Opinion Magazine
Number of visits: 9483744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અધિકાર ફરજિયાત હોઈ શકે ?

મીરાં ભટ્ટ|Samantar Gujarat - Samantar|17 July 2015

‘અધિકાર’ ફરજિયાત હોઈ શકે ?

રાષ્ટ્રીય બંધારણ આપણને કાયદાકાનૂન પણ આપે છે અને અધિકારો પણ આપે છે. લોકશાહીવાળા દેશોમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ પ્રત્યેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે અને દેશના વહીવટ-વ્યવસ્થા માટે પ્રતિનિધિઓને ચૂંટાવાનો પ્રત્યેક વયસ્ક નાગરિકને અધિકાર પણ આપે છે. અધિકાર કે હક્ક એ સ્વૈચ્છિક બાબત છે. અધિકાર કદી ફરજિયાત ન હોઈ શકે. અધિકારને ફરજિયાત કરવા પાછળની મનોવૃત્તિમાં સત્તાખોરીના ભણકારા સંભળાય છે. પરંતુ આજકાલ ગુજરાતમાં મતદાનના અધિકારને ફરજિયાત બનાવવાની અને એનો ભંગ કરનારાને સજાની વાત થઈ રહી છે, ત્યારે આ વદતોવ્યાઘાત માટે ભારે આશ્ચર્ય અને વિદ્રોહની લાગણી પેદા થાય છે. દાન અને અધિકાર બંને સદાસર્વદા સ્વૈચ્છિક જ હોઈ શકે અને એવું હોય તો જ એની ગરિમા છે. બાકી એક બાજુ, વ્યક્તિના સ્વાતંત્ર્યનું ગૌરવ કરી એના અભિગમને પણ આદરમાન આપો છો અને બીજી બાજુ એને ફરજિયાત કરી મતદાનનું ગૌરવ હણી લો છો.

કાયદો નાગરિકને લગ્ન  કરવાનો અધિકાર આપે, એનો અર્થ એ નથી કે પ્રત્યેક માણસે લગ્ન કરવાં જ જોઈએ. આવી ફરજ કદાપિ લાદી ન શકાય. બાળકે શાળાએ ભણવા જવું જોઈએ, પરંતુ નારાયણ દેસાઈ જેવો કોઈ બાળક શાળાએ જવાનો ઇન્કાર કરે, તો એને ફરજિયાત શાળામાં દાખલ ન કરી શકાય. શાળાનું શિક્ષણ ફરજિયાત થઈ જાય, તો કેટલીય પ્રતિભાવો ઊગતી કચડાઈ જાય તેવું બને, એટલે પ્રત્યેક બાળકે નિશાળે જવું ફરજિયાત ન કરી શકાય.

દરેક કાયદાને અપવાદ તો હોય જ. એમ આ મતાધિકારને ફરજિયાત કરતા કાનૂનને પણ કેટલાક અપવાદ મળ્યા છે. બીમાર, અશક્ત કે કોઈ ફરજિયાત સેવામાં કાર્યરત હોય કે કદાચ સાધુસંન્યાસીને માટે મતદાન ન કરવા બદલ સજામાંથી માફી મળી શકે, એવી જોગવાઈ રખાય છે. પરંતુ સમાજમાં કેટલાક સ્વપ્નસેવી લોકો એવા પણ હોઈ શકે, જેમને રાજ્યનું આ સ્પર્ધા અને દંડશક્તિવાળું પ્રતિનિધિક માળખું જ માન્ય ન હોય અને જેવો વિકેન્દ્રિત-શાસનમુક્ત, લોકશક્તિના પાયા પર ઊભેલી રાષ્ટ્રીય વ્યવસ્થા માંગતા હોય અને તે માટેના પ્રયાસોમાં લાગેલા હોય, તેવા લોકો માટે મતદાન ફરજિયાત હરગિજ ન હોઈ શકે.

વિનોબાને કોઈકે પૂછ્યું હતું કે ચૂંટણીમાં ભલે તમારી દૃષ્ટિએ કોઈ સર્વોત્તમ પ્રતિનિધિ ન હોય, પરંતુ કોઈ બીજા કરતાં ઓછો ખરાબ હોય, તો તેને મત આપો કે નહીં? ત્યારે વિનોબાએ કહેલું કે મને કકડીને ભૂલ લાગી હોય અને કોઈ મારી થાળીમાં ઈંટ અને પથ્થર બેઉ મૂકી એકને પસંદ કરવાનું કહે તો તું કોને પસંદ કરીશ ? પથ્થર કરતાં ઈંટ વધારે નરમ છે એ વાત સાચી છે ખરી, પણ ખાવા માટે બંને મારા માટે નકામાં છે.

આ જ રીતે પ્રચલિત રાજ્યશાસનના પ્રતિનિધિ રૂપે ઘણા ય સજ્જન માણસો હોય, પણ એમની સજ્જનતામાં મારું સપનું સિદ્ધ ન કરી શકે તેમ હોય, તો મારે એ શું કામની ? આવી પરિસ્થિતિમાં તો રાષ્ટ્રીય સરકારે ગૌરવ અનુભવવું જોઈએ કે એમના દેશમાં નવી ગરવી આવતી કાલ ઉગાડવાનું સપનું જોનારો અને તે માટે તનતોડ મહેનત કરનારો એક સમર્પિત વર્ગ સમાજમાં છે.

એક બાજુ તો મત-દાન કહો અને એને ફરજિયાત કરો તો દાન અને કરની ઉઘરાણીમાં ફરક શું રહ્યો? કર તમે કશાકના બદલામાં ઉઘરાવો છો, જ્યારે મત તો સર્વતંત્ર સ્વતંત્ર છે. મારો મત એ નિર્બંધપણે મારો જ મત છે. એ મતને જન્મ આપનારું થાનક મારું અંતઃજગત છે. આકાશમાં વાદળ હળવે-હળવે બંધાય, એમ મારો નિજી મત બંધાતા પણ કેટલાંક અનુભવો, દ્વિધાઓ, તારણોમાંથી પસાર થવું પડ્યું છે. મતને કીમતી ગણાયો છે, તે મતદારોને પીવા માટે વહેંચાતી દારૂની બાટલીઓ માટે નહીં, મારો મત મારા માટે એટલા માટે કીમતી છે કે એ મારા વજૂદને માન્યતા આપે છે, મારી અસ્મિતાને ગરવાઈ આપે છે. મારો મત મારા હોવાપણાની શાખ છે! ધરતીમાંથી માથું ઊંચું કરીને હવામાં ઝૂલતા તરણાની જેમ મારો મત પણ ઉન્નત મસ્તક છે. એને કોઈ કશી ફરજ ન પાડી શકે. મત માત્રને અભિવ્યક્ત થવાનો જેટલો અધિકાર છે, તેટલો જ અધિકાર અપ્રગટ રહેવાનો પણ છે.

સંભવ છે કે આવતી કાલે પરિસ્થિતિ બદલાય અને દેશમાં ઠેઠ નીચેના ગામડાથી ઉપર સુધી પહોંચતી શાસનમુક્ત, વિકેન્દ્રિત રાજ્યવ્યવસ્થા માટે દેશ તૈયાર થઈ જાય તો પણ એમાં ‘વરણી’ની પ્રક્રિયા ચાલશે, ‘ચૂંટણી’ની નહીં ‘વરણી’માં કોઈની ઉમેદવારી નહીં હોય, જ્યારે ચૂંટણીમાં તો પક્ષાપક્ષી ઉપરાંત માખીઓની જેમ ઉમેદવારોનો બણબણાટ હોય! દૂધમાંથી મલાઈ મેળવવા દૂધનાં ટીપાંની વીણીવીણીને ચૂંટણી નથી કરવી પડતી, દૂધને ગરમ કરો, મલાઈ આપોઆપ ઉપર તરી આવશે.

આપણે જો લોકો માટે, લોકો દ્વારા, લોકોની સત્તા સ્થાપિત કરવી હોય તો ‘લોકમત’-‘જનમત’નું ગૌરવ ન ઝંખવાય તે માટે જાગૃત રહેવું જરૂરી છે. મુઠ્ઠીભર પ્રતિનિધિઓ સરકારમાં પહોંચી સત્તાનો દુરુપયોગ કરી મતનું અવમૂલ્યન કરવા લાગે, ત્યારે મતદારે પોતાની અસ્મિતાને  સંકોરતા શીખી લેવું જોઈએ. લોકશાહીમાં દર પાંચ વર્ષે થતું મતદાન એ કાંઈ નામનો વિધિ-વ્યવહાર નથી કે એને જેમતેમ પતાવી દેવાનો હોય !

મતદાન પવિત્ર ગણાયું છે. શાસ્ત્રોની આજ્ઞા છે કે અપાત્ર-દાન ન કરવું. દાન લેનારની પાત્રતા મનમાં વસવી જોઈએ. વિનોબા કહેતા કે કોઈ મને એમ કહે છે કે ‘હું લશ્કરને વિખેરી દેશને નિઃશસ્ત્રીકરણની દિશામાં લઈ જઈશ તો એને મત આપવા હું વિચારી શકું. પરંતુ ચીલાચાલુ, એકબીજાના ટાંટિયા ખેંચતા રહી સત્તાની ખુરશીના ખેલ ખેલતા રહેવા માટે કોઈ મારા મતને ફરજિયાત કરે તો હું ન સાંખી શકું. હું તો ‘બુધ’ને ‘ભૂત’ કહું છું અને હજુ સુધી એ ભૂતના મેં દર્શન કર્યા નથી.’

ગાંધી-વિનોબાએ જેમની આંખોમાં ગ્રામસ્વરાજ, લોકસ્વરાજનું સપનું આંજ્યું છે, તેવા લોકો પવિત્ર મતની આવી અવહેલના સાંખી ન શકે. મતદારનો મત ન આપવાનો અધિકાર પણ સુરક્ષિત રહેવો જોઈએ, આ લોકતંત્રની આચારસંહિતા છે. ભારતના લોકકારણમાં ‘પંચોના મત’નું માહાત્મ્ય ગવાયું છે. પંચપ્રથા એ ભારતની આગવી ન્યાયપદ્ધતિ છે, જેમાં માત્ર મતનું નહીં, ‘સર્વ-મત’નું સંસ્થાપન છે. સર્વસંમતિ અથવા સર્વાનુમતિ. આ બહુમતી-લઘુમતીનું રાજકારણ દેશને તોડનારું રાજકારણ છે, એના વિકલ્પ રૂપે ગાંધીજીએ નીચેથી ઉપર જતી રાજ્યવ્યવસ્થા ‘ગ્રામસ્વરાજ’રૂપે નિર્દેશી છે. જેમનો મત આવી રાજ્યવ્યવસ્થાને અપાઈ ચૂક્યો હોય તે વર્તમાન વ્યવસ્થા નીચે પોતાની સંમતિની રેખા શી રીતે દોરી શકે?

ઘણાંને એવું લાગે છે કે મતદાન ન કરવાથી લોકશાહીનું કર્તવ્ય ચુકાય છે, કારણકે મતદાન એ નાગરિકનો પવિત્ર ધર્મ મનાયો છે. આ બાબતમાં વિનોબાએ કહેલું કે આપણે જો વર્તમાન સત્તાના રાજકારણને તોડવું હશે તો એને માન્ય કરવાથી એ નહીં તૂટે. વૃક્ષને કાપવું હોય તો વૃક્ષ પર ચઢીને તોડી ન શકાય. વૃક્ષને કાપવા તમારે વૃક્ષથી દૂર રહેવું પડે. પછી ભલેને તમે વૃક્ષને કાપવાની કુહાડીનો હાથો વૃક્ષના લાકડામાંથી જ બનાવો. પક્ષાતીતતા અને લોકનિષ્ઠા કાયમ રાખી રાજકારણને તોડવા માટે મતદાનથી દૂર રહેવું જરૂરી છે.

આવા વિચાર સાથે મતદાનથી દૂર રહેનારા લોકો માટે આ કે તે પક્ષ વિષે કોઈ પસંદગી-નાપસંદગી નથી હોતી. એને તો પ્રચલિત રાજપદ્ધતિ જ મંજૂર નથી, એટલે એના માટે વર્તમાન રાજકારણથી દૂર રહેવું જરૂરી થઈ પડે છે અને એટલા જ માટે એને ફરજિયાત મતદાન માન્ય નથી.

વિચારપૂર્વક મત ન આપવો અને આળસ, અજ્ઞાનતા કે બેપરવાઈને કારણે મત ન આપવો – આ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. પરંતુ આપણને તો કાંકરા સાથે દાણા કે ટબ સાથે બેબીને પણ ફેંકી દેવાની આદત છે. દારૂનો નશો અને કશુંક ભાળી ગયાના નશાને એક જ ત્રાજવે તોળવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જે રીતે મતદાન કરવા પાછળ એક વિચારતંત્ર ઊભેલું છે, એ જ રીતે મત ન આપવા પાછળ પણ એક વિશાળ વિચારજગત છુપાયેલું છે, જે ‘સર્વોદય’ નામે જાણીતું છે.

જેમને ‘સર્વ’ની ઉપાસનાને પોતાનું જીવનકાર્ય માન્યું છે, તે આથી ભાગલા પાડતી પક્ષાપક્ષીના રાજકારણને અનુમોદન ન આપી શકે. ભલે એનો વિરોધ ન કરે, પરંતુ એ વિશાળકાય યંત્રનો એક સ્ક્રૂ તો ન જ બને. આ મતદાન ન કરવું એ કોઈ બહિષ્કાર નથી, પરંતુ જે ગામ જવું નહીં, તેનું નામ શું લેવું? – આવી ઉપેક્ષાવૃત્તિ છે. આમની પાસે પોતાનું એક દર્શન છે, કાર્ય છે, પદ્ધતિ છે અને કાર્યક્રમો છે. અત્યારે ભલે એની પ્રક્રિયાઓ ભૂગર્ભી હોય, પણ આવતી કાલે એ સક્રિય  થઈને સાકાર થવા જેટલી સક્ષમ બનશે, તો પ્રચલિત રાજનીતિનો વિકલ્પ પણ રજૂ કરી શકશે.

ટૂંકમાં, મતદાનને ફરજિયાત કરવાની આ દિશા તદ્દન વાહિયાત અને સાવ ખોટી, નુકસાનકારી છે. એમાં ‘મત’ અને ‘મતદાતા’ બંનેનું ગૌરવ હણાય છે. નાગરિકનો સ્વતંત્ર મત એ તો લોકશાહીનો પાયો છે. સત્તામાં બેઠેલા રાજ્યકર્તાઓ લોકતંત્રની પાયાની ગરિમા સમજવામાં નિષ્ફળ નીવડશે, તો ‘આઉટ-ઑફ-ડેટ’ કાળબાહ્ય ગણાઈ એ કાળનો કોળિયો બની જશે. આમાં ‘આ’ કે ‘તે’ પક્ષનો કોઈ સવાલ જ નથી. આ વિચાર જ ભયંકર છે. એને ઊગતો જ ડામી દેવો, એ વર્તમાન પળનો તકાદો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 05-06

Loading

17 July 2015 admin
← આપણા અજાણ્યા જ્યોતિર્ધરો
યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved