Opinion Magazine
Number of visits: 9449336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના કાળમાં કળાની સમીપે : 1

અમર ભટ્ટ|Opinion - Opinion|31 January 2023

અમર ભટ્ટ

24મી માર્ચ 2020થી દેશમાં કોરોના પ્રેરિત તાળાબંધી શરૂ થઇ. બધું જ બંધ. વૈશ્વિકીકરણ અને મુક્ત અર્થતંત્રના સમયમાં જ્યારે દુનિયા આપણી મુઠ્ઠીમાં હોય, ત્યારે દુનિયા માટે આપણે ઘરનાં બારણાં પણ બંધ કરવાનો સમય આવ્યો. વર્ષો પહેલાં ‘આદિલ’ મન્સૂરીએ લખેલું તે સાચું પડતું નજરે જોયું –

“મકાનોમાં લોકો પુરાઈ ગયા છે 

કે માણસને માણસનો ડર હોય જાણે 

સંબંધો ય કારણ વગર હોય જાણે 

આ માણસ બીજાઓથી પર હોય જાણે”

કવિ નિરંજન ભગતના શબ્દો છે – “લાવો, તમારો હાથ મેળવીએ”. પણ આપણે તો હાથ મેળવી એકમેકની “ઉષ્માનો થડકો” લેવાનો આનંદ પણ ગુમાવવો પડે એવા દિવસો હતા.

એ સમયે માત્ર ટેક્નોલોજી અને પૅથોલોજીનાં ક્ષેત્રો ધમધમતાં હતાં. વકીલોની જરૂરિયાત કોઈને પડે જ નહીં તેવું બને ખરું? કોરોનાના એ દિવસોમાં તો ખરેખર એમ બન્યું અને વકીલોની જરૂરિયાત સમાજમાં સૌથી ઓછી છે તેવી અનુભૂતિ મારા જેવા વકીલને થઈ હતી. કાંઈ કરતાં કાંઈ કરવાનું ન હતું ત્યારે સત્ત્વશીલ પુસ્તકો વાંચવા આંખને;ઉત્તમ ફિલ્મો જોવા આંખ-કાનને અને ઉત્તમ કાવ્યોનાં સ્વરાંકન ને ગાનમાં  મન-હૃદય અને ગળાને વ્યસ્ત રાખવાનું બન્યું. કેટલાક વકીલ મિત્રોએ રોજનું એક ગીત એના કાવ્યતત્ત્વ અને સંગીતતત્ત્વના આસ્વાદ સાથે વહેંચવાનું સૂચવ્યું. તે પ્રમાણે લગભગ 100 દિવસ સુધી રોજ એક ગીત વહેંચીને “યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.” કોરોના કાળ દરમિયાન થયેલાં કેટલાંક સ્વરાંકનો વિષે, જોયેલી કેટલીક ફિલ્મ વિષે અને વાંચેલાં કેટલાંક પુસ્તકો વિષે કૈંક લખવું એવું પણ મિત્રોનું સૂચન હતું. એ સૂચનને વધાવી લઈને આ લેખમાળા કરવાનું નક્કી કર્યું. કપરા કાળમાં કલા પાસેથી જે  સાંત્વન મળે છે તે અનેરું હોય છે તે જાતઅનુભવથી કહું છું.

લૉકડાઉનના પ્રથમ દિવસે – 25મી માર્ચે – જ ઘરમાં ગોંધાઈ રહેવાની, બહાર નીકળી નહીં શકવાની અકળામણ તીવ્ર બની ગયેલી. કવિ મનોજ ખંડેરિયાની એક ગઝલ અનાયાસ સ્વરબદ્ધ થઇ. 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય પણ તે સમયે ભજવણી ને ઉજવણી પર પાબંદી હતી, ત્યારે આ શેર તો ખાસ અડી  જાય –

“ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ 

પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા”

ગઝલના અન્ય શેર  છે –

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા 

બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા 

સદીઓથી શિલાલેખોના અણઉક્લ્યા છીએ અર્થો 

તૂટ્યા અક્ષરની તળમાંથી અમે નીકળી શકતા 

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ 

સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા 

સમય સાથે કદમ ક્યારે ય પણ મળશે નહીં મિત્રો,

વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા”

અનોખું સ્વરસંયોજન સ્વરાંકન માટે મળ્યું. સા,રે, મ,(તીવ્ર) મ,(કોમળ) નિ.

આમ પણ, સ્વાતંત્ર્ય પર કાપ મુકાય તે કોઈને ગમતું નથી. અમેરિકન કવયિત્રી માયા એન્જેલુની કવિતા છે – ‘I know why a caged bird sings’. એમાં એ ગાય છે –

“….. But a bird that stalks

down his narrow cage

can seldom see through

his bars of rage

his wings are clipped and   

his feet are tied

so he opens his throat to sing.

The caged bird sings   

with a fearful trill   

of things unknown   

but longed for still   

and his tune is heard   

on the distant hill   

for the caged bird   

sings of freedom…..”

ઘરમાં બંધ રહીને ચીસ પાડીને મેં કરેલું આ સ્વરનિયોજન અહીં સાંભળી શકાશે.

pastedGraphic.png

મનોજ ખંડેરિયાની બીજી  ગઝલમાં બહાર આવ્યાની અનુભૂતિ  પણ આ રીતે વ્યક્ત થઇ છે –

“હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું,

અરીસો ફૂટતા આભાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડો સમય વિતાવવો છે મ્હેંકની વચ્ચે 

હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.”

કોરોનાના સમયમાં પણ થોડો સમય મ્હેંકની વચ્ચે – સાહિત્ય, સંગીત, કલા વચ્ચે – વિતાવવા મળ્યો. 

નૉર્વેના રાજાની ખુમારી અભિવ્યક્ત કરતું ચલચિત્ર “ધ કિંગ્સ ચૉઇસ” :

ઑનલાઇન પ્લૅટફોર્મમાં દર્શાવાતી ફિલ્મ્સ, સિરિયલ્સ વગેરે પર સૅન્સરશિપ લાવવાની ચર્ચા ચાલી રહી છે. પણ જો આપણે નીરક્ષીરવિવેક ન્યાય પર આધાર રાખીને સત્ત્વશીલ, કલાતત્ત્વથી ભરપૂર અને દુનિયાના જુદા જુદા દેશોની જુદી જુદી ભાષાઓની ઉત્તમ ફિલ્મ્સ તરફ જ દૃષ્ટિ રાખીએ તો ઑનલાઇન પ્લૅટફોર્મ ઘેરબેઠાં ગંગાજળ મેળવવાની પરબ છે. ઍપ્રિલ 2020ના પ્રથમ દસેક દિવસમાં નૉર્વેજિયન ભાષાની અદ્દભુત ફિલ્મ જોઈ – “ધ કિંગ્સ ચૉઇસ”. આ ફિલ્મ નૉર્વે, સ્વીડન, ડેન્માર્ક અને આયર્લેન્ડ દેશોનું સહિયારું પ્રૉડક્શન છે. 89મા ઍકેડેમી ઍવોર્ડમાં અંગ્રેજી સિવાયની ભાષાઓની ઉત્તમ ફિલ્મ્સમાં 9મા ક્રમાંકે આ ફિલ્મ હતી. 

1905માં નૉર્વેએ બંધારણીય રાજાશાહી સ્વરૂપના દેશ થવાનું નક્કી કર્યું. ત્યાં સુધી ડેન્માર્કના રાજાનું શાસન હતું. નૉર્વેના રાજા તરીકે ત્યાંની પ્રજાએ ડેન્માર્કના રાજાના બીજા પૌત્ર પ્રિન્સ કાર્લ પર પસંદગી ઢોળી પોતાનો “ચૉઈસ” અભિવ્યક્ત કર્યો. પ્રિન્સ કાર્લ નૉર્વેના કિંગ હાકોન 7મા બન્યા. આ રાજાએ નૉર્વેના રાજા બન્યા પછી ક્રમશઃ પોતાના પિતા, પોતાના મોટા ભાઈ અને પોતાના ભત્રીજાના ડેન્માર્કના રાજા તરીકે રાજ્યાભિષેક જોયા. 9મી ઍપ્રિલ 1940ના દિવસે હિટલરે નૉર્વે પર આક્રમણ કર્યું. એની ઈચ્છા એનું ધાર્યું કરે તેવી વ્યક્તિ(વિડકુન ક્વિઝલિંગ)ને વડા પ્રધાન બનાવી એક કઠપૂતળી સરકાર નૉર્વે પર લાદવાની હતી. સાર્વભૌમત્વ છોડવું પડે તેવી કટોકટીની પળોમાં નૉર્વેની તે સમયની સરકાર કોઈ નિર્ણય લેવા તૈયાર નથી અને તેવી પરિસ્થિતિમાં સરકાર નિર્ણય લેવાની જવાબદારી  કિંગ હાકોન ઉપર મૂકે છે. આ ઐતિહાસિક વીગતનું ફિલ્માંકન છે. ટૂંકમાં, હિટલરે કરેલા હુમલા અંગે શું પગલું લેવું તેનો નિર્ણય લેવાની જવાબદારી લોકોના “ચૉઇસ”થી બનેલ રાજા પર આવે છે. એ વખતે રાજાનો “ચૉઇસ” શું છે તેની વાત આ ફિલ્મમાં છે.

ઍરિક પૉપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની શરૂઆતમાં નૉર્વે વિષે નહીં જાણનારા લોકો માટે ઇતિહાસના પાઠ સ્વરૂપે 1905ની એ વીગત છે જેમાં રાજા હાકોન 7માનો ત્યાંની પ્રજાની પસંદગીથી નૉર્વેના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. પછી 35 વર્ષ ફાસ્ટ ફૉર્વર્ડ અને આવે છે 9 ઍપ્રિલ 1940 – જે દિવસે જર્મની દ્વારા  બીજા વિશ્વયુદ્ધમાં ત્યાર સુધી નિષ્પક્ષ રહેલા નૉર્વે ઉપર આક્રમણ થાય છે. ત્યાં સુધીમાં રાજા વિધુર થયા છે. સાર્વભૌમત્વની રક્ષા માટે સરકાર દ્વારા રાજાને રાજધાની ઓસ્લો છોડવા કહેવામાં આવે છે. રાજા પોતાના પુત્ર પ્રિન્સ ઓલવના કુટુંબ સાથે ટ્રેઈનમાં નૉર્વેથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે જર્મન એલચી દ્વારા (દેખાવ પૂરતા) શાંતિપ્રયાસો થાય છે. હિટલરનો આદેશ છે કે રાજા હાકોન નૉર્વેમાં પોતાના કહ્યા પ્રમાણે વર્તે તેવા હિટલરપક્ષી નેતા વિડકુન ક્વિઝલિંગને રાજકીય વડા તરીકે માન્યતા આપે. જર્મનીની સેના સંખ્યાબળ અને શસ્ત્રબળમાં ઘણી મોટી છે. આ પરિસ્થિતમાં નૉર્વેની સરકાર મૂંઝાયેલી, વિખરાયેલી છે અને નિર્ણય લેવા માટે પોતાના રાજા તરફ જુએ છે. રાજા જણાવે છે કે પોતે માત્ર નામનો વડો છે અને નિર્ણય લેવાનું કામ સરકારનું છે; છતાં આપાતકાલીન સ્થિતિમાં જ્યારે સરકાર રાજા ઉપર નિર્ણય લેવાનું કામ ઢોળે છે ત્યારે રાજા રાજવી ખુમારી ને દૃઢ મનોબળ દર્શાવે છે. રાજાને ઇંગ્લેન્ડમાં આશ્રય લેવો પડે છે. અંતના દૃશ્યમાં વિશ્વયુદ્ધ પછી રાજા પોતાના કુટુંબને મળે છે તેવું બતાવાયું છે.

ફિલ્માંકન અદ્દભુત છે; સંવાદો ઓછા છે ને અભિનેતાઓના ચહેરાઓના હાવભાવ ને આંખો ઘણું બધું કહી જાય છે. ફૉટોગ્રાફી અને પાર્શ્વસંગીત દિલધડક છે અને પરિસ્થિતિની ગંભીરતા આબેહૂબ વર્ણન પ્રદર્શિત કરે છે. રાજાનું પાત્ર ભજવનાર ડેન્માર્કના અભિનેતા જેસ્પર ક્રિસ્ટન્ટનના અભિનયની તો શું વાત કરું !  આ ઓછું બોલતી ને વધુ કહેતી ફિલ્મ મેં બેથી ત્રણ વાર જોઈ. બીજા વિશ્વયુદ્ધની પાર્શ્વભૂમિકા પર બનેલી અનેક ફિલ્મોમાં આ ફિલ્મ અનોખી ભાત પાડે છે. નૉબેલ પારિતોષિક પુરસ્કૃત ફ્રૅન્ચ કવિ-વિવેચક પૉલ વાલેરીએ કવિતા માટે જે કહ્યું છે તે કોઈ પણ કલાને, અને આ ફિલ્મને તો ખાસ, લાગુ પડે છે –

‘Poetry is about to sing rather than it sings and is about to speak rather than it speaks. It dare not sound too loud nor speak too clearly’.

વિશ્વખ્યાત તસવીરકાર અશ્વિન મહેતાની શ્વેત–શ્યામ તસવીરો (સાથે તસવીરને સુસંગત ટાગોરની કોબીતિકાઓ– )નું પુસ્તક ‘ગિફ્ટ ઑફ સૉલિટ્યુડ’ :

થોડાં વર્ષો પહેલાં અમેરિકાની નાસા સંસ્થામાં સન્માનનીય સ્થાન પર કાર્યરત વૈજ્ઞાનિક ડૉ. ઉપેન્દ્ર દેસાઈ અમદાવાદ આવ્યા હતા ત્યારે એમણે મને કહ્યું કે સાહિત્ય પરિષદના “ગ્રંથવિહાર”માં આ પુસ્તકની એકમાત્ર નકલ છે તે તું લઇ લે. અમારી મુલાકાતની એ સાંજ એ પુસ્તકનાં વખાણમાં વીતી જે દરમિયાન હું માત્ર શ્રોતા હતો. આવા મોટા વૈજ્ઞાનિક જ્યારે પ્રશંસા કરતા હોય, ત્યારે એ પુસ્તક ખરેખર વસાવી લેવું જોઈએ એમ વિચારીને બીજે જ દિવસે કિંમત અને વીગતની દૃષ્ટિએ એ બહુમૂલ્યવાન પુસ્તક હું લઇ આવેલો, તે યાદ કરીને તાળાબંધી સમયે મળેલી નવરાશની પળોમાં એમાંની તસવીરો ને કાવ્યકણિકાઓ ભરપેટ માણી. માપિન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં જાણીતાં લેખિકા અને ‘ફૉટોગ્રાફીનો સામાજિક ઇતિહાસ’ એ વિષયનાં નિષ્ણાત જુડિથ મારા ગટમેનની પ્રસ્તાવના છે; જે બતાવે છે કે વૈશ્વિક સ્તરે અશ્વિન મહેતાના ફૉટોગ્રાફની સ્વીકૃતિ કેટલી બધી હતી. અશ્વિન મહેતાએ પોતે અંગ્રેજીમાં અદ્દભુત પ્રાક્કથન કર્યું છે. દરેક તસવીર કે તસવીરોના ગુચ્છ પાસે કે સામે એને સુસંગત ટાગોરે જેને કોબીતિકા તરીકે ઓળખાવી એવી કાવ્યકણિકાઓ – epigrams – છે. દાખલ તરીકે તસવીરોનું ગુચ્છ છે – જેમાં દરિયા કિનારાની શાંતિ ઝડપાઇ છે. કાંઈ જ કારણ વગર જાત સાથે એકલા બેઠા હોઈએ ત્યારે અનુભવાતો મૌનનો અવાજ ફૉટોગ્રાફ જોતાં જ સંભળાય છે – અનુભવાય છે. સામે ટાગોરની આ પંક્તિઓ છે –

“Let my doing nothing when I have nothing to do become untroubled in its depth of peace like the evening in the seashore when the water is silent.”

એકેએક તસવીર બેનમૂન કલાકારીનો નમૂનો છે. તસવીરો આપણને જે તે સ્થળે લઇ જાય છે; પવનમાં  લહેરાતાં વૃક્ષોની લ્હેરખીનો સ્પર્શ કરાવી દે છે; દરિયાનાં મોજાંનાં પાણીને અડવાનું, ખંખોળવાનું મન થાય છે. છેલ્લે, કયા સ્થળે ફૉટોગ્રાફ લેવાયા છે તે સ્થળોની સૂચિ છે. એમાં ઈડરના પથ્થરોના સર્વાંગસુંદર ફૉટોગ્રાફ જોઈને જ ઉમાશંકર જોશીએ આ કાવ્ય અશ્વિન મહેતાને સમર્પિત કરતાં લખેલું – ‘અમે ઈડરિયા પથ્થરો’. –

‘મૂઠ્ઠી ભરીને નાખેલ 

બેફામ આમતેમ 

કોઈ કૃદ્ધ દેવે 

કાળની કચ્ચરો –

અમે ઈડરિયા પથ્થરો.

……..

અંધ કૅમેરા-ચક્ષુ 

જોઈ લે કંઈ કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,

તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ 

મેલા ઘેલા 

અમે ઈડરિયા પથ્થરો?’ 

આ પુસ્તક અંદરથી અજવાળે છે. એમાં એકાંતની બક્ષિસનું મહિમાગાન છે. પ્રસ્તાવનામાં અશ્વિન મહેતાએ યથાર્થ રીતે શ્રીમદ્દભાગવતનું આ વાક્ય ટાંક્યું છે – 

“एकान्तभक्तिर्गोविन्दे यत्सर्वत्र तदीक्षणम्”

(Solitude is devotion to Shri Krishna so that one sees him every where.)

અગાઉ ટાગોરની કાવ્યકણિકા ટાંકી છે; જેમાં કાંઈ પણ કામ ન હોય ત્યારે કાંઈ પણ ન કરવું એ તકલીફદેય ન બને એવી અભ્યર્થના છે. ત્યારે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસનનાં કૅથરિન ઓ’મારિયાની આ પંક્તિઓ કાંઈ પણ કરવાનું ન હોય ત્યારે ઘેર રહી શું શું થઇ શકે તે શીખવી જાય છે –

‘And the people stayed home.

And they read books, and listened, and rested, and exercised, and made art, and played games, and learned new ways of being, and were still.

And they listened more deeply. Some meditated, some prayed, some danced. 

Some met their shadows. 

And the people began to think differently.

And the people healed.’

e.mail : amarbhatt@yahoo.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2023

Loading

31 January 2023 Vipool Kalyani
← આર્કિટેકનો ભારતીય ‘હોવાર્ડ રોઆર્ક’ : બી.વી. દોશી
વિસ્થાપન અને સંસ્કૃતિનો નાશ  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved