Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાબરમતી આશ્રમ સ્મારકના મૂકસેવકની વિદાય

કિરણ કાપુરે|Gandhiana|24 August 2024

અમૃતભાઈ મોદી

ગાંધીવારસાના ધરોહરરૂપ ‘સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’[સાબરમતી આશ્રમ સ્મારક]નું જતન કરનારા અમૃતભાઈ મોદીનું ૨૫ જૂન, ૨૦૨૪ના રોજ ૯૧ વર્ષની વયે અવસાન થયું. અમૃતભાઈ મોદી પાછલાં પચાસ વર્ષથી મંત્રી તરીકે સાબરમતી આશ્રમના સ્મારકની ધુરા સંભાળી રહ્યા હતા. અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકમાં સૌ કોઈને પ્રેમપૂર્વક આવકારતા અને ગાંધીવિચારને છાજે એ રીતે તેમણે તેનું સંચાલન કર્યું હતું. દેશ-વિદેશના પ્રમુખ હોય, મહાનુભાવ કે પછી કોઈ અભ્યાસી; પ્રવાસી હોય કે શહેરના સામાન્યજન અમૃતભાઈ સૌ પ્રત્યે એક સરીખો ભાવ ધરાવતા. તેમનો પ્રેમ સૌ પર વરસતો.

અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકને જસનો તસ સાચવી શક્યા તે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આશ્રમ સ્મારક હવે નવનિર્માણ માટે તૈયાર થઈ રહ્યો છે અને તેમાં આવનારાં પરિવર્તન ગાંધીજીના આશ્રમ સ્મારકના ખ્યાલને છાજે એવાં હોય કે ન હોય; પરંતુ અમૃતભાઈ એ બાબતે ખાસ્સી દૃઢતા રાખી શક્યા કે ગાંધીજીની ધરોહર જેવી છે તેવી રહેવી જોઈએ. સરકારની એક યોજનાથી આશ્રમ નવનિર્માણ પામશે, તે પ્રકારના પ્રસ્તાવ અગાઉ સાબરમતી આશ્રમ સ્મારકના મંત્રી તરીકે તેમની સમક્ષ પણ આવ્યા. હૃદયકુંજ અને પ્રાર્થનાભૂમિને આરસના પથ્થર નાંખવા સુધીના; પણ પ્રસ્તાવ મૂકનારનો અનાદર કર્યા વિના તેમનો ઉત્તર હોય — ‘અહીં તો ધૂળ જ શોભે.’ ગાંધીવિચારને આટલા ઊંડાણથી સમજનારા અત્યારે કોણ મળી શકે? સાદગી અને સરળતાથી ઘણી વાર તેમની દૃઢનિશ્ચયતા ઢંકાઈ જતી અને અમૃતભાઈને ગાંધીવિચારથી વિપરીત કોઈ બદલાવથી બાધ નથી — એવું પણ માની લેવામાં આવતું. એવે વખતે જ તેમની દૃઢતા પ્રગટ થતી અને એવો બદલાવ ટાળી શકાતો. પાંચ દાયકામાં સાબરમતી આશ્રમ સ્મારકમાં બદલાવ આણનારી કેટકેટલી ય ઘટના બની હશે, પણ સાબરમતી આશ્રમ સ્મારક એ જ સ્થિતિમાં રહી શક્યો.

અમૃતભાઈએ પરિવર્તનને આવકાર્યાં જ નહીં, તેવું ય નહોતું. કામકાજને સરળ બનાવતાં કેટલાંક પરિવર્તનો સમય સાથે સાબરમતી આશ્રમમાં થયાં. કાર્યશૈલી બદલાઈ, કમ્પ્યૂટર આવ્યાં અને કેટલુંક નવું બાંધકામ થયું ત્યારે તેમને કાર્ય અર્થે જે સુલભ લાગ્યું તે સ્વીકાર્યું. સાબરમતી આશ્રમના ખ્યાલ મુજબ તેમણે ધીમે ધીમે પરિવર્તન આણ્યાં અને ટાંચાં સાધનોથી સાબરમતી આશ્રમનું અસલ સ્વરૂપ જળવાયેલું તેઓ રાખી શક્યા.

ગાંધીસાહિત્ય અને સ્મારકના વારસાને સુરક્ષિત રાખવાની અમૃતભાઈની સમજ ખાસ્સા અભ્યાસ અને અનુભવ પછી વિકસી હતી. કિશોરવયથી તેમની ગાંધીસાહિત્ય-વાંચનમાં રુચિ કેળવાઈ અને તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ વળ્યા. ગાંધીવિચારને અમલી બનાવવા યુવાન વયથી કૉંગ્રેસ સેવાદળ સાથે જોડાયા. ગ્રામસફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવાકાર્યોનો હિસ્સો બન્યા. મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ બે વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા. સૌરાષ્ટ્ર સેક્રેટરિયેટમાં કારકુન તરીકે ફરજ બજાવી. કારકિર્દી ઘડાઈ રહી હતી, પરંતુ મન સેવાકાર્યોમાં તરફ આકર્ષાતું હતું; એટલે ઑગસ્ટ, ૧૯૫૫ના અરસામાં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજન દાદા ધર્માધિકારીની સર્વોદય વિચાર શિબિર યોજાઈ, ત્યારે તેમાં સહભાગી થયા. અહીં દ્વારકાદાસ જોશી સાથે પરિચય કેળવાયો અને તેઓ ભૂદાનપ્રવૃત્તિ સાથે જોડાયા. ભૂદાનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે તેમનું જોડાણ ૧૯૭૪ સુધી રહ્યું. સર્વોદય પ્રવૃત્તિના અભિન્ન હિસ્સો બન્યા બાદ તેઓ વર્ષના દસેક મહિના પદયાત્રામાં રહેતા. આ ક્રમ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. ભૂદાનમાં સક્રિયતા વેળાએ તેમણે સાંતલપુર, હારીજ, રાધનપુર તાલુકામાં આશરે ૩,૦૦૦ વીઘા જમીન-વહેંચણીનું મહત્ત્વનું કાર્ય કર્યું. આ દરમિયાન રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતલાલ મજમુદાર અને જુગતરામ દવે જેવા ગાંધીજનોના સંપર્કમાં આવ્યા. સર્વોદયની પ્રવૃત્તિમાં સહ મંત્રી અને મંત્રીપદે તેમનું કાર્ય એટલું વિસ્તર્યું કે કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, ધીરેન્દ્રભાઈ મજમુદાર, વિમલાતાઈ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં મહાનુભાવો સાથે ગુજરાતભરમાં પ્રવાસ કરવાનો તેમને અવસર મળ્યો. બિહાર અને બંગાળની યાત્રા દરમિયાન વિનોબા ભાવે સાથે રહેવાનું બન્યું અને તેમનાં પ્રવચનોને નોંધ્યાં.

અમૃતભાઈનાં જીવન અને કાર્યની નોંધ પત્રકાર-લેખક રમેશ તન્નાએ વિગતે કરી છે. અમૃત મોદીનાં લેખન અને સંપાદનકાર્ય વિશે રમેશભાઈ લખે છે કે, “તેમણે દસ પુસ્તકોનાં અનુવાદ અને સંપાદનનું કામ કર્યું. વિચારપત્ર ‘ભૂમિપુત્ર’માં ત્રણ વર્ષ સહાયક સંપાદક અને ચાર વર્ષ સંપાદક તરીકે સંપાદન કર્યું. ‘ભૂમિપુત્ર’ તથા અન્ય સામયિકોમાં તેમના લેખો અને વાર્તાઓના અનુવાદો છપાતા રહ્યા. ૧૨ વર્ષના લેખન-તપને પરિણામે ૩૦૦ જેટલી વાર્તાઓ અને ૪૦૦ જેટલા લેખોના અનુવાદનો ફાલ નીપજ્યો. તેમણે વિદ્યાર્થીઓ માટે મહર્ષિ વિનોબા અને મોટાઓ માટે યુગપ્રવર્તક વિનોબા એ બે જીવનચરિત્રો લખ્યાં, જેની ૮૦,૦૦૦ નકલ છપાઈ. મરાઠી અને હિંદીમાં તેનો અનુવાદ થયો. અમૃતભાઈએ પાંચ વર્ષ સર્વોદય પ્રેસ સર્વિસ પણ ચલાવી હતી.” આ ઉપરાંત, તેમનાં સંપાદનકાર્યમાં એક વખતે પાંચ-પાંચ સામયિકો હતાં; જેમાં ખાદી ગ્રામોદ્યોગનું મુખપત્ર ‘ગ્રામનિર્માણ’, નશાબંધી વિભાગનું ‘કલ્યાણયાત્રા’, અહિંસા વિચારને કેન્દ્રમાં રાખતું ‘હિંસાવિરોધ’, મહિલાવિષયક ‘સ્ત્રીજીવન’ અને સદ્ વિચાર પરિવારનું ‘સુવિચાર’ હતાં. લેખન-સંપાદન તરીકે જે તેમનાં પુસ્તકો છે તેમાં વાર્તામંજરી, વિદ્યાર્થીઓને ગાંધીજીના પત્રો, મહર્ષિ વિનોબા, વાત્સલ્યમૂર્તિ દાદા, ખુદાઈ ખિદમતગારનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પુસ્તક ગાંધીજીવન : વિચારઝલક તાજેતરમાં પ્રકાશિત થયું છે.

ગાંધી તથા વિનોબાના વિચારનું ભાથું આચાર અને વિચારમાં બે દાયકા સુધી સારી પેઠે તેમણે પોતાનામાં સિંચ્યું હતું. ૧૯૭૪માં તેઓ સાબરમતી આશ્રમ સ્મારકમાં જોડાયા, ત્યારે તેમની પાસે ગાંધીવારસાને સુરક્ષિત રાખવાની દૃષ્ટિ કેળવાઈ ચૂકી હતી. આ દૃષ્ટિ કેળવાઈ તેમાં આશ્રમના પૂર્વ સંરક્ષક છગનલાલ જોશી, છગનલાલ ગાંધી અને ચંદુલાલ દલાલ સાથેનો સંવાદ પણ તેમને ઉપયોગી રહ્યો. સાબરમતી આશ્રમ સ્મારકમાં આવીને તેઓ મૂકસેવકની જેમ ભળ્યા. આશ્રમની આસપાસના વિવાદોમાં તેમને જ્યારે કડવાં વેણ સાંભળવાનાં આવ્યાં, ત્યારે તેની કોઈ પ્રતિક્રિયા સુધ્ધાં ન આપી. આવું વલણ માત્ર તેમણે નહીં, પણ પરિવારના સભ્યોએ સુધ્ધાં રાખ્યું. આશ્રમ તો સૌનો છે તેવું હંમેશ કહેતા અને આસપાસના લોકો જ્યારે ઉનાળામાં આવીને આશ્રમની ખુલ્લી જગ્યામાં ઊંઘતા, તો તેમને ક્યારે ય અટકાવ્યા નહીં. કોઈ કાર્ય અધૂરું રહ્યું હોય તો દાખલો બેસાડવા નહીં, પણ પોતે એ કરી નાંખવાનું હોય તેમ કરીને કર્યું. એક વખત આશ્રમના ટૉઇલેટ બ્લૉકમાંથી દુર્ગંધ આવતી હતી, તો તેમણે સફાઈ કરી, પણ આ સફાઈ કર્યાની વાત કોઈને ય ન કરી. તેમને મન કોઈ કામ નાનું નહોતું. આવી વિચાર અને કર્મનિષ્ઠા તેમણે રાખી. આશ્રમ ખુલ્લો હોય અને અમૃતભાઈ ત્યાં હાજર ન હોય તેવું ભાગ્યે જ બનતું. આશ્રમ સ્મારકમાં એક સમયે એક આખી નવી પેઢી કામ કરવા માટે પ્રવેશી, ત્યારે તેમને મોકળાશ કરી આપી. કાચા પથ્થરોને તેમણે ઘડ્યા.

આશ્રમ સ્મારકના સંચાલક તરીકેની ભૂમિકાની સમાંતરે તેઓ આજીવન ગાંધીસાહિત્યના અભ્યાસી રહ્યા. સર્વોદય, વિનોબા અને ગાંધીજીવન વિશે જાણવાનું તેઓ ઠેકાણું હતા. ઉંમરના છેલ્લા પડાવ સુધી તેમની સ્મૃતિ અકબંધ રહી હતી. અભ્યાસ અને સંશોધનની સમજ એટલી પાકી કે જેમ્સ હન્ટ, ડેનિસ ડોલ્ટન, ઇ.એસ. રેડ્ડી, થોમસ વેબર, અને એસ.આર. મેહરોત્રા જેવા જાણીતા અભ્યાસીઓ આવ્યા તો તેમને વિગતો પૂરી પાડવાની કે સંદર્ભ જણાવવાની જવાબદારી તેમના શિરે રહેતી. આશ્રમ તરફથી લોકોને શક્ય એટલું આપવાનો પ્રયાસ કર્યો. અને તે માટે એ હદ સુધી જાય કે કોઈ આશ્રમમાંથી પુસ્તક ખરીદે અને જો તેની પાસે રૂપિયા ન હોય તો વિશ્વાસે તેને પુસ્તક આપે. આશ્રમ આવનારાં પ્રવાસીઓ પ્રત્યે પણ તેમનો એટલો જ પ્રેમાળ ભાવ રહ્યો. એક વખત બસમાં આવેલા પ્રવાસીઓની નાહવા — તૈયાર થવાની વ્યવસ્થા ક્યાં ય થાય એવી નહોતી, તો તે માટે તેમણે પોતાની ઑફિસના બાથરૂમનો ઉપયોગ કરવા દીધો. બસમાં આવેલા તમામ પ્રવાસીઓ અમૃતભાઈના ઑફિસના બાથરૂમમાં તૈયાર થયા અને આશ્રમની મુલાકાત લીધી. દૂરસુદૂરથી આશ્રમના પ્રવાસે આવનારાઓ માટે તેઓ કેટલીક પાયાની સુવિધા ઊભી થાય તેવું પણ ઇચ્છતા હતા.

વિશ્વભરના મહાનુભાવો, જાણીતી હસ્તીઓ આશ્રમમાં આવે પરંતુ અમૃતભાઈએ ક્યારે ય સમતા ન ખોઈ. તેઓ હંમેશાં પૃષ્ઠભૂમિમાં રહ્યા, અને કંઈક અંશે સાબરમતી આશ્રમને પણ એ રીતે રાખ્યો. એટલે જ ઘણાં સન્માન, ઇકરામોના હકદાર બની શકે એમ હોવા છતાં આજે તેમના નામે સૌથી વજનદાર સન્માન ‘સાબરમતી આશ્રમ સ્મારક સંરક્ષક’નો રહ્યો. પોતાની એક થેલીમાત્ર તેમની પાસે હંમેશ રહી, જે લઈને તેઓ આવતા. વી.વી.આઈ.પી. મહેમાન આવવાના હોય ત્યારે સાંધેલી ખાદી પહેરવામાં જરા સરખો છોછ ન રાખ્યો. તેઓ સ્પષ્ટ કહેતા કે કોઈએ વણેલું કાપડ છે ને. આવી વ્યક્તિના મનમાં નવાં કપડાં પહેરવાની કે તસવીરો પડાવવાની વાત તો ક્યાંથી આવે? તેમની નીતિ-રીતિ સંભવતઃ આજે કોઈને યોગ્ય ન લાગે, પરંતુ પુરોગામીઓએ સોંપેલું કાર્ય તેમણે આ નીતિ-રીતિથી કરી દાખવ્યું. અમૃતભાઈના કાર્યકાળ દરમિયાન આશ્રમ વિરુદ્ધ માધ્યમોમાં સાચા-ખોટા અહેવાલો સમયાંતરે આવતા રહેતા. પરંતુ તેનાથી વિચલિત થયા વિના તેમણે ખૂણામાં બેસીને પોતાનું કાર્ય કરે રાખ્યું. તેમના સદ્દનસીબે આ પડકારરૂપ જવાબદારી સંભાળી તે દરમિયાન અમૃતભાઈની સાથે ગાંધીમૂલ્યોને વરેલાં ટ્રસ્ટીઓ — શ્રેણિકભાઈ લાલભાઈ, નારાયણ દેસાઈ, કાંતિભાઈ શાહ, દીવાનસાહેબ, કાર્તિકેય સારાભાઈ, હમીદ કુરેશી, અને ઇલાબહેન ભટ્ટ પણ હતાં.

અમૃતભાઈ ગાંધી સંસ્થાઓ, ગાંધી પ્રેમીજનો, સર્વોદય જગત, વિનોબા પરિવાર, વગેરે વચ્ચે સેતુરૂપ હતા. ગાંધીજીનો જીવિત-લિખિત વારસો તેમણે યોગ્ય રીતે સાચવ્યો. મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી નિમિત્તે મહાદેવ દેસાઈના લખાણ-સાહિત્યના વારસાની જાળવણી-સાચવણીની વ્યવસ્થા કરી આપી. ગાંધીસાહિત્યના સર્જન સંદર્ભે નારાયણભાઈ દેસાઈને પણ મૂળભૂત આધારસાહિત્ય અમૃતભાઈએ હાથવગું કરી આપ્યું.

સાબરમતી આશ્રમ સ્મારક ગાંધીજીની ધરોહરમાં કેન્દ્રસમું છે. આશ્રમ સ્મારકની ભૂમિકા હંમેશાં અગત્યની બની રહી છે. આ ભૂમિકામાં અન્ય ગાંધી સંસ્થાઓ સાથેના સંબંધો જાળવવાની વાત સર્વોપરી હતી. એ તેમણે સુપેરે જાળવી. અન્ય સંસ્થાઓ સાથે તેમણે સહભાગિતા રાખી. નવજીવન ટ્રસ્ટના પૂર્વ મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્રભાઈ દેસાઈ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ રહ્યો હતો. ગાંધીસાહિત્યના વારસાને સંભાળવાની બંનેની દૃષ્ટિ કંઈક અંશે સમાન રહી અને તે ગાળા દરમિયાન નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ સ્મારકમાં જે ગાંધીસાહિત્ય સંબંધિત કાર્ય થયું તેમાં તેમની વચ્ચેનો સંવાદ અગત્યનો રહ્યો છે. ગાંધીજીની ધરોહર જાળવી રાખનાર અમૃતભાઈ આ બધું કરી શક્યા તેનું એક કારણ તેમણે વિનોબાને આત્મસાત્ કર્યા હતા. ઉદ્દેશથી ચલિત થવાનો તેમાં કોઈ પ્રશ્ન જ નહોતો અને તેમનું અસ્તિત્વ તેમના કાર્ય થકી હતું. હવે તેઓ નથી તો તેમની સ્મૃતિ ટકી રહે તેવી પણ તેમની ખેવના નહોતી.

[“नवजीवनનો અક્ષરદેહ”ના જુલાઈ, 2024ના અંકમાંથી]
e.mail : kirankapure@gmail.com

Loading

24 August 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—261
નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved