આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે, અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે

ચિરંતના ભટ્ટ
ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતા ઘટવાનું નામ નથી લઈ રહી અને આ સ્થિતિને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓને વેગ મળી શકે છે. સાવ અણધારી રીતે ભડકેલા આ સંઘર્ષની અસર ઇઝરાયલ અને ગાઝા અથવા તો મિડલ-ઇસ્ટ પUરતી જ સીમિત રહેશે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ. લિબિયા, સિરિયા, ઇરાન અને પેલેસ્ટાઈનમાં અચાનક જ ભડકેલી આગને પગલે વૈશ્વિક યુદ્ધની સંભાવનાઓ ઘેરી કરી દીધી છે. ખાસ કરીને જો યુ.એસ.એ. અને ચીન જો સીધા સંઘર્ષમાં ઉતરે તો પછી ત્રીજું વિશ્વ યુદ્ધ થયું જ સમજો. યુક્રેન અને રશિયા વચ્ચે તો સંઘર્ષ ચાલી જ રહ્યો છે અને તેમા અધૂરામાં પૂરું હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ હિંસક તણાવ પેદા થયો. આ સંજોગોમાં એ સમજવું પણ જરૂરી છે કે આ બન્ને યુદ્ધ કે સંઘર્ષમાં જે ચાર રાષ્ટ્રો સીધે સીધા એકબીજાની સામે છે તે ખરેખર તો જે દેખાય છે તેના કરતાં વધુ મોટા સત્તા સંઘર્ષનો હિસ્સો છે. વિશ્વમાં સત્તાની શતરંજની બાજીને પલટી નાખીને નવી વ્યવસ્થા ખડી કરવાના ઈરાદા ધરાવતા રાષ્ટ્રો એક યા બીજી રીતે રશિયા યુક્રેન તથા હમાસ ઇઝરાયલના સંઘર્ષ સાથે સંકળાયેલા છે.
ટૂંકમાં અત્યારે ચાલી રહેલા બન્ને યુદ્ધની કિંમત ચૂકવવાનો વારો તેમને ટેકો આપતા દેશોનો આવશે અને તે ભારે પડશે. જેમ કે ચીન અને રશિયા બન્નેને યુ.એસ.એ. સામે વાંધો છે અને ઇઝરાયલ – ગાઝા વચ્ચેના સંઘર્ષને મામલે બન્ને દેશોએ સ્પષ્ટ કહી દીધું છે કે સાત દાયકા જૂના વિવાદને ઉકેલવો જોઈએ અને પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થવું જ જોઈએ. એક તરફ યુ.એસ.એ. અને ઇઝરાયલ છે તો બીજી તરફ પેલેસ્ટાઇન તરફી વલણ રાખનાર ચીન છે. ટૂંકમાં ઇઝરાયલમાં ઘટેલી ઘટનાઓએ સાબિત કરી દીધું છે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયના મામલે વિશ્વ એક તાંતણે નથી બંધાયેલું. અમુકે ઇઝરાયલને ટેકો આપ્યો તે બીજાઓએ હમાસે ઇઝરાયલ પર જે આતંકી હુમલો કર્યો તેને પણ યોગ્ય ઠેરવ્યો. પણ યહૂદીઓ અને આરબો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંઘર્ષ આપણને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી જનારું એક માત્ર કારણ નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણાં વર્ષોની અકળામણનું કારણ છે પણ આજે સિરિયા, લેબેનોન અને ઇરાન આ આગમાં ઘી હોમી તેને વધુ ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એવું ય બને કે ઇઝરાયલને એક સાથે પાંચ મોરચે યુદ્ધ શરૂ કરવું પડે.
યુ.એસ.એ. અને અન્ય સાથી દેશો યુદ્ધના સંજોગો તીવ્ર ન બને તે માટે હિઝબુલ્લા આતંકીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પરંતુ એ ગણતરી રાખવી પણ જરૂરી છે કે હિઝબુલ્લાને મુખ્યત્વે આર્થિક ટેકો આપવામાં ઇરાનનો હાથ છે અને માટે જ તે ઇઝરાયલ પર હુમલો કરવામાં પાછું વળીને ન જુએ તે સ્વાભાવિક છે. યુ.એ.ઇ.એ ચેતવણી આપી હોવા છતાં સિરિયાએ ઇઝરાયલ પર બોમ્બ શેલિંગ શરૂ કરી જ દીધું છે. ઇઝરાયલી વડા પ્રધાને ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે લાંબા સમયથી ચેતવણી આપી છે અને ઇરાન પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. જો કે હમાસે કરેલા હુમલાને પગલે ઇઝરાયલી જે વાત હજી સુધી માત્ર વ્યૂહાત્મક ધમકીમાં આપતું હતું તેની પર હવે વાસ્તવિકતામાં પગલાં લે એવી શક્યતાઓ વધી છે. જો ઇઝરાયલને એક પણ પુરાવો મળ્યો કે હમાસના આતંકી હુમલા પાછળ ઇરાનનો હાથ છે તો પછી ચિંતા માત્ર એક કે બે રાષ્ટ્રની નહીં આખી દુનિયાની વધી જશે. આવામાં ટર્કી જેવા દેશો પણ છે જેમણે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને અકસ્માતમાં ખપાવ્યો અને ઇઝરાયલે સામે જે સત્તાવાર સૈન્યના હુમલાથી જવાબ આપ્યો તેને ઘાતકી અને અન્યાયી ગણાવ્યો.
ઇરાન આડકતરી રીતે અન્ય યુદ્ધ ખડા કરાવે છે અને એ રીતે એ પોતાની સત્તા સાબિત કરવા માગે છે. વિશ્વ વ્યવસ્થા – વર્લ્ડ ઓર્ડરને બદલવા માટે મિડલ-ઇસ્ટના દેશો થનગની રહ્યા છે. પશ્ચિમી દેશો એટલે કે યુ.એસ.એ. અને યુરોપને ટોચ પર રાખતો વર્લ્ડ ઓર્ડર હવે તેમને માફક નથી આવતો. ઇરાનને બેઇજિંગ અને મોસ્કો તરફથી ટેકો મળે છે. પોતાને મળનારા ટેકાના જોર પર જો ઈરાન વધારે ઠેકડા મારવા જશે તો યુ.એસ.એ.ને ના છૂટકે યુદ્ધમાં ઢસડાવું પડશે. ઇઝરાયલને યુ.એસ.નો ટેકો મળશે અને ઇરાનની ન્યુક્લિયર ક્ષમતાઓ પણ છતી થઇ જશે.
રશિયા યુક્રેન વચ્ચેના તંગ સંબધોનાં મૂળિયાં ઊંડાં છે પણ રશિયાએ જે રીતે યુક્રેન પર અચાનક જ ચઢાઈ કરીને યુદ્ધ છેડ્યું તેનુ જોખમ આખા યુરોપ પર છે. રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો સરહદો અને સીમા રેખાઓને બળજબરીથી બદલવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેનની સરકાર પશ્ચિમી દેશોને સાવધાન રહેવા અપીલ કરે છે કારણ કે યુક્રેન એક માત્ર અવરોધ છે જે રશિયાને બાલ્ટિક રાજ્યો પર હુમલો કરવામાં નડે છે. NATOનો ભાગ હોય એવા દેશો આમ પણ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હેરાન થયા જ છે. જેમ કે રોમાનિયા અને પોલિશ સરહદના વિસ્તારોમાં થયેલું નુકસાન. હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં ગાઝા, તહેરાન અને મોસ્કો વચ્ચેની કડી જોડવા અને જોવા માટે બહુ ઊંડા અભ્યાસની પણ જરૂર નથી.
તાઇવાનને મામલે ચીન અને યુ.એસ.એ. વચ્ચેનો સંઘર્ષ પણ નવો નથી. વળી 2022માં યુ.એસ. હાઉસ સ્પીકર નેન્સી પોલેસીએ તાઇવાનની મુલાકાત લીધી એમાં ચીન અને યુ.એસ. વચ્ચે પરિસ્થિતિ વધારે તંગ બની. અત્યારે ચીન અને યુ.એસ. સીધા સંઘર્ષમાં ઉતરે એવી શક્યતા પાંખી છે, પણ ચીનને પોતાના સૈન્યનું બજેટ સુરક્ષા સમસ્યાઓનો બહાના હેઠળ સારી પેઠે – લગભગ 7.5 ટકા વધારી દીધું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઓપરેશનલ ન્યુક્લિયર વૉરહેડ્ઝની સંખ્યા ગયા વર્ષ કરતાં વધીને લગભગ 12 હજાર કરતાં પણ વધુ થઇ ગઇ છે. ચીને રશિયા અને ઇરાન સાથે રાખેલી સારાસારી સ્પષ્ટ સંકેત છે કે આ રાષ્ટ્રો પશ્ચિમી મૂલ્યોનો વિરોધમાં એક સાથે છે. ચીન ભલે સીધા સંઘર્ષને ટાળે પણ દક્ષિણ ચીની સમુદ્રમાં જે લશ્કરી હિલચાલ કરી એને કારણે ટેન્શન વધ્યું જ છે. વળી વૈશ્વિક સુપરપાવર તરીકે ચીનનું મહત્ત્વ વધ્યું છે એટલે જો યુદ્ધના સંજોગો આવે તો શસ્ત્રોનો પુરવઠો આપવાથી માંડીને ભારત – મિડલ ઇસ્ટ – યુરોપ ટ્રેડ કોરિડૉરના પ્રસ્તાવને ખારીજ કરવામાં પણ ચીનની અગત્યની ભૂમિકા હશે. ઉત્તર-પૂર્વિય એશિયામાં સલામતના સમીકરણ પણ અસ્થિર છે. ઉત્તર કોરિયા, રશિયાની નજીક આવ્યું છે તો જાપાન અને રશિયા વચ્ચેના સબંધો વણસ્યા છે.
ભૌગોલિક રાજકીય પરિબળોને જોતાં એ સ્પષ્ટ છે કે વિશ્વ પહેલાં કરતાં કંઇ ગણા વધારે અનિશ્ચિત સંજોગોનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના વિરોધીઓ વચ્ચેના સમાન હિતોનો ટકરાવ દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. યુદ્ધ જેવી અણધારી કટોટકી ત્રાટકવાના ચોકઠા દેખીતી અને ન જોઈ શકાય તેવી સ્થિતિમાં ગોઠવાઈ રહ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાશે તો તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબર વૉર અને આર્થિક સંઘર્ષ સૌથી વધુ જટિલ અને અણધાર્યા હશે. યુદ્ધ અંતે તો રાજકીય અને આર્થિક સત્તા અને સલામતી માટે જ છેડાતા હોય છે. કોરોનાવાઈરસના રોગચાળા પછી વિશ્વ પર આર્થિક અસ્થિરતાના વાઈરસ પણ ફરી વળ્યો છે. આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે.
બાય ધી વેઃ
ભારતે G20 સમિટ સફળતાથી પાર પાડ્યું છે અને હવે વૈશ્વિક સ્તરે ભારત પાસેથી દેશોને ઘણી અપેક્ષાઓ છે. પડકારો સતત વધી રહ્યા છે અને ભારતે ક્યારે કયા દેશને ટેકો આપવો તે તેના ભવિષ્યના આર્થિક વહેવાર પર ઘેરી અસર કરી શકે છે. આપણે એક દેશ તરીકે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયારી છીએ કે કેમ એ બાજુની વાત છે કારણ કે આપણે એ માટે તૈયાર ન હોઈએ તો પણ જરૂર પડ્યે સાથી રાષ્ટ્રો માટે એ કરવું પણ પડે. રાજદ્વારી સંબંધો અને શાંતપૂર્વકના સંવાદો દ્વારા યુનાઇટેન નેસન્સ જેવા મધ્યસ્થીને પગલે યુદ્ધ ટાળી શકાય એવી થોડી ઘણી શક્યતાઓ તો હજી બચી છે, પણ આ વાત ઝનૂનથી પોતાની સત્તા સાબિત કરવા માગતા રાષ્ટ્રોએ સમજવી પડશે. ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જ એ વાત કરી છે કે આ જવાબદારીથી વર્તવાનો સમય છે. કોઈની જે પણ ક્ષમતા હોય આ તેના પ્રદર્શનનો નહીં પણ ખોરવાયેલી વ્યવસ્થાને બેઠી કરવાનો વખત છે નહીંતર ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને આજે આપણી પાસે જે પ્રકારના શસ્ત્રો અને ટેક્નોલૉજી છે તેને પગલે માણસજાતનો ખાત્મો બોલાતા વાર નહીં લાગે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023