Opinion Magazine
Number of visits: 9484329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરતીની આરતી ઉતારનાર સંન્યાસી


સંજય શ્રીપાદ ભાવે, સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|24 January 2015



હિમાલય સહિત ભારત ખૂંદનારા સ્વામી આનંદે બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે




દસ વર્ષના એક બાળકને એક સાધુએ લાલચ આપી, 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું.' એટલે છોકરો તો ચાલી નીકળ્યો. વર્ષો લગી ભમ્યાં પછી, ઝાલાવાડના શિયાણી ગામમાં જન્મેલો આ હિમ્મતલાલ મહાશંકર દવે, અનોખો સંન્યાસી બન્યો – સ્વામી આનંદ (1887-1976).

આ એવા ગુજરાતી સાહિત્યકાર કે જેમણે આત્મકથા લખવા માટે ઉદાસિન ગાંધીજી પાસે જીદ કરી 'સત્યના પ્રયોગો' લખાવી, બાઇબલના અંશોને 'ઇશુ ભાગવત' નામે કાઠિયાવાડીમાં ઢાળ્યા, ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી 'બને એટલી સહેલી ભાષામાં' 'લોકગીતા' તૈયાર કરી, રેચેલ કાર્સને પર્યાવરણ જાળવણી વિશે લખેલા પાયાના વિશ્વવિખ્યાત પુસ્તક 'સાયલન્ટ સ્પ્રિન્ગ'(1962)નો સાર આપ્યો, અણુશસ્ત્રમુક્તિ પરની બર્ટ્રાન્ડ રસેલની વાતને ગુજરાતીમાં મૂકી. હિમાલય સહિત ભારત ખૂંદનારા રચનાત્મક કાર્યકર સ્વામી આનંદે તદ્દન જુદી ભાતના બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે. તેમના ચૂંટેલાં લખાણોનું, ગુજરાતી ભાષાને ચાહનારા સહુને ગમતું જાણીતું પુસ્તક તે 'ધરતીની આરતી' (1977). 


સ્વામી 'બચપણનાં બાર વર્ષ' નામના સંભારણાંમાં માહિતી આપે છે કે સ્વમાની માતા તેમના પિતાથી છૂટાં પડીને બહેનની સાથે ગિરગામના લત્તામાં મોરારજી ગોકળદાસના શ્રેષ્ઠી પરિવારની નોકરીમાં રહ્યાં. મુંબઈના વસવાટથી મરાઠી ભાષાની ફાવટ અને તેની સંસ્કૃિતની છાપ તેમના પર હંમેશ માટે રહી. સારા-નરસા જાતભાતના જે બાવાઓ સાથે એ દોઢ દાયકો રખડ્યા-રઝળ્યા તે વિશે તેમનો 'મારા પિતરાઈઓ' નામે રસભર લેખ છે. છેવટે રામકૃષ્ણ મિશનના 'નિર્વ્યસની, ભણેલા અને શ્રેષ્ઠ અર્થમાં સેવાભાવી' સંન્યાસીઓમાં જોડાયા. 



અલબત્ત તેમના માટે સંન્યાસ એટલે દેશનાં અને જનહિતનાં નિરપેક્ષ કામ. ગાંધીજીનાં છાપાં અને પ્રેસનાં શરૂનાં વર્ષોનાં સંચાલક, રાજદ્વારી અને સામાજિક લડતો તેમ જ કાર્યક્રમોમાં બાપુના વિશ્વાસુ કાર્યકર્તા. બિહાર ધરતીકંપની મદદ-ટુકડીના મુખી, બારડોલી સત્યાગ્રહમાં સરદારના મંત્રી, થાણાના ગાંધી આશ્રમના સ્થાપક-મંત્રી, આદિવાસી સેવા મંડળના એક આદ્ય સ્થાપક, ભાગલા વખતે પંજાબ, દેહરાદૂન તેમ જ હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે લાંબો સમય કામ. આ યાદી લાંબી થઈ શકે. છેલ્લાં વર્ષો થાણા જિલ્લાની કોસબાડની ટેકરીઓ પર નિવૃત્તિમાં ગાળ્યાં. જો કે મનથી તો તે આજીવન હિમાલયના અનુરાગી રહ્યા, જેની સાખ પૂરે છે તેમનાં પુસ્તકો 'હિમાલયનાં તીર્થસ્થાનો' અને 'બરફ રસ્તે બદરીનાથ'. 



ચરિત્રલેખોનાં સંચયો છે 'કુળકથાઓ', 'ધરતીનું લૂણ' 'નઘરોળ', 'સંતોના અનુજ' અને 'સંતોનો ફાળો'. તેમાં મૉનજી રુદર છે જે દીકરીના વિધવાવિવાહની સામે પડેલી આખી ન્યાત સામે લડે છે, અંગ્રેજ અધિકારીઓને ઠેકાણે બ્રિટિશ રેલવેના સ્ટેશન-માસ્ટર છોટુભાઈ દેસાઈ, શુક્રતારક સમા મહાદેવભાઈ દેસાઈ, જેવાં ગુજરાતી સાહિત્યના કેટલાક અમર પાત્રો હરફનમૌલા લેખકે આલેખ્યાં છે. 'મોતને હંફાવનારા' પુસ્તકમાં કુદરતી આપત્તિઓ, એક્સપેડિશન્સની જીવલેણ આફતો, જર્મન યાતનાછાવણીઓ, મોટા રોગચાળા જેવી કસોટીઓમાંથી જિજીવિષા અને અને શ્રદ્ધાને બળે ટકી ગયેલાંની હેરતકથાઓ છે, જે પહાડખેડૂ વિલ્ફ્રેડ નૉઇસના 'ધે સર્વાઇવ્ડ' પર આધારિત છે. યુરોપના પ્રવાસી સંશોધક સ્વેન હેડિનની સાહસભરી આત્મકથા 'એશિયાના ભ્રમણ અને સંશોધન' નામે છે. 'નવલાં દર્શન'માં અનેક પ્રાંતોના લોકોના જીવનના અપાર વૈવિધ્યનું વર્ણન છે. 'અનંતકળા'માં કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ પરના લાંબા સંકિર્તન ઉપરાંત કિરતારની કળા, જન્મ-મૃત્યુ,ધર્મ, સંસ્કૃિત, નિયતિ, ભક્તિ, શાશ્વતની ખોજ જેવા વિષયો પર રોચક શૈલીમાં દીર્ઘ લેખો છે.



ગુજરાતી ભાષાના મોટા શૈલીકાર આનંદના વિચિત્ર છતાં પણ મોહક ગદ્યના અનેક અંગ-રંગ છે. તેમાં મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા તેમ જ સૌરાષ્ટ્રની ગ્રામભાષા, સૂરતી, થાણાશાહી, સાધુશાઈ બોલીઓની મનસ્વી છતાં ય મનોહર લીલા છે. રમણીય ચિત્રાત્મકતા, ઉછળતો જોસ્સો અને અઢળક ભાષાસિદ્ધિને કારણે વાચક શૈલીમાં તણાતો રહે.



સ્વામીએ એમને ગમતાં પણ ઘસાતા-ભૂસાતા પ્રાણવાન જૂના શબ્દો, રૂઢપ્રયોગો અને કહેવતોનો સંગ્રહ કર્યો હતો જે 'જૂની મૂડી' નામે પ્રસિદ્ધ થયો છે. તેમાંના કેટલાક શબ્દપ્રયોગો છે : અડબાઉ, ઉપટામણી, પોમલી, મુતલક, કાતરિયું ગેપ, તેલપળી કરવી, કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું. વળી 'ઓલ્ડ મૅન ઍણ્ડ ધ સી' માટે ભાભો અને મહેરામણ, વિલિયન બ્રાયનના 'પ્રાઇસ્ ઑફ ધ સોલ' માટે આતમનાં મૂલ કે બાઇબલના 'પ્રૉડિગલ સન' માટે છેલછોગાળો, 'સર્મન ઑન ધ માઉન્ટ' માટે ટીંબાનો ઉપદેશ કે 'સૉલ્ટ ઑફ ધ અર્થ' માટે ધરતીનું લૂણ શબ્દો કદાચ આ શબ્દશિલ્પી ઘડી શકે ! 



'નકરા લેખન કે વક્તૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી' એમ માનતા સ્વામી તેમનાં લખાણોનાં પુસ્તકો કરવાની બાબતમાં ઉદાસીન હતા, અને ગુજરાતી સાહિત્ય તેના આ ગદ્યસ્વામી માટે ઉદાસીન છે. દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ 'કુળકથાઓ' પુસ્તકને 1969ના વર્ષ માટેનું ઇનામ જાહેર કર્યું હતું. 'લખાણ સાથે વળગેલા યશ અને અર્થ બંનેના વણછામાંથી બચવાની સતત તકેદારી' તરીકે સ્વામી આનંદે તેનો અસ્વીકાર કર્યો હતો. તેમણે આપેલી સાધુની સોંસરી વ્યાખ્યા સર્વકાલીન માપદંડ છે : 'સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું હકબહારનું … સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરેડે જ ચાલ્યો … એથી વધુ કરે તેની વશેકાઈ.'

સૌજન્ય : લેખકની સાપ્તાહિક ‘કદર અને કિતાબ’ કટાર, “નવગુજરાત સમય”, 21 જાન્યુઆરી 2015

http://navgujaratsamay.indiatimes.com/navgujarat-samay-supplementaries-gujarati-columnist/kadar-ane-kitab/articleshow/45966568.cms#gads

Loading

24 January 2015 admin
← એપલના કોરમાં ઝાંકો, કીડા ખદબદે છે
ના, હું તો મારા બાળકને ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણાવીશ ! →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved