને આપવામાં આવે. એટલે કે તેમણે સ્વીકારી લીધું છે, કાયમીનો એકડો નીકળી ગયો છે, તેવું ન હોત તો તેમણે પ્રવાસી શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની માંગ કરી હોત.
જ્ઞાન સહાયકો મળતા નથી, મળે છે તો ચાલે એવા નથી, તો પ્રવાસી શિક્ષકો ચાલશે એવું કઈ રીતે સંચાલકોને લાગે છે? જ્ઞાન સહાયકો ન મળે તે સમજી શકાય એવું છે. TATની પરીક્ષા મેરિટમાં પાસ કરવાનું કારણ કાયમી ભરતીનું હતું. તે પરીક્ષાનો ઉદ્દેશ જ કાયમી ભરતીનો હતો, તેને બદલે સરકાર ફરી ગઈ ને કાયમીને બદલે ઉમેદવારોને જ્ઞાન સહાયકની ઓફર આપી, જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારની હતી. આટલી મહેનત પછી નિમણૂક, કામચલાઉ જ રહેવાની હોય ને તે કદી કાયમી ન થવાની હોય તો કયો અક્કલવાળો આવી ઓફર સ્વીકારશે? વધારામાં અગિયાર મહિનામાં જ સંચાલકોને જ્ઞાન સહાયકો, સ્કૂલ અને વિદ્યાર્થીઓને અનુરૂપ ન લાગ્યા હોય તો નવા જ્ઞાન સહાયકોની વ્યવસ્થા થવી જોઈએ, પણ એ મામલે પણ સરકાર ઉત્સાહી નથી, એટલે સંચાલકો પ્રવાસી શિક્ષકોથી ચલાવવા તૈયાર થયા છે, તેમાં સંચાલકોની માનસિકતા પણ છતી થાય છે, તે એ રીતે કે પ્રવાસી શિક્ષકો 1 મહિનાથી 11 મહિના માટે કાયમી શિક્ષકોની જગ્યાએ રાખી શકાય. જતે દિવસે સરકાર કલાક પર શિક્ષકો રાખે તો નવાઈ નહીં ! એને તો રોજ પર મજૂર રાખવો કે માસ્તર, સરખું જ છે.
સંચાલક મંડળે પ્રવાસી શિક્ષકોની માંગ સાથે, તેની નિમણૂકનો અધિકાર પણ સંચાલકો પાસે રહે એવી માંગણી કરતો પત્ર લખ્યો છે. ખરેખર તો જ્ઞાન સહાયકોની યોજના દાખલ થઈ ત્યારે જ એ સ્પષ્ટતા સરકારે કરી હતી કે આ યોજના સાથે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરવામાં આવી છે. હવે સંચાલક મંડળ એની જ માંગ કરે છે, તો સવાલ એ થાય કે સરકાર ફરી પ્રવાસી શિક્ષકની યોજના લાવશે? લાવશે તો જ્ઞાન સહાયકની યોજના ચાલુ રહેશે કે રદ્દ થશે? ટૂંકમાં, શિક્ષકોની નિમણૂકનું ગાડું ઘોંચમાં પડેલું છે ને તેનો ઉકેલ નજીકમા જણાતો નથી.
એક તરફ શિક્ષકો કાયમી ભરતી માટે ઉત્સુક છે, તેમને સરકાર રાખવા રાજી નથી ને બીજી તરફ કુલપતિ રાખવા સરકાર તૈયાર છે, પણ કુલપતિ છે કે હાજર થવા ઉત્સુક નથી. સરકાર દ્વારા ટીચર્સ યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે NIOSના ચેરમેન સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી, પણ નિયુક્તિને મહિનો થવા છતાં કુલપતિએ ચાર્જ લીધો નથી. અગાઉ જે કુલપતિ હતા, તેમની નિમણૂક વિદ્યાપીઠમાં થતાં જગ્યા ખાલી પડી તો નવા કુલપતિ સરોજ શર્માને, દિલ્હીથી 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં મૂકવામાં આવ્યા. હાજર ન થવાનું કારણ આપતાં શર્માએ કહ્યું કે હાલ NIOSની જવાબદારી વધુ છે એટલે એમાંથી પરવારીને પછી ચાર્જ લેશે. ત્યાં સુધી અહીં શું તેનો જવાબ કોઈ પાસે નથી. વારુ, કોઈ પણ નિયુક્તિ પહેલાં સરકારે એ જોઈ લેવું જોઈએ કે નિયુક્તિ પામનાર વ્યક્તિ જે તે યુનિવર્સિટીમાં હાજર થઈ શકે એમ છે કે કેમ? કે ધૂન ચડે તેમ જ ગમે તેને ગમે ત્યાં ગોઠવી દેવાય છે? એ પણ છે કે અહીંના દાવેદારોને અવગણીને છેક દિલ્હીથી કુલપતિ આયાત કરવાનો ઉપક્રમ ઘરનાં ઘંટી ચાટે…ની જ યાદ અપાવે છે.
અગાઉ એપ્રિલ, 2024માં ભાવનગર યુનિવર્સિટીમાં પણ એવું થયેલું કે એલ.એમ. ફાર્મસી કોલેજના ડો. મહેશ છાબરિયાની નિમણૂક સરકાર દ્વારા થયેલી ને તેઓ લાંબા સમય સુધી હાજર થયા ન હતા ને પછી કુલપતિ તરીકે ચાર્જ સ્વીકારવા તૈયાર નથી એવો પત્ર સરકારને મોકલી આપેલો. નિમણૂક અને નોટિફિકેશન બાદ નવ નિયુક્ત કુલપતિએ ઘસીને ના પાડી હોય એવી રાજ્યમાં આ પહેલી ઘટના હતી. બબ્બે વર્ષને અંતે સર્ચ કમિટી ત્રણ નામો સૂચવે ને એકની નિમણૂક થાય ને એ વ્યક્તિ લાંબી રાહ જોવડાવીને પારિવારિક કારણો બતાવીને નિમણૂક નકારે એ ઠીક નથી. હવે ફરી સર્ચ કમિટીનું ચક્કર ચાલશે કે ઇન્ચાર્જ કુલપતિથી જ કામ ચલાવાશે એ સ્પષ્ટ નથી, પણ કાયમી કુલપતિની નિમણૂકના અભાવમાં નવી શિક્ષણ નીતિ સંબંધિત ઘણી પ્રક્રિયાઓ ખોરંભે પડવાની શક્યતાઓ છે, બીજું, ડીનની નિમણૂક, ગ્રાન્ટનો ઉપયોગ, એકેડેમિક કાઉન્સિલ જેવી ઘણી બાબતોના ઉકેલ કુલપતિ વગર ઘોંચમાં પડે છે એ ભૂલવા જેવું નથી.
એક ઑક્ટોબરને રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ગિરીશ ભીમાણીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ડો. ભીમાણી 13 ડિસેમ્બર, 1993 ને રોજ અધ્યાપક તરીકે જોડાયા તે પછી 7 ફેબ્રુઆરી, 2022થી ઓકટોબર, 2023 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહ્યા ને હવે એકાએક સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત થતાં 31/12/2024 ને રોજ નિવૃત્ત થશે. એ પછી જે કુલપતિ આવશે તેને કેટલો સમય લાગશે તે અનિશ્ચિત છે. આ અનિશ્ચિતતા જ ગુજરાતી શિક્ષણનું વ્યાવર્તક લક્ષણ છે.
તો, આ સ્થિતિ છે. એક તરફ શિક્ષકોને હાજર થવા દેતા નથી અને બીજી તરફ કુલપતિ કક્ષાની વ્યક્તિઓની નિમણૂક પછી પણ, તેઓ હાજર થતા નથી. સરવાળે ખોટ તો શિક્ષણ જગતને જ છે. છતે શિક્ષકે, શિક્ષકોને હાજર ન કરીને સરકાર શિક્ષકોનું અપમાન કરે છે અને નિમણૂક પછી હાજર ન રહીને કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને કહેવાતા કુલપતિઓ સરકારનું અપમાન કરે છે ને દુ:ખદ બંને છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑક્ટોબર 2024