મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અનેઆફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે, મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે
છેલ્લા કેટલાક દિવસોથી ‘મિલેટ્સ’ (Millets) ચર્ચાનો વિષય બન્યા છે. યુનાઇટે નેશન્સે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ જાહેર કર્યું છે અને આ કરવા માટેનું સૂચન ભારતીય સરકારે યુ.એન.ને 2019માં કર્યું હતું. મિલેટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર જેટલું થઇ શકે અને જેવું થઇ શકે તેવું બનતું બધું જ કરી રહી છે. વડા પ્રધાને કેટલાક સાંસદો સાથે મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓની મિજબાની પણ કરી. જ્યારે 1લી ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે મિલેટને એક ઉમદા ખોરાક ગણાવ્યાં અને તરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ટેબલ પર થાપ આપી વધાવી લીધી અને બીજા સાંસદોએ પણ એ ઉત્સાહને ટેકો આપ્યો. ભારતે છેલ્લા કેટલાક વખતથી મિલેટ્સનો પ્રચાર પ્રસાર કરવાનું બીડું ઝડપ્યું છે. વિદેશમાં પણ ભારતીય મિલેટ્સની લોકપ્રિયતા વધારવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તાતા અને આઇ.ટી.સી. જેવી મોટી કોર્પોરેટ્સ પણ મિલેટ્સ સંબંધિત પ્રોડક્ટ્સ બનાવવામાં હોંશે હોંશે પોતાનું યોગદાન આપી રહી છે.
મિલેટને હિંદીમાં મોટું અનાજ કહેવાય છે અને ગુજરાતીમાં બરછટ અનાજ – મિલેટ્સ એટલે શું એ સવાલ બાજરી અને જુવાર જમનારા આપણને આમ તો ન જ થાય, પણ ભારતમાં દસ જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે. મિલેટ્સ એટલે નાના દાણાનું જૂથ, આમ તો બીજ જે ઘાસ જેવી ડૂંડીમાં ઊગે અને મોટે ભાગે ગરમ દેશો અને ઓછી રસાળ-ફળદ્રુપ જમીનમાં મિલેટ્સની ખેતી થતી હોય છે. મુખ્ય અનાજ જેમ કે ઘઉં કે ચોખાથી તેનો દાણો નાનો હોય છે. મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અને આફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે. મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે. જે મિલેટ્સ હડપ્પાની સંસ્કૃતિમાં હોવાના પુરાવા મળ્યા છે તે અંગે આટલો શોર-બકોર કેમ? વળી આજકાલ સુપરફૂડ્ઝનું લેબલ જેની સાથે જોડાઇ ગયું છે એવા આ મિલેટ્સ કંઇ આપણને અચાનક જ પ્રાપ્ત થયા છે એમ નથી. તો પછી એવું તો શું થયું જેનાથી અચાનક જ ગરીબની થાળીની શોભા ગણાતા, જુવાર, બાજરી, નાચણી કે કાંગને આગળ કરવામાં આવ્યા?
ભારતમાં તો આ ધાન પહેલાં પણ પ્રચલિત હતા જ, વૈદિક કાળમાં લખાયેલ યજુર્વેદમાં પણ આ ધાનનો ઉલ્લેખ છે. જો એમ હોય તો આ ઘઉં અને ચોખાનું મહત્ત્વ આટલું બધું કેવી રીતે વધી ગયું? આ શરૂઆત થઇ અંગ્રેજોના વખતમાં. બ્રિટિશ રાજ હતું ત્યારે મિલેટ્સ ભારતનો મુખ્ય આહાર હતો પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોને તો શેરડી અને કપાસના પાકમાં રસ હોત અને માટે જ બાજરી અને જુવાર જેવા મિલેટ્સનો પાક લેવાની વાત અભેરાઈએ ચઢી ગઇ. જો કે સ્વતંત્રતા પછી મિલેટ્સને પાછી અગત્યતા તરત મળી ગઇ, તેમ નહોતું થયું કારણે ૫૦ના દાયકા પછી રાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાના પ્રશ્નો હતા. અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યાં સુધીમાં ચોખા અને ઘઉં ભારતીયોનો મુખ્ય ખોરાક બની ગયા હતા પણ તેની અછત પણ એટલી જ હતી. આ અછત લાંબી ચાલી, જ્યાં સુધી હરિયાળી ક્રાંતિનું હળ ન ફર્યું ત્યાં સુધી અને ત્યાર બાદ સિંચાઇની સારી સવલતો, ખેતીની નવી પદ્ધતિઓ અને બહેતર ગુણવત્તા વાળું બિયારણ વપરાતું થયું. હરિયાળી ક્રાંતિને પગલે ભારત આખરે અનાજની આયાત કરતાં અટક્યો અને આપણે સ્વાવલંબી દેશ તો બન્યાં જ પણ સાથે આપણે અનાજની નિકાસ કરતાં થયા. જો કે આ બધામાં ય કેન્દ્ર સ્થાને તો ચોખા અને ઘઉં જ હતા કારણ કે મિલેટ્સનો પાક ચોખા-ઘઉં જેવા મુખ્ય અનાજ કરતાં ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક લાભ ન થતો. મિલેટ્સ ઉગાડવા માટે વપરાતી જમીનનો વિસ્તાર પણ ઘટ્યો, ખેડૂતોએ જુવાર-બાજરાને જાણે નોધારા કરી દીધા. એમાં પાછું રાશનિંગ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને કારણે સ્વાવલંબી પ્રજા જે પોતાનું ધાન જાતે ઉગાડતી તેમને મફત અનાજ મળતા તેમણે પણ આ પાક લેવાનું બંધ કર્યું, વળી તેમને વહેંચણીમાં મળતા ઘઉં અને ચોખા એટલે જુવાર-બાજરી સાવ ખૂણામાં ધકેલાઇ ગયા.
આ બધાનું એક મોટું પરિણામ આવ્યું કે ભારતમાં કેલરી ધબાધબ વધી અને સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ, અને ઘઉં ચોખા જમવામાં સૂક્ષ્મ પોષણને મામલે આપણે પાછળ રહી ગયા. ચોખા કે ઘઉંમાં ઝિંક અને આયર્ન જેવા તત્ત્વો નથી હોતા અને ભારતમાં કુપોષણનો પ્રશ્ન કેટલો મોટો છે તે આપણે જાણીએ છીએ. બદલાયેલા વર્તમાન સંજોગોમાં મિલેટ્સને આગળ કરવામાં આવી રહ્યા છે. ભારત આ પ્રકારના ધાનનું ઉત્પાદન કરવામાં મોખરે છે અને જો તેને પ્રોત્સાહન મળે તો આપણને આર્થિક ફાયદો પણ થાય. આમ કરવામાં મિલેટ્સને વધુ પડતું જ મહત્ત્વ મળી જાય એમ બને પણ જે રીતે તે અંગ્રેજોના સમયથી બિનજરૂરી થઇ ગયા છે તે જોતાં આવું થાય તો કંઇ ખોટું ન કહેવાય.
હવે આપણા શરીરનું વિજ્ઞાન સમજીએ. આપણે જે પણ ખાઇએ તેમાંથી મોટા ભાગનું ગ્લુકોઝમાં ફેરવાઇને લોહીમાં ભળે. ગ્લુકોઝ ખાંડનું સાદું સ્વરૂપ છે, ખોરાકમાંથી જેટલી જલદી ગ્લુકોઝ બને એટલું જ એ ખાવાનું આપણને ગમે. વનસ્પતિ જ ખોરાકની લોકપ્રિયતા અથવા વ્યવસાયી સફળતાનો આધાર હોય છે તેની સુગર ડિલીવરી સિસ્ટમની ગતિ – આ મામલે પણ ચોખા અને ઘઉંએ મિલેટ્સને પાછળ મૂક્યાં. આપણે બધાં ખાંડના ગુલામ બની ચૂક્યાં છીએ. મિલેટ્સનું પરિવર્તન ગ્લુકોઝમાં ઘઉં અને ચોખા કરતાં ઘણું ધીમું થાય છે અને માટે તેને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. મિલેટ્સમાં કોમ્પલેક્સ કાર્બ્ઝ હોવાથી તે ગટ માટેના સારા બેક્ટેરિયા માટે ફાયદાકારક હોય છે તો તેમાં રહેલું ફાઇબર પ્રોબાયોટિકનું કામ કરે છે, હ્રદય રોગનાં જોખમને ઘટાડવા માટે પણ મિલેટ્સ જરૂરી છે અને તેમાં વિટામિન એ, બી, પોટેશિયમ, ફોસ્ફરસ, એન્ટિઑક્સિડન્ટ્સ, નિયાસિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. ગ્લૂટન ફ્રી ખાનારાઓ માટે મિલેટ્સ ઉત્તમ વિકલ્પ છે પણ અતિરેક તો કશાનો પણ સારો નહીં અને હાઇ ફાબરને કારણે થતું ધીમું પાચન અમુક લોકોને સદે નહીં એમ પણ બને.
ખેડૂતોની દૃષ્ટિએ વિચારીએ તો મિલેટ્સ ઉગાડવાનું આસાન છે, તેને માટે બહુ પાણી કે ખાસ ખાતરની જરૂર નથી પડતી. તેનો પાક મુખ્ય પાક ઉગાડવાની વચ્ચેની મોસમમાં લઇ શકાય છે. હવે કેન્દ્ર સરકાર ભારતને મિલેટ્સના મુખ્ય ઉત્પાદક અને નિકાસ કરનારા તરીકે વૈશ્વિક સ્તરે વધુને વધુ આગળ કરવાના બધાં જ પ્રયાસ કરી રહી છે. યુ.એન.ને 2023ને યર ઑફ મિલેટ્સ જાહેર કર્યું છે એટલે ભારતીય ખેડૂતોને પણ એક નવી ગતિ મળશે. મિલેટ્સ ખેતીનું ભાવિ બદલી શકે તેમ છે, એમાં ય જ્યારે ભારતની જમીનમાં ભૂગર્ભ જળ 61 ટકા ઘટ્યું છે ત્યારે એવા પાક જેમાં પાણી ઓછું જોઇએ તે તો આશીર્વાદ જ કહેવાય.
બાય ધી વેઃ
ગ્લૂટન ફ્રી, ફાઇબર રિચ, વિગન, ડેરી ફ્રી – આ બધા શબ્દો ભલે આપણે સાંભળતા હોઇએ પણ દરેકનું તંત્ર જુદું હોય અને માટે જ બધા માટે એક સરખું ડાયટ ન ચાલે. મિલેટ્સ શ્રેષ્ઠ છે એમ માનીને મંડી ન પડવું પણ એક્સપર્ટ પાસેથી તમને શું સદે છે તે જાણીને આ ધાનને પોતાના રોજિંદા આહારમાં ધીરે ધીરે ઉમેરવું. થાયરોઇડ હોય તો મિલેટ્સ ન સદે, પાચનતંત્ર ગરબડ હોય તો એકદમ જ મિલેટ્સનો મારો ન કરાય જેવી બાબતો સમજવી જરૂરી છે. અધૂરામાં પૂરું ખાસ તો એ કે આ મિલેટ્સને મોંઘાદાટ કરીને બ્રાન્ડ બનાવાશે તો શું થશે એ વિચારવું રહ્યું. કિનોઆ જે ભારતીય નથી તે મોંઘું દાટ છે પણ લોકો ખરીદીને ખાય છે, એવું સન્માન આપણા દેશી મિલેટ્સને મળવું જોઇએ તો સાથે ખેડૂતોને પણ તેનો પાક લેવાનો ફાયદો થવો જોઇએ નહિંતર જે ઉદ્દેશથી મિલેટ્સને પ્રચલિત કરાયા છે તે જ પાર નહીં પડે અને આપણે ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલ વાળો દેશ રહીશું અને ખેડૂતો બેહાલ બનશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023