સાત દાયકાના ઉંબર વરસે, આઝાદીદિનનું ચિત્ર શું છે? આનંદી માર્ગની કૉફી ટેબલબુકમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની સંહિતા શોધી જડતી નથી. સ્વચ્છતા અભિયાન સરખું કાંક કશુંક જોણું લાલ કિલ્લાની રાંગેથી ખાબકી પડવાનું હોય તો પડશે. પણ અત્યારે તો આ અભિયાન સંદર્ભે બહાર આવેલા સર્વેક્ષણને એક અખબારી મથાળે ટૂંકમાં મૂકવ્યું મૂલવ્યું છે તેમ ‘ડર્ટી પિક્ચર’ જોવા મળે છે.
અગ્રલેખનો આ ઉઘાડ, બને કે, કોઈને નાસ્તિક ને નિઃસારવાદી લાગે. ફિલગુડને ચશમે જોઈએ અને પોઝિટિવ ઘેલાં કાઢવાની કોશિશ કરીએ તો પણ તંત્રી મુવા તે વાંકદેખાપણાનું વરદાન અને ઝટ પીછો છોડે શાનું.
આનંદી માર્ગથી લગાર હરીને જોઉં તો ગુજરાતમાં પટેલ અનામત એક મોખરાના મુદ્દા પેઠે છવાયેલ માલૂમ પડે છે. ચરોતરનો પાટીદાર અને સૌરાષ્ટ્રનો પટેલ બે જુદા છે અથવા તો આ આંદોલનના સગડ પક્ષમાં માંહોમાંહેના હિસાબને ચૂકતે કરવા લગી પહોંચે છે. ગઈ સદીમાં, બીજા સ્વરાજ પછીના દસકામાં ઉજળિયાતોએ અનામતવિરોધી ઉત્પાત મચાવ્યો હતો કે એક તબક્કે સત્તા-પ્રતિષ્ઠાનો એને કોમી વળાંક આપી આત્મસંતુષ્ઠિનો ઓડકાર ખાધો હતો એવું કંઈક હશે કે થશે? કદાચ, કોઈ એક સરળ સપાટ સમજૂતી શક્ય નયે હોય.
જ્યાં સુધી અરધી રાતે આઝાદીનાં સંતાનોનો સવાલ છે, સ્વરાજ સાત દાયકાનું થવા આવ્યું અને પ્રજાસત્તાક સાઠી વટી ગયું પણ આઇડેન્ટિટી પોલિટિક્સ થકી વમળાતો અમળાતો એથી અણઓળખાતો નાગરિક એક દુર્દૈવ વાસ્તવ છે. ગાંધીએ તિલકને ખભો દીધો અને આખી જે એક યુગસંક્રાન્તિ થઈ એની સાથે સરેરાશ હિંદવાસી હજુ સમાધાન સાધી શક્યો નથી. જન્મસિદ્ધ અધિકાર તે નાગરિક તરીકેનો, નહીં કે નાતજાતગત, એ વાનું કેમ પકડાતું નથી? દલિત મસીહા નવી સ્મૃિત કહેતાં બંધારણ ઘડે છે ત્યારે સૌની જિકર કરે છે. વર્ણવિશેષની નિશાન તાકે છે. આ તત્ત્વ પકડવાનું ન હોય તો આઇડેન્ટિટી પોલિટિક્સ સામે આઇડેન્ટિટી પોલિટિક્સ લટકા કરશે … અને પ્રજાસત્તાક બ્રહ્મ? ભ્રમ બની રહેશે.
જે વિમર્શ સવા વરસ પર દિલ્હીનશીન થયો એ ઓબીસી ઉદ્દેકી હિંદુવાદ અને કથિત વિકાસની કોકટેલથી વધારે નહોતો. બિહારમાં જે મુકાબલો થવામાં છે એમાં મંડલ-કમંડલ માનસિકતાથી થોડુંકે ઊંચે ઉઠાય તો સારું, પણ ત્યાં પણ એક કે બીજા પ્રકારે આઇડેન્ટિટી પોલિટિક્સ જ ખેલાશે એવું લાગે છે. સોનિયા-રાહુલ કૉંગ્રેસ વખાના માર્યા વિપક્ષનો વેશ ભજવતી હોય તો પણ લાલબાલપાલથી ગાંધીનેહરુપટેલ સંક્રાન્તિના અગ્રચરણની એને રગ છે કે કેમ, દૈવ જાણે.
કુસુમાગ્રજની કવિતાથી વાત પૂરી કરું : રાત પડે ચોપાટી પર મુંબઈ સમસ્તના બાવલાં ભેળાં મળ્યાં ને સુખ દુઃખની વાતે વળ્યાં. તિલકે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્કવાળો’, પણ મારી પાછળ અત્યારે તો ચિત્તપાવન બ્રાહ્મણોનું કોઈ ટોળું હોય તો હોય. આંબેડકરે કહ્યું કે હું બંધારણકાર ખરો, પણ મારી પાછળ દલિતો હોય તો હોય. ફૂલેએ કહ્યું કે મેં સૌ શુદ્રોને ઉપલી પંગતમાં આણ્યા, પણ મારી પાછળ પાંચપંદર ફૂલવાળા કે માળીઓ હોય તો હોય. હવે ગાંધીનો વારો છેક છેલ્લે (પોતે આમેય ‘અનટુ ધ લાસ્ટ’વાળો રહ્યો ને). એણે કહ્યું કે તમારી પાસે તો નાતજાતનું ઘાડિયું પણ છે, મારી પાછળ તો સરકારી ભીંતો સિવાય કશું નથી.
સ્વરાજને સાત દાયકે આટલું પકડાયપમાય તો પણ ઘણું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 01