વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે સ્ત્રી અને પુરુષ તો સંસાર રથનાં ચક્રો છે. હશે, પણ એ ચક્રો કરતાં ચક્રમો વધારે લાગે છે. સંસાર રથને સ્ત્રી ગામ ભણી તાણે તો પુરુષ સીમ ભણી તાણે એવું ઘણી વાર બને છે. સ્ત્રી, પુરુષને આદર્શ ચીતરવામાં આવે છે ખરાં, પણ તેવું કલ્પનામાં સારું લાગે છે, બાકી વ્યવહારમાં તો આદર્શ જેવું ખાસ જોવા મળતું નથી. એમાં વળી આજનું યુવા કલ્ચર તો અનેક રીતે ચર્ચાસ્પદ ને ક્યારેક તો હાસ્યાસ્પદ રીતે વર્તતું હોવાનું લાગે છે. એ સાચું છે કે અનેક પરિવર્તનો સમાજમાં આવ્યાં છે ને સમાજને જ તેનો વાંધો પડે છે, તો આજનું યુવા માનસ અનેક તનાવોનું શિકાર છે તે પણ ખરું. એક સમયે કુટુંબ સંયુક્ત અને તેથી વિશાળ પણ હતું. કુટુંબમાં જ ભાઈ-બહેનો મિત્રની ગરજ સારતાં હતાં. હવે કુટુંબ નાનું થયું છે. મોટે ભાગે તો ભાઈ બહેન હોય કે ભાઈ અથવા બહેન હોય, એટલામાં કુટુંબ પૂરું થઈ જાય છે. એમાં હવે બહારથી મિત્રો ઉમેરાયા છે ને તે પ્રકાર પ્રકારના ને સારી એવી સંખ્યામાં હોય છે. એ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ જેવું ઘણું ઉમેરાયું છે ને ઉમેરાતું જ જાય છે, એટલે એ ભીડથી બચવાનું રહે છે. આ ભીડ વ્યક્તિને એકલી ને એકલપેટી બનાવે છે. મોટે ભાગનું એમાં સાચું નથી હોતું, પણ દેખાડો તો એમાં ભરપૂર થાય જ છે.
સોશિયલ મીડિયાનો ફેલાવો વધ્યો છે ત્યારથી ઓનલાઈન મિત્રોની સંખ્યા વધી છે ને ક્લાસ મેટ્સ, કલિગ્સ, સંબંધીઓ વગેરે સૌ ઓનલાઈન જ વાતો કરી લે છે કે ફોટો, વીડિયો કે મેસેજની આપ લે દ્વારા ખરી ખોટી માહિતીઓથી રાજી રહેતાં હોય છે. એમાં મિત્રો પણ સાચા જ હોય એવું જરૂરી નથી. વિજાતીય મૈત્રીમાં ઘણું સાચું પણ હશે જ, પણ ખોટું પણ એટલું જ છે. મૈત્રી સ્કૂલથી માંડીને નોકરી, ધંધા સુધી વિસ્તરેલી હોય છે. વિજાતીય મૈત્રીમાં નાનાં મોટાં, સૌ ઘણું ખરું અપરિપક્વ જ પુરવાર થતાં હોય છે. નવું કશુંક અપનાવવાને નામે જવાબદારીમાંથી છટકવું – એ હેતુ તમામ સ્તરની મૈત્રીમાં વત્તે ઓછે અંશે જોવા મળે છે, તો જવાબદારી ન હોય એ ઉંમરમાં બીજાને માટે જવાબદારી ઊભી કરવાનું પણ સામાન્ય બની રહ્યું છે. જેમ કે, ભણવાની ઉંમરમાં, શાલેય જીવનમાં મૈત્રીના જે પ્રકારો વિકસ્યા છે તેણે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. વિજાતીય મૈત્રીમાં કોઈ મિત્ર હોય છે તો કોઈ બોયફ્રેન્ડ તો કોઈ ગર્લફ્રેન્ડ હોય છે. હવે બે વિજાતીય મિત્રો એ કેવળ મિત્રો છે, પણ જો તે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તરીકેની ઓળખ ધરાવતા હોય તો તે કેવળ મૈત્રીથી કશુંક વિશેષ પણ છે જેમાં શારીરિક છૂટછાટનો સ્પષ્ટ સંકેત અપાતો હોય છે. એમાં ઈચ્છા, અનિચ્છાએ બંધાતો શરીર સંબંધ પણ ખરો. એ ન હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ એ હોય તો તે ભણતર ઉપરાંતની બીજી ઘણી જવાબદારીઓ પોતાને કે અન્યને માટે ઊભી કરે છે.
એક સમય હતો જ્યારે લગ્ન પહેલાંનો શરીર સંબંધ સમાજ માન્ય ન હતો. આજે ય કદાચ નથી, પણ આજે જે રીતે એ સંદર્ભે આંખ આડા કાન થાય છે તે અગાઉ આટલા પ્રમાણમાં ન હતું. એક વાત આંખે ઊડીને વળગે એવી એ છે કે શારીરિક સંબંધને હવે બહુ હળવાશથી લેવાય છે. એનું એક પરિણામ એ પણ આવ્યું છે કે નાની બાળાઓ પર બળાત્કારની સંખ્યા વધતી આવી છે. એ ઉપરાંત બળાત્કારનું પ્રમાણ અન્ય સ્ત્રીઓ પરનું પણ ઓછું નથી. એ સાથે જ લગ્નેતર સંબંધનું પ્રમાણ અને તેનાં પરિણામો આઘાત લાગે એ હદે વધ્યાં છે. અંગત પળોનાં વીડિયો ઉતારવાની ફેશન પણ જોખમી રીતે વધી છે. એ વીડિયોનો ઉપયોગ તો થતો જ નથી, તેનો દુરુપયોગ જ થાય છે. વધારે આઘાત તો એ વાતે લાગે છે કે આવા વીડિયોની એમાં સંડોવાનાર યુવતીની મંજૂરી હોય છે, નહિતર આવાં વીડિયો ઊતરે નહીં. બને કે એવી મંજૂરી મહિલાની લાચારીનું પરિણામ પણ હોય, પણ જે અંગત છે તેને જાહેર કરવામાં તો ગુનાહિત માનસિકતા જ છતી થાય છે તે સમજી લેવાનું રહે.
કોણ જાણે કેમ પણ પ્રેમની બાબતે મહિલાઓ વધુ ગરજાઉ અને લાચાર જણાય છે. પ્રેમ તેની એકલીની જ ઈચ્છા કે ગરજ નથી. સ્ત્રી અને પુરુષ બંનેની અનિવાર્યતા છે પ્રેમ. તે કોઈ એકની જ ગરજ કે લાચારી બની રહે તો ત્યાં પ્રેમ નહીં, શોષણ સક્રિય થતું હોય છે. પ્રેમ સમર્પણ છે, પણ તે કોઈ એકનું જ નથી. બંનેનું પરસ્પર માટે હોય, પણ વ્યવહારમાં એવું ખાસ જોવા મળતું નથી. જો પ્રેમ બંનેની ગરજ હોય તો શોષણને અવકાશ જ ન રહે, પણ સ્ત્રીઓને મોટે ભાગે વેઠવાનું જ આવે છે. પુરુષો પણ વેઠે છે ને કેટલીક સ્ત્રીઓ પુરુષોને ઠીક ઠીક વિતાડે પણ છે, પણ તેનું પ્રમાણ પુરુષો જેટલું નથી. પુરુષોને પ્રેમનો સ્વીકાર થઈ જાય કે લગ્ન થઈ જાય તો એક પ્રકારની નિશ્ચિતતા ને નચિંતપણું અનુભવાય છે. આ વાત તેને પ્રેમિકા કે પત્ની પ્રત્યે લાપરવાહ અને બેફામ બનાવે છે. આ ઠીક નથી. ઉપેક્ષા પ્રેમની શત્રુ છે.
એક પ્રેમિકાની વાત આ સંદર્ભે જાણવા જેવી છે. તે તેનાં પ્રેમીને ખૂબ ચાહે છે. તેને પ્રેમી સિવાય બીજા કોઈ મિત્રો નથી. પ્રેમી જ તેનો પહેલો ને છેલ્લો પ્રેમ છે. પ્રેમી પણ તેને ખૂબ ચાહે છે, પણ તેને ઘણી સ્ત્રી મિત્રો છે ને એક બે તો ખાસ છે. બંને પ્રેમીઓ હવે લગ્ન કરવાં માંગે છે, પણ પ્રેમિકાની એક શરત છે. તે એ કે લગ્ન પછી તેનાં પતિને કોઈ સ્ત્રી મિત્ર ન હોય. પ્રેમીને એ મંજૂર નથી. તે તેની મિત્રોને છોડવા રાજી નથી. એ કારણે બંને એકબીજાને ખૂબ ચાહતાં હોવા છતાં પરણી શકતાં નથી. પ્રેમિકાએ એક બે સલાહકારોની સલાહ પણ લીધી. સલાહકારોએ તેને સમજાવી કે પ્રેમીની મિત્રોનો વાંધો ઉઠાવીને પ્રેમિકા ભૂલ કરી રહી છે. તેણે આવા આગ્રહો જતા કરવા જોઈએ ને ઉદાર થઈને પ્રેમીની સ્ત્રી મિત્રોને સ્વીકારવી જોઈએ. પ્રેમિકા, પ્રેમીની સ્ત્રી મિત્રોને નકારીને જૂનવાણી ને દકિયાનુસી માનસિક્તાનો જ પડઘો પાડી રહી છે એવું પણ તેને સમજાવાયું. ટૂંકમાં, પ્રેમિકાને નવી વિચારસરણી ન સ્વીકારનાર તરીકે સલાહકારોએ ઠપકારી અને જૂની માનસિક્તામાંથી બહાર આવવાનું સૂચવ્યું.
પ્રેમીને સ્ત્રી મિત્રો હોય ને કોઈ કોઈ ગાઢ પણ હોય તે સહજ ગણાવું જોઈએ એવું આજનો યુવા વર્ગ માને છે. ઘણો બધો શક્ય છે કે એને અન્ય મિત્રો સાથે સંબંધ પણ હોય. હવે એનાથી જ ચાલી જતું હોય તો પ્રેમિકા સાથે પરણવાની કઇ અનિવાર્યતા બચે છે તે વિચારવાનું રહે. જો પ્રેમિકા અનિવાર્ય જ હોય તો ભાવિ પત્ની માટે એ સ્ત્રી મિત્રો સાથેના સંબંધો પર કાબૂ મેળવી શકે ને ! એ શક્ય ન હોય તો પ્રેમિકા પ્રત્યેનો સંબંધ અનિવાર્ય નથી એમ માનવું પડે. પ્રેમિકા જૂનવાણી હોય તો પણ, તેનો પતિ તેને વફાદાર હોય એ અપેક્ષા રાખવાનો તેને અધિકાર નથી એવું તો કેમ કહેવાય? એવું તો નથી ને કે જેટલી વધુ સ્ત્રી મિત્રો એટલો પ્રેમી વધુ વફાદાર? એ દુ:ખદ છે કે વધુ સ્ત્રી મિત્રો એ આધુનિક વિચારસરણીનો પડઘો છે. આમાં અનિવાર્યતા કરતાં દેખાડો ને ફેશન વધારે છે.
– ને સોંસરું તો એ પૂછવાનું થાય કે પ્રેમીની સ્ત્રી મિત્રો, પ્રેમિકાને ક્ષમ્ય લાગતી નથી એ જો તેને જૂનવાણી ઠેરવતી હોય તો પ્રેમિકાને એકથી વધુ પુરુષમિત્રો હોય ને તેમાં એક બે ગાઢ પણ હોય તો પ્રેમી એ ચલાવશે ખરો? પ્રેમીએ ન કહ્યું હોત પ્રેમિકાને મિત્રોની ભીડ ઓછી કરવાનું? આનો જવાબ શું હોય તે કહેવાની જરૂર છે?
ટૂંકમાં, આપણા ચાવવાના ન બતાવવાના જુદા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 13 નવેમ્બર 2022