
રમેશ ઓઝા
ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શેખ હસીના વાજેદના પક્ષે એક પછી એક ચોથી વાર પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે તેમણે અને બીજા કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર છ મહિનામાં તેમણે વડાં પ્રધાનપદ તો ગુમાવવું પડશે, પણ દેશ છોડીને પણ નાસવું પડશે. સમયનો ખેલ અદ્ભુત છે, પણ આ ખેલ તેમણે પોતે પોતાના માટે રચ્યો હતો એટલે દયા ખાવાની જરૂર નથી. આવું જ બે વરસ પહેલાં, ૨૦૨૨ના જુલાઈ મહિનામાં શ્રીલંકામાં બન્યું હતું. ત્યાંથી પણ રાજપક્સે બંધુઓએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને તેમના માટે પણ કોઈએ દયા નહોતી ખાધી. વાવો તે લણો!
શું હસીના વાજેદનું પતન અનામત વિરોધી આંદોલનના કારણે થયું છે? ના, બંગલાદેશની સર્વોચ્ચ અદાલતે ૨૭મી જુલાઈએ કુલ ૫૬ ટકાની અનામતની જોગવાઈને ઘટાડીને સાત ટકાની કરી નાખી હતી અને એ પછી આંદોલન શાંત પડવા લાગ્યું હતું. સંપૂર્ણપણે શાંત પડી પણ જાત જો આંદોલનકારીઓને રઝાકાર, દેશદ્રોહી, બંગલા અસ્મિતાના દુશ્મન, ઇસ્લામવાદી, ત્રાસવાદી, વિદેશી એજન્ટ વગેરે શબ્દો દ્વારા નવાજ્યા ન હોત. આ સિવાય શેખ હસીનાના પક્ષ અવામી લીગના છાત્ર સંગઠનના ગુંડાઓ આંદોલનકારીઓને રસ્તા પર મારતા હતા, ગાળો દેતા હતા અને પોલીસ પક્ષપાત કરતી હતી અને કુલ મળીને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આને કારણે રોષ ભભૂક્યો હતો અને મેડમને જીવ બચાવવા દેશ છોડીને નાસવું પડ્યું હતું.
ટૂંકમાં અનામત તો એક બહાનું હતું, એક નિમિત્ત કારણ માત્ર હતું, મૂળ કારણ તો શેખ હસીના વાજેદની તાનાશાહી હતું. ૨૦૦૯માં ૧૪ પક્ષોનો મોરચો રચીને તેમણે લોકશાહી માર્ગે સત્તા મેળવી હતી, પરંતુ એ પછી તેમણે ધીરેધીરે પહેલાં પોતાના જ મોરચાના સાથી પક્ષોને અને એ પછી વિરોધ પક્ષોને ખતમ કરીને તાનાશાહીનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે બંગલાદેશને લગભગ વિરોધપક્ષમુક્ત કરી નાખ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણી ઠીકઠીક પ્રમાણમાં એકપક્ષીય હતી, ૨૦૧૯ની ચૂંટણી ૨૦૧૪ કરતાં વધારે એકપક્ષીય હતી અને ૨૦૨૪ની ચૂંટણી તો સાવ જ એકપક્ષીય હતી. એ પછી તેઓ બંગલાદેશને વિરોધમુક્ત કરવા માંડ્યાં હતાં. પોતાનો પક્ષ, ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, એકંદરે વહીવટીતંત્ર, મીડિયા, યુનિવર્સિટીઓ, શિક્ષણસંસ્થાઓ પર કબજો જમાવ્યો હતો. બધાં તેમનાં ગુલામ હતા. કોઈએ અવાજ નહીં ઉઠાવવાનો. બંગલાદેશમાં જે વિસ્ફોટ થયો તેનું મૂળ કારણ શેખ હસીના વાજેદની તાનાશાહી હતું, અનામત તો નિમિત્ત કારણ હતું.

શેખ હસીના વાઝેદ
આ સિવાય બંગલાદેશ મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા લોકોનાં ત્રીજી પેઢીનાં સંતાનો માટે સરકારી નોકરીમાં ત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે એવી જોગવાઈ વાહિયાત હતી. ત્રીસ ટકા એ કોઈ મામુલી પ્રમાણ નથી અને એ પણ ત્રીજી પેઢી માટે! તેની પાછળનો ઈરાદો શેખ હસીનાના બંગલા અસ્મિતાના રાજકારણનું સમર્થન કરનારાઓને લાભ આપવાનો હતો અને તેના વિરોધીઓને લાભથી વંચિત રાખીને દંડવાનો હતો. તેમને જાણ હતી કે આ જોગવાઈ ન્યાયસંગત તો નથી, તર્કસંગત પણ નથી એટલે તેમણે ૨૦૧૮ની સાલમાં વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના ૩૦ ટકા અનામતની જોગવાઈ રદ કરી નાખી હતી. આની પાછળનું કારણ ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું હતું. એકવાર ચૂંટણી જીત્યા પછી રસ્તા ક્યાં ઓછા છે! ૨૦૧૯ અને એ પછી ૨૦૨૪ની ચૂંટણી જીત્યા પછી અનુકૂળતા નજરે પડી ત્યારે તેમના એક સમર્થકે અનામતની જોગવાઈને રદ્દ કરવાના સરકારના આદેશને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો. બધું જ પટકથા મુજબ હતું. વડી અદાલતના જજે એકાદ-બે સુનાવણી કરી ન કરી અને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી બહાલ કરી આપી. અનામતની જોગવાઈ પાછી પણ આવે અને એ પણ ન્યાયતંત્ર દ્વારા એટલે કોઈને કશું કહેવાનું રહે નહીં.
આની પાછળનો ઈરાદો સમર્થકોને સરકારમાં ઉપરથી નીચે સુધી સર્વત્ર ગોઠવવાનો અને વિરોધીઓને બહાર રાખવાનો હતો. લોકોને મેસેજ જવો જોઈએ કે શેખ હસીના વાજેદ બંગલાદેશનો વર્તમાન છે અને આપણું ભવિષ્ય છે. શેખ હસીના એટલે બંગલાદેશ અને બંગલાદેશ એટલે શેખ હસીના. સામે હસીનાના પ્રતિસ્પર્ધી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝીયાને લગભગ ખતમ કરી નાખ્યાં છે. તેમના પર મુકદમા ચલાવવામાં આવ્યા, જેલની સજા કરવામાં આવી એમ દરેક રીતે તેમને સતાવવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪થી બેગમ ખાલેદા ઝીયા કાં જેલમાં છે અથવા તેમનાં મકાનમાં નજરકેદ છે. આજે સ્થિતિ એવી છે કે બંગલાદેશમાં થયેલી ક્રાંતિનો અને આવી રહેલાં પરિવર્તનનો લાભ ખાલેદા ઝીયા લઈ શકશે એમ લાગતું નથી. રાજકીય રીતે જ નહીં, શારીરિક અને માનસિક રીતે પણ તેમને ખતમ કરી નાખવામાં આવ્યાં છે.
આ બધું જ બંગલા અસ્મિતાનાં નામે કરવામાં આવતું હતું. બંગાળી પ્રજા મહાન છે, કારણ કે બંગાળી સંસ્કૃતિ મહાન છે, બાંગ્લા ભાષા મહાન છે. સામે પક્ષે ઇસ્લામની વાત કરનારાઓએ ઇસ્લામના નામે બંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બનાવી દીધું હતું અને બંગલા અસ્મિતાને હાંસિયામાં ધકેલી દીધી હતી. બંગલાદેશના વતની હોવા છતાં જેઓ ઇસ્લામવાદીઓ છે એ હકીકતમાં ગદ્દાર છે. બંગલાદેશના ગુનેગાર છે અને ગુનેગારોને માફ કરવાના ન હોય. જો તેઓ પાછા સત્તામાં આવશે તો બંગાળી ભાષા અને સંસ્કૃતિનું શું થશે એનો વિચાર કર્યો છે? એક હું છું જે તમારી રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવું છું. વાચકોને કદાચ અત્યારે વિસ્મરણ થઈ ગયું હશે, પણ બંગબંધુ તરીકે ઓળખાતા અને બંગલાદેશને મુક્તિ અપાવનારા, શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન પણ તાનાશાહીના માર્ગે ગયા હતા એટલે તેમની હત્યા થઈ હતી.
ડરાવો, પોરસાવો અને બાંયધારી આપો. શ્રીલંકામાં પણ આ જ જોવા મળ્યું હતું. હું છું એટલે તમે તમિલોથી સુરક્ષિત છો. મેં તેમને તેમની જગ્યા બતાવી આપી છે. માટે મારી આંગળી પકડો, મારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે. સમસ્યા એ છે કે આંગળી પકડનારાને ભૂખ પણ લાગે છે. તે બે આંખ અને બે કાન પણ ધરાવે છે. ભલે થોડી મંદ, પણ બુદ્ધિ પણ ધરાવે છે. એક દિવસ એ જાગે છે અને જાગે છે ત્યારે સમૂહમાં જાગે છે.
શેખ હસીનાએ દેશમાં જે પ્રકારનો શૂન્યાવકાશ પેદા કર્યો છે એ જોતાં લાગતું નથી કે કમ સે કમ એક દાયકા સુધી બંગલાદેશમાં સ્થિતિ થાળે પડશે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ઑગસ્ટ 2024