“એક ડરા હુઆ પત્રકાર એક મરા હુઆ નાગરિક કો જન્મ દેતા હૈ.”
– રવીશ કુમાર
આજથી સો વરસ પછી ભારતનાં કેટલાંક શહેરોમાં રવીશ કુમારના નામે રસ્તા હશે, પત્રકારભવનને રવીશ કુમારનું નામ અપાયેલું હશે, તેના નામે શ્રેષ્ઠ અને સ્વતંત્ર પત્રકારત્વના એવોર્ડ હશે અને જ્યારે પણ આદર્શ પત્રકાર અને પત્રકારત્વની વાત થશે ત્યારે રવીશ કુમારને યાદ કરવામાં આવશે. બીજી બાજુ બીકાઉ અને ડરપોક ગલુડિયાં કાળના ચાળણામાં ચળાઈને કાળના પેટમાં સમાઈ ગયાં હશે. તેને કોઈ યાદ પણ નહીં કરે. સો વરસની ક્યાં વાત કરીએ! ઈમરજન્સી હજુ ચાર દાયકા પહેલાંની ઘટના છે. એ સમયે ડરીને કે લાભ મેળવીને સરકારની ભાટાઈ કરનારા કેટલા પત્રકારોનાં નામ તમને યાદ છે? કેટલા જજોનાં નામ યાદ છે? બીજી બાજુ અરુણ શૌરી, રામનાથ ગોએન્કા અને ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને લોકો આજે પણ યાદ કરે છે. બીકાઉ અને ડરપોક ગલુડિયાંને ત્યારે યાદ કરવામાં આવે છે જ્યારે કોઈ એમ કહેવા માગતું હોય કે પત્રકાર અને જજ આવા ન હોવા જોઈએ. આવું જ હિટલર અને મુસોલિનીના જમાનામાં અનુક્રમે જર્મની અને ઇટલીમાં બન્યું હતું.
પ્રકૃતિનો અને સમયનો સ્વભાવ એવો છે કે જ્યારે આંધી શમી જાય ત્યારે ધરતી પર અડગપણે ઊભેલું તરણું નજરે પડે છે અને જે નજરે પડતા હતા અને બહુ ઘોંઘાટ કરતાં હતાં એ મજબૂત મૂળિયાં વિનાનાં કહેવાતાં વિરાટ વૃક્ષો ક્યાંક કોઈક જગ્યાએ ધરાશયી થઈને પડ્યાં હોય! સનાતન કાળથી આમ જ બનતું આવ્યું છે. બીજું એક સનાતન સત્ય એ છે કે જે માણસ પાસે પોતીકી આંતરિક શક્તિ હોતી નથી એ સૌથી વધુ ડરપોક હોય છે. એને ખબર છે કે શક્તિનો સ્રોત ક્યાંક અન્યત્ર છે અને એ જળવાઈ રહે ત્યાં સુધી જ તેની શક્તિ જળવાઈ રહેવાની છે અને જે ક્ષણે એ શક્તિનો સ્રોત ગયો કે પત્યું. આવા માણસો પરાઈ શક્તિનો સ્રોત ખોરવાય નહીં કે કોઈ તેને શોધીને ખોરવે નહીં તે માટે આકાશપાતાળ એક કરે છે. આને માટે બે માર્ગ છે : એક છે જે વેચાઈ શકતો હોય તેને ખરીદો અને જે વેચાય એમ ન હોય તો તેને ડરાવો.
પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે નથી વેચાતા કે નથી ડરતા. એવા લોકોનું શું કરવું? એને માટેનો તેમની પાસે ઈલાજ છે તેમનાં પગ તળેની જાજમ આંચકી લો. એન.ડી.ટી.વી.ના સ્થાપક ડૉ. પ્રણય રોય અને રવીશ કુમાર નહોતા વેચાતા કે નહોતા ડરતા. માટે અદાણીએ એન.ડી.ટી.વી.ના શેર યેનકેન પ્રકારેણ ખરીદી લીધા અને એન.ડી.ટી.વી.ની જાજમ ખેંચી લીધી. ડૉ. રોય અને રવીશ કુમાર ભલે બાજી હારી ગયા, પણ તેમણે પ્રામાણિકતા અને નીડરતાના પક્ષે ઊભા રહીને અમરત્વ જીતી લીધું છે.
‘ઊંટ કાઢે ઢેકા તો માલિક કાઢે ઠેકા’ એ કહેવત પણ સનાતન સત્ય ઉજાગર કરે છે. મુખ્યધારાના પત્રકારત્વમાં સ્વતંત્ર અવાજો ગૂંગળાવા લાગ્યા અને સત્યને જાજમતળે ધેકલવાનું શરૂ થયું એટલે સત્યને ઉજાગર કરવાનું કામ લોકોએ પોતાના હાથમાં લઈ લીધું. એક સમય એવો હતો જ્યારે શાસકો જૂઠું બોલતા હતા કે કશુંક છૂપાવતા હતા, પત્રકારો તેને ઊઘાડું પાડતા હતા અને લોકો પત્રકારનાં પત્રકારત્વ પર શ્રદ્ધા રાખતા હતા. આજે પત્રકારો જૂઠું બોલે છે, કશુંક છૂપાવે છે, વરવી હકીકતો તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરે છે ત્યારે લોકો સત્યની પૂંઠ પકડીને પત્રકારનો ધર્મ બજાવે છે. સત્ય દરેક યુગની જરૂરિયાત હોય છે, અત્યારના યુગની એ સૌથી વધુ મોટી જરૂરિયાત છે અને જ્યારે જેની જરૂરિયાત હોય એ લોકો મેળવીને જ રહે છે. આ પણ એક સનાતન સત્ય છે.
વાત એમ છે કે મુખ્યધારાના પત્રકારત્વનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે, પછી એ રવીશ કુમાર કહે છે એવું ગોદી હોય કે રવીશ કુમારનું હતું એવું સ્વતંત્ર. એન.ડી.ટી.વી.ના સ્વતંત્ર અને ખુદ્દાર પત્રકારત્વનો આજે અંત આવ્યો છે તો ગોદીનો કાલે અંત આવવાનો છે. કારણ એ છે કે માહિતી હવે સાવ સસ્તામાં, લગભગ મફતમાં કરાગ્રહે મળતી થઈ ગઈ છે. માહિતીનું વિવરણ, તેની પાછળની હકીકતો અને તેનાં સૂચિતાર્થો વગેરે બધું જ તમારાં મોબાઈલના હેન્ડસેટ પર બે-ચાર વાર આંગળી વધુ વખત વાપરવાથી મળી જાય છે. બીજી બાજુ મુખ્યધારાના પત્રકારત્વ પાસે માહિતી એકઠી કરવાની અને રજૂ કરવાની જે યંત્રણા છે એ જૂની અને ખર્ચાળ છે. આને કારણે મુખ્યધારાનાં મીડિયા પરવડે એમ રહ્યાં નથી પછી એ પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, ગોદી હોય કે સ્વતંત્ર. એનો અંત નજીક છે. આ પહેલાં પણ એ પરવડે એમ હતાં જ નહીં, ત્યારે પણ એ સરકારી અને કોર્પોરેટ કંપનીઓની જાહેરાત પર જ નભતાં હતાં, પણ ત્યારે ડિજીટલ મીડિયાએ ચેલેન્જ ઊભી નહોતી કરી એટલે શાસકોની અને કુબેરપતિઓની કૃપાથી તે બચી શક્યાં હતાં. આજે હવે લગભગ મફતમાં ઉપલબ્ધ ડિજીટલ મીડિયા સામે તેનું ટકી રહેવું અશક્ય બની ગયું છે. આજે મુખ્યધારાના મીડિયાના માલિકો અને પત્રકારો ગોદમાં બેસી ગયા છે એનું એક કારણ એ પણ છે કે રોજેરોજ હાથીને ચારો નીરવો ક્યાંથી? વેચાઈ જવું અને ડરીને રહેવું એ તેમની મજબૂરી છે.
મુખ્યધારાના મીડિયાનો ભલે અંત આવે, નાગરિક લાભમાં છે. ઊલટો તેના અંત દ્વારા તે વધારે લાભમાં છે. અને આવું જગત આખામાં બની રહ્યું છે. નાગરિક હવે કુડીબંધ પત્રકારના ખાસ કલરનાં ચશ્માંથી મુક્ત થઈ રહ્યો છે. એની તો પાંચે ય આંગળી ઘીમાં છે. માનવીની દરેક પ્રવૃત્તિમાં સ્વહિત હોય છે. આગળ જતાં એમાંથી સમૂહનો અને વ્યક્તિનો સ્વાર્થ પેદા થાય છે, સ્વાર્થમાંથી સ્થાપિત હિત પેદા થાય છે, આગળ જતાં સ્થાપિત હિત ટકાવી રાખનારી વ્યવસ્થા પેદા થાય છે, એ વ્યવસ્થામાં આગળ જતાં પરિવર્તન અને પરિવર્તનનો પ્રતિકાર કરનારું રાજકારણ પેદા થાય છે એમ સમાજકારણની એક લાંબી સાઈકલ હોય છે. આ સાઈકલ સમજવા માટે વિવરણકારો અને સમીક્ષકોની જરૂર પડતી હતી અને તેમના સુધી પહોંચવા માટે અખબારો અને અન્ય મુખ્યધારાના માધ્યમોની જરૂર પડતી હતી. હવે નાગરિક પ્રસ્થાપિત માધ્યમોથી મુક્ત સ્વતંત્ર થઈ ગયો છે. હવે તે ઈચ્છે ત્યારે અમર્ત્ય સેન, રઘુરામ રાજન, રામચન્દ્ર ગુહા, રોમીલા થાપર અને રવીશ કુમાર સુધી પહોંચી શકે છે. હવે તે ગણતરીનાં માધ્યમોનો ઓશિયાળો નથી. જેને જે વિષયમાં રસ હોય તેમાં તેને વિશદ માહિતી અને તેનાં સૂચિતાર્થો મળી રહે છે. અનેક ડિજીટલ પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ થઈ ગયાં છે.
પ્રબુદ્ધ અને પ્રામાણિક નાગરિકોનું પત્રકારત્વ અને સાવ સહેલાઇથી મફતમાં રચાઈ રહેલાં પ્રબુદ્ધ નાગરિકોનાં ડિજીટલ પ્લેટફોર્મ્સ પર અંકુશ કેવી રીતે મૂકવો? ડરપોક શાસકો માટે આ માથાનો દુઃખાવો છે. જે નાગરિક બેવકૂફ નથી બનવા માગતો તેને બેવકૂફ બનાવવો હવે શક્ય નથી. હવે જાગૃત નાગરિકને એન.ડી.ટી.વી. હોય કે ન હોય, રવીશ કુમારની ખોટ પડવાની નથી અને અર્નબ ગોસ્વામીઓ ગમે એટલો ઘોંઘાટ કરે, જાગૃત રહેવા માગતા નાગરિકને બેવકૂફ બનાવી રાખવાની કોઈ ગેરંટી આપી શકે એમ નથી. જાગૃત નાગરિકોનું જાગૃત નાગરિકો માટેનું વૈકલ્પિક પત્રકારત્વ વિકસી રહ્યું છે.
‘ઊંટ કાઢે ઢેકા તો માલિક કાઢે ઠેકા’. પ્રજા માલિક છે અને જરૂરિયાત સૌથી મોટું ચાલકબળ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2022