મેલ કરવત પાણીડાંનાં પાણીડાં !
આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?
કે આ જ અમે પાણીડે ગ્યા’તા સઈઅર મોરી ને જોયો સાયબો!
લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં
કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,
કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે !
ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ.
આ પીંછાટિયાએ કોઈ’દી તેલ ભાળ્યું નથી.
ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત!
તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને
માઈ કોરી રે’ય?
અરે, મારો એ બાપ તો માઈ છાંટોપાણી કરે ને
તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે
ને હું વાત કરું?
દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’ કાડે.
એક દા’ડો નિહારે ગેઈલી,
બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ
ને લખતાંવાચતાં હીખી,
નિહારમાં નિબંધ લખવા કે’યું કે
તમારી દિનચર્યા લખો –
ને મેં તો આ બધું લઈખું
એટલે મે’તી તો રડવા લાગી!
પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે?
મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે.
પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે
માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે
મને નિહાર જવાનું મલતું છે
ને હા……સ
કે એટલી વાર તો છૂટી એ ઘરથી.
જોકે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે!
અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે
ને સંડાસ બી’ સાફ કરાવે!
એમ કે’ય કે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા!
આટલા ભારી શબ્દમાં હમજ તો ની’ પડે
પણ મે’તી કે’ય કે ૨૦૨૦ નો
નારો છે કે આત્મનિર્ભર બનો એટલે …….
બનવાનું!
તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો
હારું કાં ઓહે?
૮/૭/૨૦૨૦
તસવીર સૌજન્ય : સૌમ્યા
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર