ગાંધીજન ભીખુભાઈની ૯૨ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા (૧૯૩૦-૨૦૨૨) ગઈ તા. ૬ઠ્ઠી જૂન, ૨૦૨૨ ના રોજ સદાને માટે થંભી ગઈ. દોઢ મહિના પૂર્વે વાલોડના તેમના નિવાસ સ્થાને બે કલાક કોકીબહેનની હાજરીમાં મુલાકાત થયેલી ત્યારે ભીખુભાઈ અને કોકીબહેને “જીવન જવ સુકાઈ જાય, કરુણા વરસન્તા આવો!” ભજન ખૂબ જ ભાવવાહી રીતે ગાયું, તેની યાદ હજી તાજી જ છે. ભીખુભાઈ એટલે નખશિખ ગાંધીજન. તેમના ચહેરા પર સદાય પ્રસન્નતા અને કરુણા જ હોય. ખૂબ જ સરળ, સૌમ્ય અને સ્નેહાળ એવા ભીખુભાઈ તેમના જીવનના સાત દાયકા ગરીબો, વંચિતો તેમ જ છેવાડાનો માણસ કઈ રીતે પગભર થાય અને ખુમારી – ગૌરવથી જીવી શકે તે માટે તેઓ સતત ઝઝૂમ્યા, પ્રયત્નશીલ રહ્યા અને અંતે સફળ કર્મશીલ બનીને અનેકોના પ્રેરણાસ્રોત બન્યા.
ભીખુભાઈનો જન્મ તા.૨૨-૦૮-૧૯૩૦ના રોજ વાલોડ ખાતે થયો. માતાએ ભીખુભાઈના જન્મ પહેલાં ચાર સંતાનો જન્મતાં પહેલાં ગુમાવેલું એટલે ગોરપદુ કરતાં પિતાએ યજ્ઞ કરાવેલો. ત્યાર ભીખુભાઈનો જન્મ થયો. બાળકને ઘરનું ખાવાનું સદતું નથી, એવી માન્યતા દૃઢ થયેલી માટે આજુબાજુનાં ઘરોમાંથી ભીખુભાઈ માટે ખાવાનું તેમ જ કપડાં માંગી-ભીખીને પૂરાં પાડ્યાં. આમ, ભીખનો માંગેલો એટલે ભીખુ નામ પડ્યું.
ભણવામાં તેજસ્વી એવા ભીખુભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડમાં થયું. સુરતથી બીએસ.સી. થયા બાદ એ જમાનામાં સારા એવા પગારની નોકરી છોડીને ગરીબોના ઉત્થાન માટે ગ્રામવિકાસનાં કામો કરવા માટે પ્રતિબદ્ધ થયા. આ પ્રતિબદ્ધતા ભીખુભાઈમાં આવી કયાંથી? વાલોડ ગામ શરૂઆતથી પ્રગતિશીલ વિચારધારાને પોષક રહ્યું છે. ભીખુભાઈની યુવકોની ટોળીમાં અલ્લુભાઈ શાહ, વિલાસભાઈ દેસાઈ, ભૂપેન્દ્રભાઈ દેસાઈ, કુલીભાઈ પંડ્યા, બાબુભાઈ શાહ વગેરે હતા. આ બધા જ બ્રાહ્મણ-વણિકના દીકરાઓ હતા તેમ જ તેમાંનાં કેટલાંક જમીનદારોનાં સંતાન હતાં. પરંતુ, સામાજિક નિસબત અને ગરીબો પ્રતિની સંવેદનશીલતા તેઓને શાહુકારી કે જમીનદારીને જાકારો આપતી હતી. પોતાની યુવાવસ્થામાં આ બધા જ યુવકોએ ક્રાંતિકારી વિચારધારા પર આધારિત ‘જુગાન્તર જૂથ’ની સ્થાપના કરેલી. આ જૂથનો ઉદ્દેશ સમાજવાદી ઢબનો સમાજ નિર્માણ કરવાનું હતો. સમાજવાદ અને સામ્યવાદ તરફ આ યુવકોને આકર્ષણ હતું.
ભીખુભાઈ અને સાથીઓને વાલોડનાં સ્થાપિત હિતો સામે બંડ પોકાર્યો, જેના લીધે-ભણ્યા બાદ વાલોડની શાળામાં શિક્ષક થવાના ઓરતાં સાકાર ન થયાં. પરંતુ, ‘જુગાન્તર જૂથ’ના બધા જ મિત્રોએ નક્કી કર્યું કે, ભણીને નોકરી કરવા માટે વાલોડ છોડવું નહીં. અહીં જ રહીને ગ્રામસેવા અને નવા સમાજના નિર્માણ માટે રચનાત્મક કાર્યો કરવાં. વાલોડ ગામે તેમને ન સ્વીકાર્યા, એટલે તેઓ વાલોડને અડીને આવેલા વેડછી ગામમાં સ્થાયી થયેલ ઋષિતુલ્ય જુગતરામભાઈ દવેના સંપર્કમાં આવ્યા. જુગતરામકાકાએ કહ્યું કે અહીં આવીને તમે ગાંધીવિચાર આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે શિક્ષણ, ગ્રામોદ્યોગ, ખાદી, ગણોત ધારાનું અમલીકરણ, ખેતીસુધારા વગેરે કામો કરી શકો છો. ભીખુભાઈ વેડછી આશ્રમમાં ૧૯૪૮-૫૦ દરમ્યાન જોડાયા. અહીં તેઓ શિક્ષણપ્રવૃત્તિમાં ઓતપ્રોત થયા. પી.ટી.સી.ની તાલીમ વેડછી અધ્યાપનમંદિરમાંથી લઈને ભીખુભાઈ તેમ જ તેમના મિત્રોએ વાલોડથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા કલમકૂઈ ગામમાં ગ્રામભારતી ઉત્તર બુનિયાદી વિદ્યાલયની સ્થાપના કરી અને ત્યાં આચાર્યપદે બે વર્ષ કામ કર્યું. કલમકૂઈ બાદ તેઓ વેડછી અધ્યાપનમંદિર પી.ટી.સી.માં શિક્ષક તરીકે જોડાયા. આમ, બનવું હતું શિક્ષક અને બની ગયા શિક્ષકોના શિક્ષક.
૧૯૫૫ની આસપાસ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોનાં તાલીમકેન્દ્રોમાં વેડછી અધ્યાપનમંદિરની પ્રતિષ્ઠા ખૂબ જ ઊંચી હતી. ભીખુભાઈએ અહીં ભાવિ સમાજના કર્મનિષ્ઠ શિક્ષકો તૈયાર કરવાનું ઉમદા કામ કર્યું. શિક્ષણની પ્રવૃત્તિની સાથેસાથે વાલોડના આજુબાજુના વિસ્તારોમાં દારુણ ગરીબી તેમ જ આદિવાસીઓનું શોષણ થતું જોઈને તેમના સર્વાંગીણ ઉત્થાન માટે સામાજિક-આર્થિક અને રાજકીય ક્ષેત્રે અનેક ગ્રામસેવાના કાર્યક્રમોનો પ્રારંભ કર્યો. આ માટે ૧૯૫૭ની આસપાસ વેડછી સઘન ક્ષેત્રયોજના અંતર્ગત ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓનો અમલ શરૂ કર્યો. આ યોજના હેઠળ ભીખુભાઈ વ્યાસ, બાબુભાઈ શાહ, અલ્લુભાઈ શાહ વગેરે કર્મશીલોએ વાલોડના આજુબાજુનાં ૪૦ ગામોમાં વિકાસ માટેના અનેક કાર્યક્રમો શરૂ કર્યા, જેમાં હળપતિઓને આવાસ, શિક્ષણસંસ્થાઓ, બાયોગૅસ પ્લાન્ટ, તેમ જ વાલોડ ઉદ્યોગવાડીમાં દીવાસળી, હાથકાગળ, સુથારીકામ, માટીકામ વગેરે માટેનાં ગ્રામ-ઉદ્યોગ તાલીમકેન્દ્રો શરૂ કર્યાં. વેડછી સઘન ક્ષેત્ર યોજના જે પાછળથી વેડછી પ્રદેશ સેવાસમિતિ બની, જે હાલપર્યંત કાર્યરત છે, જેનું સુકાન હાલમાં બાબુભાઈ શાહનાં ધર્મપત્ની તરલાબહેન શાહ સંભાળે છે. વેડછી સઘન ક્ષેત્ર યોજના અંતર્ગત વાલોડ પ્રદેશના ૫,૦૦૦થી વધુ હળપતિ આવાસો બનાવવામાં આવ્યા. ૬,૦૦૦થી વધુ બાયોગૅસ પ્લાન્ટ બનાવ્યા. જમીનસુધારણા અને ઉત્તમ બિયારણના વિતરણ થકી તદ્દન સામાન્ય ખેડૂતોની ખેતીઆવકમાં વધારો કર્યો. વાલોડનું શિક્ષિત કર્મશીલોનું આ જૂથ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું હોવાથી આર્થિક વિકાસ માટેના અનેક પ્રયોગો કર્યા, જેમાં વનસ્થલી-કણજોડમાં પેપરમિલ, ખાંડસરીની ફૅકટરીની પણ શરૂઆત કરી. આમ, ભીખુભાઈ અને અને તેમના મિત્રોએ વાલોડનાં ૪૦ ગામોમાં અનેકવિધ સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓ થકી અનેક લોકોને ગરીબાઈમાંથી ઉપર લાવી શક્યા. સાથે સાથે લોકજાગૃતિ, લોકભાગીદારી અને આદિવાસી નેતૃત્વના વિકાસનું મસમોટું કામ કર્યું.
વિસ્તારના અનેક શિક્ષિત આદિવાસીઓ પંચાયત, ધારાસભા તેમ જ લોકસભામાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા જેનો યશ વેડછી સઘનક્ષેત્ર યોજના અને ભીખુભાઈ- બાબુભાઈ-અલ્લુભાઈને આપવો રહ્યો. ૧૯૫૫-૧૯૮૬નાં ૩૦ વર્ષો દરમિયાન ભીખુભાઈએ સઘન ક્ષેત્ર યોજના સિવાય પણ અનેક સમાજલક્ષી કાર્યો કર્યાં. જેમાં સૌથી ધ્યાનકર્ષ કામ તેમણે છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને તેમ જ તેનો સર્વાંગીણ વિકાસ થાય તેવા હેતુથી ઝીણાભાઈ દરજી જ્યારે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે તેમના સહયોગથી સુરત જિલ્લા પંચાયતનું મુખપત્ર ‘પંચવાણી’ શરૂ કર્યું. પંચવાણી પંચાયત થકી હાથ ધરવામાં આવતાં વિકાસની ગાથા વ્યકત કરતું મુખપત્ર હતું. એ સમયમાં આવો વિચાર આવવો અને તેને અમલમાં મૂકવો એ ખૂબ જ સરાહનીય કામ હતું. પંચવાણીની સાથે-સાથે ભીખુભાઈએ ‘નયા-માર્ગ’નું તંત્રીપદ પણ સંભાળ્યું. વ્યારાની નટવર સરકારી પ્રેસમાંથી શરૂઆતના સમયમાં ‘નયામાર્ગ’ નીકળતું.
વૈજ્ઞાનિક અભિગમ અને સમાજલક્ષી સમાજ રચના માટેન પાક્ષિક ‘નયામાર્ગ’ના પ્રથમ તંત્રી ભીખુભાઈ વ્યાસ હતા તે ખૂબ સૂચક છે. ‘ભૂમિપુત્ર’ના સંચાલનમાં પણ તેઓ સક્રિય રહ્યા. આ સમયગાળા દરમિયાન ઝીણાભાઈ દરજી સાથે એમનો સંબંધ ગાઢ થયો. ઝીણાભાઈ ભીખુભાઈને પોતાના વૈચારિક ગુરુ માનતા. કોઈ પણ વિકાસ માટેની નવી યોજના શરૂ કરવી હોય, તો ઝીણાભાઈ ભીખુભાઈને સૌપ્રથમ પૂછતા. તે સમયે કાઁગ્રેસ પક્ષનું દેશ અને ગુજરાતમાં શાસન હતું. ઝીણાભાઈ ગુજરાત કાઁગ્રેસના સર્વોચ્ચ નેતાપદે હતા. ભીખુભાઈ ધારત તો મોટા-ઊંચા રાજકીય પદે આરૂઢ થઈ શક્યા હોત, પરંતુ યશ-કીર્તિ અને હોદ્દાના મોહથી વિપરીત ભીખુભાઈ એક અદના સેવક હતા, એટલે તેમણે આજીવન સેવાની ભેખ ધરી.
ભીખુભાઈની આવી નિઃસ્પૃહવૃત્તિ માટે વેડછી આશ્રમ અને જુગતરામકાકા સાથેનું સાંનિધ્ય મહત્ત્વનું કારણ છે. ૧૯૭૧માં માંડવી સંસદીય ક્ષેત્રમાંથી અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી સાંસદસભ્ય તરીકે ચૂંટાયા અને અમરસિંહભાઈને પ્રથમ વાર દિલ્હી જવાનું થયું, ત્યારે ભીખુભાઈ તેમની આંગળી પકડીને દિલ્હી લઈ ગયેલા. આદિવાસી નેતૃત્વ ઊભું થાય તે માટે ભીખુભાઈ કટ્ટિબદ્ધ હતા. ભીખુભાઈ દક્ષિણ ગુજરાતની અનેક સેવાકીય સંસ્થાઓની સ્થાપનાના મુખ્ય કર્ણધાર રહ્યા અને સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા. વ્યારાની ગ્રામસેવા-સમાજના આજીવન પર્યંત ટ્રસ્ટી રહ્યા. વેડછી પ્રદેશ સેવાસમિતિ, સેવારૂરલ, ઝગડિયા, દિવ્યજ્યોતિ ટ્રસ્ટ, માંડવી, સ્વરાજ આશ્રમ વેડછી, ગાંધીવિદ્યાપીઠ, વેડછી, ગુજરાત ખેતવિકાસ પરિષદ, અમદાવાદ વગેરે સંસ્થાઓની સ્થાપના અને વિકાસમાં ભીખુભાઈનો ફાળો અદકેરો અને અમૂલ્ય રહ્યો.
ભીખુભાઈ ખૂબ જ સંવેદનશીલ અને છેવાડાના માણસની ચિંતા કરનારા હતા. પારકાની પીડા પોતાની પીડા હોય તે રીતે તેને દૂર કરવા મચી પડતા. દક્ષિણ ગુજરાતમાં ૧૯૫૨ની ખાંડના કારખાનાના ખેડૂતો દ્વારા પકવેલ શેરડીને કાપવા માટે ડાંગ-મહારાષ્ટ્ર અને ધરમપુરના ઊંડાણ વિસ્તારમાંથી આદિવાસીઓ નિયમિતપણે સાત-આઠ મહિના માટે સ્થળાંતર કરીને આવે. અહીં આવીને જે-તે ગામમાં શેરડીનો પાક હોય ત્યાં ખુલ્લામાં પ્રચુર અસુવિધાવાળાં ઝૂંપડાંઓમાં રહે. આ પરિવારોનાં નાનાંનાનાં બાળકો મા-બાપ શેરડી કાપવા માટે જાય, ત્યારે નાગાંપૂગાં ઝૂંપડામાં પડી રહે. તેમનાં શિક્ષણ-આરોગ્ય અને પોષણ માટે કોઈ જ સવલતો નહીં. ભીખુભાઈને આ પરિસ્થિતિનો ભારે ચચરાટ. તેમણે અને તેમનાં જીવન સહયાત્રી કોકિલાબહેન સાથે મળીને આ શેરડી કાપતાં કામદારોનાં બાળકો માટે તેમનાં ઝૂંપડાં હોય ત્યાં જઈને બાલવાડીઓ શરૂ કરી. ૪૦-૫૦ બાલવાડીઓ શરૂ કરીને બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી. બાળકોને પોષણયુક્ત નાસ્તો મળે તેમ જ કામદારોને અનાજ મળે તે માટે વ્યવસ્થા કરી. આ કાર્ય માટે તેમણે અનેક વાર જમીનદારો અને કારખાનાના સંચાલકમંડળ સાથે સંઘર્ષ કરવો પડ્યાં. પરંતુ, આ અનુભવે તેમને લાગ્યું કે જ્યાંથી આ લોકો આવે છે, ત્યાં એવી વ્યવસ્થા કરીએ, જેથી કરીને પોતાના વતનમાં જ આર્થિક રીતે પગભર થઈને કામ કરે.
બાલવાડી ચલાવવા માટે ૨૦-૨૫ યુવાન બહેનોને ભીખુભાઈ-કોકિલાબહેને તૈયાર કરી અને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું. વખત જતાં આ પ્રવૃત્તિ બંધ પડી. આજ સમયગાળામાં ભીખુભાઈના હાથમાં આઈ.આઈ.એમ. દ્વારા હાથ ધરાયેલા ધરમપુર તાલુકાની પરિસ્થિતિ અંગેનો દળદાર અભ્યાસ-હેવાલ હાથમાં આવ્યો. આ અહેવાલમાં ધરમપુરની પરિસ્થિતિનું વાસ્તવિક આકલન કરવામાં આવ્યું હતું. તેમ જ ધરમપુરને દેશનો સૌથી ગરીબમાં ગરીબ તાલુકો જાહેર કરવામાં આવ્યો.
ભીખુભાઈ ધરમપુર તાલુકાની દારુણ ગરીબી વિષે માહિતગાર હતા. પરંતુ દેશનો સૌથી ગરીબ તાલુકો હોય તે અંગે કંઈક કરવું જોઈએ, એવી મનમાં ગાંઠ વાળી. ૧૯૮૬-૮૭ની આસપાસ ભીખુભાઈ અને કોકિલાબહેન વિકાસથી વંચિત એવા ધરમપુરમાં ધૂણી ધખાવીને બેઠાં. ઝીણાભાઈ દરજીનો સતત સાથ રહેતો.
ધરમપુરની આજ દિન સુધીની સઘળી પ્રવૃત્તિઓ વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડના નેજા હેઠળ ચાલતી રહી. ધરમપુરમાં પ્રવેશ તો કર્યો, પરંતુ જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં કયાં થીંગડું દેવા જેવો ઘાટ હતો. પરંતુ, ભીખુભાઈ અને કોકિબહેનની ગરીબો પ્રત્યેની નિસ્બત, સંવેદનશીલતા તેમ જ શાંત સંઘર્ષ માટેની તત્પરતાએ અનેક માર્ગો શોધ્યા. શરૂઆતમાં બાલવાડી ત્યાર બાદ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અને સમય જતાં ખેતી – સુધારણા, પાણીની સગવડ માટે કૂવા-ચૅકડેમ, આર્થિક આવક માટે આંબાની કલમોની વહેંચણી વગેરે કામો હાથ ધર્યાં. ભીખુભાઈ-કોકિબહેને આદરેલી ધરમપુરની વિકાસગાથા માટે ખસૂસ ત્રણ-ચાર ભાગોમાં દળદાર ગ્રંથો લખી શકાય તેવી વિકાસસંઘર્ષની વાતો છે, જે જરૂરથી કરવા જેવું કામ છે અને ચોક્કસ થશે જ. પરંતુ, ધરમપુરની સંઘર્ષ યાત્રાની શરૂઆતમાં ધરમપુર કેવું હતું, તે ત્યાંના જ વતની અને ભીખુભાઈએ તૈયાર કરેલ તેમ જ ભીખુભાઈથી સવાયા એવા ચોખારપાડાના સંતુભાઈએ જે વાત કરી તે નોંધવા લાયક છેઃ “ભીખુભાઈ આજથી ૪૦ વર્ષ પહેલાં ધરમપુરમાં આવ્યા ત્યારે અમારા લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ અને દયનીય હતી. અઠવાડિયામાં એકાદ દિવસ અમને ભાત ખાવાનો મળતો. બાકીના દિવસોમાં જંગલમાંથી ભાજી-પાન-કંદ-મૂળ વગેરે પર જીવતાં. ભાત અમારા માટે મિષ્ઠાન્ન સમાન હતો. કેરીની આખી સિઝનમાં કુટુંબમાં આખામાં આખી એકાદ રાજાપુરી કેરી ખાવા મળતી. તેની પણ દસ-બાર ચીરી કરીને કુટુંબના સભ્યો ખાતાં. આમ, આખી સિઝનમાં એક ચીરી ચાખવા મળતી. ચોમાસા બાદ પાણી અદૃશ્ય થઈ જતું. પીવાનું પાણી મેળવવા માટે ઓછામાં ઓછું ચારથી પાંચ કિલોમીટર ચાલવું પડતું. ઘરોના છાપરાં ઘાસથી ઢાંકતાં. ચોમાસામાં ઘરમાં સર્વત્ર પાણી રહેતું. રસ્તાઓ તો હતા જ નહીં. એક ગામથી બીજા ગામે જવું હોય તો ૨૦-૩૦ કિલોમીટર ચાલી જવું પડતું. આવી પરિસ્થિતિમાં ભીખુભાઈ-કોકિબહેન ધરમપુરમાં આવ્યાં. આજે ચાલીસ વર્ષ પછી અમારાં ખેતરોમાં ભાત અને કેરી પકવીએ છીએ અને ભરપૂર ખાઈને વેચીએ છીએ. ઘરે ઘરે પાણીની સુવિધા આવી છે. કૂવા અને ચૅકડેમોને કારણે ધરમપુર હરિયાળું બન્યું છે. રસ્તાઓ પાકા થયા છે. ઊંડાણનાં ગામોમાં પહોંચી શકાય છે. અમારાં ગામોમાં આજે પાકાં મકાનો થયાં છે અને દરેક ગામમાં મોટરસાઇકલો આવી ગઈ છે. આમ, અમારું ધરમપુર આજે હરિયાળું, અને રળિયાત બન્યું છે, જેનો શ્રેય ભીખુભાઈ-કોકિબહેનનો આપવો જ રહ્યો.”
સંતુભાઈની વાત સંપૂર્ણ સાચી છે. ધરમપુરનાં કામ અંગે એક વાર ભીખુભાઈએ એક પ્રસંગ ટાંકેલોઃ “એક વખત અમે ૨૦૦ માણસોની રસોઈ બનાવેલી. આવી ગયા ૫૦૦! સીધુંસામાન નહીં. દૂરથી લાવવાની સગવડ નહીં. અમે તો બધાને બેસાડી સરખે ભાગે પીરસી દીધું. બધાં ચૂપચાપ જમીને ઊભાં થઈ ગયાં. કોઈ ચડભડ નહીં. કોઈ અસંતોષ નહીં. ભીખુભાઈ કહે : તેમને પેટ ભરીને જમવાનો અનુભવ હોય તો જ ખબર પડે ને કે અધૂરું કે ઓછું પીરસાયું છે? આવી સંવેદનશીલ સમ જ ભીખુભાઈની જ હોઈ શકે. સંતુભાઈએ જે વાત કરી તે વાતને ભીખુભાઈ-કોકિબહેન દ્વારા થયેલ કામોને આંકડામાં જોઈએ, તો સમજાશે કે ૪૦ વર્ષમાં આ દંપતીએ ધરમપુરના ગરીબોની આંતરિક ચેતનાને વિકસાવીને જે કાર્ય કર્યું તે તેનો વ્યાપ અને ઊંડાણ કેટલાં છે!
• ચાર પ્રાથમિક શાળાઓ, બે હાઈ સ્કૂલ, એક ગર્લ્સ હૉસ્ટેલ મળીની ૭૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી સગવડો ઊભી કરી.
• ૮૦૦ વિદ્યાર્થીઓને માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિસહાય.
• ૫૦૦ વધુ નવા કૂવાઓ બનાવ્યા. ૧૦ બોરવેલ અને ૧૫ પાણીસંરક્ષણના ટૅન્ક બનાવ્યા.
• ૨,૦૦૦ હૅક્ટર જેટલી જમીનને ખેતીલાયક બનાવી, જેમાં આજે મબલખ પાક ઉત્પન્ન થાય છે.
• ૪૨ જેટલા આરોગ્યતપાસ-કૅમ્પો કર્યા.
• ૨,૦૦૦ જેટલી માતાઓને ‘માતૃશિશુ કાળજી’ યોજના હેઠળ મદદ કરી.
• ૧ લાખ ૬૦ હજાર આંબાની કલમો ૫૦ ટકા રાહત દરે ગામે ગામ વહેંચી જેના કારણે ખેડૂતો આર્થિક રીતે આત્મર્નિભર બન્યા. ધરમપુરની કેરી આજે વખણાય છે.
• એક હજારથી વધુ સાગ જેવાં મહાગોની વૃક્ષો રોપ્યાં.
• ચોખા, શાકભાજી તેમ જ કઠોળની નવી જાતોનાં બિયારણો ગામે ગામ પહોંચાડ્યાં.
ધરમપુર ડુંગરાડ્યા જમીનોમાં બળદથી ખેતી ન થઈ શકે તેમ હોઈ એક નવો વિચાર અમલમાં મૂક્યો અને ભેંસના પાડાથી ખેતી ખેડવાની શરૂઆત કરાવી. ગુજરાતની અનેક ગૌશાળામાંથી પાડાઓ મંગાવીને લોકોને આપ્યાં. ૪,૦૦૦ કરતાં વધારે પાડાઓની વહેંચણ કરીને આજે ભરપૂર પાક લેવાય છે.
• સાડા ત્રણસો યુવકોના સમૂહ-લગ્નો યોજયાં.
આમ ધરમપુરની સો ગામની ૧ લાખ ૮૦ હજારની વસ્તીએ ધરમપુર પ્રોજેકટનું એક કરોડનું બજેટ, જેમાં લોક સહભાગીદાર પણ ખરી.
• આદિવાસીના તેજસ્વી બાળકોને વિશેષ શિક્ષણ આપીને તેમને ડૉકટર, એન્જીનિયર અને વિજ્ઞાનના સ્નાતક બનાવવાના પ્રયત્નો કર્યા જેમાં ધારી સફળતા મળી.
આમ, ધરમપુરના વિસ્તારને વિકાસના પથ પર લાવવાનું જ કામ ભીખુભાઈ-કોકિબહેન કર્યું ચિંરજીવી અને અન્યો માટે પ્રેરણારૂપ છે. આ શકય બન્યું, કેમ કે ભીખુભાઈ નોખી માટીના માણસ હતા. અંત્યત તેજસ્વી અને વિચારક. એમનું વાંચન ખૂબ બહોળું. મૌલિક રીતે સમસ્યાના નિકારણ માટે સતત પ્રયત્નશીલ. ખૂબ જ ઋજુ હૃદયના.
ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ વ્યકિતનાં લક્ષણો ભીખુભાઈના જીવનમાં વણાયેલાં હતાં. તેથી જ ગમે તેવી સંઘર્ષોની ક્ષણોમાં તે જળકમળવત્ રહીને શાંત રહી શકતાં. ભીખુભાઈને કોઈએ કયારે ય પણ ગુસ્સો કરતાં નથી જોયા. સ્નેહાળ અને કુરુણાની મૂર્તિ સમા ભીખુભાઈની કરણી અને કથનીમાં કયારે ય ભેદ નહતો. જે વિચારતા – માનતા તે પ્રમાણે જીવતાં. ગાંધીજીના વિચારને જીવનમાં સંપૂર્ણપણે અપનાવેલાં. આટલાં બધા કામો સરકારી સહાય વિના થયાં તે માટે ભીખુભાઈની કમ્પ્યુનિકેશન સ્કીલ(પ્રત્યાયન કુશળતા)ને આભારી છે. ટ્રેનમાં મુસાફરી કરતાં હોય અને સ્ટેશન પર ટ્રેનની રાહ જોતાં હોય તો ભીખુભાઈ પોતાના થેલામાંથી પોસ્ટકાર્ડ કાઢીને જવાબ આપતાં ઘણાંએ જોયાં છે. કરેલ કામનું સરસ અહેવાલલેખન અને બધા સુધી પહોંચતું કરવામાં તેઓ નિપુણ હતા. એટલે જ વિશાળ દાતા વર્ગ તેઓ મેળવી શકયાં. દાન આપનારાઓને પણ ભીખુભાઈ કરેલ કામોની ઝીણીમાં ઝીણી અને સચોટ વિગતોથી વાકેફ કરતાં. દાતાઓને પણ પોતે આપેલ દાનનો સદ્ઉપયોગ થયો છે તેવો સંતોષ રહેતો અને ફરીવાર દાન આપવા તત્પર રહેતાં. અંગ્રેજી પર પણ તેમનું ખૂબ સારું પ્રભુત્ત્વ.
‘સ્વીસ એઈડ એબ્રોડના વડાશ્રી ઓપલીગરજી સાથે તેમના નજીકના સંબંધ હતાં. આપેલીગરજીની સંસ્થાએ ખુલ્લા દિલે ભીખુભાઈની સંસ્થાને દાન આપ્યું. ત્યારબાદ સ્વીડનની ટફ સંસ્થા ધરમપુરના કાર્યોની મુખ્ય દાતા સંસ્થા બની. સ્વીડનની સ્કૂલના વિદ્યાર્થીઓ વર્ષ એક દિવસ ધરમપુરના કાર્યો માટે શ્રમદાન કરતાં અને તેમાંથી જે પૈસા ઊભા થતાં તે ધરમપુર મોકલતાં. સ્વીડના વિદ્યાર્થીઓનો ભીખુભાઈ-કોકીબહેન પર અતુલ્ય પ્રેમ. ભીખુભાઈએ તેમના જીવનમાં જે કાર્યો કર્યા તે અન્યોને પ્રેરણા આપનારા છે. ભીખુભાઈને સ્વીડનનો શાંતિ વિકાસ ઍવોર્ડ, અશોક ગોંધિયા ઍવોર્ડ અને દર્શક ઍવોર્ડ મળ્યાં જેનો તેમને રાજીપો ખરો, પરંતુ તે માટે કોઈ અભિમાન નહીં.
કરુણા અને પ્રેમથી છલકાંતા એવા ભીખુભાઈ ખરા અર્થમાં ગરીબોના બેલી હતાં. શાંતિ અને ક્રાંતિ થકી તેમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધી વિચારને કેદ્રમાં રાખીને જે વિકાસ કાર્યો કર્યા તેના કારણે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ રળિયાત થયો છે. આ સર્વનો શ્રેય ભીખુભાઈને આપવો જ રહ્યો.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 08-10