Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અમર’ પાલનપુરી : પરંપરાના એક માત્ર હયાત ગુજરાતી શાયર

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|13 March 2023

બોલાવ જા ‘અમર’ને,

મરવાની વાત છે.

રવીન્દ્ર પારેખ

અમર પાલનપુરીની ત્રણ શે’રની ગઝલનો આ મત્લા છે. નામ અમર છે, એટલે ક્યાં ય પણ મરવાની વાત હોય તો તેડું ‘અમર’ને મોકલાય છે. એ તો ‘અમર’ છે, એને શું થવાનું છે? ટીકા કરવી છે? તો, અમરની જ થાયને ! ટીકા ખમી શકે એવો ખમતીધર બીજો આસામી હોવો પણ જોઈએને ! નામમાં, બદનામમાં બધાંમાં એ જ કામ લાગશે. એ જ ઘસાઈ છૂટશે. એ જ ખર્ચાઈ શકશે એમ ‘અમર’ પાલનપુરી માટે મનાતું આવ્યું છે. કોઈ સંગીતકારને બોલાવવો છે, અમરભાઈને કહો. કોઈ શાયરને લાવવો છે, અમરભાઈ લાવી શકશે. કોઈનું સન્માન કરવું છે – ‘અમર’ પાલનપુરી કરશે. એકાદ સંગીત સંસ્થા સ્થાપવી છે, અમરભાઈ સ્થાપી શકશે. ટૂંકમાં, અમર પાલનપુરી સંસ્થા થયા ને ‘સપ્તર્ષિ’ સંસ્થા સ્થાપી પણ ! એટલે જ જ્યાં મરવા જેવી મહેનત હતી, ત્યાં અમરને બોલાવાયા.

ગુજરાત પાસે અત્યારે પરંપરાનો ૮૮ વર્ષનો આ એક માત્ર શાયર છે. ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓએ એમનું ઉચિત સન્માન કરવું જોઈએ ને ‘વલી‘ ગુજરાતી એવોર્ડ કે નરસિંહ મહેતા પુરસ્કાર કે ગુજરાત ગૌરવ પુરસ્કાર જેવો કોઈ પુરસ્કાર એનાયત કરવો જોઈએ. અમરભાઈને હજી પણ ‘બાબુભાઇ’ સમજવામાં ભૂલ જ થશે. એ ખરું કે એમનું ઘરેલું નામ બાબુભાઈ છે …

‘અમર’ પાલનપુરીનો જન્મ પાલનપુરમાં. એક સપ્ટેમ્બર, 1935ને રોજ. માતાનું નામ તારાબહેન અને પિતાનું નામ મણિલાલ લલ્લુભાઈ મહેતા. જન્મનું નામ પ્રવીણ, એ પ્રાવીણ્ય હીરાના વ્યવસાયમાં નિખર્યું, પણ એ માત્ર હીરાના વ્યવસાયી હોત તો મારા જેવાને કોઈ કારણ ન હતું અહીં લખવાનું, પણ મને રસ છે એમના શે’રમાં, એમનાં જીવન સંઘર્ષમાં ને એમાંથી ઉપર ઊઠીને જીવનના છેલ્લા પડાવ પર આનંદથી ટકી રહેવામાં. અમરનું શાલેય જીવન પાલનપુરમાં

‘અમર’ પાલનપુરી

વીત્યું. એમના શિક્ષક હતા જાણીતા શાયર, ‘શૂન્ય’ પાલનપુરી. ગઝલ જ્ઞાન ને ‘અમર’ નામ મળ્યું, ‘શૂન્ય’ પાલનપુરી તરફથી. કમાલ છેને ! ‘અમર’ થવા શરૂ પણ ‘શૂન્ય’થી કરવું પડ્યું. એ પછી અમરભાઈ મુંબઈ વસ્યા. અહીં નાટ્યપ્રવૃત્તિઓ સાથે સંકળાવાનું બન્યું. અભિનય પણ કર્યો. સાંસારિક સંઘર્ષો વચ્ચે સ્થાયી થવાનું સૂરતમાં આવ્યું. સન્માન નિમિત્તે ‘ગાલિબ’ સાથે સંકળાવાનું ય બન્યું. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનોએ ૨૦૦૪ના ગાલિબ એવોર્ડની નવાજેશ કરી અમરભાઈને ઉચિત ગૌરવ બક્ષ્યું. બે સંગ્રહો ‘ઉઝરડા’ અને ‘રૂઝ’ અમરભાઈએ આપ્યા છે ને તેમની ગઝલો તેમણે તો તરન્નુમમાં રજૂ કરીને દાદ મેળવી જ છે, પણ જાણીતા સંગીતકારોની બંદિશમાં જાણીતા કંઠે ગવાઈ પણ છે. ‘અમર’ પાલનપુરી શાહી ઠાઠથી રહ્યા છે, પણ ગૃહસ્થ જીવને તેમની આકરી કસોટીઓ પણ કરી છે. એ રીતે તેમના પહેલા ગઝલ સંગ્રહનું નામ ‘ઉઝરડા’ સૂચક પણ છે. એમના બીજા ગઝલ સંગ્રહ ‘રૂઝ’માં તેમણે નોંધ્યું પણ છે, ’એવું નથી આજે પણ ઉઝરડા નથી પડતા .., જ્યાં સુધી ચેતના રહેશે ત્યાં સુધી વેદના રહેવાની જ.’ આ સમજે એમને સ્વસ્થ રાખ્યા છે. એ સમજે જ ‘રૂઝ’નું કામ પણ કર્યું છે. એમાં મીનુબહેન તો એમના શ્વાસ થઈને રહ્યાં છે, તે ત્યાં સુધી કે 2006ની ભયંકર રેલમાં ઘરવખરીની સાથે ‘રૂઝ’નું મેટર પણ તણાયું, પણ રેલ સ્મૃતિને તાણી ન શકી. મીનુબહેને તેમની સ્મૃતિમાં સચવાયેલી ‘અમર’ ગઝલોનું પુન: સ્મરણ કરી તેને કાગળો પર અવતારી. એ અવતરણની સાથે ગઝલોનો જ નહીં, અમરભાઇનો પણ પુનર્જન્મ થયો. ‘અમર હમણાં જ સૂતો છે..’ને નવચેતન એ રીતે મીનુબહેને પૂરું પાડ્યું. અમરભાઈની સમગ્ર ગઝલ પ્રવૃત્તિની દિશા ‘ઉઝરડા’થી રૂઝ’ તરફની સાંકેતિક રીતે પણ પમાય એમ છે. ‘ઉઝરડા’થી ‘રૂઝ’ સુધી આવતામાં ચમત્કાર એ થાય છે કે બહારનું જગત અનુભવતો શાયર પોતાની તરફ વળે છે. અહીં પણ બધું પ્રગટ, બોલકું, રાગાવેગવાળું છે જ, પણ બહાર ઉઘડતી આંખો ભીતર ખૂલવા કરે છે એટલે ક્યારેક વેદના વેદમાં પરિણમતી પણ અનુભવાય છે.

જો તું નથી,

તો હું નથી;

જો તું જ છે,

તો શું નથી..?

તું (ઈશ્વર/પ્રેમ) નથી તો હું (કવિ) નથી, હોય તો અર્થ નથી. પણ તું છે, ‘તું જ છે’, તો ‘શું નથી?’ એવો સવાલ કરીને બધું જ છે-નો જે જવાબ આપ્યો છે એ કાબિલે તારીફ છે. ‘જો તું જ છે’, તો હું હોઉં કે ન હોઉં, કોઈ ફરક પડતો નથી, એ વાત કવિએ મુખર થયા વગર કહી છે, પણ તું જ હોય તો બધું જ છે ને એ બધું-માં ‘હું’પણ છે, એવો સૂર પણ સાંભળનારને સંભળાશે. એ રીતે આ પંક્તિઓ ગહન ચિંતનનો પડઘો પાડે છે.

ઊંધા હાથે સાધુ ભાસે,

સીધા હાથે માંગણ લાગે.

હાથની બે મુદ્રા ગઝલનો શે’ર નિપજાવે એવો મારી જાણમાં તો આ એક જ દાખલો છે. હાથ ઊંધો હોય તો સાધુના આશીર્વાદની મુદ્રા રચાય, પણ એ સીધો લંબાય તો કોઈ માંગનારનો હાથ લાગે. આટલા ઓછા શબ્દમાં વૈરાગ અને રાગનું મનોરમ દૃશ્ય ભાવકને અનુભવાશે.

આમ જોવા જઈએ તો જિંદગી ભોંયથી ભીંત સુધીમાં જ પૂરી થતી હોય છે. ભોંય પર હોઈએ તો જિંદગી આખી દોડાદોડ થતી રહે ને છેલ્લે ભીંત પર હાર ચડાવેલો ફોટો થઈને જ રહી જવાતું હોય છે. એ વાત ગઝલના શે’રમાં ઝીણવટથી અમરભાઈએ આમ મૂકી છે :

લો, ભોંયથી ઊઠી ‘અમર’,

ભીંતે જડાયા આપણે !   

તેમનાં નિવાસ સ્થાન ‘બેલા’માં નૌશાદ, ગુલામ અલીથી માંડીને અનેક ગાયકો, કલાકારો, શાયરો આવી ગયા છે ને તેમને અમરભાઈ તથા મીનુબહેનનાં ભરપૂર આતિથ્યનો લાભ પણ મળ્યો છે. ‘સપ્તર્ષિ’ને તખ્તે તેમની વૈશ્વિક કલાનું તેજ આજે પણ એવું જ ઝળહળે છે. અમરભાઈ નસીબદાર એ રીતે પણ છે કે તેમને અમીન આઝાદ, રતિલાલ ‘અનિલ’. ‘ઘાયલ’, ભગવતીકુમાર શર્મા, મનહરલાલ ચોક્સીથી લઈને નયન દેસાઇ, મુકુલ ચોક્સી ને વિપુલ માંગરોલિયા સુધીના અનેક ગઝલકારોની એકથી વધુ પેઢીની ગઝલો સાથે પનારો પડ્યો છે અને એ રીતે ગઝલનાં બદલાતાં રૂપરંગને જાણવા-માણવાનું પણ બન્યું છે ને એ બધાંમાં પોતાનું સ્થાન નક્કી કરવાની તકો પણ સાંપડી છે.

વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જેવા પંડિત યુગના સાક્ષર એમને ‘ઉઝરડા’ સંદર્ભે શુભેચ્છા પાઠવતા કહે છે, ‘ આ ઉઝરડા નથી, ચાતુરી છે. ક્યાં ય કાપો કે ઘા દેખાય છે? કવિતાકળાનું હાર્દ જ આ છે કે લાગણીના આવેગને કે જોસ્સાને લયબદ્ધ વાણીમાં પ્રગટ કરી આસ્વાદની પ્રસન્નતામાં ફેરવી નાખે છે.’ એક તરફ વિષ્ણુભાઈ અને રતિલાલ ‘અનિલ’ ગઝલને મામલે સામસામે આવી ગયા હોય અને ગઝલ પર ‘સભારંજની’નું આળ આવ્યું હોય ત્યારે ત્રિવેદી સાહેબ જેવા દુરારાધ્ય વિવેચક અમરભાઈના સંગ્રહમાં ‘આત્માનો ઉદ્ગાર’ જુએ એ ઘટના જ આનંદપ્રદ છે. અમીન આઝાદે અમરભાઈના ‘ઉઝરડા’ વિષે ઉચિત રીતે જ નોંધ્યું છે, ‘ઊર્મિના ક્ષેત્રે લાગણીઓના ઉઝરડા, ઘસરકાઓની લઝઝત કંઈ અનેરી હોય છે અને તે ‘અમર’ને સ્પર્શી ગઈ છે. તીવ્ર સંવેદનનું એ માધુર્ય પોતાનાં કાવ્યોમાં એમણે હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કર્યું છે.’ અમીન આઝાદની જેમ જ અમૃત ઘાયલે પણ અમરભાઈને મુશાયરાઓમાં ગઝલોને ઠાઠથી પ્રસ્તુત કરતાં જોયા છે. એટલે જ શુભેચ્છા આપતા કહે છે, ‘તમારા ‘ઉઝરડા’ આ અલગારી મસ્તોની મહેફિલમાં ઠાઠથી પ્રવેશો.’ રતિલાલ ‘અનિલ’ મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના અને મુશાયરા પ્રવૃત્તિના શરૂઆતના સાક્ષી. એ ગઝલનાં સ્વરૂપને જાણે-નાણે. એમણે ‘ઉઝરડા’માં નોંધ્યું છે, ‘સૂનાં મકાન છે’ (પૃ.૫૫)’ ‘અમર’ હમણાં જ સૂતો છે’ (પૃ.૧૪૭) કવિની ખૂબ જાણીતી રચનાઓ છે. મધ્યમ લાંબી બહેરની રચનાઓમાં તે મોખરે છે. ગઝલનો પ્રત્યેક શે’ર સ્વતંત્ર હોવા છતાં ગઝલમાં ભાવ, રસ અને ધ્વનિનું સાતત્ય શી રીતે આવે છે એ દૃષ્ટિએ આ રચનાઓ તપાસવા જેવી છે.’ અનિલે તો ‘રૂઝ’ની પ્રસ્તાવનામાં પણ ‘ઉઝરડા’ની જેમ જ કવિનો સાદ ‘ઊંચો અને સડેડાટ’ અનુભવતા ઉમેર્યું છે, ‘બંને(સંગ્રહો)માં સમાન, સીધો ભાષાવેગ છે. પ્રતીતિ ગમે તે કરુણ, હર્ષાવેગની હોય-ભાષાવેગ સમાન અનુભવાય છે. એમની ભાષા, વેગીલી અને સોંસરવી રહી છે.’ ‘સફરના સાથી’ પુસ્તકમાં પણ અનિલે અન્ય કવિઓની સાથે ‘અમર’ પાલનપુરીને સ્થાન આપીને તેમનું માન જાળવ્યું છે. જલન માતરીએ પણ એમને ‘ટૂંકી બહેરનો બાદશાહ’ કહી ‘પ્રથમ હરોળ’ના શાયર તરીકે મન મૂકીને નવાજ્યા છે. અમરભાઈને ભગવતીકુમાર શર્મા, ચિનુ મોદી જેવા અનેક ગુજરાતી કવિ, લેખકોનો સદ્દભાવ અને પ્રેમ મળ્યો છે. તેનું કારણ પણ છે. ‘સપ્તર્ષિ’ને ઉપક્રમે મુશાયરો હોય, ગુજરાતી, ઉર્દૂ શાયરો મંચ પરથી રજૂ થતા હોય, તેમનું સન્માન પ્રમુખ તરીકે ‘અમર’ પાલનપુરી કરતાં હોય ને આખા મંચે મન મૂકીને એમની ગઝલ રજૂ કરવા આગ્રહ કર્યો હોય, પણ અમરભાઈ સૌનું માન રાખવા એકબે શે’ર કહીને ખસી ગયા હોય. આ વિવેક એ કદી ચૂક્યા નથી, બાકી પોતાની સંસ્થામાં વરઘોડે ચડનારાઓની ભીડ ઓછી નથી હોતી. એ જ કારણ છે કે ‘સપ્તર્ષિ’એ વર્ષો વીતવા છતાં નવો પ્રમુખ શોધવો નથી પડ્યો.

પણ, અમરભાઈની ભાવકને ગરજ એટલે છે કે એ શાયર છે. વ્યવસાય હીરાનો કર્યો, પણ પહેલ શે’ર પર પાડ્યા. અમરભાઈએ છૂટા શે’ર, મુક્તકો, ગઝલો, ગીતો, હાઇકુ, દુહા, અછાંદસ પર હાથ અજમાવ્યો છે, પણ મોટે ભાગે એમણે ગઝલો લખી છે ને અહીં ગઝલો વિષે જ વાત કરવી છે. તેમાં પણ ટૂંકી બહેરની ગઝલોમાં અને લાંબી રદીફમાં જે નોંધપાત્ર કામ થયું છે તેની વાત કરવી છે. ટૂંકી બહેરની ગઝલોમાં પણ બધા જ ગુરુ હોય કે ગાલગાગા-ના બે’ક ટુકડાઓ જ હોય એવી ગઝલ વધુ સોંસરી જતી અનુભવાઈ છે.

સમજુ હો તો પાછો ફર !

ધરતીનો છેડો છે ઘર.

કોઈ ઘર છોડીને જઇ રહ્યું હોય તેને આદેશાત્મક સ્વરે અમરભાઈ કહે છે કે જરા પણ સમજ હોય તો પાછો ફર, કારણ, તારો નિર્ણય સાચો હોય તો પણ તારે પાછા તો આવવું જ પડવાનું છે, કેમ? તો કે, ધરતીનો છેડો છે ઘર.

લીલું-પીળું થૈ ગયું;

શી મજલ ખેડી હશે?

જે લીલાશ હતી એને પાનખર બેઠી. જાણે યૌવન, વૃદ્ધત્વ સુધી આવી ગયું. એવી તે કેવી કષ્ટદાયક રહી હશે મજલ કે લીલાશ પાનખરમાં પરિણમી? અહીં એક પણ શબ્દ વધારાનો નથી. કેવળ જરૂરી શબ્દોમાં જ  જિંદગીનો લાંબો પટ સર થતો ભાવક અનુભવે છે.

‘શૂન્ય’ને ગુરુપદે સ્થાપવાની એક પણ તક અમરભાઈ ચૂક્યા નથી. ઉદાહરણ રૂપે માત્ર એક જ મુક્તક, અહીં મૂકું છું:

રૂપના ઘેલા છીએ,

‘શૂન્ય’ના ચેલા છીએ,

વેરમાં પાછળ હશું;

પ્રેમમાં પ્હેલા છીએ.  

શૂન્ય પાલનપુરી પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરીને શાયર અટકી ન જતાં, વેર વાળવા કરતાં, પ્રેમ પ્રગટ કરવામાં મોખરે છે એ વાત માર્મિકતાથી કહી દે છે.

પોતાનો ઉપહાસ કરીને પણ શાયરે આવો ચોટદાર શે’ર આપ્યો છે:

રાખ્યું નામ ‘અમર’ એથી શું?

કોને છોડ્યો મોતના ભરડે?

‘અમર’ નામ રાખી દેવાથી અમર થવાતું નથી, મોત તો કોઈ નામઠામ નથી જાણતું, એ તો કોઈને પણ ઊંડળમાં લે જ છે.

જે સમયમાં અમરભાઈ ગઝલમાં સક્રિય થયા એ સમય શરાબ-સાકી, શમા-પરવાના, મિત્ર-શત્રુ, ફૂલ-કાંટા પર શે’ર કરવાનો હતો. આ શાયર પણ એમાંથી બાકાત નથી, એમ છતાં શાયર સારો હોય તો ચવાયેલા પ્રતીકોમાંથી પણ પોતીકો અવાજ પ્રગટ કરતો હોય છે. એવો અવાજ અહીં પ્રગટે છે. શ્વાસનો ધૂપ ને આંખના દીવા થાય તો યાદો મંત્ર ભણતા હોઇએ એમ જ આવેને !

બાળે છે શ્વાસ ધૂપ અને દીપ આંખડી,

લાગે છે દિલમાં યાદના મંત્રો ભણાય છે.

ગઝલની વિશેષતા એ છે કે તેનો પ્રત્યેક શે’ર ગઝલમાં કોઈક રીતે તો ગૂંથાય જ છે ને સ્વતંત્ર રીતે, કોઈ મદદ વગર પણ ટકે છે. શે’રનું ફૂલ જેવું છે. એ હારમાં હોય તો અન્ય ફૂલોની સાથે સૌંદર્ય પ્રગટાવે ને એકલું હોય તો ફૂલ તરીકે પણ મહેકે જ ! એવું ન હોત તો કોઈ શે’ર એકલો આસ્વાદી શકાયો ના હોત. એક શે’ર જોઈએ :

કીધા કબૂલ તો ય સજા ના કરી શક્યા,

નિર્દોષતા છે કેટલી મારા ગુનાહમાં !

ગુનો નિર્દોષ હોય? હોય, જો ગુનો કબૂલવા છતાં કાજીને એ એટલો નાજુક લાગે કે તે સજા કરે તો ગુનો થતો હોય એવું લાગે. એ સમયની ગઝલોનો એક પ્રકારનો દબદબો હતો, પણ એમાં ક્યારેક બડાશ, આપવડાઈ પણ આવી જતી. એવા પ્રભાવથી આ શાયર પણ મુક્ત નથી, પણ બડાશમાં ઊંડે ઊંડે લાચારી પ્રગટે તો? તો વાત બદલાય –

દુનિયાની સર્વે રાહને વાળું હું આ તરફ,

નીકળો જો આવવાને તમે મારા ઘર સુધી.

એક પળ એવું લાગે કે શાયર એવી શક્તિ ધરાવે છે કે દુનિયાના રસ્તા એ પોતાની તરફ વાળી શકે, પણ વાત એટલી જ નથી. માંડ આવનારી પ્રેયસી જો પોતાની તરફ આવવા નીકળે ને ઠેકાણું ન મળે તો પાછી જાય. એ કયો પ્રેમી જીરવી શકે? એટલે તોરમાં પણ આજીજી એવી થાય કે રસ્તાને જ પ્રેમની ઉત્કટતા જોઈને પ્રેમી તરફ વળી જવાનું મન થાય. પ્રેમને લગતા ઘણા શે’ર ‘અમર’ પાલનપુરીએ આપ્યા છે, પણ પ્રેમના પરિણામનો આટલો છેતરામણો ને વેધક શે’ર બીજો મળવો મુશ્કેલ છે :

મહોબતનો અંજામ કોઈ શું કહેશે?

તને પણ ખબર છે, મને પણ ખબર છે.

સાચું તો એ છે કે પ્રેમ ક્ષણિક ને વિરહ ચિરંતન છે. પ્રેમીને આવી પડતી જુદાઇ અસહ્ય જ હોય છે. વિરહમાં રાહ જોવાતી રહે છે ને એને લીધે આંખ લાગતી નથી. લાગી હોત તો એટલો સમય અંધકાર તો જોવાયો હોત, પણ એ ય નસીબમાં નથી. એટલે જ શાયર કહે છે :

લાગી ન આંખ એક ઘડી પણ જુદાઈમાં,

મારા નસીબમાંથી તો અંધકાર પણ ગયો.

આ શે’ર જરા ધ્યાનથી જોઈએ :

દુનિયા કેવી ભિખારણ છે,

કૈંક માંગી જરા જોજો.

આમ મોટી મોટી વાતો મિત્રો, સ્વજનો કરતાં હોય છે, પણ કોઈ પાસે જરૂર પડે ત્યારે થોડું કૈં માંગીએ તો જે બહાનાં આપણાં જ મિત્રો, સ્વજનો કાઢતાં હોય છે, તે શરમાવનારાં હોય છે, ભલું હશે તો એ જ આપણી સામે હાથ લંબાવીને સંકોચમાં નાંખશે. જરા કૈં માંગીએ તો દુનિયા જ યાચક થઈને સામે ઊભી થઈ જશે.

અમરભાઈના ઘણા શે’ર છેતરામણા છે. પહેલી નજરમાં ભાવકને લાગે કે શે’ર સમજાઈ ગયો છે, પણ કોઈ નવું જ અબરખિયું પડ પ્રગટે છે ને નીચેથી જુદું જ અર્થઘટન હાથ લાગે છે. જુઓ :

પેન, લખોટી, પાટી થઈને –

માણસને પણ ઘડતો પથ્થર !

હવે તો એવું રહ્યું નથી, પણ એક સમયે પેન, લખોટી, પાટીથી શિક્ષણની શરૂઆત થતી. એવી સ્લેટ આવતી જેની ઉપરના ભાગે લખોટી જેવા મણકા આવતા જે ખસેડીને ગણતરી શિખાતી. તો, પેનથી સ્લેટ પર એકડો કે ‘ક’ ઘૂંટાવાતો. સ્લેટ પર એકડો ઘૂંટાતો ને એમ ઘૂંટવામાં ચમત્કાર એ થતો કે આંક ઘૂંટવાની સમાંતરે જ ઘૂંટનાર પણ ઘડાતો જતો.

પ્રેમમાં મળવું, આખી જિંદગીનું બળવું થઈ જાય ત્યારે થાય કે એના કરતાં તો ના મળવું જ વધારે સારું છે,  એ વાત છેતરામણી સરળતાથી આમ કહેવાઈ છે :

બળવું મળવું, મળવું બળવું,

એનાં કરતાં તો ના મળવું !

જગતની બધી મુશ્કેલીઓ રાગ-અનુરાગને આભારી છે એ વાત સૂત્રની જેમ મત્લામાં આમ આવી છે :

દિલમાં જેઓ રાગ ન વાવે,

એના ભાગે દુ:ખ ના આવે.

એવું જ ઊંઘનું પણ છે. મનને શાંતિ ન હોય તો આંખો મીંચવાથી પણ ઊંઘ નથી આવતી.

દિલને હોવું ચેન જરૂરી,

આંખો મીંચ્યે ઊંઘ ન આવે.

આમ તો ‘મોત ન આવે’ એ આખી ગઝલ જ સૂત્રાત્મક અભિવ્યક્તિનો ઉત્તમ નમૂનો છે. એમાં મૃત્યુ વિષયક આ મત્લા જુઓ :

ઊઠ અમર, માયા ખંખેરી,

ઘડીએ ઘડીએ મોત ન આવે !

મૃત્યુ એક જ વાર આવે છે, પણ અહીં શાયર, ‘અમર’ને ચેતવે છે કે આળસ/માયા ખંખેરી, ઊભો થા. મૃત્યુ, નસીબદારને જ આવે છે ને તે ય ઘડી ઘડી નથી આવતું. આ તક ચૂકવા જેવી નથી, જો ચૂક્યા તો મોતથી ય બદતર જિંદગી સામે આવશે.

ઘણીવાર એવું બને છે કે માણસ પોતાની મર્યાદા સમજ્યા વગર, ગજા બહારની અપેક્ષા રાખે છે ને ઘાટ ‘લેને ગઈ પૂત તો ખો આઈ ખસમ’ જેવો થાય છે. પણ શાયર એને ગઝલની રીતે માર્મિકતાથી આમ કહે છે :

હાથથી ધરતી ગઈ,

આભને અડવા ગયા.

અમરભાઈએ ‘જરા તો નજીક આવ’, ‘મને એનો રંજ છે’, ‘તને યાદ તો હશે’, ‘અમર હમણાં જ સૂતો છે.’ જેવી લાંબી રદીફમાં પણ સરસ કામ કર્યું છે, તેમાં ‘અમર હમણાં જ સૂતો છે’ એ આખી ગઝલ જ એટલી લોકપ્રિય છે કે અમરભાઈને એની ફરમાઇશ ન થઈ હોય એવો પ્રસંગ ભાગ્યે જ આવ્યો હશે. એ ગઝલ એટલી સરળ છે કે એને વિષે વાત કરીને એને અજાણી કરવા જેવી નથી. તો, ‘કોનું મકાન છે’ એ ગઝલ અભ્યાસુની કસોટી કરે એમ બને. આસ્વાદની રીતે એ ઉત્તમ કૃતિ છે, પણ ગઝલનું સ્વરૂપ એમાં કેટલું સચવાય છે એ પ્રશ્ન અભ્યાસુને મૂંઝવે તો નવાઈ નહીં. એના થોડા શે’ર જોઈએ.

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,

નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી,

પૂછું છું હર મકાન પર : કોનું મકાન છે.’

દિલ જેવી બીજે ક્યાં ય પણ સગવડ નહીં મળે,

આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

એ પછી પણ બીજા ચાર શે’ર છે. જેમાં ‘મકાન છે’ એ રદીફ રહે છે. પણ આગળ કાફિયાનું ધોરણ સચવાતું નથી એટલે આને કેટલી ગઝલ ગણવી એ પ્રશ્ન છે. મત્લા જોઈએ તો ‘સ્થાન’ અને ‘મકાન’ કાફિયા અને ‘છે’ રદીફ બને. એ પછી દરેક શે’રમાં ‘મકાન છે.’ રદીફ તરીકે ચાલે છે ને કાફિયા અનુક્રમે ‘કોનું’, ‘ખાલી’, ‘પરાયું’, ‘એનું’ ‘જૂનું’, ઊંચું’ આવે છે. એટલે કાફિયા પણ કોઈ ચોક્કસ ધોરણ ઊભું થવા દેતા નથી. આમ ખૂબ જાણીતી આ રચનામાં રદીફ કે કાફિયા સ્પષ્ટ નથી, પણ એ એટલી લોકપ્રિય છે કે એનાં તરફ આંગળી ચીંધ્યાનું પુણ્ય જ કમાવાનું રહે. ‘જરા તો નજીક આવ’ રદીફમાં તુંકાર આખી ગઝલમાં છે, પણ આ શે’ર જરા માનવાચક થયો છે, તે પણ નોંધવું જોઈએ.

રહેશો જો આમ દૂર તો અંતર વધી જશે,

રાખીને એ ખ્યાલ, જરા તો નજીક આવ.

બને કે ‘રહેશે’ જ મૂળમાં હોય ને છપાયું ‘રહેશો’ હોય. એ તો શાયર જ કહી શકે. એવી જ મુશ્કેલી બધા ગુરુ નિભાવવામાં ગુરુ વધી જતા થઈ છે.

ગા ગા ગા ગા ગા ગા ગા – આ માપ પસંદ કરીને ‘રઘવાયા છે…’ ગઝલ લખાય છે, પણ નીચેના બે શે’રમાં  ઉપલી પંક્તિઓમાં માપ જળવાયું નથી.

જન્મ્યા છે તે તો મરવાના છે,

તો ય બધા હરખાયા છે.

ટોચે જઈને ચમકે છે એ,

પાયે જે ધરબાયા છે. 

‘દુનિયા નડી છે…’માં છ શે’ર સુધી ગઝલ નભે છે, પણ પછીના બે’શેરમાં ‘સુણાવો’ ચાર વખત આવે છે ને મક્તામાં ફરી મૂળનું કાફિયા, રદીફનું ધોરણ જળવાઈ રહે છે.

સાચું તો એ છે કે પરંપરાનો આ એક જ શાયર અત્યારે ગુજરાતીમાં અને ગુજરાત-મુંબઇમાં છે એનું ગુજરાતે ને મુંબઇએ ગૌરવ લેવું જોઈએ ને ગૌરવ કરવું જોઈએ. ગુજરાત ‘અમર’ પાલનપુરીને પોંખવામાં મોડું ન પડે એટલે જ આટલું કહેવાનું થયું છે. આશા છે ગુણિયલ ગુજરાત પરંપરાના આ શહેનશાહ પ્રત્યેનું તેનું ઋણ અદા કરવામાં પાછી પાની નહીં કરે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 માર્ચ 2023

Loading

13 March 2023 Vipool Kalyani
← બે ગઝલ
તમિલનાડુમાં ફેક ન્યૂઝનું તાંડવ; પિક્ચર અભી બાકી હૈ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved