Opinion Magazine
Number of visits: 9449927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમીન-આંદોલનોનો દાહક દસ્તાવેજ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|2 December 2014

ગુજરાત સરકાર અને ઉદ્યોગગૃહોની સાઠગાંઠથી વિકાસના નામે ખેડૂતવર્ગનો કેવો વિનાશ થઈ રહ્યો છે તેનો આંખે દેખ્યો, પુરાવા સાથેનો, હચમચાવી દેનારો ચિતાર તળપદા કર્મશીલ સાગર રબારીના ‘ગુજરાતમાં ખેતી અને ખેડૂત : ટકી રહેવાની મથામણ’ નામના દસ્તાવેજી પુસ્તકમાંથી મળે છે.

વીતેલા એકાદ દાયકા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ, તેમની જમીન સરકાર થકી ઉદ્યોગોના ભરડામાં ભરખાતી બચાવવા માટે, તંત્રની અમાનુષતા વેઠીને ચલાવેલાં જમીન-આંદોલનો વિશેની ચોંકાવનારી ઢગલાબંધ માહિતી યજ્ઞપ્રકાશને ધૈર્યથી પ્રસિદ્ધ કરેલા પુસ્તકના પહેલાં નવ પ્રકરણોમાં મળે છે. લેખકે નવ જેટલાં આંદોલનોમાં રગેરગ અને લગભગ ક્ષણેક્ષણ જોડાઈને સોંસરી રીતે લખેલા અહેવાલો અહીં છે. તેની સાથે વણાયેલા છે સમગ્ર ખેડૂતજીવનનો સ્વાનુભવ, ઊંડો અભ્યાસ, ભાવુકતા વિનાનું ચિંતન, હાકોટા-પડકારા વિનાની હિંમત, ધોરણસરનો આશાવાદ અને કાર્યકર્તાઓ-સાથીઓ માટે ભારોભાર કૃતજ્ઞતા. બસો બત્રીસ પાનાંના પુસ્તકનાં છેલ્લાં ત્રણ પ્રકરણોમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાત તેમ જ ખેતી માટે આપત્તિજનક દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર (ડી.એમ.આઇ.સી.) સહિત જળ-જંગલ-જમીનની સમસ્યાઓ અંગે લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો છે. પુસ્તકનાં બધાં લખાણો જમીન અધિકાર માટે, ભેખધારી ચુનીભાઈ વૈદ્યની આગેવાની હેઠળ, દાયકાઓથી લડનાર સંગઠન ‘ગુજરાત લોકસમિતિ’ના મુખપત્ર ‘લોકસ્વરાજ’ માં પ્રકાશિત થયેલાં છે.

ઊઘડતા પ્રકરણ ‘જામનગર : રિલાયન્સ’નાં ત્રીસ પાનાં આક્રોશ જન્માવનારાં છે. આ ઉદ્યોગજૂથને રિફાઇનરી માટે જમીન આપવાનો ખાવડી ગામમાં ખેતી પર સુખશાંતિથી જીવતા સત્તર પરિવારોએ ઇન્કાર કર્યો. તેમની જમીન બળપૂર્વક કબજે કરવામાં સરકારી અધિકારીઓ અને પોલીસે આ ભૂમિપુત્રોના જે ભૂંડા હાલ કર્યા છે, તેનું તમામ વિગતો સાથેનું બયાન લેખક આપે છે. તે નોંધે  છે : ‘જમીનનો કબજો લેવાઈ ગયો હતો, છતાં કંપની આગળ ન વધે, નવી જમીનો પર ડોળો ન નાખે એટલે આંદોલન થયું … ગામડાં માટે નખાયેલી પીવાના પાણીની પાઇપો ઉખાડી નાખવી, લાઇટના થાંભલા તોડી નાખવા અને પિયત માટેની નાની કેનાલો પૂરી દેવાં જેવાં અનેક દુષ્કૃત્યો પછી અનેક પરિવારોની હાય લઈને પેટ્રોલિયમ રિફાઇનરી ત્યાં ઊભી છે.’ કંપનીના જુલમો અંગે લેખક મહિતી આપે છે : ‘કંપનીને કારણે આજુબાજુનાં વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે.પન્ના ડેમમાં કંપનીની કોલસી ધોવાઈને આવવાથી ડેમ ભરાતો જાય છે. આજુબાજુનાં ગામોના કૂવાઓનાં પાણીમાં પણ પ્રદૂષણ આવ્યું છે. જૂના રસ્તા બંધ કરી દીધા છે. વીજળીની લાઇનો ઉખાડી નાખી છે અને ગામડામાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા હતી તે પણ બંધ થઈ ગઈ છે … પહેલાં જ્યાં ખેડૂતોની વાડીઓ હતી અને એના માટે સરકારી ચૅકડૅમ બનાવ્યા હતા તે જમીન હવે કંપનીની હદમાં આવી જતાં ત્રણ ચૅકડૅમ કંપનીએ તોડી નાખ્યા છે … કંપનીની સામે અવાજ ઉઠાવનાર આંદોલન યેનકેનપ્રકારેણ તોડી નાખવામાં આવ્યું છે. જીવલેણ હુમલાઓ પણ થયા છે.’ 

સરકારે સોમનાથ પાસેના દરિયાકાંઠાના વડોદરા ઝાલા ગામના ગૌચરની ૬૮૮ એકર જમીનમાંથી ૬૫૦ એકર જમીન લાર્સન ઍન્ડ ટોબ્રો કંપનીને જેટી બનાવવા માટે ફાળવી. સરકારી બાબુઓ પોલીસ સાથે જમીનની માપણી કરવા ગયા. ગામલોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું. મોખરાની બહેનો સહિત દોઢસોએ ધરપકડ વહોરી ત્યારથી લોકસમિતિના મજબૂત ટેકાથી લડત ચાલુ થઈ. ‘કદાચ, પહેલી વાર કંપનીએ સરકાર દ્વારા ફાળવાયેલી જમીન છોડી દીધી. પ્રોજેક્ટ પડતો મૂક્યો. લોકશક્તિનો સીધો વિજય થયો.’

કચ્છમાં અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ માટે સરકારે મુન્દ્રા તાલુકામાં, ૮૮૭૩ દુધાળાં ઢોર ધરાવતાં દસ ગામોની ગોચરની જે ૩૧૯૦ એકર જમીન નજીવા ભાવે આપી, તેનું આખું કોષ્ટક લેખક આપે છે. તેમાંથી ઝરપરા  ગામે વિરોધ કર્યો. ‘અનેક પ્રયત્નો છતાં આજે પણ ગામે ગોચરનું પઝેશન કંપનીને લેવા દીધું નથી’. આગળ ઉપર લેખક નોંધે છે : ‘પૉર્ટથી અદાણીનો વિકાસ થશે એ બેલાશક, પણ આસપાસનાં ગામોનાં ખેડૂતો, માછીમારો, પશુધન પર નભતાં માલધારીઓ તો વિનાશ ભણી ધકેલાશે, એવું નિશ્ચિત દેખાય છે.એટલે જ ગામલોકો વિરોધ કરી રહ્યા છે.’

જાણીતા મહુવા લોકઆંદોલનની આખ ય તવારીખ સહુથી લાંબાં ચાળીસેક પાનાંના પ્રકરણમાં  છે. સભાઓ, ધરણાં, દેખાવ, પદયાત્રા, કૂચ જેવા કાર્યક્રમોનાં વર્ણન છે. લેખકે સમજાવેલી પાયાની હકીકત તો એ છે કે સરકારે નવ ગામની સત્યાવીસ હજાર વીઘાં ફળદ્રુપ જમીન નિરમા કંપનીને સિમેન્ટ-પ્લાન્ટ બનાવવા માટે ફાળવી. કાનૂની આંટીઘૂંટી, કંપનીએ આગેવાનો પર કરાવેલા હુમલા, સરકારી દમન અને અહિંસક વિરોધ કરનાર જનતા પર પોલીસના જુલમોની ઘટનાઓ છે. જેમ કે એક રેલીમાં આંદોલનના દુધેરી ગામનાં વીરાંગના કડવીબહેનને ‘બે પુરુષ પોલીસોએ પકડી રાખ્યાં અને ત્રીજાએ લાઠીઓ મારી … એમના ઘા કમકમા ઉપજાવે તેવા હતા, દવાખાનામાં દાખલ થવું પડ્યું .. પોલીસ પર કોઈ પગલાં લેવાયાં નથી.’ કંપનીએ ભાડૂતી માણસો થકી કરાવેલા હુમલાના અને રાજ્યે પોલીસ થકી આંદોલનના દરેક તબક્કે કરેલા જુલમની યાદી લેખક આપે છે. તે એ પણ નોંધે છે કે ‘નિરમાને મળેલી પર્યાવરણીય મંજૂરી રદ થઈ, કામ રોકાયું. ચિંતા એટલી છે કે (૧) ગુજરાત સરકારે નિરમા કંપનીને ફાળવેલી જમીનનો સોદો રદ નથી કર્યો, જમીન નિરમા પાસે જ છે (૨) સમઢિયાળા બંધારો નોટિફાય નથી કર્યો. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં રખેને વળી પાછું ભૂત ધૂણી ઊઠે !’ 

અલંગ પાસેના મીઠી વીરડી મુકામે અણુવિદ્યુતમથકની યોજના છે. આ વિસ્તાર નંદનવન છે. લોકશાહીમાં લોકોની સંમતિ વિના લેવામાં આવેલા વિવાદાસ્પદ નિર્ણયથી જે ગામના તમામ ખેડૂતોની સમૃદ્ધ જમીન જવાની  છે, તે જસપરાના તમામ ૨૬૮ ખાતેદાર ખેડૂતોએ જમીન નહીં આપવાનાં સોગંદનામાં કર્યાં છે, વિરોધ પ્રદર્શન થતું રહે છે. લેખક જણાવે છે : ‘અણુઊર્જાની ઘેલછામાં સરકાર દેશભરમાં કર્મશીલો સાથે આકરો વ્યવહાર કરી રહી છે, ત્યારે આગળ ઉપર આ લડત કપરી લાગે છે.’

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાંચ હજારની વસ્તી ધરાવતા લવાડ ગામના ‘ગૌચરને સરકારની નજર લાગી’. તેણે રક્ષાશક્તિ યુનિવર્સિટીને ૨૩૫ એકર જમીન ફાળવી. ‘ગામ થયું ગૌચર વિનાનું’. વિરોધ શરૂ થયો. એક વિરોધ કાર્યક્રમમાં ભૂલ થઈ, યુવાનોએ તોડફોડ કરી. સ્વીકાર કરતું અખબારી નિવેદન પણ અપાયું. લેખક નોંધે છે : ‘લવાડનો આ કાર્યક્રમ કેટલીક શિખામણ આપતો ગયો, કેટલુંક શીખવાનું હજુ બાકી છે.’

રાજ્ય સરકારે ઉદ્યોગોને જમીનની લહાણી કરવા સ્પેિશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) ઍક્ટ નામના બિનલોકશાહી ખેડૂતવિરોધી કાયદા હેઠળ ચૌદ વિસ્તારોમાં જમીન-સંપાદનનું આયોજન કર્યું છે. લેખક ‘વિકાસને નામે ગામડાં ઉજાડવાના સરકારી ષડયંત્ર’ એવા જુલમી ધારાની સમજ આપે છે. પછી તે વિરમગામ પંથકના માંડલ-બેચરાજી વિસ્તારનાં ૪૪ ગામોના ‘સર’ સામેના સફળ આંદોલનની તબક્કાવાર માહિતી આપે છે. જો કે ધોલેરા વિસ્તારનાં બાવીસ ગામો સરમાંથી મુક્ત થવા અને નર્મદાનાં પાણી મેળવવા ભાલ બચાઓ સમિતિના નેજા હેઠળ લડી રહ્યાં છે. આ વિસ્તારની જમીનોમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે સરકારે ઊભી કરેલી જમીનની ગુણવત્તાના અભાવ, પર્યાવરણીય મંજૂરી, પાણીની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવી ભ્રમજાળનો લેખક મુદ્દાસર પર્દાફાશ કરે છે. બહારથી ધોલેરાની છાપ ખારાપાટ ઉજ્જડ વિસ્તારની. જ્યાં સુધી અંદરથી જોઈએ – સમજીએ નહીં. ત્યાં સુધી ખબર ન પડે કે આ ખારો પાટ નહીં પણ કુદરતની મહેરથી સમૃદ્ધ વિસ્તાર છે. સરસ ઘઉં, જીરુ, ચણા અને શાકભાજી પાકે છે. દસમી જાન્યુઆરીએ ધોલેરા ‘સર’ના ખેડૂતોએ અમદાવાદમાં અખબારી પ્રતિનિધિઓને સંબોધન કર્યું. ‘એમની જમીન, ઉપજ અને સરકાર દ્વારા ચલાવાઈ રહેલાં જૂઠાણાંની વાતો સાંભળી પ્રેસના મિત્રો દંગ રહી ગયા !’ 

સાંથણીની જમીન માટેની ચળવળ વિશેના નવમા પ્રકરણમાં લેખક માહિતી આપે છે કે ભૂમિહીનોને જમીન આપવાની સાંથણીની નીતિ નિષ્ફળ ગઈ હોવાની સરકારે જાહેરાત કરી. તેની સામે ગુજરાત લોકસમિતિના નેજા હેઠળ અનેક સંસ્થાઓએ ઉપાડેલી લડત  મે-૨૦૦૫માં સફળ થઈ અને સાતેક હજાર પરિવારોને વીસેક હજાર એકર જમીન ફાળવવામાં આવી. લેખક નોંધે છેઃ ‘એ મેળવવામાં કેવી અડચણો આજે પણ નડી રહી છે, તે જાણવું ખૂબ પીડાકારક છે. એ આખું કામ પૂરું થયું નથી. આદરણીય ચુનીભાઈ વૈદ્ય સત્તાણું વર્ષની વયે પણ એ લાભાર્થીઓ માટે અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.’ સાગરભાઈ રબારી ચુનીકાકાની તાલીમમાં તૈયાર થયેલા છે. 

‘ખેડૂતો’ નામના દસમા પ્રકરણની પ્રાસ્તાવિક નોંધમાં સાગરભાઈ લખે છે : ‘દાયકાઓથી અન્યાયનો ભોગ બનેલા ખેડૂત, આદિવાસી, દલિત, માલધારીઓને ન્યાયની આશા જગવતો નવો જમીન-સંપાદન કાયદો ૨૦૧૩માં બન્યો, એ પણ ઉદ્યોગ જગતથી ન ખમાયો. મૂડીના જોરે બળવાન આ બોલકો વર્ગ એમાં પણ  સરકાર  પાસે ધાર્યા ફેરફાર કરાવવા જઈ રહ્યો છે.’

ડી.એમ.આઇ.સી. અંગે લેખક માહિતી આપે છે કે તેનો ૩૮% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. તેમાં ગુજરાતની સાત હજાર હેક્ટર જમીન જશે. લેખક આ સંદર્ભે મહત્ત્વનો સવાલ કરે છે : ‘આ ઉપરાંત હાલના હયાત ઉદ્યોગો, સેઝને નામે ૨૦૦૫ પછી ઉદ્યોગોને આડેધડ ફાળવાયેલી હજારો એકર જમીનો, નવા મંજૂર થયેલા સેઝમાં અપાયેલી જમીનોનો સરવાળો કરીએ, તો સવાલ થાય કે ગુજરાતમાં ખેતી માટે કોઈ જમીન બચશે ખરી ? વળી, પાયાની વાત એ છે કે આ બધા ઉદ્યોગો ફળદ્રૂપ ખેતીલાયક જમીનોમાં જ આવી રહ્યા છે ! કચ્છના રણનો વિસ્તાર અને દરિયાકાંઠે આગળ વધતી ખારાશનો વિસ્તાર, રક્ષિત જંગલો અને પર્વતીય વિસ્તાર એ બધું બાદ કરીએ, એમાંથી ઉદ્યોગોએ પડાવેલી જમીનો બાદ કરીએ, તો ગુજરાતમાં ખેતીલાયક જમીન કેટલી બચશે ?’ જૂનાગઢ જિલ્લાના ભીમદેવળ ગામની પંચાયતે વડી અદાલતમાં અરજી કરી છે કે ગામના ગૌચરની જમીન ગુજરાત હેવી કૅમિકલ્સને ફાળવી દેવામાં આવી છે. ખેડૂતોની ઘટતી સંખ્યા, જમીન-સંપાદન અને પાણીની ખેંચ, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (કાડા) અને ગરુડેશ્વર વિઅરને કારણે થનારું વિસ્થાપન જેવા મુદ્દા વિશે પણ વાંચવા મળે છે.

‘વિકાસ : ચહેરો રૂપાળો ને વાંસો વિકરાળ’ પ્રકરણમાં ભૂકંપ પછી કચ્છના પુનર્વસનની સરકારની યોજનાઓના ભાગ રૂપે કચ્છમાં જમીન મેળવીને આવેલા ઉદ્યોગોની અપાર વિપરીત અસર વિશેની વિગતો છે. આ વિગતો પર્યાવરણસુરક્ષા સમિતિની ટુકડીએ કચ્છની જાતમુલાકાત દ્વારા મેળવી છે. ખાવડા, પાન્ધ્રો, જખૌ, ભદ્રેશ્વર અને મુન્દ્રા પાસે સમાગોગા ગામોમાં જળ-જમીન-વાયુ-પ્રદૂષણ અને બેરોજગારી જેવી સમસ્યાઓ ખડકાઈ છે. અદાણીએ બેથી બાર ફૂટ ઊંચાઈનાં અઢીસોથી ત્રણસો વર્ષ જૂનાં ચેરિયાં – એશિયામાં ક્યાં ય નથી કપાયાં એટલાં – સાડા ત્રણ કરોડ કાપ્યાં છે ! શબ્દશઃ વાંચવા જેવા પ્રકરણને અંતે લેખક કહે છે : ‘આ ઉદ્યોગોનો ખેલ છે – નકશા પર ચહેરો રૂપાળો બતાવે છે પણ વાંસો તો પ્રદૂષણ અને બેરોજગારીથી વિકરાળ છે.’ અગિયારમા પ્રકરણમાં જમીન – આંદોલનનાં કામોમાં લેખકે કરેલા અનેક પ્રવાસોની માહિતી છે.

પુસ્તકના છેલ્લા પ્રકરણ ‘કાયદાની ભ્રમજાળ’માં કેન્દ્ર સરકારના જમીન અધિગ્રહણ વખતે યોગ્ય વળતરનો અધિકાર અને પુનર્વસવાટ અને પુનઃસ્થાપનનો કાયદો – ૨૦૧૩’ અને તેને લગતાં આપણાં સૂચનો વિશે વાંચવા મળે છે. તદુપરાંત સર ઍક્ટની  સમજ  આપવામાં આવી છે. તે  આ પુસ્તકની પુરવણી જેવી બત્રીસ પાનાંની પુસ્તિકા ‘ગુજરાત સરકારના કાયદા અને ગામડાં’માં પણ છે. સાથે તેમાં ‘ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલવ્યવસ્થા વિધેયક’ની સમજૂતી છે. પુસ્તિકાના પહેલા પ્રકરણ ‘ખેડૂતો સાબદા રે’જો … નહીંતર જમીન ગુમાવવા તૈયાર રહેજો’માં ખેડૂતોને થોડોક ન્યાય મળી રહે તેવા જમીન-સંપાદન કાયદામાં બહુ ઝડપથી આવી રહેલા ખેડૂત વિરોધી ફેરફાર અંગે લેખકે ચેતવણી આપી છે. અન્ય એક નોંધમાં સરકારે ૭૦૩૭૧ હૅક્ટર જમીનને નર્મદા યોજનાના પાણીમાંથી બાકાત રાખીને કરેલા વચનભંગની સાફ વાત છે. સર અને સિંચાઈને લગતા કાયદા વાંચીને વિશ્વાસ નથી આવતો કે લોકશાહી દેશના રાજ્યે ઘડેલા આ કાયદા છે.

આ લેખ પુસ્તકની માત્ર એક અસ્વસ્થકારક ઝલક જ છે. પુસ્તકની મહત્તા અહીં સૂચવાઈ છે, તેનાથી ઘણી વધુ છે. સાગર રબારીનું આ પુસ્તક મોટા ભાગના લોકો જેને વિકાસ માને છે, તે કોને ભોગે અને કોને માટે થઈ રહ્યો છે, તેનો સામાન્ય નાગરિકને સમજાય તેવી ભાષામાં આપેલો લાજવાબ જવાબ છે. ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા સહુને આ પુસ્તકમાંથી પસાર થવા નમ્ર અરજ છે. ગુજરાતીમાં તેનો બહોળો  ફેલાવો થાય, એટલું જ નહીં પણ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ થાય, તો કર્મશીલ લેખકની મહેનત અને નિસબતનાં પરિણામ અનેક લોકો સુધી પહોંચે.

૬ નવેમ્બર, ૨૦૧૪      

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 12-14

Loading

2 December 2014 admin
← ગુજરાતી કવિતા
સિતારાદેવી રોકસ્ટાર ફ્રી સ્પિરિટ બોલ્ડ – કથકસમ્રાજ્ઞી : સિતારાદેવી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved