ચિત્રકાર રાજા રવિ વર્માનું સરસ જીવનચરિત્ર લખનાર ભરત ખેનીનું આજે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના યુવા પ્રતિભા પુરસ્કારથી સન્માન થયું છે.
ગુજરાતીના અધ્યાપક અને કવિ ભરત ખેનીએ લખેલું ‘રાજા રવિ વર્મા’ પુસ્તક વાંચતાં ખૂબ મહેનત અને માવજતથી લખાયેલું એક સુરેખ, સમાવેશક જીવનચરિત્ર વાંચવાનો સંતોષ થાય છે. લેખકે સ્વચ્છ, સરળ અને પ્રવાહી શૈલીમાં ચિત્રસમ્રાટ નાયકને ગુજરાતીમાં સાદ્યંત ઊતાર્યો છે.
રવિ વર્માનાં અનેક ચિત્રો પુસ્તકમાં મૂકવામાં આવ્યાં છે. જો કે તે ઉપરાંત પણ પુસ્તકનું એકંદર નિર્માણ-સૌંદર્ય તેને સંગ્રાહકના ખજાનાનું સ્થાન અપાવનારું છે.
લેખકે રવિ વર્માના પૂરેપૂરા જીવનની બધી જ મહત્ત્વની ઘટનાઓને પ્રમાણભાનથી ચૂંટેલી વિગતો સાથે, પ્રસ્તાર વિના પુસ્તકમાં સમાવી છે. તેના થકી ઉપસનારા ચિત્રકારના અનેક રંગોમાંથી કેટલાક આ મુજબ છે : ત્રણ તપનું વિપુલ સર્જન, નિરંતર અભ્યાસ, બહોળું દેશાટન, ચિત્રકાર માટે અસામાન્ય સ્વીકૃતિ-સન્માન-સંપત્તિ, દેવદેવીઓનાં ચિત્રો થકી દેશના ખૂણેખૂણે ઉપસ્થિતિ, રૂઢિચુસ્ત વિકૃત હિંદુ ધર્મઝનૂનીઓએ કરેલા નગ્નતાના આરોપોનો પ્રતિરોધ.
બીજાં રસપ્રદ પાસાં છે તે કલાકારની દિલદારી, તેમનો પરિવારપ્રેમ, તેમના ભાઈની પૂરક ભૂમિકા, વિવેકાનંદ અને રવીન્દ્રનાથ દ્વારા પ્રશસ્તિ.
‘સામાન્યજનોને પરવડે તેવા ભાવથી ચિત્રોની નકલ મળવી જોઈએ’ એવા ધ્યેયથી રવિ વર્માએ ખેડેલું લિથોગ્રાફિક પ્રેસનું સાહસ અને અશ્લિલતાના આરોપ હેઠળ તેમની પરનો મુકદ્દમો જેવા, સમર્પક નિરુપણના ઘણા દાખલા પુસ્તકમાંથી આપી શકાય.
— ‘રાજા રવિ વર્માએ પોતાનામાં રહેલા દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને એને પોતાનાં અનન્ય ચિત્રોમાં ઢાળવા માટે હંમેશાં જાગ્રત પ્રયત્નો કર્યા.’
— રાજા રવિ વર્માને કારણે ‘ચિત્રની એક પ્રબળ વિચારોત્તેજક શક્તિશાળી માધ્યમ તરીકે સમજુ – શિક્ષિત સમાજમાં ગંભીરપણે પ્રતિષ્ઠા થતી ગઈ.’
— ‘વ્યાસ, વાલ્મીકિ કાલિદાસ, ભવભૂતિએ પોતાનાં કાવ્યસર્જનમાં જેવો આનંદ અનુભવ્યો હશે, એવો જ આનંદ રવિ વર્માએ કાવ્યકૃતિઓના માર્મિક સંદર્ભોનાં ચિત્રરૂપનું નિર્માણ કરીને માણ્યો હશે’ : આ મતલબના નિરીક્ષણો મહત્ત્વનાં છે.
લેખકે રવિ વર્માની એંશી જેટલી કલાકૃતિઓનો યથાયોગ્ય સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે, ‘દારિદ્રય’, ‘શંકુતલાનો પ્રેમપત્ર’ કે ‘નળ-દમયંતી’ જેવાં ચિત્રોનું વર્ણન પણ કર્યું છે. નાયકના બાળપણનું કિલિમાનુર, યુવાન વયનું કોલ્યુર, 1897નો પ્લેગ કે ચિત્રસમ્રાટના અંતકાળ જેવાં વર્ણનો આકર્ષક છે. રવિવર્માના ચિત્રવિચારના સંદર્ભમાં ભારતીય સ્ત્રીઓની સાડીઓ વિશે ભરતભાઈએ લખેલું પોણું પાનું લાજવાબ છે.
આખા ય પુસ્તકમાં નાયકના સમયના રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક બનાવો અને સમકાલીન વ્યક્તિઓને આવશ્યકતા મુજબ વિવેકપૂર્વક વણી લેવામાં આવ્યાં છે.
ચરિત્રકારે હકીકતો અને બનાવોનું સુવાચ્ય કથન કર્યું છે. પણ તેમાં કથાતત્ત્વ ઉમેર્યું નથી. લેખક એમ પણ સ્પષ્ટ કરે છે કે ‘ચિત્રોની કોઈ કલાકીય મીંમાસા કરવાનો મારો પ્રયાસ નથી, કેમ કે એ કામ માટે હું લાયક પણ ન ગણાઉં.’
રવિ વર્મા પર રણજિત દેસાઈની મરાઠી નવલકથા, એન.સી.ઇ.આર.ટી.નું હિંદી પુસ્તક, કેતન મહેતાની હિંદી ફિલ્મ અને ભરતભાઈએ લખેલું પુસ્તક એ ચારેયમાં આ લખનારને આનંદ પડ્યો છે તે ચિત્રકારની મહત્તા છે.
ઓગણીસમા અંતિમ પ્રકરણ ‘ત્યારે-અત્યારે’ ના પહેલા અરધા હિસ્સામાં લેખક રવિ વર્માના જીવનકાર્ય વિહંગાવલોકન કરે છે. ત્યાર બાદ આ ચિત્રસમ્રાટના સર્જનરાશિ સંદર્ભે ગયા ચારેક દાયકામાં થયેલી ગતિવિધિઓની માહિતી આપે છે :
વર્ષોથી તેમના ચિત્રો પરથી ઊતરી આવેલી કૅલન્ડર અને પોસ્ટર આર્ટ, 1971માં તેમની પરની ટપાલ ટિકિટ, તેમના ચિત્રોનો 1993માં વિરોધ, 2008માં તેમના ચિત્ર પરથી બનેલી રેશમની આઠ કિલો વજન ધરાવતી ચાળીસ લાખ રૂપિયાની રેશમી સાડી, 2009માં થયેલું તેમના ઓલિયોગ્રાફ્સનું કૅટલોગ, 2014માં કેતન મહેતાએ બનાવેલી ‘રંગ રસિયા’ ફિલ્મ, 2017માં તેમના એક ચિત્રનું આશરે 11.9 કરોડ રૂપિયામાં વેચાણ, દક્ષિણની જાણીતી અભિનેત્રીઓને મોડેલ તરીકે રાખીને રવિવર્માના ચિત્રો પરથી બનાવવામાં આવેલું કૅલેન્ડર ચેન્નાઈના ‘નામ’ ચૅરિટેબલ ટ્રસ્ટે ફેબ્રુઆરી 2020માં બહાર પાડ્યું, ભરતભાઈનું પુસ્તક 2021માં પ્રસિદ્ધ થયું !
પુસ્તકની પૂરક સામગ્રીમાં ચરિત્રનાયકની વિગતપૂર્ણ તવારીખ અને સંદર્ભ ગ્રંથોની યાદી ઉપરાંત પહેલાં પરિશિષ્ટ તરીકે હસુ યાજ્ઞિકનો પુસ્તક વિશેનો લેખ છે (પ્રસ્તાવના વિવેચક નરેશ વેદની છે).
બીજા પરિશિષ્ટમાં ‘રવિવર્માના ચિત્રોની આંશિક માહિતી’ વાંચવા મળે છે. કુલ 193 ચિત્રોની માહિતી છે. દરેક ચિત્ર જે સંગ્રહમાં છે તેના ઉલ્લેખ સાથે આ મુજબ નોંધ કરવામાં આવી છે : ‘અપ્પારો ગૅલરી : કીચક KEECHAKA, સ્કેચ, 14.5 x 10, 1896. જૂજ ચિત્રો બાદ કરતાં બધાં કેનવાસ કરેલાં તૈલચિત્રો છે.
પાંત્રીસમાં વર્ષે ગુજરાતની એક યુવા પ્રતિભા તરીકે રાષ્ટ્રીય સન્માન મેળવનાર ગુજરાતીના અધ્યાપક અને નોંધપાત્ર સમકાલીન કવિ ભરત ખેનીનો આ સિદ્ધિ સુધીનો પ્રવાસ હૃદયસ્પર્શી છે.
એક મિત્રે કહ્યું, ‘ગારિયાધાર પાસેના એક નાના ગામનો એક જુવાન આટલું મસ્ત પુસ્તક લખે એ જોઈને જ એને અવૉર્ડ આપી જ દેવો જોઈએ.’
તાલુકાની કૉલેજમાં બી.એ. પછીની પદવી ભાવેણાથી. તેમણે પુસ્તક અર્પણ કર્યું છે : ‘મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનાર ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને એન.એસ. પટેલ કૉલેજ,આણંદ’ – ને’.
અધ્યાપક તરીકેની પહેલી જ નોકરી આણંદમાં હતી. પિતાના અવસાન, પારિવારિક-આર્થિક-સામજિક જવાબદારીઓની ભીંસ અને ઘર-વતન ઝુરાપાના દિવસો હતા. એવા તબક્કે વડોદરા જઈને લક્ષ્મીવિલાસ પૅલેસ અને મહારાજા ફતેસિંહ મ્યુઝિયમમાં રાખવામાં આવેલાં ‘રાજા રવિ વર્માના ત્રીસેક ચિત્રોએ મન-હૃદયમાં ભારે આકર્ષણ જમાવેલું’. ભરતભાઈને વિચાર આવ્યો કે ‘આ ચિત્રો અને ચિત્રકાર વિશે પણ કામ થવું જ જોઈએ ! પણ કરે કોણ? એ પણ એક પ્રશ્ન હતો. અને જવાબ મળ્યો કે તું જ કર ને ! બસ અહીંથી આ પડકારજનક સફરની શરૂઆત થઈ.’
ભરતભાઈએ પુસ્તકો એકઠાં કરવા માંડ્યા. ‘ખિસ્સામાં પાવલી પણ ન હતી’ ત્યારે એક મિત્રની મદદથી 3,950 રૂપિયાનો મહત્ત્વનો ગ્રંથ ખરીદ્યો. બીજાં ય પુસ્તકો વસાવ્યાં. અંગ્રેજી, હિન્દી અને મરાઠી ગ્રંથો વાંચ્યાં, ટાંચણો પરથી કાચી નોંધો તૈયાર કરી.
દાહોદ જિલ્લાના અંતરિયાળ તાલુકા ગરબાડાની સરકારી કૉલેજમાં નોકરી મળી. પીએચ.ડી. કર્યું. પુસ્તક લેખનનું કામ દૂર રહી ગયું. અહીંના માહોલમાં ભરતભાઈને તેમની ‘અંદર રહેલાં અધ્યાપકનું બાળમરણ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે એવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ.’ તેમાંથી ‘બચવા માટે’ રાજા રવિ વર્માનું ‘અભરાઈ પર ચઢી ગયેલું કાર્ય ફરી હાથ પર લેવાનું થયું.’
આપત્તિઓની વચ્ચે પણ પોતાનો નિર્ધાર પૂરો કરીને જ જંપવાની ભરતભાઈની મક્કમતા ખૂબ પ્રશંસનીય છે.
નિર્માણ ખર્ચ વધારે હોય તેવું આ પુસ્તક લેખકે પોતે પ્રકાશિત કર્યું છે તે પણ વિચારણીય બાબત છે.
એપ્રિલ મહિનામાં રાજા રવિ વર્મા પુસ્તકને નર્મદ ચંદ્રક જાહેર થયો. આ શનિવારે લેખકને સાવરકુંડલાના શ્રી વિદ્યાગુરુ ફાન્ડેશનનો નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવશે.
આવતી કાલ, બુધવારે 28 ડિસેમ્બર છે. 1881ના વર્ષની આ તારીખે રાજા રવિ વર્મા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)ના રાજ્યાભિષેકના અવસરે વડોદરા દરબારમાં હાજર હતા.
28 ડિસેમ્બર 2022ના દિવસે યુવા પ્રતિભા પુરસ્કાર સન્માનિત ભરત ખેની સાહિત્ય અકદમીના દિલ્હી દરબારમાં રાજા રવિ વર્મા ચરિત્રની વાત કરશે !
(27 ડિસેમ્બર 2022)
(માહિતી માટે આભાર : પ્રા. અજય રાવલ, પ્રા. મહેન્દ્રસિંહ પરમાર)
*** પુસ્તકનું પ્રાપ્તિસ્થાન : જ્ઞાનની બારી, જી 1, લાભ કૉમ્પ્લેક્સ, સત્તર તાલુકા સોસાયટી, નવજીવન, ઇન્કમ ટૅક્સ, અમદાવાદ 14, મો. 9408371206. કિ.રૂ.500/-
(950 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર