ખોટું હતું તમારું નામ
કુંજ તો હજી ય ચાલે
પણ વિહારી?
તમે પોતે કુંજ
ને તમે જ વિહાર કરો
એ ગળે ઊતરતું નથી
ક્યારેક તમે જ બહારથી
તમારામાં વિહારે નીકળ્યા હો
નામને સાર્થક કરવા એમ બને
કુંજની પ્રસન્નતા ખરી
પણ તમે હસ્યા ઓછું
હસી કાઢ્યું ઘણું
પણ જે હતું તે
તમારી આંખોમાં –
તમે આંખોમાં જ વસતા હતા
હથિયારની ચમક હતી એમાં
ઘા ક્યારેક દૃષ્ટિથી જ થતો
ને પરિણામ ઘવાવામાં આવતું
ખુન્નસ ઉગામ્યું જ નહીં
નહીંતર ઘણો સંહાર થઈ શક્યો હોત
ચહેરા પર કેવળ કરડાકી
એટલી ખડકાળ કે
આંગળી મૂકો તો ટશર ફૂટે
વાણી અગ્નિદાહ જેવી
બાળતી પણ શુદ્ધ કરતી
તમે શબ્દોથી સફાઈ અભિયાન ચલાવ્યું
જાહેર થયા ત્યારે અંગત પણ રહ્યા
તમે પોતે જ શસ્ત્રાગાર જેવા
એટલે જ તો શતાબ્દીથી જીવો છો
તમને યાદ કરવા પડે એવું નથી
શ્વાસ કોઈ યાદ રાખીને લે છે !
તમે યોદ્ધા છતાં હિંસા રોકી
શિસ્ત આંખોથી જ ફેલાવ્યું
જે કરડાકી લોહી ટપકાવે
તેણે રક્તદાન કર્યું
જરૂર તમને ય હતી
પણ તમે બીજાની જરૂર રહ્યા
ખોટી દિશામાં દોડનારને
તમે રોક્યા
ન ચાલી શકનારને દોડાવ્યા
તમે વજ્રથી કઠોર હતા
પણ હૃદય કોમળ હતું
તે બીજાનાં આંસુ ઝીલવાથી !
કોઈ વ્યક્તિ સંસ્થા પણ હોય
તે તમે સિદ્ધ કર્યું
તમે નિવૃત્ત થયા જ નહીં !
હજી નથી થયા
ને થાવ એવું લાગતું નથી
કોઈએ આટલું બધું ન જીવવું જોઈએ
પણ એમાં દોષ તમારો નથી
તમે ઇચ્છો કે ન ઈચ્છો
આ જગત તમને મરવા દે એમ નથી
અમે રહીએ કે ન રહીએ
તમે રહેશો
તમે જ નહીં રહો તો
આ ધરતીને ય
કયું કારણ છે રહેવાનું
તે કહેશો …?
000
e.mail : ravindra21111946@gmail.com