Opinion Magazine
Number of visits: 9450084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીવાદની બે અભિવ્યક્તિઓની આનંદી ઉજવણી!

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 June 2024

‘આનંદી’ સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ – 19 જૂન 2024 

આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારિયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો. તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગૂજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી.

પ્રગતિશીલતાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારિયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધિથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે.

સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે.

સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ acknowledgement  ગણી શકાય, જે ગુજરાતે પણ કરવાની રહે.

સંસ્થાના કાર્યકર્તાઓએ ઉજવણી આતિથ્ય, ઉમંગ અને આત્મીયતાથી કરી. મહેમાનોને આવકારમાં બે-બે લાડુનું સરસ પૅકેટ આપવામાં આવ્યું. મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવા આ મજાના લાડુ રાગી, મહુઆનાં પાન અને ટોપરાથી બનેલા હતા.

તે રતનમહાલમાં ચાલતા સંસ્થાના એકમ ‘રાસકુમ’- Raskumનાં કાર્યકર્તાઓએ બનાવ્યાં હતાં. આ એકમનો હેતુ ખેતી અને જંગલ પેદાશો પર આધારિત ખાદ્ય અને અન્ય ઉત્પાદનોનાં નિર્માણ તેમ જ વેચાણ દ્વારા સ્થાનિક આદિવાસી મહિલાઓને પગભર કરવાનો છે.

ઉજવણીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાર્યરત એવા સંસ્થાના સાથીઓ અને ટેકેદારો પણ ભારે ઉનાળામાં મુસાફરી કરીને આવ્યાં હતાં. સંસ્થા માટે આસ્થા ધરાવતાં કર્મશીલો અને તેના હિતચિંતકો આવવા ખાતર નથી આવ્યાં તે પણ મહેસૂસ થતું હતું. ખૂબ ગરમી અને બફારા છતાં સભાગૃહ પૂરું ભરેલું રહ્યું, અને બહાર પણ આમંત્રિતો ઊભાં હતાં.

ANANDI – Area Networking and Development Initiatives સંસ્થા મુખ્યત્વે અદિવાસી, દલિત અને અન્ય વંચિત મહિલાઓ વચ્ચે કામ કરે છે. તેના ધ્યેયમાં સ્થાનિક સંગઠનો તેમ જ નેતૃત્વ ઊભાં કરી તેમને મજબૂત બનાવવા, તેમનાં થકી કલ્યાણ યોજનાઓનું અમલીકરણ કરાવવું અને સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવાનો સમાવેશ થાય છે.

સંસ્થાનાં નીતાબહેન હર્ડીકરે આપેલી ટૂંકી ભૂમિકા બાદ સહુ કાર્યકરોએ ‘ગીત ગા રહે હૈ આજ હમ, રાગિણી કો ઢૂંઢતે હુએ’ ગીત ગાયું. ત્યાર બાદ દૃષ્ટિ મીડિયાએ બનાવેલી ત્રણ ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બતાવવામાં આવી, જે આનંદી હેઠળ અત્યારે કાર્યરત સંગઠનોમાંથી ત્રણના કામની ઝલક આપે છે. આ ત્રણ સંગઠનો છે : દેવગઢ મહિલા સંગઠન (દાહોદ-દેવગઢ બારિયા), માળિયા મહિલા શક્તિ સંગઠન (માળિયા-મોરબી) અને મહિલા સ્વરાજ મંચ (શિહોર-ભાવનગર).

દેવગઢ બારિયાનાં કામને લગતી ફિલ્મમાં જંગલ અને જમીનના અધિકાર તેમ જ નિયમ મુજબ રેશન પૂરવઠા માટેના સંઘર્ષોની વાત આવી. તદુપરાંત સ્ત્રીની ડાકણ ઠરાવીને યાતનાઓ આપવાના કુરિવાજ વિરુદ્ધ નાટક થકી ચલાવેલા જાગૃતિ અભિયાન અંગે પણ જાણવા મળ્યું. પાણી,આરોગ્ય અને બાળલગ્ન પ્રતિબંધ, વિધવા પેન્શનની દિશામાં સંગઠને કરેલી કામગીરીનો પણ તેમાં ઉલ્લેખ થયો છે.

માળિયા શક્તિ સંગઠન પરની ફિલ્મનું નામ ‘મારી વાડીમાં ઝેર નથી આપવું’ એવું છે. તેમાં માળિયા-મિયાણા પંથકમાં જમીન અને ખેતીને રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશકોને કારણે નુકસાન થતું અટકાવવા માટે સંગઠને હાથ ધરેલી કામગીરીની માહિતી હતી. તેમાં ગૌમૂત્ર અને છાણથી બનેલા બાયોપેટિસાઈડ અને યોગ્ય બિયારણના ઉપયોગ માટેના માર્ગદર્શન કાર્યક્રમો સાધનરૂપ બન્યા.

શિહોરના મહિલા સ્વરાજ મંચ પરની ફિલ્મના કેન્દ્રસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામતના અધિકારને પગલે ગ્રામપંચાયતમાં મહિલા સરપંચોની ચૂંટણી અને કાર્ય એ મુદ્દો હતો. શિહોરનાં સંગઠનની મહિલાઓએ તેમાં બતાવેલી તાકાતની તેમ જ તેમના માર્ગના અવરોધો વિશે ફિલ્મમાં જોવા મળ્યું.

સંગઠને અનેકવિધ ક્ષેત્રોમાં કરેલાં કામના નિર્દેશો પણ  ફિલ્મ્સમાં મળ્યા. તેમાંથી કેટલાંક છે : પાણી અને અન્ન પુરવઠો તેમ જ સુરક્ષા, રોજગાર, આરોગ્ય, જંગલ અને જમીનનો અધિકાર, શૌચાલય, રસ્તા, શિક્ષણ, બચત જૂથ, અંધશ્રદ્ધા વિરોધ, માહિતી અધિકાર, ઘરેલુ હિંસા – આ યાદી લાંબી થઈ શકે.

ફિલ્મમાં જે દૃશ્યો અને કાર્યકર્તાઓની સાથેની વાતચીત છે તેમાંથી સમજાય કે અવરોધો અનેક છે, જેમના મૂળમાં પિતૃસત્તાક, પુરુષકેન્દ્રી માનસ છે. મહિલાઓને ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ હોય. ચૂંટણી લડતાં અટકાવવા માટે ધામધમકી અને મારપીટ થાય. મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતમાં અવિશ્વાસુ રસનો ઠરાવ આવે. મહિલાને ડાકણ ઠેરવી અસહ્ય યાતના આપવામાં આવે અને તેની જમીન પણ હડપ કરવામાં આવે. જંગલ પેદાશો કે બળતણ માટે જંગલમાં ફરતા વનવાસીઓને ફૉરેસ્ટવાળા ધાકધમકી કરે. માઇલોના માઇલો ચાલ્યાં બાદ રેશનની દુકાન આવે જે બંધ હોય, તેમાં કામ ન થાય, છેતરપિંડી થાય.

* * * * *

આનંદીના સ્થાપનાદિનની ઉજવણીનો બીજો હિસ્સો સરૂપબહેનનાં અભિવાદનનો હતો. સંસ્થાએ આ પ્રતિબદ્ધ જનવાદી કર્મશીલ કવયિત્રી, નાટ્યલેખક અને ઇતિહાસલેખકને જન્મદિવસની ભેટ તરીકે એક પુસ્તક આપ્યું.

તેમાં સરૂપબહેન વિશે કર્મશીલ સાથીઓ-ચાહકોએ તેમના વિશે લખ્યું છે. હાથબનાવટના કાગળ પર તૈયાર કરવામાં આવેલાં સર્જકની ચૂટેલી છબિઓ સાથેના મોટા કદનું આકર્ષક પુસ્તક બનાવીને ભેટ તરીકે આપવાનો ઉપક્રમ અપનાવવા જેવો છે.

પુસ્તકના લેખકોમાં રોહિત પ્રજાપતિ, સાહિલ પરમાર,નેહા શાહ, દિનાઝ કલવચવાલા, હિરેન ગાંધી અને મનીષી જાનીનો સમાવેશ થાય છે.

સરૂપબહેને સ્ત્રી-સંવેદના અને આંદોલનનાં તેમણે લખેલાં ગીતો ‘આનંદી’નાં કાર્યકરો ગાતાં આવ્યાં છે. કાર્યક્રમ દરમિયાન પણ સરૂપબહેનની ‘રોજની રામાયણ’ રચના સંસ્થાની બહેનોએ ઉમંગથી ગાઈ.

તેમાં સ્ત્રીની રોજબરોજની આખી ય જિંદગીની તકલીફોને ‘રામાયણ’ તરીકે વણી લેવામાં આવી છે. આ ગીત સરૂપબહેને આનંદીના કાર્યકરો સાથેની નાટ્યશિબિર દરમિયાન રચ્યું હતું.

સરૂપબહેને તેમના વિચારપ્રેરક વ્યાખ્યાનમાં નારીવાદી ચળવળના ઇતિહાસ અને વર્તમાન અંગે વાત કરી. તદુપરાંત તેમણે અત્યારના કપરા સંજોગોમાં સંઘર્ષમાં આગળ વધવા માટે નવાં માધ્યમોના ઉપયોગ તેમ જ સ્ટડી સર્કલ અને ફિલ્મ સ્ક્રીનિન્ગ જેવા ઉપક્રમો થકી વૈચારિક સજ્જતા કેળવવાનું સૂચન ભારપૂર્વક કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તેમ જ ફેસબુક લાઇવ જોનારા સંસ્થાના સહુ કાર્યકરો માટે સરૂપબહેનનું વ્યાખ્યાન ખૂબ મહત્ત્વનું લાગ્યું.

કાર્યક્રમને અંતે લોકનાદના ચારુલ-વિનયે ‘વી ધ પીપલ’ ગીત સહુને ગવડાવ્યું.

નારીવાદની આપણા સમયની બે અભિવ્યક્તિ સમાં ‘આનંદી’ અને સરૂપબહેનને મુબારક !

22 જૂન 2024
[800 શબ્દો
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

22 June 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—253
અત્યારનું હિન્દુત્વવાદી રાજકારણ સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી ? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved