૯
ફાર્બસે સ્થાપેલી ‘ગુજરાતી સભા’ની કાર્યવાહક સમિતિની બેઠક ઘેરા શોકના વાતાવરણમાં ૧૮૬૫ના ઓક્ટોબરની નવમી તારીખે મળી હતી. શોક ઠરાવ પસાર થયા પછી બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેન્રી ન્યૂટન, આઈ.સી.એસ.ની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થઇ હતી. ત્યાર બાદ અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજીએ ઠરાવ રજૂ કર્યો હતો કે ફાર્બસસાહેબની સ્મૃતિને કાયમ માટે જાળવી રાખવાના હેતુથી હવે પછી આ સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવું. ડો. ધીરજરામ દલપતરામે આ ઠરાવને ટેકો આપ્યા પછી તે સર્વાનુમતે પસાર થયો હતો. અને તે દિવસથી એ સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ બની હતી.
૯ ઓક્ટોબર ૧૮૬૫ના રોજ મળેલી બેઠકની હસ્તલિખિત નોંધ
શેર સટ્ટાને રવાડે ન ચડવા ફાર્બસે દલપતરામને સમજાવ્યા હતા. છતાં દલપતરામે તેમની સલાહ ન માની અને એ રવાડે ચડીને આર્થિક રીતે પાયમાલ થયા. ત્યારે ફાર્બસે એમને બચાવી લીધા હતા. તેની વિગતો આપણે અગાઉ જોઈ છે. ફાર્બસ પોતે શેર બજારથી પૂરેપૂરા દૂર રહ્યા હતા, છતાં એમના અવસાન પછી એમના કુટુંબને માથે મોટું આર્થિક સંકટ આવી પડ્યું. કારણ ફાર્બસે પોતાની બધી જ બચત બોમ્બે બેન્કના શેરોમાં રોકી હતી. પણ કપાસની નિકાસ બંધ થઇ અને શેર બજાર ગગડી ગયું ત્યારે ઘણી બેંકો ફડચામાં ગઈ. તેમાં બોમ્બે બેન્કનો પણ સમાવેશ થતો હતો. આથી રાતોરાત ફાર્બસની બધી મૂડી સાફ થઇ ગઈ હતી. ફાર્બસના અવસાન પછી સ્વદેશ પાછા જવા માટેના પૈસા પણ તેમનાં પત્ની પાસે રહ્યા નહોતા. તેમને મદદરૂપ થવાના આશયથી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ ૨,૫૦૦ રૂપિયામાં ફાર્બસનાં પત્ની પાસેથી ‘રાસમાળા’ના ગુજરાતી અનુવાદના હક્ક ખરીદી લીધા હતા. ફાર્બસે એકઠી કરેલી ઘણી બધી હસ્તપ્રતો પણ આ સંસ્થાએ ખરીદી હતી. પછીથી રણછોડભાઈ ઉદયરામે કરેલો ‘રાસમાળા’નો અનુવાદ આ સભાએ પ્રગટ કર્યો હતો. હસ્તપ્રતોમાંની ઘણીખરી આજ સુધી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાં સંગ્રહાઈ છે.
૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા અને એટલે તેઓ ફાર્બસને સારી રીતે જાણી શક્યા હતા. ફાર્બસના અવસાન પછી દલપતરામે તેમને અંજલિ આપતી એક લેખમાળા લખી હતી જે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઇ હતી. તેમાં ફાર્બસ વિશેની ઘણી નાની-મોટી વાતો દલપતરામે નોંધી છે. દલપતરામ નોંધે છે કે તેમની પાસેથી ફાર્બસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં ગદ્ય નહિ પણ પદ્યથી શરૂઆત કરી હતી. દલપતરામ કવિતા વાંચે, પછી તેના દરેક શબ્દનો અર્થ ફાર્બસ પૂછે અને સમાનાર્થી અંગ્રેજી શબ્દ નોટબૂકમાં નોંધતા જાય. રોજના બે કલાક આ રીતે ફાર્બસ ગુજરાતી શીખતા. દલપતરામ કહે છે કે ફાર્બસને ખ્રિસ્તી ધર્મમાં પૂરી શ્રદ્ધા હતી, પણ તેઓ ધર્માન્તરમાં નહોતા માનતા. વળી દલપતરામ અને ફાર્બસ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધને કારણે વચમાં થોડો વખત એવી અફવા પણ ઉડેલી કે ફાર્બસ ખ્રિસ્તી ધર્મ ત્યાગીને સ્વામિનારાયણ પંથમાં ભળવાના છે. દલપતરામ કહે છે કે ફાર્બસને આ પંથ વિષે જાણવામાં રસ પડ્યો હતો અને આચાર્ય અયોધ્યાપ્રસાદ મહારાજ સાથે તેમને પત્ર વ્યવહાર પણ થયો હતો, પણ તેની પાછળ કેવળ તેમની જિજ્ઞાસા કામ કરી રહી હતી.
ફાર્બસ સુરતમાં હતા ત્યારે એક વખત ત્યાંના નવાબે તેમને અને દલપતરામને એક મિજબાનીમાં આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે દલપતરામે તેમાં પોતે નહિ આવે એમ ફાર્બસને કહ્યું. કારણ પૂછતાં દલપતરામે કહ્યું કે આવી મિજબાનીઓમાં નાચ-મુજરા થતા હોય છે અને તે કરનારી સ્ત્રીઓ મોટે ભાગે વેશ્યાઓ હોય છે. ત્યારે ફાર્બસે કહ્યું કે આ વાતની મને ખબર નહોતી એટલે આજ સુધી હું આવી મિજબાનીઓમાં ગયો છું, પણ આજથી હવે નહિ જાઉં. થોડા દિવસ પછી સુરતના નગરશેઠ આત્મારામ ભૂખણ તેમના ઘરના લગ્ન સમારંભનું આમંત્રણ આપવા આવ્યા. ત્યારે ફાર્બસે તેમને મોઢામોઢ પૂછ્યું કે શું ત્યાં નાચ-મુજરા થવાના છે? તો હું નહિ આવું. આત્મારામ ભૂખણે કહ્યું કે અમારા કુટુંબમાં આવા નાચ-મુજરા ન કરવાની પરંપરા છે. આ સાંભળી ફાર્બસે કહ્યું કે તો હું આવીશ.
સુરતથી ફાર્બસની બદલી થઇ ત્યારે દલપતરામ થોડો વખત સુરત રોકાયા હતા. પોતાની કેટલીક બિનજરૂરી ઘરવખરી વેચી નાખવાનું કામ ફાર્બસે દલપતરામને સોંપેલું. નવાબના જમાઈએ આ ઘરવખરી એક હજાર રૂપિયામાં ખરીદી લેવાની તૈયારી બતાવી. દલપતરામે બધી ઘરવખરી તેને આપી દીધી અને ફાર્બસને એ અંગે જણાવ્યું. ત્યારે ફાર્બસે તેમને લખ્યું કે નવાબનો જમાઈ સારી ચાલચલગતનો માણસ નથી એટલે તે કબૂલેલી રકમ આપે એવી આશા રાખવી વ્યર્થ છે. દલપતરામે નવાબના જમાઈને વારંવાર પૈસા ચૂકવવા કહ્યું, પણ તેણે એક પાઈ પણ આપી નહિ. ત્યારે તેની ઉપર ખટલો માંડવાની મંજૂરી દલપતરામે ફાર્બસ પાસે માંગી. ત્યારે ફાર્બસે કહ્યું કે ખટલો માંડવા કરતાં હું એટલા પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. પણ હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ લેજો.
ફાર્બસે સુરત છોડ્યું ત્યારે દલપતરામ સુરતમાં જ રોકાયેલા તેનું કારણ એ હતું કે ત્યારે દલપતરામનાં પત્ની સગર્ભા હતાં. થોડા મહિના પછી ફાર્બસ ઘોઘા ગયા ત્યારે તેમણે દલપતરામને ત્યાં મળવા બોલાવ્યા. એ વખતે સુરત-ઘોઘા વચ્ચે વહાણ ચાલતાં. વહાણ ઘોઘા પહોંચ્યું ત્યારે દલપતરામે જોયું કે ફાર્બસ કાંઠે ઊભા રહી આતુરતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા હતા. દલપતરામ કહે છે ત્યારે ત્યાં મારો એક મિત્ર મારી રાહ જોઈ રહ્યો હતો, મારો ઉપરી-અધિકારી નહિ. ફાર્બસ અને તેમનાં પત્ની દલપતરામનાં બાળકો પર પણ ખૂબ પ્રેમ રાખતાં. બાળકો પણ તેમને ‘સાહેબકાકા’ અને ‘મઢમકાકી’ કહી બોલાવતાં. એ બંને દલપતરામનાં બાળકોને અવારનવાર ખાવા માટે ફળ અને સૂકો મેવો આપતા.
ફાર્બસે દોરેલું ચિત્ર
એક વાર ફાર્બસ પાટણ ગયા ત્યારે ત્યાંની ઐતિહાસિક ઇમારતો જોવા ગયેલા, અને ત્યારે તેમણે બે ભાટ છોકરાઓને સાથે રાખેલા. વનરાજ ચાવડાની મૂર્તિ જોવા ગયા ત્યારે ફાર્બસ તેનો ફોટો લેવા જતા હતા ત્યારે પેલા છોકરાઓએ કહ્યું કે અહીં ફોટા લેવાની મનાઈ છે. આ સાંભળી તે જ વખતે ફાર્બસે એ મૂર્તિનું રેખાંકન દોરી લીધું હતું. પછીથી તેને આધારે તૈયાર કરેલું ચિત્ર તેમણે રાસમાળાના પહેલા ભાગમાં છાપ્યું છે. આ મુલાકાત દરમ્યાન ફાર્બસને એક ભાટનો મેળાપ થયો. તેની પાસે ઘણી જૂની હસ્તપ્રતો હતી. ફાર્બસ એ વખતે ‘રત્નમાળા’ નામની કૃતિની હસ્તપ્રતની શોધમાં હતા. પેલા ભાટ પાસે એ હસ્તપ્રત હતી. પણ તેણે કહ્યું કે અગાઉ મેં ગાયકવાડને એક હસ્તપ્રત આપેલી ત્યારે તેમણે તેના બદલામાં મને એક ગામ બક્ષિસમાં આપેલું. મેં સાંભળ્યું છે કે આપ તો ગાયકવાડ કરતાં પણ મોટા રાજવી છો. તો હું આ હસ્તપ્રત આપું તો એના બદલામાં આપ મને શું આપશો? ત્યારે ફાર્બસે કહ્યું કે જો મારી પાસે ગાયકવાડ કરતાં વધુ સત્તા અને સમૃદ્ધિ હોય તો હું સરકારની નોકરી શા માટે કરું? આ સાંભળી પેલા ભાટે પોતાની પાસેની હસ્તપ્રત બતાવવાની પણ ના પાડી દીધી. આવે વખતે ફાર્બસ સરકારી અફસર તરીકેનો રૂઆબ ક્યારે ય ન બતાવતા.
ફાર્બસ જ્યારે અમદાવાદના અસિસ્ટન્ટ કલેકટર હતા ત્યારે વિરમગામના કેટલાક વેપારીઓ એક ફરિયાદ લઈને આવ્યા. તેમનું કહેવું હતું કે ગામની પાસે એક તળાવ હતું. તેમાંનાં માછલાં પકડવાં નહિ એવો ચાલ ઘણા વખતથી ચાલતો હતો. પણ હવે કેટલાક માછીમારો ત્યાં માછલાં પકડવા આવતા હતા. આ સાંભળી ફાર્બસે પૂછ્યું: ‘એ તળાવમાં દેડકા, બતક, સાપ વગેરે પણ હશે, નહિ?’ ‘એ તો હોય જ ને!’ ‘તો એ બધાં શું ખાય છે?’ ‘બીજું શું ખાય, માછલાં.’ ‘તો તેમની સામે તમે ક્યારે ય ફરિયાદ કરી છે?’ ‘પણ એ તો એમનો ખોરાક છે. એ ન ખાય તો બીજું ખાય શું?’ આ સાંભળી ફાર્બસે કહ્યું. ‘તો માછીમારોનો ખોરાક પણ માછલાં છે. એટલે તેમને તમે કઈ રીતે રોકી શકો? જો માછલાં મારવાથી પાપ લાગતું હશે તો એની સજા ભગવાન તેમને કરશે. માછીમારોને તેમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો.’ વેપારીઓને સમજાયું કે તેમની વાત ખોટી હતી, એટલે તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી.
\ફાર્બસ મુંબઈમાં હતા ત્યારે દલપતરામ એક વાર તેમને મળવા ગયા હતા. ફાર્બસ તેમના નવ વર્ષના દીકરાને ભણવા માટે ઇંગ્લન્ડ મોકલતા હતા. તેને વળાવવા ફાર્બસ સ્ટીમર ઉપર ગયા ત્યારે સાથે દલપતરામને પણ લેતા ગયા. ફાર્બસે આખી સ્ટીમરમાં દલપતરામને ફેરવીને બધું બતાવ્યું, સમજાવ્યું. બીજા કેટલાક બ્રિટિશ અમલદારો પણ સ્ટીમર પર આવ્યા હતા તેમની સાથે ફાર્બસે દલપતરામની ઓળખાણ કરાવી. પાછા ફરતાં ફાર્બસ બોલ્યા કે મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે. પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહિ કરું.
૧૮૬૩ના નવેમ્બરમાં ફાર્બસે મુંબઈથી કાગળ લખી દલપતરામ પાસેથી તેમનો ફોટો મગાવ્યો. દલપતરામે જવાબમાં લખ્યું કે મારી પાસે મારો એક પણ ફોટો નથી, અને અમદાવાદમાં એક પણ ફોટોગ્રાફર નથી કે જેની પાસે પડાવીને હું મારો ફોટો મોકલી શકું. એટલે ફાર્બસે મુંબઈથી હરિશ્ચન્દ્ર ચિન્તામણ નામના જાણીતા ફોટોગ્રાફરને ખાસ અમદાવાદ મોકલ્યા. તેમનો ઉતારો જેસિંગભાઈ હઠીસિંહભાઈને ત્યાં હતો. એટલે જેસિંગભાઈએ તેમની પાસેથી ફોટોગ્રાફીની કળા શીખી લીધી. ત્યાં સુધી – એટલે કે ૧૮૬૩ સુધી – અમદાવાદમાં ફોટોગ્રાફીની જાણકારી કોઈને નહોતી.
૧૮૬૨માં ફાર્બસની બદલી મુંબઈ થઇ તે પછી એક વાર, ૧૮૬૪માં, તેઓ છૂપા વેશે અમદાવાદની મુલાકાતે ગયા હતા. અમદાવાદ કેવું અને કેટલું બદલાયું છે, પોતે સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ કેવુંક કામ કરે છે, વગેરે જાણવાની અને કેટલાક જૂના મિત્રોને મળવાની તેમને ઈચ્છા હતી. ત્યાં સુધીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે સીધો ટ્રેન વ્યવહાર શરૂ થઇ ગયો હતો એટલે ૧૮૬૪ના ડિસેમ્બરની ૨૬મી તારીખે (૧૮૪૮માં આ જ તારીખે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના થઇ હતી) ફાર્બસ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા અને મંચેરજી સોરાબજીને ઘરે રહ્યા. પોતે અમદાવાદ આવ્યા છે એ વાત જાહેર ન કરવાની ફાર્બસે ખાસ સૂચના આપી હતી. માત્ર કેટલાક નજીકના મિત્રોને જ મળવા બોલાવ્યા હતા.
e.mail : deepakbmehta@hotmail.com