
રવીન્દ્ર પારેખ
સાચું તો એ છે કે ઘણાંને પાકી ઉંમરે પણ પ્રેમ થતો નથી ને વહેમ એવો હોય છે કે પોતે નાની ઉંમરથી પ્રેમમાં છે. જેમ સમજ કરતાં ગેરસમજ વધુ હોય છે એમ જ પ્રેમ કરતાં વહેમ હોવાની શક્યતાઓ પણ વધુ હોય છે. લગભગ બાર તેર વર્ષની ઉંમરથી છોકરાને છોકરીનું ને છોકરીને છોકરાનું ખેંચાણ અનુભવાતું હોય છે. બધાંને જ આવું થાય છે, એવું નથી, પણ બધાંને આવું ન જ થાય એવું પણ નથી. કોણ જાણે કેમ પણ સ્ત્રી દેહની ઈચ્છા પુરુષ વધારે અનુભવે છે. એ પુરુષપ્રધાન સમાજ રચનાને કારણે પણ હોઈ શકે છે. એમાં ઉંમર ગૌણ હોય છે. એ જ કારણ છે કે યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ પુરુષમાંથી કોઈ પણ, તક મળે છે તો નાની ઉંમરની બાળકીને પણ છોડતા નથી ને તેની સાથે દુષ્કર્મ કરીને તેને મારી નાખવા સુધી પણ જતા હોય છે. આમાં કેવળ વાસના છે, હવસ છે, વિકૃતિ છે. વારુ, સામા પક્ષની એમાં કોઈ સમજ કે સંમતિ હોતી નથી ને તેનાં ભોળપણનો લાભ જ લેવાય છે. આ બધાંમાં સૌથી ઘૃણાસ્પદ બાબત તો બાળકીની હત્યા કરી દેવાય છે, એ છે. આમાં કોઈ પણ પક્ષે દૂર દૂર સુધી નથી કોઈ પ્રેમ હોતો કે નથી હોતી કોઈ લાગણી. હોય છે તો માત્ર હેવાનિયત ! કાયદો આની સજા પણ કરતો હોય છે, પણ જેમ જેમ સજા વધે છે, તેમ તેમ આવા ગુના વધતા આવે છે. એનો અર્થ એ થયો કે સજાનો ખોફ ગુનેગારોને ખાસ રહ્યો નથી.
આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે પણ પ્રેમ હોવાનું મનાતું આવ્યું છે. ઘરમાં બિલાડી પાળીએ તો તેને માટે પણ લાગણી થતી હોય છે, તેની માયા બંધાય છે, એવું જ પતિ-પત્નીનું પણ ખરું. પ્રેમલગ્નમાં પણ પ્રેમ હોય જ છે એવું દરેક કિસ્સામાં નથી પણ બનતું, તો સાવ અજાણ્યા બે જીવ પતિ-પત્ની થઈ જાય એટલે પ્રેમ થાય જ એવું જરૂરી નથી. થાય પણ ને નયે થાય. એ જુદી વાત છે કે સમય જતા પતિ-પત્નીમાં લાગણી વધે, પ્રેમ પણ થાય, પણ દરેક વખતે, બધા જ કિસ્સામાં એમ બને જ એવું નક્કી નહીં ! પતિ-પત્ની વચ્ચે થતો સંબંધ પણ અપવાદરૂપે જ દુષ્કર્મ નથી હોતો, બાકી, ઘણા કિસ્સાઓમાં પ્રેમને નામે જ સંબંધ થતો હોય છે ને પ્રેમ સિવાયનું જ બધું એમાં હોય છે.
લગ્નથી જોડાયેલા પતિ-પત્ની એકબીજાં તરફ વફાદાર નથી હોતાં, એવું પણ ચર્ચાતું રહે છે. ઘણીવાર તો એકબીજાના ચરિત્ર વિષે પતિ-પત્ની શંકા કરતાં હોય છે. પતિપત્નીના સંબંધમાં સૌથી વધુ અપેક્ષા એકબીજા પરના વિશ્વાસની હોય છે, પણ એવું ઓછું જ જોવા મળે છે. હવે તો પતિ-પત્ની પણ બીજાં સ્ત્રી કે પુરુષના પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડે તો પણ એ પ્રેમ જ હોય એવું નક્કી નથી. ઘણું ખરું તો એમાં એકબીજાને ભોગવવાની ઈચ્છા વધુ હોય છે. આ પ્રાપ્તિની તીવ્રતા એટલી હોય છે કે એમાં જે નડતરરૂપ છે તેને ખતમ પણ કરી દેવાય છે. એ કહેવાતા પ્રેમને કારણે પતિ-પત્ની એકબીજાથી છૂટાં પણ પડી જાય છે. સંતાનો હોય તો તેને પણ તડકે મુકાય છે. આ બધું પ્રેમને નામે કે પ્રેમને કારણે થાય છે. તો પ્રશ્ન એ થાય કે પ્રેમ તો ભોગ આપે, માંગે નહીં. તે ત્યાગ ને સમર્પણનું નામ છે એવું જે ભણાવાયું, એની કથા-વાર્તાઓ કહેવાઈ, એ બધું ખોટું હતું? ને દાદાગીરી કરીને, હત્યા કરીને મેળવાય એ જ સાચું? આજે તો એ જ સાચું હોય એવાં પરિણામો સામે આવે છે. આમ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ, પવિત્ર ગણાયો છે, પણ એમાં ય શંકા છે. શંકા એ રીતે કે લગ્ન પહેલાં પ્રેમ ન જ થાય એવો નિયમ નથી. તો થયો એ પ્રેમ વિષે શું કહીશું? એ પ્રેમ પવિત્ર ખરો કે એને અપવિત્ર કહેવો?
આજે તો લગ્ન પહેલાંના સંબંધની છોછ રહી નથી. એનાં વીડિયો ઊતરે છે. એ વાયરલ થાય છે. એ બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરાય છે. એને નિમિત્તે ખૂનખરાબા થાય છે. જેલ થાય છે. વાત ફાંસી સુધી જાય છે. ગમ્મત એ છે કે આ બધું થાય છે પ્રેમને નામે. તો એ પ્રેમ છે? આમ પ્રેમની વાત જોઈએ તો જે શરીર સંબંધ પતિ-પત્ની માટે પવિત્ર મનાયો છે, એ જ અન્ય વ્યક્તિ સંબંધે વ્યભિચાર કે દુષ્કૃત્યમાં ફેરવાય છે. ટૂંકમાં, એ શરીર જ છે, જે પ્રેમને પવિત્ર કે અપવિત્ર ઠેરવે છે. એટલે જ કદાચ પ્રેમને શરીરથી પર પણ ગણાવાયો છે. તો એમ માનવું કે આ અશરીરી પ્રેમ જ સાચો પ્રેમ છે, એ જ સાચી લાગણી છે? આપણા સંતો જેની હિમાયત કરે છે ને શરીરને નશ્વર કહીને તેની ઉપેક્ષા કરવાનું કહે છે એ બરાબર છે? ના, એ બરાબર નથી. બરાબર એટલે નથી, કારણ, શરીર નશ્વર છે, એવું કહેનાર સંતો પણ એ વાત બોલે તો છે એ જ શરીરમાંથી ! એમની પાસે શરીર ન હોત તો શરીર નશ્વર હોવાની વાત એ કરી શક્યા ન હોત. હું, તમે કે જગત આખાના દરેક જીવો આ પૃથ્વી પર ટકી રહ્યા છીએ તે શરીરને કારણે. આપણને આ પૃથ્વી પર જીવંત દેહ આપનારા પણ એવા જ જીવંત શરીર ધારણ કરનારાં આપણાં માબાપ છે ને એ ક્રમ આજનો નથી, પરાપૂર્વથી ચાલ્યો આવે છે. ટૂંકમાં, સૂક્ષ્મ કે સ્થૂળ પ્રેમની અનુભૂતિ શરીરથી થાય છે. એટલે જે એમ માનતા હોય કે શરીર વગર પ્રેમ શક્ય છે તો તે સાચું નથી.
એ સાથે જ કેવળ શરીર જ પ્રેમ છે, એ પણ સાચું નથી. શરીર જ પ્રેમ હોત તો બળાત્કારીઓ બધા જ પ્રેમી ગણાયા હોત, પણ કોઈ પણ બળાત્કારને પ્રેમ કહેતું નથી. તો પ્રેમ એવી લાગણી છે, જે શરીરથી જન્મે છે ને શરીરની ઉપર ઊઠે છે. એ ઊર્ધ્વગામી છે. પાણીની વરાળ થાય એવું જ કૈંક આ છે. પ્રેમ અનુભવી શકાય, પણ એ સમજાવી જ શકાય એવું નથી. જરા જાતને તપાસીએ તો પ્રેમની ચરમસીમાએ એવી ક્ષણ આવે છે, જ્યાં શરીર યાદ રહેતું નથી. ક્યાં છીએ એની ખબર રહેતી નથી. થોડી ક્ષણો જાણે શરીરની જાણ બહાર વીતે છે. શરીર હોવા છતાં ને ઊંઘમાં તે ન હોવા છતાં, જાતને ભુલાવી દેનારી એ ક્ષણોમાં આપણે આપણામાં હોતાં નથી. તે એટલે કે પછી આપણે આપણને સમેટવાં પડે છે. કોઈ પણ અનુભવ વગરની એ જીવતી ક્ષણો જેવું જ પ્રેમનું છે. એ જ છે, એટલું જ છે, એવું પણ નહીં. એની ઉપર પણ કશુંક હોઈ શકે. એટલે જ પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી.
હવે પ્રેમ વિષે જ આટલી અસ્પષ્ટતા હોય ત્યાં પંદર-સત્તર વર્ષનાં યવક-યુવતી પ્રેમમાં પડે ને પ્રેમને નામે જે સમજે છે એમાં સાચું શું ને કેટલું હોય તે સમજી શકાય એમ છે. છે તે પ્રેમ જ છે. હોય તો ય એમાં કચાશ હોઈ શકે છે. એની ય મજા છે. મજા એટલે કે એટલી તાજગી બીજે ક્યાં હોવાની હતી? એ જે છે તેને કોઈ રોકી શકતું નથી. રોકો તો રોકાય જ એની પણ કોઈ ખાતરી નથી. વધુ દબાણ કરવામાં અકુદરતી મૃત્યુનો સામનો કરવાનો પણ આવે છે. એને માટે આપણી સમજ ને આપણો સમાજ જવાબદાર છે. આપણે ખુલ્લા હોવાના ભ્રમમાં, બોલ્ડ અને સ્વતંત્ર હોવાના ખ્યાલમાં, પ્રાઈવસી જાળવવાના લોભમાં કાચી ઉંમરનાં સંતાનોને પરાણે, કહેવાતા પ્રેમના પિંજરામાં ધકેલીએ છીએ. ડેટિંગ એકબીજાને સમજવા માટેની વ્યવસ્થા છે, પણ ડેટિંગનો અર્થ જ લગભગ ભોગવવામાં ફેરવાયો છે. ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની આજની સગવડે કાચી ઉંમરે શરીર સંબંધની સગવડ પૂરી પાડી છે એવું ખરું કે કેમ? હવે તો માબાપો જ સંતાનો સંદર્ભે આંખ આડા કાન કરતાં થયાં છે. એ સારું છે કે ખરાબ તે તો તેઓ જાણે, પણ આમાં પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું થયું જ નથી એવું કહી શકાશે નહીં.
એક તરફ બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની તકો છે, બીજી તરફ જૂનવાણી વિચારોમાં બહુ ફેર પડ્યો નથી. સાચું તો એ છે કે આપણે સૌથી વધુ અપ્રમાણિક પ્રેમને મામલે છીએ. હજી આપણે જ્ઞાતિ-જાતિનાં વાડામાં રહીને જ પ્રેમને મૂલવીએ છીએ. પ્રેમ તો માબાપ પરણાવે તો જ ને ત્યાં જ થાય એવું હજી ચાલે છે. એની બહાર પ્રેમ થતો જ નથી એવું આપણને ઠસી ગયું છે, જ્યારે હકીકત એ છે કે પ્રેમ એવી શુદ્ધ લાગણી છે, જે કોઈ પણ જ્ઞાતિ-જાતિ-સમાજને જોયા વગર પ્રગટે છે. પ્રેમ તૈયાર કરાવાતો નથી. ઇચ્છિત લગ્ન શક્ય ન બનતાં સંતાનો આપઘાત કરે છે, એમાં માબાપ જવાબદાર નથી, એમ કહી શકાશે નહીં. એક તરફ છોકરાંઓને પ્રાઈવસી શીખવાય છે ને બીજી તરફ જડતાપૂર્વક સંતાનોને લગ્નમાં જોતરાય છે. આમાં બંને સાચાં તો કેવી રીતે હોય?
આપણી પ્રાઈવસી બધી રીતે ઉઘાડી પડી ગઈ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 19 માર્ચ 2023