Opinion Magazine
Number of visits: 9448344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેમનામાં મેં ગાંધી જોયા

મણિલાલ હ. પટેલ|Gandhiana|3 April 2015

અમારી પેઢી(૧૯૪૮ પછી જન્મેલી)ને ગાંધીજી પ્રત્યક્ષ જોવા ન મળ્યા, પણ અમે ગાંધીજીને એમનાં જીવનકાર્યો, એમના જીવનવિચાર, જીવનરીતિ તથા એમનાં લખાણોના અભ્યાસ દ્વારા પામવા મથતા રહ્યા. છતાં એવી વિરલ વિશ્વવિભૂતિને પ્રત્યક્ષ નહીં જોઈ શક્યાનો અફસોસ રહ્યો જ હતો. ગાંધીજીના તમામ સાહિત્યમાં એમનું જીવનકાર્ય તથા એમની જીવનદૃષ્ટિનો પરિચય શબ્દે-શબ્દે પદે-પદે પ્રાપ્ત થાય છે … !

નારાયણ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૧) વાંચતાં તરત જ લાગેલું કે આ લેખનમાં ગાંધીમુદ્રા અને ગાંધીચેતના પદે-પદે હાજર છે. આ ગ્રંથના લેખકને જોયા વિના, મળ્યા વિના નહિ રહેવાય, એવો પણ ભાવ ઊંડે-ઊંડે જાગેલો. અસલ જીવનની સહજ ગતિ, વિચારનું આચારમાં પ્રગટવું તથા ભાષાની સાદગી છતાં તેની બળકટતાનો સાર્થ અનુભવ થવો – આ ત્રણે વાનાંનો વિરલ સંયોગ; જે ગાંધીજીની ‘આત્મકથા’માં અનુભવાયો હતો તે અહીં અનુભવાય છે. પછી તો નારાયણ દેસાઈને હાથે લખાયેલી, એમના પિતાશ્રી મહાદેવ દેસાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવા સાથે જ એક જુદી ભાવસૃષ્ટિમાં એક નોખી જ વિચારધારાવાળી જીવનશૈલીના અનુભવમાં મુકાવાનું બનેલું. નારાયણ દેસાઈને મળવા માટે છેક વેડછી આશ્રમ સુધી પણ બબ્બે વાર ગયો હતો. એક વાર એ આગલી સાંજે જ કશેક જવા નીકળી ગયેલા, ને બીજી વાર પ્રવાસથાક બાદ આરામમાં (તબિયતને લીધે પણ) હોવાથી મળી નહોતું શકાયું!

ત્રીજી વાર વેડછી ગયો. ગૂજરાત વિદ્યાપીઠે યોજેલાં કોઈ કાર્યશિબિરમાં ‘સાહિત્ય અને સમાજશિક્ષણ’ વિશે વાત કરવાની હતી. આ વખતે નારાયણભાઈ એમના નિવાસમાં હાજર હતા … હાથ જોડીને, નમસ્કારની મુદ્રામાં – એમ જ હું તો ઊભો રહી ગયેલો, એમનો આછેરું મલકતો સ્વસ્થ ચહેરો હું ભાવપૂર્વક જોતો રહેલો … મનમાં થયેલું કે ગાંધીજી પણ આ રીતે જ સૌને મળતા હશે. સાદગીભર્યું ઘર, સદરો અને ખુલ્લી મોરીનો લેંઘો પહેરીને બેઠેલા એ પ્રસન્નવદન નારાયણ દેસાઈમાં મને ગાંધી જોયાનો અહેસાસ થતો હતો. ગાંધીજીના ખોળામાં રમીને, એમની સાથે વાર્તા કરતાં-કરતાં જીવનઘડતરના પાઠ શીખતાં શીખતાં ‘મોટો’ થયેલો આ એક જ એવો માણસ હતો, જેમને ભેટી પડવાનું મન થતું હતું અને એમનો હાથ જે ગાંધીજીના હાથોમાં રહેલો હતો કે તે હાથ – મારા હાથમાં પકડી લઈને આંખે અડકાડવા મન ઊછળતું હતું …. પણ હજી એવો અવસર આવવાની વાર હતી.

થોડીક વાતો પછી અમો વાર્તાલાપ માટેના ખંડમાં હતા. મને આનંદ અને સંકોચ બંને થતાં હતાં. કાંતતાં-કાંતતાં એ મારો વાર્તાલાપ સાંભળી રહેલા. પછી રસોડા બહારના ઘટાદાર ઝાડ (આંબો) નીચે ગોઠવેલાં ટેબલ-પાટલી પર એમની સાથે જમવા બેઠા, ત્યારે મને થયેલું કે ‘આજનો મારો દિવસ જ નહિ, હું પણ ખરેખર ધન્ય થઈ ગયો છું …’ હું અનુભવતો હતો કે ગાંધીજી મારાથી માત્ર એક વ્યક્તિ જેટલા જ દૂર છે. જમતાં-જમતાં એમણે મારા વાર્તાલાપ સંદર્ભે કહેલું : ‘તમારી સ્મરણશક્તિ સારી છે. કશા કાગળો વિના પણ તમે તમારી બધી વાતો બરાબર મૂકી શક્યા છો … સરસ !’ દુનિયા ફરેલો, અનેક મહાન દેશભક્તોને, નેતાઓને, ચિંતકો, સેવકોને તથા સર્જકોને મળેલો તથા સભાઓને પોતાની વાતો બરાબરની પહોંચાડી શકેલો માણસ આટલો સરળ, સાદો તથા સહજ લભ્ય હોઈ શકે ?! મારી સામે એના ઉત્તર રૂપે નારાયણ દેસાઈ હાજર હતા. ગાંધીજીને નહીં જોયાનો મારો અફસોસ ઘણો ઘટી ગયો હતો.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચતાં-વાંચતા અનેક રીતે સમૃદ્ધ થવા મળતું હતું. મહાદેવ દેસાઈના જીવનચરિત્રમાં ગાંધીજી તથા કસ્તૂરબાની જીવનછબી સાથે કઠોર આચરણોનો પરિચય તો થાય છે જ, પરંતુ એ સાથે આપણા સાંસ્કૃિતક જીવનની છબી પણ પ્રભાવકતાથી ઉપસેલી પમાય છે. મહાદેવભાઈનું મંત્રીકાર્ય કેવું તો સંનિષ્ઠ, ગૌરવ અને ગરિમાભર્યું હતું, એ તરત પમાય છે. વળી, એમનું સમર્પણ અને કડક જીવન-આચરણ પણ વાચકને વશ કરી લે એવું છે. નારાયણ દેસાઈ જીવનકથાકાર – જીવનકથાલેખક તરીકે મુઠ્ઠી ઊંચેરા લેખક છે, એની પ્રતીતિ તો ‘મારું જીવન એ જ મારી વાણી’(ગાંધીજીની જીવનકથા)ના ચાર ભાગ વાંચતાં થાય છે. સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, ડાયરીના લેખક મહાદેવ દેસાઈ – જેવા ગાંધીયુગના બધા ગદ્યકારોમાં ખુદ ગાંધીજીને પણ મોટા ગદ્યકાર લેખવા જ પડે એવું એમનું ગદ્ય છે. આ બધા ગદ્યકારોની હરોળમાં નારાયણ દેસાઈનું ગદ્ય એની સમૃદ્ધિને બળે બેસવાનું સામર્થ્ય પ્રગટાવે છે. જેણે ઔપચારિક રીતે શાળા-કૉલેજમાં જઈને શિક્ષણ જ નથી લીધું, એવી વ્યક્તિનું આવું સમૃદ્ધ ગદ્યલેખન દેશદુનિયામાં વિરલ ઘટના હશે, એમાં શંકાને સ્થાન નથી.

જુગતરામ દવેની જન્મશતાબ્ધીના અવસરે લખતરમાં એમની નિશ્રામાં શિક્ષણ વિશે વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી, ત્યારે એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે વરાયા હતા … ને ડિસેમ્બર અધિવેશનમાં ચાર્જ લેવાના હતા. કાર્યક્રમ પછી મને બેસાડીને પરિષદની રીતરસમો, પ્રવૃત્તિઓ, સમાજના પ્રતિભાવો વિશે પૂછતા હતા. કહે કે મારે બધી હકીકતો જાણવી જોઈએ ને, તો જ હું નવું કંઈક વિચારી શકું. એમની ‘ઘણું બધું’ જાણવાની અપેક્ષા ‘તટસ્થ’ રહીને સંતોષે એવી જાણકાર અને નિસબત સાથે સક્રિય વ્યક્તિની એમને જરૂર હતી. મેં રાજેન્દ્ર પટેલનું નામ સૂચવેલું … ને પછીનાં પરિષદકાર્યો તો જાણીતાં છે. છેક સુધી રાજેન્દ્ર પટેલ એમના વિશ્વાસુ તથા પ્રીતિપાત્ર રહ્યા. ગુજરાતમાં યોજાયેલી સાહિત્યયાત્રાઓ વડે એમણે પ્રજાજાગૃતિનું મહત્ત્વનું કાર્ય કરેલું, જે કાર્ય પાઠફેરે ‘ગુજરાતી ભાષાસંવર્ધન’ દ્વારા રાજેન્દ્ર પટેલ તથા અનેક મુરબ્બીઓ આજે પણ આગળ ધપાવી રહ્યા છે.

સાહિત્યયાત્રાઓમાં હું પણ શક્ય હોય ત્યાં-ત્યાં બધે હાજર રહું અને જોડાઉં એવી નારાયણભાઈની, રાજેન્દ્ર દ્વારા મને ખાસ દરખાસ્ત હતી. ને મેં એ તક ઝપડી લીધેલી. હાસ્તો, જેમનામાં મેં ગાંધીજીને જીવતા જોયા અને જેમના લેખન દ્વારા હું ગાંધીજીને થોડું ઘણું પણ-મારી શક્તિ મતિ પ્રમાણે – સમજવામાં સફળ રહ્યો, એવા ગાંધીજીના ‘પ્રિય બાબલા’ સાથે રહેવા મળે એ અમૂલ્ય અવસર કોણ જવા દે ભલા ! રાજકોટ – ભાવનગર – કચ્છ – ભરૂચ – અંકલેશ્વર – લુણાવાડા ઇત્યાદિ સ્થળે હું જોડાયો હતો.

આ દિવસોમાં એમની સાથે હાથ મેળવવાની (જે હાથને ગાંધીજીનો હાથ વારંવાર સ્પર્શ્યો હોય એવા હાથ સાથે હાથ મેળવવાની) મારી ઇચ્છા પૂરી થયેલી … રજા લઈને એમનો હાથ વધુ વખત પકડી પણ રાખેલો … એમણે કોઈ પરદેશીની આવી જ એષણાની વાત કહી હતી. અલાસ્કાના દૂર અંતરના પ્રવાસમાં જ્યારે ગાડી ચલાવનારને ખબર પડી કે નારાયણ દેસાઈ નામનો આ પ્રવાસી જણ તો ગાંધીજીના ખોળામાં રમીને મોટો થયેલો છે, ત્યારે એ ખુશીનો માર્યો ગાડી રોકીને નીચે ઊતરીને નાચી ઊઠતાં બોલેલો – ‘અરે ! ચમત્કારો તો આજે ય થાય છે.’ આપણે લોકો ‘દાંભિક વિદગ્ધતા’નો ડોળ કરવામાં રહીએ છીએ, એટલે આવા અવસરોમાં આવકાર્ય મુગ્ધતા કે રાચવા – નાચવાની વાતને અવગણી કાઢીએ છીએ. પરંતુ સરસ પ્રસંગોની વાર્તા કરતા નારાયણ દેસાઈ પોતે કેવા તો પ્રસન્ન થઈ ઊઠતા હતા, એ તો એમની ‘ગાંધીકથા’ના જિજ્ઞાસુ શ્રોતાઓને જ ખબર હોય તો હોય ! એમણે પૂરી ૧૧૮ ગાંધીકથાઓ દ્વારા દેશવિદેશમાં ગાંધીવિચાર વહેતો કર્યો …

સાહિત્યયાત્રાઓ દરમિયાન મેં વાર્તાલાપોમાં સાહિત્ય આપણને આનંદ સાથે કેવી રીતે શાણપણ તરફ દોરે છે, એ વાત પર ભાર મૂકેલો. નારાયણભાઈનું, આ પદ્ધતિને, અનુમોદન મળતું એટલે શાતા વળતી. આ દિવસોમાં નારાયણ દેસાઈને સાવ સમીપેથી –

• સવારે પ્રાર્થના કરતાં જોયા – સાંભળ્યા.

• સાંજે ભજન કહેતાં સાંભળ્યા. ગાવામાં તલ્લીન જોયા.

• એમને વખતનો સદ્દઉપયોગ કરતાં નીરખ્યા.

• એમના સાદગીનો – અલ્પ જરૂરિયાતોનો પરિચય થયો.

• એમને વાંચતાં અને સાથે આરામ કરતાં પણ જોયા.

• દેશવિદેશના અનુભવની વાતો કરતાં સાંભળ્યા!

• કપરા કડવા અનુભવોનું તટસ્થ બયાન કરતાં જોયા.

વલ્લભવિદ્યાનગરમાં એમણે ગાંધીકથા કરી, ત્યારે રોજ સવારે નિવાસ આસપાસમાંથી એ ચાલતા. હું એમની સાથે જોડાતો. એ વખતની વાતો પણ યાદગાર બની ગઈ છે.

ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થિનીએ એમને પૂછેલું કે ‘તમે ગાંધીજીને જોયા હતા ?’ ત્યારે એમણે જવાબ આપેલો : ‘હું ગાંધીજીને જોઉં એ પહેલાં એમણે મને જોયો હતો.’ ને આ વાત પેલી બાળકીને ટૂંકી વિગતોમાં સચોટ ભાવે સમજાવેલી. આપણાં વિદ્યાર્થીઓ કદી ય કોઈ વાત આજે ય પૂછતાં કેમ નથી ?! ચિંતા થાય છે.

‘જિગરના ચીરા : હિંદના ભાગલા અને ગાંધીજી’ (૨૦૧૩) પુસ્તક આપણા કેટલાક ખ્યાલો / ખોટી ધારણાઓનું નિરસન કરે છે. આઝાદીની લડાઈ અને એમાં ગાંધીજી દ્વારા થયેલાં આંદોલનો કેમ ને કેટલાં, કેવી રીતે મહત્ત્વનાં હતાં એની ચર્ચાઓ નવી પેઢીને ઘણી જ માર્ગદર્શક નીવડે એવી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-બંગાળી-ઊડિયા જેવી ભાષાઓના જાણકાર આ બહુશ્રુત વિદ્વાને, ખાસ તો ગાંધીવાદને જીવી બતાવનાર તથા જીવન સાર્થક કરનાર આ માણસે પચાસ જેટલાં પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જે માણસે અનેક વિપરીત સ્થિતિઓમાં પણ પોતાનામાં ગાંધીજીને સહજ રીતે જીવી બતાવ્યા હોય એવી વ્યક્તિની ચિરવિદાયથી આપણે વધારે રાંક થયા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 03-05

Loading

3 April 2015 admin
← લોકાયની નારાયણ દેસાઈ
ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઈની વિદાય →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved