આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને જે નિવેદન આપ્યું છે તેણે વિવાદ જગાવ્યો છે ને ફરી એક વખત હિન્દુ-મુસ્લિમ સંદર્ભે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. એ ઉપરાંત હિન્દુઓ, મુસ્લિમ વિરોધી ને મુસ્લિમો, હિન્દુ વિરોધી ચર્ચાઓમાં ઘરથી લઈને સ્મશાન સુધી જોડાતાં રહે છે ને પોતે કૈં કરી શકતા હોય કે ન કરી શકતા હોય, આગમાં ઘી તો ઉમેરાતું જ રહે છે. આ પાછાં એમ પણ કહેતાં રહે છે કે અમે તો કૈં કરતા નથી, એ તો સામેવાળા જ એવું કરે છે. આ સામેવાળા હિન્દુ છે, તો મુસ્લિમો પણ છે. કોણ જાણે કેમ પણ આ દેશમાંથી કટ્ટરતા જતી નથી. એક સમયે મુસ્લિમો કટ્ટર ગણાતા હતા, હવે હિન્દુઓ એ ભૂમિકામાં છે. કરુણતા એ છે કે કોઈ પોતાનો દોષ જોવા રાજી નથી. દોષ તો સામે જ દેખાય છે. મોહન ભાગવતે જે કહ્યું તે જાણવા જેવું છે. તેમણે એમ કહ્યું કે મુસ્લિમોને આ દેશમાં કોઇ ખતરો નથી, પણ તેમણે ‘સર્વોચ્ચ અને શ્રેષ્ઠ’ હોવાનો દાવો જતો કરવો જોઈએ. અમે મહાન જાતિના છીએ કે અમે દેશ પર શાસન કર્યું છે કે અમારો માર્ગ જ સાચો છે કે અમે જુદા છીએ કે અમે સાથે ન રહી શકીએ – જેવી માન્યતાઓ છોડવી જોઈએ ને આવી માન્યતા હિન્દુની હોય કે સામ્યવાદીની હોય તો તેમણે પણ તે છોડવી જોઈએ. અમે શાસન કર્યું ને ફરી શાસન કરીશું – જેવી સર્વોપરિ હોવાની માન્યતાઓ બદલાવી જોઈએ, બાકી મુસ્લિમોએ ડરવા જેવું નથી. ભાગવતે હજાર વર્ષથી હિન્દુ સમાજ લડતો રહ્યો છે તે વાતની નોંધ લઈને તે આક્રમક નથી તેમ પણ ઉમેર્યું.
એક વાત છે કે 2014 પછી હિન્દુ સમાજ જાગૃત થયો છે ને ભાગવત ભલે ના કહે પણ તે વૈચારિક રીતે આક્રમક થયો છે તેની સાક્ષી તો સોશિયલ મીડિયા પણ પૂરે તેમ છે. એ પણ છે કે મુસ્લિમોની આક્રમકતા વખોડવા પાત્ર હોય તો હિન્દુઓની આક્રમકતા વખાણવા લાયક ન જ હોય. અહીં કોઈની તરફેણ કે કોઈના વિરોધનો હેતુ નથી, પણ ભાગવત કહે છે કે મુસ્લિમોએ મોટા હોવાનો કે શાસક હોવાનો ખ્યાલ છોડવો પડશે તો તે પુનર્વિચાર માંગે છે. કોઈ પણ પ્રજા પોતાનો ભૂતકાળ ભૂલી જાય એ શક્ય નથી. મોગલોએ સૈકાઓ સુધી ભારત પર રાજ કર્યું એ વાત ઉલટાવી શકાય એમ નથી. એ સાથે જ હિન્દુ રાજાઓ અંદરોઅંદર લડતા રહ્યા ને અંગ્રેજોને શાસનની અનુકૂળતા એ કુસંપે જ કરી આપી એ વાત પણ કોણ ભૂલી શકે એમ છે? ઇતિહાસ ખોટો ભણાવાતો હોય તો પણ, મોગલોએ અને અંગ્રેજોએ આ દેશ પર શાસન કર્યું છે એ તો ખરું કે કેમ? એને કોઈ પણ પ્રભાવિત પ્રજા ભૂલી ન શકે, ભલે પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ !
બીજી મહત્ત્વની વાત એ છે કે હિન્દુઓની બહુમતી છે, પણ એકમતી નથી. હિન્દુઓ, હિન્દુઓમાં પણ એકતા નથી. હિન્દુઓ દલિતોને ને અન્ય પછાત કોમને અપનાવતા નથી. એમના મંદિર પ્રવેશ સંદર્ભે કે જાતિ-કોમ સંદર્ભે પણ સંઘર્ષ ચાલ્યા જ કરે છે. એનો લાભ ખ્રિસ્તી મિશનરીઓએ લઈને વટાળ પ્રવૃત્તિઓ ચલાવી. એ વખતે આ કહેવાતા હિન્દુઓએ કૈં કહેવા કરવાનું ન હતું? એ વખતે કાઁગ્રેસની સરકાર હતી એટલે પણ વટાળ પ્રવૃત્તિ સંદર્ભે મૌન જ છવાયેલું રહ્યું. ડો. આંબેડકરે હિન્દુ ધર્મને વિકલ્પે બૌદ્ધ ધર્મ અપનાવેલો ને મનુસ્મૃતિની નકલ પણ બાળેલી એ વાત સૌ જાણે છે. આજે પણ હિન્દુ નેતાઓ તેમના જ દેવીદેવતાઓ વિષે કે ધર્મગ્રંથો વિષે અપમાનજનક ટિપ્પણીઓ કરતા રહે છે. એને કારણે હિન્દુઓ પણ વિભાજિત અવસ્થામાં જ વધુ જોવા મળે છે. બિહારનાં શિક્ષણ મંત્રી ડો. ચંદ્રશેખરે કાલે જ મનુસ્મૃતિ અને રામચરિત માનસને સમાજમાં નફરત ફેલાવનારા ગ્રંથ તરીકે ઓળખાવ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે આ ગ્રંથો દલિત-પછાત અને મહિલાઓને સમાજમાં અભ્યાસ કરતા ને હક મેળવતા અટકાવે છે. આ વાત તેમણે નાલંદા ઓપન યુનિવર્સિટીનાં 15માં દીક્ષાંત સમારોહમાં આતિથિવિશેષપદેથી વિદ્યાર્થીઓને સંબોધતા કહી. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં છ હજારથી વધુ જાતિઓ છે, જેટલી જ્ઞાતિઓ છે, એટલી જ નફરતની દીવાલો પણ છે. તેમણે સંઘ અને નાગપુર સાથે જોડાયેલા લોકો નફરત ફેલાવે છે એવી વાત પણ કરી. રામચરિત માનસનો દોહો ટાંકીને તેમણે વિદ્યાર્થીઓને એ ભણાવ્યું કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવીને ઝેરી બની જાય છે, જેમ સાપ દૂધ પીને ઝેરી બની જાય છે. આવું પણ એક હિન્દુ કહે છે. તે સંઘની ટીકા કરે છે ને ધર્મપુસ્તકની નિંદા પણ કરે છે. એ વાત સાચી કે અગાઉ દલિત, પછાતને કેટલાક અધિકારો ન હતા ને આજે ય બધું સુધરી ગયું છે એવું નથી. જો આટલે વર્ષે સુધારાને અવકાશ હોય તો હજારો વર્ષ પહેલાંની વર્ણ વ્યવસ્થાને આધારે લખાયેલાં પુસ્તકોની નિંદા કરવાનો અર્થ ખરો? એક બાબત સમજી લેવાની રહે કે કોઈ પણ ધર્મનું કોઈ પણ પુસ્તક જે તે સમય સંદર્ભે લખાયું હોય છે, તે 2023માં બધી જ રીતે લાગુ પડે એ શક્ય નથી. આજે જો ભેદભાવ વધારે તીવ્ર હોય તો તે વખતે હોય એ સ્વાભાવિક લેખાવું જોઈએ. તેને બદલે ત્યારે પણ ભેદભાવ હતા ને એ ધર્મગ્રંથ એનો પુરસ્કાર કરે છે એમ કહીને તેને અપમાનિત કરવાનું જરા પણ શોભાસ્પદ નથી. આજે મલ્ટિપ્લેક્સ છે, પણ મનુસ્મૃતિમાં નથી, તો તેને ફગાવી દેવું જોઈએ એવી વાત છે આ. આવી વાત કરવામાં કોઈ ડહાપણ નથી. આમ કરીને તો હિન્દુ-હિન્દુ વચ્ચેની ખાઈ જ પહોળી કરાય છે. આ બધું પાછું દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહેવાયું હોય, તો વિદ્યાર્થીઓ પર કેવોક પ્રભાવ પડ્યો હશે તે સમજી શકાય એવું છે. ટૂંકમાં, હિન્દુ-હિન્દુ વચ્ચે ઐક્ય સ્થપાય એ દિશામાં પ્રયત્નો થવા જોઈએ, પણ એવું ઓછું જ થાય છે.
ભાગવતે જે વાત કરી છે તેને સમગ્રતામાં જોવાની જરૂર છે. સાધારણ રીતે સંઘની વિચારધારા સાથે મુસ્લિમો સંમત થતા નથી, પણ સંઘના વડા ભાગવતે મુસ્લિમોને સાથે લઈને ચાલવાની વાત કરી છે તે ભૂલવા જેવું નથી. તેમણે ઇસ્લામને ને મુસ્લિમોને ભારતમાં કોઈ ખતરો નથી એવી સ્પષ્ટતા કરી છે તે મુસ્લિમોને નિર્ભય કરવા કહી છે. એ સાથે જ એ પણ વિચારવાનું રહે કે આવી સ્પષ્ટતા કરવાની જરૂર કેમ પડી? ગંધ તો એવી આવે છે કે આવી સ્પષ્ટતા કરવી પડે એવું ક્યાંક, કશુંક થયું છે. મુસ્લિમોને દૂર રાખવાનું કે તેનાથી દૂર રહેવાનું વલણ નવું નથી. એમાં પણ એક સમયે એવું વાતાવરણ હતું કે હિન્દુઓ, મુસ્લિમોથી ડરીને ચાલતા હતા. એ પછી છેલ્લાં થોડાં વર્ષોમાં વાતાવરણ એવું થયું છે કે હિન્દુઓ, મુસ્લિમોથી અંતર રાખતા થયા છે. અત્યારે તો હિન્દુ અને મુસ્લિમ વિસ્તારો એકબીજાથી અલગ ચોકો કરતા થયા છે. 370ની નાબૂદી અને સમાન સિવિલ કોડ જરૂરી પગલાં છે, પણ મુસ્લિમો તેને લઈને રાજી નથી ને તેમનામાં કોઈક સ્તરે ભયનો સંચાર થયો હોવાનું લાગે છે, પણ સમાન નાગરિક ધારો એ કોઈ એક કોમની તરફેણ માટે કે કોઈ એક કોમના વિરોધ માટે નથી જ. જો એકતા સ્થાપવી હોય તો સમાનતા વિના તે શક્ય નથી ને એને માટે સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવે તો તેને આવકારવાની દરેક ભારતીયની નૈતિક ફરજ બને છે. લઘુમતીની અવગણના ન જ હોય, પણ બહુમતીની ઉપેક્ષા પણ ન જ હોય. આજ સુધી બહુમતીની બહુ ઉપેક્ષા કાઁગ્રેસી શાસનમાં થઈ છે ને એ કેટલીક હદે હજી ચાલુ જ છે. એવે વખતે સમાન નાગરિક ધારો લાગુ થાય એ જરૂરી છે.
અલબત્ત ! ભાગવતે કોમન સિવિલ કોડની કોઈ વાત કરી નથી. તેમણે તો મુસ્લિમોને ભારતમાં કોઈ ખતરો નથી એવી ધરપત જ આપી છે. ત્યાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સંઘ અને ભાગવત વિષે આત્યંતિક વિધાનો કરવા લાગે છે. આ બરાબર નથી. ઓવૈસીએ કહ્યું કે સંઘની વિચારધારા ભારતના ભવિષ્ય માટે ખતરો છે. ભારતમાં મુસ્લિમોને રહેવાની અને ધર્મપાલનની શરતો નક્કી કરનાર ભાગવત છે કોણ? અમારી નાગરિકતા પર શરતો લાદવાની તેઓ હિંમત કરી જ કેવી રીતે શકે? એ સાચું છે કે મુસ્લિમોને મોટા થવાનો ખ્યાલ છોડવાની વાત કરનાર ભાગવતે પણ કોશિશ તો મોટાભા થવાની જ કરી છે, પણ ઓવૈસીએ ‘ભાગવત છે કોણ?’ જેવી ટિપ્પણી કરવાની અનિવાર્યતા ન હતી. ભાગવતને એક નાગરિક તરીકે પોતાની વાત લોકશાહી દેશમાં મૂકવાનો અધિકાર છે જ, બિલકુલ એમ જ જેમ એ હક ઓવૈસીને પણ છે. જો ભાગવતે ‘ઓવૈસી છે કોણ?’ જેવું ન પૂછ્યું હોય તો ઓવૈસીએ પણ ‘ભાગવત છે કોણ?’ જેવું પૂછવાની જરૂર ન હતી, નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જાન્યુઆરી 2023