અદાણી જૂથમાં બધું ચકાચક આરસ જેવું સાફ છે એવું નથી, પણ હિન્ડનબર્ગના રિપોર્ટને હવે કોઇ બહુ લાંબો વખત સુધી ગંભીરતાથી નહીં લે. સીધું કારણ એ છે કે હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સ તકસાધુઓ છે

ચિરંતના ભટ્ટ
હિન્ડનબર્ગ રિસર્ચ, યુ.એસ.એ.ની એક એવી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે જે આર્થિક ગોટાળાઓ ઉઘાડા પાડે છે. પહેલાં પણ અદાણી જૂથને માથે માછલાં ધોવાયા, માર્કેટ પર તેની અસર થઇ અને લોકોને ચર્ચા કરવા માટે અધધ મુદ્દા પણ મળ્યા. એ વાતને 17 મહિના થયા અને છેલ્લા કેટલાક વખતથી હિન્ડનબર્ગ રિસર્ચ ફરી કંઇક ધડાકો કરશે, એવી વાત વહ્યા કરતી હતી. શનિવારે હિન્ડનબર્ગે રિપોર્ટ રિલીઝ કર્યો જેમાં SEBIના વડાં માધબી પુરી બૂચ અને તેમનાં પતિ પર આક્ષેપ મુકાયો છે કે તેમણે પણ એવી ઑફશોર કંપનીમાં રોકાણ કર્યા છે જેની કડી અદાણી જૂથ સાથે જોડાયેલી છે. રિપોર્ટમાં દાવો છે કે આ કારણે જ SEBIએ હિન્ડનબર્ગનાં પહેલાંના એટલે કે જાન્યુઆરી 2023ના, રિપોર્ટ પછી પણ અદાણી જૂથ સામે કોઇ પગલાં ન લીધા. આ રિપોર્ટ અનુસાર માધબી બૂચની SEBIમાં નિમણૂંક થઇ તે પહેલાં આ રોકાણો કરાયા હતા અને પછી આ રોકાણો તેમના પતિ, ધવલ બૂચને નામે ટ્રાન્સફર કરાયા હતા જેથી કરીને કોઇપણ પ્રકારની ચકાસણી કે તપાસમાં ફસાતા બચી શકાય. માધબી બૂચ અને ધવલ બૂચ, બન્નેએ આ આક્ષેપોને પાયા વગરનાં ગણાવ્યા છે.
હિન્ડનબર્ગના રિપોર્ટ્સ અંગે સોશ્યલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું, રવિવારની સાંજ આર્થિક વિશેષજ્ઞો અને માર્કેટ ગુરુઓએ આ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરવામાં વિતાવી. એક આખો વર્ગ એમ માને છે કે હિન્ડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટ્સ બહુ વિચારીને કરાયેલા અને પૂર્વઆયોજિત આક્ષેપો છે. ઇન્ફોસિસના પૂર્વ સી.એફ.ઓ., મોહનદાસ પાઇએ તો સાફ શબ્દોમાં એવા અર્થની વાત કરી કે સનસની ફેલાવવાના આશયથી હિન્ડનબર્ગ જેવા એક વલ્ચર ફંડે ચારિત્ર્ય હનન કરીને છેલ્લા પાટલે બેસવાવાળી કરી છે જેને ગંભીરતાથી ન લેવું જોઇએ. હિન્ડનબર્ગ રિસર્ચના આક્ષેપોનું સ્તર, પહેલાં હતું તેના કરતાં હવે નીચે ઉતરી ગયું છે એવી લાગણી ધરાવતા ભારતીય વિશેષજ્ઞોને લાગે છે કે એક સમયે જે ગંભીર આક્ષેપો હતા તે હવે ટી.વી. સિરિયલના સસ્તાં ષડયંત્રો જેવા થઇ ગયા છે. તેમના પહેલા રિપોર્ટથી તેમને ધાર્યું પરિણામ ન મળ્યું અને અદાણી જૂથનું ઇન્દ્રાસન એટલું ડોલ્યું નહીં જેટલું એ ચાહતા હતા એટલે હવે જ્યારે કામ નથી બગાડી શકાયું તો ચાલો નામ જ બગાડી દઇએ જેથી જો લોકોનો તેમની પરથી વિશ્વાસ ખસી જશે ધંધા પર અસર થઇ જ જવાની છે. હિન્ડનબર્ગ રિસર્ચ પોતે શોર્ટ સેલર્સની ફર્મ છે અને તેમના અનેક લક્ષ્ય – ટાર્ગેટ -ની માફક અદાણી જૂથ પણ તેમનું એક ટાર્ગેટ બન્યું પણ તેઓ પોતાની ધારણા મુજબ તેના ભાવ ગગડાવી ન શક્યા. અદાણી જૂથની અચાનક થયેલી પ્રગતિને કારણે તે હિન્ડનબર્ગની યાદીમાં આવ્યું અને જે થાય છે તે થઇ રહ્યું છે. શૅર માર્કેટ આમ પણ રિપોર્ટ્સ પર નહીં લોકોની લાગણીના આધારે બદલાઇ શકે છે અને તેમણે આ જ હકીકતનો લાભ લઇને પોતાના બિઝનેસ માટે ચાલ ચાલી છે. આમાં હિન્ડનબર્ગ રિસર્ચને અદાણી જૂથ સાથે કોઇ અંગત અદાવત નથી, તેમને માટે તો બજાર નીચું હોય ત્યારે શૅરના ખરીદ-વેચાણમાં પૈસા નાખવામાં રસ છે.
અત્યારસુધી હિન્ડનબર્ગના જે પણ રિપોર્ટ્સ આવ્યા છે તેમાં કરાયેલા દાવા અનુસાર અદાણી જૂથે સ્ટૉક્સ સાથે ચેડાં કર્યા છે અને દાયકાઓ સુધી છેતરપિંડી ચલાવી છે. તેમણે અદાણી જૂથને ફેમિલી બિઝનેસનું લેબલ આપી કહ્યું છે કે તે કોઇ વ્યવસાયી કોર્પોરેશન નથી. કરચોરીથી માંડીને મની લૉન્ડરિંગના આક્ષેપો પણ આ રિપોર્ટ્સમાં છે. ‘ધી ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીના સામ્રાજ્યના 145 બિલિયન ડૉલર્સ ધોવાઇ ગયા અને વિશ્વના 100 ધનિકોની યાદીમાંથી પણ ગૌતમ અદાણી બહાર થઇ ગયા. આખરે સરકારી તંત્રમાં પલટો થયો અને સહકાર મળતાં બધું થાળે પડતાં અદાણી ફરી જોરમાં આવ્યા. આ બધાંની વચ્ચે રાજકીય આક્ષેપોનો ખેલ ચાલતો રહ્યો.
અદાણી જૂથમાં બધું ચકાચક આરસ જેવું સાફ છે, એવું નથી પણ હિન્ડનબર્ગના રિપોર્ટને હવે કોઇ બહુ લાંબો વખત સુધી ગંભીરતાથી નહીં લે. સીધું કારણ એ છે કે હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સ તકસાધુઓ છે અને ભલે તેમણે મોટા માથાઓને ભોંય ભેગા કર્યા હશે પણ ટ્વિટરને મામલે હિન્ડનબર્ગે કરેલા હોબાળાનું કંઇ ન વળ્યું. હકીકત એ છે કે હિન્ડનબર્ગ પણ કંઇ દૂધે ધોયેલી કંપની નથી. વુલ્ફ ઑફ વૉલસ્ટ્રીટની માફક હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સને ઝડપથી પૈસા બનાવવામાં જ રસ હોય છે. ભાવ ગગડે એટલે તેમની લે-વેચની ચોપાટ ખેલાય. આ શોર્ટ સેલર્સ રાજકીય પ્રવાહોને આધારે પણ પોતાના ટાર્ગેટ નક્કી કરતા હોય છે. કમનસીબે આ શોર્ટ સેલર્સની કોઇ નક્કર ઉત્પાદન ક્ષમતા પણ નથી હોતી અને ન તો તેઓ કોઇ મોટા કોર્પોરેટ હાઉસની માફક મિલકતો ખડી કરી શકે તેમ છે. ભારતીય મૂડીવાદ અને લોકશાહીને બચાવવા કૂદી પડેલા આ શ્વેતવર્ણી લોકો મૂળે પોતાનો સ્વાર્થ જોઇ રહ્યા છે.
હિન્ડનબર્ગ રિપોર્ટમાં સિરિયલોના ષડયંત્ર પ્રકારના આક્ષેપો ન હોત અને નક્કર સવાલો હોત જેની પાછળ તેમનો પોતાના લાભ કે ગણતરીઓ ન હોત તો તેમની વાહવાહી કરવાનું ગમત. બીજી તરફ અદાણી જૂથ હિન્ડનબર્ગથી ભલે ન ગભરાય પણ ‘લાલા કંપની’ પ્રકારના માનસિકતા ન રાખીને, ગોટાળાઓથી દૂર રહી સ્વચ્છ બિઝનેસનું પ્રમાણ વિસ્તારવું જોઇએ. સમય અને કર્મ કોઇનાં ય દોસ્ત નથી એ યાદ રાખીને ભારતીય કોર્પોરેટે પોતાની કામગીરીમાં જરૂરી સુધારા કરી લેવા જોઇએ. બાકી વિશેષજ્ઞોના મતે હિન્ડનબર્ગ રિસર્ચના તાજા દાવાઓને પગલે માર્કેટ્સમાં થોડી ઘણી અસર તો દેખાશે જ પણ માર્કેટ જલદી બેઠી પણ થઇ જશે કારણ કે આ વખતના આક્ષેપો કોઇ ચોક્કસ પ્રભાવ વગરના દાવા જ લાગે છે. ટૂંકમાં આ આક્ષેપોને પગલે કોઇ લાંબા ગાળાની દેખીતી અસરો નહીં પણ શરૂઆતી પ્રત્યાઘાત પૂરતી અસર જ માર્કેટમાં વર્તાશે.
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑગસ્ટ 2024