1857માં યુનિવર્સિટી સ્થાપતી વખતે મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ, આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાકાળે ગાંધીજીએ કહ્યું હતું કે આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જે દેશને પ્રેમ કરે, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત ધરાવે, શીલવાન હોય અને જ્ઞાન વહેંચવા તત્પર હોય. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે …
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે આપેલું રાજીનામું છેવટે સ્વીકારાયું અને હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો કારોબાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે, આ સમાચાર આપણે જાણ્યા છે. અત્યાર સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજ્યપાલ ન ગણાતા, પણ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો આ ઇતિહાસ 102 વર્ષ બાદ બદલાયો છે. દરમિયાન 18 ઑકટોબર એટલે કે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપનાદિન આવી રહ્યો છે એ નિમિત્તે ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ અને આ ભવ્ય સંસ્થાના ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરીએ.
એક પ્રાચીન સભ્યતા હોવાને નાતે ભારતનો શિક્ષણ-ઇતિહાસ અનેક કાળખંડોમાંથી પસાર થતો અને વૈવિધ્યપૂર્ણ બની રહ્યો છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં ઋષિમુનિઓના આશ્રમોનો ઉલ્લેખ છે. ભારતની સૌથી જૂની ‘રેકૉર્ડેડ’ શિક્ષણસંસ્થા તક્ષશિલાનો કાળ ઈ.સ. પૂર્વે આઠમી સદી છે. હાલ એ પાકિસ્તાનમાં છે. તેનું માળખું જો કે આપણે જેને યુનિવર્સિટી કહીએ છીએ તેના કરતાં જુદું હતું. નાલંદાને વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી માનવામાં આવે છે. તેના અવશેષો હાલના બિહારમાં છે. પછીની સદીઓમાં શિક્ષણવ્યવસ્થા અનેક નાનાંમોટાં પરિવર્તનોમાંથી પસાર થઈ. ઈ.સ. પૂર્વે 500માં બૌદ્ધ મઠોમાં પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવતું. એક સમયે શીખવાનો અધિકાર અમુક જ્ઞાતિવિશેષ પૂરતો સીમિત થયો. પછી પણ નાનાંમોટાં પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે થતાં રહ્યાં પણ સૌથી મોટું, સૌથી વ્યાપક અને સૌથી વધુ દીર્ઘજીવી પરિવર્તન અંગ્રેજી શાસન દરમ્યાન લૉર્ડ મેકોલેએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિથી થયું.
25 ઑક્ટોબર 1800ની સાલમાં ઈંગ્લેન્ડમાં જન્મેલા થોમસ બાબિંગ્ટન મેકોલે 1934માં સુપ્રિમ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય તરીકે ભારત આવ્યા હતા. પછીના ચાર વર્ષના ભારતનિવાસ દરમ્યાન એમણે બે મોટાં કામ કર્યાં. એક તો ક્રિમિનલ કૉડમાં સુધારો કરી એક સરખા કાયદા બનાવ્યા અને બીજું બ્રિટિશ માળખા મુજબની યુનિવર્સિટીઓ શરૂ કરી. 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની જ નહીં, ભારતમાં પહેલી યુનિવર્સિટી શરૂ થયાની પણ સાલ છે. મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ રાષ્ટ્રવાદીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ ભારતના પ્રચલિત શિક્ષણમાળખાની દરેક ખામી માટે આજે પણ મેકોલેને ગાળો આપે છે, પણ આઝાદી મળ્યાને પોણી સદી થઈ છતાં પણ એમાં સુધારા કરી શક્યા નથી. 2020ની નવી શિક્ષણનીતિ કોઈ સુધારો કરી શકે છે કે કેમ એ તો આવનારાં વર્ષો બતાવશે.
કલકત્તા અને મુંબઈમાં યુનિવર્સિટીની સ્થાપનાથી ભારતમાં આધુનિક શિક્ષણનો વિધિવત્ પ્રારંભ થયો. ત્યાર પછીના પચીસેક વર્ષમાં જ ભારતને અંગ્રેજો અને અંગ્રેજોએ પેદા કરેલા બાબુઓથી છોડાવવા રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ ગઈ હતી. એના પરિપાક રૂપે પહેલા તો સરકારી માન્યતાવાળી રાષ્ટ્રીય શાળાઓ બની અને 1900થી સ્વતંત્ર રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. 1920 પછી સ્વરાજના ધ્યેય સાથેની રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ અને રાષ્ટ્રની ચેતનામાં ક્રાંતિના બીજ રોપાયાં.
1920 ભારતના રાજકીય અને શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વનું વર્ષ છે. ગાંધીજીએ એક તરફ અસહકાર આંદોલન ઉપાડ્યું અને બીજી તરફ રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપક પ્રયોગ શરૂ કર્યો. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા તેમના શિક્ષણના પ્રયોગો ભારતમાં આવ્યા પછી કોચરબ અને સાબરમતીમાં ચાલુ જ હતા. 1920માં અસહકાર આંદોલન ઉપાડવા સાથે તેમણે સૌને બ્રિટિશ સરકારે આપેલા માન-ચાંદ-ખિતાબોનો, અંગ્રેજી શિક્ષણનો અને અંગ્રેજી અદાલતોનો બહિષ્કાર કરવા હાકલ કરી. બ્રિટિશ શાળા-કૉલેજોમાં અપાતું શિક્ષણ બ્રિટિશ સામ્રાજ્ય માટે કારકૂનો પેદા કરવાનું કારખાનું જ છે એ સમજાતાં ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજો છોડ્યાં. આ વિદ્યાર્થીઓ શિક્ષણ અને જ્ઞાનથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય કેળવણીને વ્યાપક બનાવવી જરૂરી હતી. દેશનું નવનિર્માણ કરી શકે તેવા સક્ષમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા પાંચ વિદ્યાપીઠોની સ્થાપના થઈ જેમાં ગૂજરાત વિદ્યાપીઠ પહેલી હતી.
18 ઑક્ટોબર 1920માં મહાત્મા ગાંધીએ શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પાછળનો વિચાર એ હતો કે અંગ્રેજી કેળવણી આપણા દેશ માટે પ્રતિકૂળ છે તેથી વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, નિર્ભય અને સ્વાશ્રયી બનાવવા ગુજરાત ભરમાં શિક્ષણસંસ્થાઓ સ્થાપવી અને એમનો સમન્વય કરવા એક વિદ્યાપીઠ ઊભી કરવી. મહાત્મા ગાંધીએ તેનું કુલપતિપદ સ્વીકાર્યું અને ઑક્સફર્ડમાં ભણેલા અસુદમલ ટેકચંદ ગિદવાણી વિદ્યાપીઠના કુલનાયક અને પહેલા આચાર્ય નિમાયા. વિનોબાજી, કાકા કાલેલકર, રા.વિ. પાઠક જેવા દિગ્ગજો ત્યાંના અધ્યાપકો હતા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી તેના કુલપતિ રહ્યા. સાબરમતી આશ્રમમાં હતા ત્યાં સુધી સાયકલ પર વિદ્યાપીઠ આવતા-જતા.
એમના પછી સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને મોરારજી દેસાઈએ આ પદ સંભાળ્યું. ઈલાબહેન પહેલા નારાયણ દેસાઈ અને સુશીલાબહેન નય્યર પણ કુલપતિઓ હતાં. આ તમામ કુલપતિઓ વિદ્યાર્થીની પરંપરા મુજબ ટ્રસ્ટીમંડળે પસંદ કરેલા ગાંધીવાદીઓ અને સામાજિક અગ્રણીઓ હતા. વિદ્યાપીઠના હાલના કુલપતિ આચાર્ય દેવવ્રત એવા પહેલા વ્યક્તિ છે જે રાજ્યપાલ હોવાના કારણે કુલપતિ બન્યા છે.
સત્ય-અહિંસાનું પાલન, અસહકાર, શ્રમગૌરવ, સર્વધર્મસમભાવ, ખાદી-ગ્રામોદ્યોગને પ્રોત્સાહન, ગ્રામકેળવણી પર ભાર અને શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા – આ સિદ્ધાંતો વિદ્યાપીઠનો પાયો છે. તેનો ધ્યાનમંત્ર છે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ વિદ્યા એ જ છે જે મુક્ત કરે. આખા શ્લોકનો અર્થ એવો છે કે ‘સાચું કર્મ એ જે બંધન ન બને, સાચી વિદ્યાએ જે મુક્ત કરે. આ સિવાયના કર્મ માત્ર ઢસરડો છે અને આ સિવાયની વિદ્યા માત્ર કારીગરી છે.’ લોગોમાં આ સૂત્ર સાથે અરબી ભાષાનું એક સૂત્ર પણ મુકાયું છે જેનો અર્થ છે જ્ઞાન મેળવવું એ દરેકનો અધિકાર છે.
અસહકાર વેગ પકડતો ગયો, રાષ્ટ્રનું કૌવત બહાર આવતું ગયું તેની સાથે વિદ્યાપીઠ પોતાની દિશા અને માર્ગ પ્રત્યે ચોક્કસ બનતી ગઈ. ગ્રામોદ્ધાર, ગ્રામીણ પ્રજાની કેળવણી અને સાદાઈનાં તત્ત્વો વિદ્યાપીઠના દરેક કાર્યમાં પ્રતિબિંબિત થતાં. સરદાર પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, નરહરિ પરીખ, જુગતરામ દવે, પંડિત સુખલાલજી, પરીક્ષિતલાલ મજમુદાર અને મણિબહેન પટેલ જેવાં સભ્યોનું એક કાયમી ‘ગૂજરાત વિદ્યાપીઠ મંડળ’ સ્થપાયું હતું. 1930-35 અને 1942-45 દરમ્યાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સૌ વર્ગખંડો છોડી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઊતરી આવ્યા હતા ને લાઠીઓ ખાઈ, પકડાઈને જેલમાં ગયા હતા.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ પંદરેક વર્ષે વિદ્યાપીઠ યુ.જી.સી. સંચાલિત ડીમ્ડ યુનિવર્સિટી બની. અભ્યાસક્રમો ડૉક્ટરેટ સ્તર સુધી વિસ્તર્યા. સાથે રાષ્ટ્રભાષા હિંદી પ્રચાર સમિતિ, પ્રૌઢશિક્ષણ, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, જનજાતિ સંશોધન કેન્દ્ર વગેરે અનેક અભિયાનો શરૂ થયાં.
એક સદી દરમિયાન વિદ્યાપીઠે અનેક તડકાછાંયા જોયા છે. પરતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્ર ભારતની સરકારો, બદલાતી પેઢીઓ, બદલાતાં જનમાનસ, ભ્રષ્ટાચાર, મૂલ્યહ્રાસ, સ્પર્ધાત્મક જીવનશૈલી અને વકરતા ભૌતિકવાદ સામે ઝીક ઝીલતી વિદ્યાપીઠ આજ સુધી અડીખમ ઊભેલી છે. તેના પરિસરમાં આજે પણ ગાંધીમૂલ્યોની હવા વહે છે. ત્યાંની દીવાલોમાં એક સદીનો ઇતિહાસ ધબકે છે.
વિશ્વના, રાજકારણના પ્રવાહો બદલાય તેમ ગાંધીવિચાર ધરાવનાર વ્યક્તિ, સંસ્થા અને સંસ્થાના સંચાલકો પર પણ અમુક જાતનાં દબાણ આવતા હોય છે. ગાંધીવિચાર અને ગાંધી લીડરશીપ સાચી દિશા પકડે તો લોકો સ્પર્ધકો, આક્રમકો કે શોષકો મટી સશક્ત, નિર્ભય, સંગઠિત અને એક ધ્યેય માટે કામ કરતા બને છે એ આપણે જોયું છે. વ્યક્તિનિર્માણ, સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણમાં આ બાબતોનું અને આવા લોકોનું હોવું ખૂબ જરૂરી છે. ગાંધીજીએ કહ્યું હતું કે દેશપ્રેમ, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત, ચારિત્ર્યબળ અને જ્ઞાન વહેંચવાની તત્પરતા એ જ વિદ્યાપીઠની અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની કસોટી છે. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે.
સચ હૈ, સમય બડા બલવાન હૈ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ઑક્ટોબર 2022