Opinion Magazine
Number of visits: 9487757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્સવઘેલો માણસ હરીશ પટેલ …..

પ્રીતમ લખલાણી|Diaspora - Features|9 July 2023

પ્રીતમ લખલાણી

છેલ્લા બે કલાકથી ગૃહના એક ખૂણામાં એક ખુરશી પર બે પગ ચઢાવીને નિરાંતે સભાની કાર્યવાહી નિહાળી રહેલ એક ત્રીસ-બત્રીસ વર્ષના યુવાને ઊભા થઈ પોતાની અસલ સુરતી ભાષામાં પોતાનો અંગત અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું,”મિત્રો, જો ભૂલથી આ નાના માણસથી કંઈ સાચુંખોટું બોલાઈ જાય તો, મહેરબાની કરીને મને માફ કરી દેજો.” પછી પોતાની ઓળખાણ આપતાં કહ્યું, “થોડા વખત પહેલાં હું ઓહાયોથી રોચેસ્ટરમાં સ્થાયી થયો છું. વ્યવસાયે હું એક નાની સરખી ત્રીસ રૂમની મોટેલ ચલાવું છું.” આટલું કહી તેણે ખોંખારો ખાઈને પોતાના મનહ્રદયની પછેડી ખોલી વાતને આગળ દોહરાવી. “છેલ્લા બે કલાકથી આપ સર્વ મિત્રોને આપણાં બાળકોને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે વિશેની ચર્ચા તમે હોંશેહોંશે અંગ્રેજીમાં કરી તેનું મને આશ્ચર્ય થાય છે! ખરેખર આ સભામાં કોઈ એકાદ ઘોળિયો કે પછી આફ્રિકન અમેરિકન આ ઘડીએ અહીં હાજર નથી. આપણે ગુજરાતના અને ભારતના જુદા જુદા પ્રાંતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા સંપૂર્ણ ગુજરાતીઓ છીએ! એમ છતાં આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલવાને બદલે આપણાં પોયરા-પોયરીને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે બાબતની ચર્ચા-વિચારણા આપણે કેટલા ગૌરવથી અંગ્રેજીમાં કરી રહ્યા છીએ, તેનું મને હૈયે અપાર દુઃખ થાય છે. મારે મનની વ્યથા સાથે તમને કહેવું પડે છે કે આપણે બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તે પહેલાં આપણે બઘાએ ગુજરાતી ભાષા શીખવાની ખૂબ જ આવશ્યકતા છે એવું મને લાગે છે!”

જો તમારે આવું ખોટું-સાચું, ભાગ્યું-તૂટયું અંગ્રેજી બોલી, બાળકોને ગુજરાતી કઈ રીતે શીખવવું તે બાબતની ચર્ચા કરીને તમારે તમારો ખોટો સમય બગાડવો હોય તો તમે ખુશીથી બગાડો, મારી પાસે આ બાબત માટે બિલકુલ ફાલતુ સમય નથી. હું તો ચાલ્યો. તમને ગુજરાતીના વર્ગ ખોલવા માટે મારા તરફથી જે કંઈ મદદની જરૂર હોય, તો તમે મને ગમે ત્યારે ફોન કરીને ખુશી સાથે જણાવી શકો છો.

આ માતૃભાષાપ્રેમી, ખુશમિજાજ, ઉત્સાહપ્રેમી, યુવાન એ બીજું કોઈ નહીં પણ જેમને ફકત રોચેસ્ટર શહેરમાં વસતા ગુજરાતી પરિવારો જ નહીં પણ રોચેસ્ટર શહેરને પોતાનું વતન બનાવવા ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી આવેલા ભારતીયો, જેમને હરિના શ્રી હરિ “હરિકલ્પન” તરીકે ઓળખે છે તે નવસારી જિલ્લામાં આવેલા સાતમ ટોળી ગામના અસલ ખેડૂતપુત્ર હરીશ નાથુભાઈ પટેલ …..

સ્નેહભીના વરસતા વાદળ સમી ઝરમર ઝરમર વરસતી વહાલસોઈ નેહનિતરતી આંખ, વાને જરા શ્યામવર્ણના આ પટેલ યુવાનના માથે જુગતરામ જોષીની બાળવાર્તાના બાળ નાયક અડુકિયા ને દડુકિયાના જેવા એકમેકથી જુગલબંઘી કરતા પવનમાં ફરફર ઉડતા એ-ચાર વાળ. મલક મલક થતા હોઠો પર ઝીણું ઝીણું હસતી તલવાર કટ મૂછ. ઈશ્વરકૃપાથી ખાઘેપીઘે આ સુખી જીવ તનથી જરા ભરાવદાર તો ખરો જ! પણ આ પટેલ મર્દ જો હજારોનાં ટોળાંમાં ઊભા હોય તો? તેની સુરતી બોલીને કારણે આપણા કાન દૂરથી પામી જાય કે ત્યાં આગળ હરીશ પટેલ ઊભા લાગે છે.

આ પટેલ માણસનું દિલ તો દિલાવર છે. તેમનું મનહ્રદય ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્મળ  છે. આ પ્રેમઘેલો માણસ સંબંધ નામના ગણિતથી બહુ જ દૂર ભાગે છે. તેમને ભાગાકાર અને બાદબાકીથી સખત ચીડ છે. તેમને મન મૈત્રી, ઘનદોલતની હવેલીથી ઘણી ઊંચી છે. આ માણસે ખરેખર આખી જિંદગી મૈત્રી અને સંબંઘ પાછળ ચંદનની જેમ ઘસાઈ જવામાં આનંદ માન્યો છે. હ્રદયમનથી જો આપણે હરીશ પટેલ વિશે ફકત બે શબ્દોમાં જ કહેવું હોય તો બસ આટલું જ કહી શકીએ કે, “આ પટેલ માણસ ગણિતના આઠના આંકડા જેવો નહીં પણ નવના આંકડા સમો સંપૂર્ણ  છે.

જલારામ બાપામાં અપાર શ્રદ્ઘા, ભકિત અને વિશ્વાસ ઘરાવતા આ પટેલે જીવનમાં રોટલા અને ઓટલાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. તેમના ઘરનો રોટલો અને ઓટલો બહુ જ મોટો છે. જો તમે અમેરિકા જેવા દેશમાં પણ તેના ઘરે ફોન કર્યા વગર દિવસે તો શું પણ કાળી રાતે જઈ ચઢો અને તેમના ઘરનો દરવાજો ખખડાવશો તો તમે એક બાબતનું આશ્ચર્ય અનુભવશો! તેમના ઘરનો દરવાજો ખોલનાર હરીશ પટેલ કે કલ્પનાબહેન નહીં પણ કોઈ મહેમાન જ હશે તેમનું ઘર બારે માસ મહેમાનોથી છલકે છે. તેમનું ઘર તો હરિ મંદિર છે. તેમને મન દુઃખી માણસ તેમનો ઈશ્વર છે.

હરીશ પટેલ કોઈ એવી વ્યકિત નથી કે તેને કોઈ લૉટરી લાગી હોય અને રાતોરાત ઘનવાન થઈ ગયા હોય. આ પટેલે અમેરિકામાં પોતાને તેમ જ પરિવારને સ્થાપિત કરવા રાતદિવસ લોહીપસીનો એક કરી એક સમૃદ્ઘ સામ્રાજય ઊભું કર્યું છે આજે પણ મોટલમાં માણસો હાજર હોય કે ન હોય મોટલનું નાનુંમોટુ કામ ખંત પ્રેમથી વહેલી સવારથી મોડી સાંજ લગી કરતા હોય છે. આ માણસ જ્યારે પણ કોઈને મદદ કરે છે ત્યારે હંમેશાં એક વાતનો ખ્યાલ અચૂક રાખે છે કે આપણે કોઈને જમણા હાથે કરેલ મદદ આપણા ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ. જ્યારે પણ તે પોતાના તરફથી કોઈ વ્યકિત કે સંસ્થાને મદદ કરે છે ત્યારે તેમના તરફથી એક શરત હોય છે કે તમે મારું કે મારા પરિવારના નામનો કયાં ય ઉલ્લેખ ન કરવાના હો તો જ હું તમને મારું યોગદાન આપીશ.

એક જમાનામાં અમારા રોચેસ્ટર ગામમાં અઢળક ગુજરાતી પરિવારો હતા. સમય સંજોગને કારણે આજે અહીં બે-ચાર મોટી નામાંકિત કંપનીમાં વ્યવસાયની તક ઓછી થતાં દિવસે દવસે ગુજરાતી પરિવારો ઓછા થતા ગયા. છતાં હરીશ પટેલ જેવા બે-ચાર સંસ્કૃતિપ્રિય મિત્રોને કારણે પણ આજે વર્તમાનમાં અમારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મો પહેલાંની જેમ જ ઘમઘોકાર થતા રહે છે. ખાસ કરીને જો અમારે ગુજરાતી કવિ સંમેલન કે કોઈ સાહિત્યનો કે પછી સુગમ સંગીતનો કાર્યક્રમ કરવો હોય અને જો હરીશ પટેલ તરફથી બસ એક વાર મને ‘હા”નો સંકેત મળી જાય પછી મારે આગળ-પાછળનો કંઈ પણ વિચાર કર્યા વગર બેઘડક કાર્યક્રમ કરી નાખવાનો! સાથોસાથ હરીશ પટેલ કહેશે કે કવિ, હવે કોઈ ચિંતા કર્યા વગર કોઈ પાસે ડૉલર માગવા ન જશો. મિત્રો, ડૉલર તો આપવાના હશે તો જ આપશે, પણ તમને કારણ વગરની લાખ શિખામણ આપ્યા વગર નહીં રહે.”

૨૦૦૩ના સપ્ટેમ્બર માસમાં ભારતથી કવિ સુરેશ દલાલ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી કાવ્ય વાચન તેમ જ પુસ્તક પ્રદર્શન નિમિતે રોચેસ્ટર પઘારેલા. એક સાંજે કાર્યક્રમ બાદ હરીશ પટેલે આ ત્રણે મહેમાન મિત્રો સાથે મને પણ તેમના ઘરે બીજા દિવસની બપોરે ભોજન માટે આમંત્રિત કરેલો.

ઈશ્વરની ઈચ્છા શી હશે? તે તો ભલા ઈશ્વર સિવાય બીજું તો કોણ જાણી શકે? હરીશ પટેલનાં ઘર્મપત્ની કલ્પના બહેન સમી સાંજથી ઉત્સાહ સાથે અમારા માટે ભોજન બનાવવામાં ગૂંથાયેલ હતાં. બીજા દિવસની બપોરે અમે ચાર જણા તેમને જણાવેલા સમય મુજબ તેમના ઘરે ભોજન માટે ગયા ત્યારે હરીશભાઈ અને કલ્પનાબહેનને બહુ જ થાકેલા જોઈ સુરેશભાઈએ તેમને પૂછયું, “પટેલ, અત્યારે તમે કેમ બહુ જ થાકેલા લાગો છો?” હરીશ પટેલે બહુ જ સંકોચ સાથે અમને જણાવ્યું કે,”ગઈ કાલે સાંજે તમારા કાર્યક્રમમાંથી ઘરે આવ્યો ત્યારે મારી નાની દીકરી ઉર્વિએ મને ફરિયાદ કરી કે ડેડી મને પેટમાં સખત દુઃખે છે. અમે જરા ય સમય બગાડયા વિના તે જ ઘડીએ તેને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉકટરોએ નિદાન કરી અમને જણાવ્યું કે અમારે તાત્કાલિક સમય બગાડ્યા વિના હમણાં જ તેના એપેન્ડિકસનું ઑપરેશન કરવું  પડશે. ઉર્વિનું ઑપરેશન મોડી રાત્રે કરવું પડ્યું. અમારે બંનેએ આખી રાત હૉસ્પિટલમાં તેની પાસે રહેવાનું થયું. આ કારણે જરા નિંદર કે આરામ નહીં થયો હોવાથી ચહેરા પર સહેજ થાક વરતાય છે. બાકી ખાસ કંઈ વાત નથી.

સુરેશભાઈએ એ જ વખતે હરીશ પટેલને કહ્યું,”અરે! પટેલ, આવું ઓચિંતું બન્યું તો તમારે અમને ફોન કરીને જણાવી દેવું હતું. અમે સમજી શકીએ છીએ કે તમારી દીકરીની તબિયત ઓચિંતી બગડી ગઈ અને તમારે હોસ્પિટલમાં દોડવું પડયું. ભોજન બહુ મહત્ત્વનું ન હતું. દીકરીની તબિયતનું પહેલાં જોવાનું હોય. જો તમે આ કારણે ભોજન રદ્દ કર્યું હોત તો અમને જરા ય ખોટું ન લાગત!”

હરીશભાઈ, પોતાના અસલ મિજાજમાં બોલ્યા, “કવિશ્રી. તમારો મારા પ્રત્યે જે આદર ભાવ છે તે બદલ હું તમારો આભાર વ્યકત કરું છું. અરે ભલા માણસ, આટલી નાની અમથી વાતથી આપણે ગભરાઈ જઈએ તો તે કેમ ચાલે? સુખદુઃખ કંઈ આપણને એકને જ આવે છે એવું થોડું છે. તે તો હર કોઈને આવે છે. તેની એવી શી ચિંતા કરવાની? પછી હસતાંહસતાં બંને પતિપત્ની બોલ્યાં, ‘અરે!સુરેશભાઈ, તમારા જેવા મિત્રો કયાં રોજ અમારે ઘરે પઘારે છે. અમારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારે પગલે અમારું ઘર આજે પાવન થઈ ગયું. તમારા આશીર્વાદે મારી દીકરી આજે સાંજે ઘરે પણ આવી જશે!”

હરીશ પટેલે રોચેસ્ટર ગામમાં મૈત્રીની એક લીલી વાડી ઊભી કરી છે. રોચેસ્ટરનો ગુજરાતી માત્ર સમાજ જ નહીં પરંતુ દરેક ભારતીય તેમને મન તેમનો એક પરિવાર છે. જો હરીશ પટેલને કોઈ મિત્રના દુઃખ-દર્દની વાત કયાંકથી તેમના કાને પડી જાય તો આ માણસને મિત્ર આવીને તેમની પાસે મનની વાત કરે તે પહેલાં તો આ બાબતની જાણ કોઈને કર્યા વગર મિત્રના દુઃખદર્દમાં મદદ રૂપ થવા પહોંચી જશે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

9 July 2023 Vipool Kalyani
← જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી
પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અપાઈ ન જાય તેની સરકાર ભારે કાળજી રાખે છે … →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved