
રમેશ ઓઝા
ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. આ ઘટના નવી છે, પણ અપૂર્વ નથી. રાષ્ટ્રજીવનમાં કેટલીકવાર એવું બનતું હોય છે કે રાજકીય સમજ ધરાવનારા, ખુલ્લા સમાજનું મૂલ્ય સમજનારા અને માટે પ્રતિબદ્ધતા ધરાવનારા, કાયદાના રાજની કિંમત સમજનારા, મૂલ્યનિષ્ઠ જાહેરજીવન ઇચ્છનારા, સત્તાનું રાજકારણ કરનારા કોઈ પણ પક્ષ સાથે સીધો સંબંધ નહીં ધરાવનારા અર્થાત્ સ્પષ્ટ રાજકીય ભૂમિકા ધરાવનારા, પણ નિર્દલીય નાગરિકો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ભારતમાં ૧૯૭૭માં આવું બન્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી પછી સામાન્ય ચૂંટણી જાહેર કરી હતી. કેટલીક પળ અસ્તિત્વની પળ હોય છે.
૧૯૭૭માં આ લખનાર જેવા હજારો યુવકો દેશ પર ઈમરજન્સી લાદનાર અને એ દ્વારા નાગરિકની આઝાદીને કુંઠિત કરનાર કાઁગ્રેસને પરાજીત કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેઓ એકબીજાને ઓળખતા નહોતા કે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નહોતા. દરેકની એક જ નિસ્બત હતી; લોકતાંત્રિક ભારતીય રાષ્ટ્રને બચાવી લેવું જોઈએ. ચૂંટણી જાહેર થયા પછી મુંબઈમાં પાંચ ગાર્ડનમાં યોજાયેલી વિરોધ પક્ષોની એ પહેલી સભા હતી. જયપ્રકાશ નારાયણે લોકફાળા માટે અપીલ કરી હતી. હું એક ડબામાં લોકો પાસેથી ફાળો ઉઘરાવતો હતો ત્યાં એક બી.ઇ.એસ.ટી.ની બસ આવી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને મારા ડબ્બામાં થોડાક પૈસા નાખ્યા. આવા અનુભવ મારા જેવા બીજા અનેક યુવકોને ત્યારે થયા હશે. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.
દરેક યુગ જુદો હોય છે, દરેક યુગના રાજકીય પ્રશ્નોનું સ્વરૂપ જુદું હોય છે એટલે હસ્તક્ષેપનું સ્વરૂપ પણ જુદું હોય છે. ઈમરજન્સી એ ઇન્દિરા ગાંધીની ઊઘાડી તાનાશાહી હતી જ્યારે અત્યારે લોકશાહી માર્ગે લોકશાહીને ક્ષીણ કરવામાં આવી રહી છે. આખું જગત કહે છે કે ભારતીય લોકતંત્ર ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) છે, જેમાં નિયમિત ચૂંટણીઓ તો યોજાય છે, પરંતુ પ્રતિપક્ષોને મુકાબલો કરવા માટે એક સમાન અનુકૂળતા (લેવલ પ્લેઇંગ ફિલ્ડ) આપવામાં આવતી નથી. વિરોધ પક્ષોને મળતા પૈસાના સ્રોતને સૂકવી નાખવામાં આવે છે. પોતાને મબલખ પૈસા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૈસા અને સત્તાના જોરે મીડિયા, ચૂંટણીપંચ, ભાડૂતી ફિલ્મ નિર્માતાઓ એમ દરેકને ખરીદવામાં આવે છે. આ રીતે વિરોધ પક્ષો સામે અનૂકુળતાની પ્રચંડ અસામનતા પેદા કરીને અથવા પ્રચંડ પ્રતિકૂળતા પેદા કરીને તેમની લોકતાંત્રિક જમીન આંચકી લેવામાં આવે છે.
આ સિવાય ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) અને ઉદારતાયુક્ત લોકતંત્ર (લિબરલ ડેમોક્રસી) વચ્ચે ફરક છે. એ નાગરિકના અધિકારોને પણ કુંઠિત કરે છે. બીજા પ્રકારનું ઉદારતાવાળું લોકતંત્ર સાચું લોકતંત્ર છે. પ્રાણવાન લોકતંત્ર છે. એમાં નાગરિકોને ડરાવવામાં નથી આવતા. ધર્મ, પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને નામે નાગરિકોને સતાવવામાં નથી આવતા. વિરોધીઓની પાછળ ટ્રોલિંગ કરનારા શ્વાનોને છોડી મૂકવામાં નથી આવતા. ઇતિહાસ સાથે અને કોઈના ભણતર સાથે ચેડાં કરવામાં નથી આવતા. ચૂંટણીકીય લોકતંત્ર માત્ર લોકતંત્રનું બાહરી કલેવર હોય છે એમાં અસ્થી, મજ્જા અને પ્રાણ નથી હોતાં. દેખીતી વાત છે કે ઉપર કહ્યા એવા નાગરિકોને આ ફરક પણ સમજાતો હોય. તેઓ બુદ્ધિમાન છે, જાતવફાઇ ધરાવે છે અને ઉપરથી સમાજ માટે નિસ્બત ધરાવે છે. તેમને ખબર છે કે આવી સ્થિતિ તેમની આવનારી પેઢીનું અને દેશનું નખ્ખોદ વાળશે.
દેખીતી રીતે ઊઘાડી તાનાશાહી કરતાં આ છૂપી તાનાશાહી વધારે ખતરનાક હોય છે. ઊઘાડી તાનાશાહી બંદૂકના જોરે ટકી રહે છે, જ્યારે છૂપી તાનાશાહી પ્રજાના એક વર્ગના મસ્તિષ્ક પર કબજો કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પ્રજાનો એક વર્ગ હોંશેહોંશે પોતાનું અહિત કરીને તેમને ટેકો આપે છે.
આવી સ્થિતિમાં હવે જ્યારે પ્રજા સામે પ્રજા હોય ત્યારે સુજાણ નાગરિકે હસ્તક્ષેપ કરવામાં સાવધાની રાખવી પડે છે. અને સાવધાની તેમ જ સંયમ ન રાખી શકે તો સુજાણ શેનો!
૧૯૭૭ પછી પહેલીવાર સુજાણ નાગરિક સમાજે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો. અત્યંત ગણતરીપૂર્વક અને અસરકારકપણે. તેમની નિસબત હતી પ્રાણવાન લોકતંત્રને પાછું ધબકતું કરવું. મબલખ પૈસા, ગોદી મીડિયા, પ્રચારાત્મક ફિલ્મો, આંગળિયાત ચૂંટણીપંચ વગેરેએ પેદા કરેલી પ્રતિકૂળતાઓ વચ્ચે વિરોધ પક્ષોને અનુકૂળતા પેદા કરી આપવી. એ એટલા માટે કે સત્તાપરિવર્તન સિવાય લોકતંત્ર બચવાનું નથી અને સત્તાપરિવર્તન માટે રાજકીય પક્ષોનું હોવું અને જીતવું જરૂરી છે. આ કામ પ્રબોધન દ્વારા કરવાનું હતું, પ્રજાની વચ્ચે વિગ્રહ પેદા કરીને નહીં.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે દેશનાં અને કર્ણાટકના ૧૨૦ જેટલાં નાગરિક સમાજનાં સંગઠનોએ ભેગા મળીને ઇડેલુ નામનાં પ્લેટફોર્મની રચના કરી. ઈડેલુનો અર્થ થાય છે, જાગો. વેક અપ, કર્ણાટક. આની શરૂઆત ચૂંટણી જાહેર થઈ એના છ મહિના પહેલાં કરવામાં આવી હતી. એમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ જોડાયાં હતાં અને તેમણે તેમની ક્ષમતા અનુસાર કામની વહેંચણી કરી લીધી હતી. દેશ સામે જોખમ કઈ વાતનું છે એ વાત ગામડિયો પણ સમજી શકે એટલી સરળ ભાષામાં સમજાવતું આજની પરિભાષામાં નેરેટિવ્ઝ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ પણ દૃશ્ય શ્રાવ્યનાં અનેક માધ્યમોમાં. ૫૫૦ પોસ્ટર, ૮૦ વીડિયોઝ અને લોકસંગીતના ઢાળમાં ગીતોનાં સાત આલ્બમ. તેની દસ લાખ કોપીઝ તૈયાર કરવામાં આવી હતી અને હાથોહાથ કોપીની કોપી કરવાનું અને વહેંચવાનું કહેવામાં આવ્યું હતું. લોકોને છેતરપિંડીનાં સ્વરૂપ વીશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ તમારી સમક્ષ મુસલમાનો વિષે, ટીપુ સુલતાન વિષે, કેરળ વિષે શું કહેશે એ પણ કહેવામાં આવ્યું હતું. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે બરાબર ચૂંટણી વખતે કેરળ વિષે તમને એક ફિલ્મ બતાવવામાં આવશે.
તેમણે ૨૫૦ વર્કશોપ કર્યાં હતાં. ૧૦૩ મતદારક્ષેત્રોમાં વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. પૂરો સમય આપનારા પાંચ હજાર યુવક યુવતીઓ વચ્ચે આ મતદારક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યા હતા. આ સિવાય પોતાની અનુકૂળતાએ સમય આપનારાઓ અલગ. ૧૯૨ ટીમ બનાવવામાં આવી હતી. ચાર જથ્થાની રચના કરવામાં આવી હતી જેણે કર્ણાટકમાં સંગીત, ફિલ્મ, નુક્કડનાટક વગેરે પ્રબોધનનાં માધ્યમો સાથે યાત્રા કરી હતી. મત તોડનારા અગંભીર રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઉમેદવાર ઊભા ન રાખે અને જો રાખશે તો તેઓ લોકોને જણાવશે કે તેઓ કોના માટે કામ કરે છે. ૪૯ અગંભીર ઉમેદવારોએ ઈડેનુના કહેવાથી ઉમેદવારી પાછી લીધી હતી.
તમને આ વાતની જાણ હતી? ક્યાંથી હોય! જાણ કરવાની મનાઈ છે. તમને કદાચ ખબર નહીં હોય કે ઈડેનુએ ચૂંટણીપૂર્વે સર્વે કર્યો હતો અને તેનો સર્વે ૯૫ ટકા સાચો ઠર્યો છે, જ્યારે કે બીજા માતબર અખબારોનાં એક્ઝીટ પોલ પણ ખોટા સાબિત થયા હતા. બીજું ઈડેનુના કોઈ માણસને તમે ટી.વી. પરની ચર્ચમાં નહીં જોયો હોય. છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે થાય.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 મે 2023